રંગી સારી ગુલાબી ચુનરિયા રે .. મોહે મારે નજરિયા સાંવરિયા ..!!
બે હજારની ગુલાબી પેહલીવાર હાથમાં લીધી ત્યારે મિશ્ર પહાડીની આ ચીજ સ્વર્ગીય વિદુષી શ્રીમતી શોભા ગુર્થુંજીના સ્વરમાં કાનમાં ગુંજવા લાગી હતી..!
હવે નજીકના ભવિષ્યમાં .. છેલ્લીવાર પણ થઇ જશે..!!
મોદીઈકોમોનીક્સ પણ ઝટ લોકોને સમજાતું નથી ,
પેલો મશહૂર ડાયલોગ છે ને “ મેરે બારે મેં ઇતના મત સોચ , દિલ મેં આતા હું ..સમજ મેં નહિ ..”
જો કે છેલ્લા કેટલાય સમયથી પડઘમ વાગી રહ્યા હતા કે ગુલાબી નોટનું ગમ્મે ત્યારે અચ્યુતમ કેશવમ થઇ જશે , એટલે “શાણી” પ્રજાએ તો ઘણો ભાર હલકો કરી નાખ્યો છે અને જે ઓવર કોન્ફીડન્સમાં હતા એમને હવે ચકાસણી કરાવી પડશે કે એમનો કોન્ફીડન્સ ઓવર હતો કે સાચ્ચો હતો..
થોડાક સમય પેહલા ક્યાંક ડીજીટલ પેમેન્ટ માટે મોદી સાહેબને બોલતા સાંભળ્યા હતા કે એમને સૌથી વધારે ચિંતા નાના માણસની હતી કે આ ડીજીટલ પેમેન્ટ કેમનું સ્વીકારશે ? પણ થયું એવું કે શાકવાળાથી લઈને ઈડલી ,સમોસા વેચતા ફેરિયા સુધી તમામ લોકો યુપીઆઈને સરળતાથી અને સહજતાથી સ્વીકારી લીધું ..
આટલી હિન્ટ કદાચ કાફી છે ..!
ઈકોનોમીને સમજવા માટે ઘણી બધી બુદ્ધિની જરૂર પડે, પણ થોડીક મારા તમારા જેવા ચલાવે તો ચાંચ તો ડુબાડી શકીએ..
અત્યારે ઓવરઓલ જે અસંતોષનો માહોલ છે અને ભ્રષ્ટાચારની જે બુમો પડી રહી છે એ જોતા મોદી સરકારે હજી આકરા પગલા લેવા પડશે ..
જીએસટી નંબરોના ઘેર ઘેર જઈને સર્વે કરવાના છે દેશ આખામાં , અને એના વિશે એક સીએ મિત્ર જોડે ચર્ચા ચાલતી હતી આ ગુલાબીના સમાચાર આવ્યા તે પેહલા ..
વાત એમ થઇ કે પોદળો પડવાનો એટલે છેવટે બસ્સો-પાંચસો-હજાર-બેહજારની ધૂળ લઈને જ જાય.. હવે એમાં થવાનું એવું કે ધૂળ પોદળો લઇ જાય પણ ગાળો છેક મોદી સાહેબ સુધી જાય .. કેમ ?
તો કહે યશ પેહલો કે બીજો કે ત્રીજો ભલે મળતો હોય, પણ અપયશ તો સૌથી પેહલો એમને જ મળે..!!
ગુલાબી ગઈ તો તકલીફ અત્યારે કોને પડે ?
તો સરકારી ભ્રષ્ટ પોદળાઓને .. જેમની પાસે ગુલાબીના ભંડાર છે, બીજી રાજકારણી કે જેને આજ નો લાહવો લીજીએ રે કાલ “પેન્શને” દીઠી રે .. ત્રીજી બિલ્ડર લોબી ..ચોથી જમીનદારો ..પાંચમી..છઠ્ઠી …
લીસ્ટ ઘણું લાંબુ થાય અને સરકારના દરેક વર્ગને ખબર છે આ લીસ્ટ, પણ એમ એક ઝાટકે હાથ મારવા જાય તો ઘણું બધું તૂટી પડે એટલે કદાચ ધીમે ધીમે કપાઈ રહ્યું છે..
બાકી તો જંત્રી નામનું પાપ તો સરકાર માથે રહીને જ કરાવે છે..
દસ્તાવેજ અને બજાર કિંમત સરકારને ખબર ના હોય એટલી ભોળી અને ભોટ સરકાર હોય એવું માની શકાય ખરું ?
શા માટે દેશભરમાં જંત્રી નામનું તૂત ચાલી રહ્યું છે ?
વારસાઈ વેરો કેમ નથી લાગતો ?
દેશની ૯૫% મિલકતો ફક્ત પાંચ સાત ટકા લોકો પાસે છે અને બાકીની મોટાભાગની પ્રજા લગભગ મારા જેવી ભૂખડીબારશ જેવી અવસ્થામાં જીવી રહી છે , જેના બહુમતી મતોથી જ સરકારો બને છે ..અને જાય છે..!
એમના કાજે રોબીનહૂડ ના બનાય તો કંઈ નહિ, પણ અમેરિકાની જેમ મોટો વારસાઈ વેરો નાખી અને ધનની વેહચણીનું અસંતુલન તોડી ના શકાય ?
નાના નાના ધંધા ડીજીટલ પેમેન્ટ લેતા દેતા થઇ ગયા અને આગળ પણ થશે તો હવે જમીનો અને બિલ્ડીંગમાં સર્જીકલ સ્ટ્રાઈક ક્યારે ?
`જંત્રો` જાય ક્યારે ?
ગોલ્ડ ..સોનું ..કંચન ..હેમ .. નબળાઈ ભારત દેશની .. સાતસોથી નવસો ટન સોનું આયાત થાય છે દર વર્ષે ભારત દેશે અને પ્રજાના ઘરમાં અને લોકરોમાં ધરબાઈ જાય છે..!!
ઈમ્પોર્ટ `ચોપડાના` રૂપિયે થાય અને લોકરમાં ભરાઈ જાય `રોકડા` રૂપિયે ..
બોલો ..ભોળી રે .. ભોળી રે ભરવાડણ હરિને, વેચવા ચાલી..
સોળ સહસ્ત્ર ગોપીનો વહાલો, મટુકીમાં ઘાલી…
સહસ્ત્ર ગોપીના વહાલાને પણ કશું ખબર નથી અને ગોપીને પણ કશું ખબર નથી ..!!
ભોળા રે ભોળી…!! બજેટ ઉપર બજેટ આપે પણ ચોપડેથી રોકડે ..સમજાય નહિ , ભોળી રે ..ભોળી ..!!
અનહદ ભ્રષ્ટાચારનું ધન જુદા જુદા સ્વરૂપે આ દેશની ધરતીમાં ધરબાઈ ગયેલું પડ્યું છે ..
સોનાની છસ્સો ટનની છેલ્લા દસ વર્ષની ઈમ્પોર્ટની એવરેજ મુકીએ અને તે પેહલા દેશમાં આવેલા સોનાનું ટોટલ મારી તો ફોર્ટ નોક્સમાં પડેલા સોના કરતા પણ ભારત દેશમાં વધારે સોનું વેરાયેલું પડ્યું છે..!!
પણ સોનાની વાત કરીએ તો તરત જ દુનિયાને પદ્મનાભસ્વામી અને તિરુપતિ બાલાજી જ દેખાય..!
વિડમ્બણા છે ..!
હકીકત એ છે અમૃતવર્ષની કે છેલ્લા પંચોતેર વર્ષમાં આંગળીના વેઢે ગણાય એવા રાજકારણી અને અધિકારીઓ એવા ભારત દેશને મળ્યા કે જેમણે જે સત્તા ને સુંદરી ના માનતા સત્તાને સેવાનું સાધન માન્યું છે..!
મજાની વાત છે કે એ લોકોને દરેકને ખબર છે કોણે કેટલા બનાવ્યા અને કેટલાને બનાવ્યા ..
તમે અને હું બસ્સો કરોડ ને પાંચસો કરોડને બે હજાર કરોડની પાર્ટી એવા ગામના નળિયા ગણ્યા કરીએ છીએ..!!
શું એવું ના બની શકે કે સાવ નવા બે પાંચ લાખ છોકરાઓની ભરતી કરવામાં આવે અને એમને આ ભ્રષ્ટાચારી સીસ્ટમથી દૂર રાખી ને ટ્રેનીગ આપી અને જુના નવા તમામ લેવલના ભ્રષ્ટ લોકોની ઉપર તૂટી પડવાની પરમીશન અપાય અને જડ-મૂળ કાપવાની શરૂઆત થાય ?
ક્યાંકથી તો સરકારે પોતનાથી શરૂઆત કરવી પડશે, ભ્રષ્ટાચાર નિર્મૂલનની ..
એકાદું એવું ફળિયું તો ચોખ્ખું કરીને બતાડવું પડશે કે “આ ક્ષેત્રમાં જ્યાં ભ્રષ્ટાચાર ખદબદતો હતો ત્યાંથી અમે બિલકુલ હટાવ્યો અને બીજા પ્રયત્નો ચાલુ છે..!”
સપાટો બોલાવવો જ રહ્યો ..!!
રામ રાજ્યમાં ભ્રષ્ટાચાર નોહતો ..!!
ઘણી મજલ બાકી છે હજી તો .. ગુલાબી ગઈ એ પાશેરાની પેહલી પૂણી જાણવી ..!
રોજ ના લાખ રૂપિયાના કાઉન્ટરવાળા પાણીપુરી ,ગાંઠિયા , વડાપાઉં અને ભાજીપાઉં વેચતા નગરી અમદાવાદમાં પડ્યા છે ..!!
સાહીઠ લાખની ગાડી વાપરે છે ..!!
ડૂબી મર શૈશાવ્યા ,ભોટવા.. લોનો લઈને ગાડીઓ લેવી પડે છે , અને ધંધા કરવા સીસી લ્યો છો..!!
કેટલી નીકળી ગુલાબી ?
ગણીને પંદર ..!!!
ફટ રે ભૂંડા , ભૂખડીબારશ .. કાર્ડ કાઢવી લ્યે ..!!
લાખ કમાયા નહિને લખેશરી થયા નહિ ..!!
શુભ રાત્રી
શૈશવ વોરા
*(ચેતવણી :- આ બ્લોગને તમે ફોરવર્ડ ચોક્કસ કરી શકો છો, પરંતુ પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે, જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)*