ગુજરાત સરકારે ગુમાસ્તા ધારાને તિલાંજલિ આપી..
હવે રાત્રે મોડે સુધી દુકાનો ખુલ્લી રાખી શકાશે..!!
હી.. હી.. હી.. હા .. હા .. હા .. હે .. હે .હે ..!!
કેવું હસવું આવે નહિ..?
અલ્યા અડધી રાત્રે દુકાન ખોલીને શું વેચાય ..?
બોલો છે જવાબ..?
ચાલો હિંટ આપું..
મુખ્યમંત્રી રાજકોટનાં છે..!!
હવે પડી ગઈ ને ખબર..હા એ જ ચા-ગાંઠિયા..!!
બીજું શું વેચાય ..?
દારુ તો સંતાઈ સંતાઈને ખૂણેખાંચરે વેચાય..અને મધરાતે હોટલોમાં ખાવાના તો દારૂ પીધા પછી ભૂખ લાગે તો જ વેચાય..!!
ફરી એકવાર “અમે દારૂ પીતા નથી અને ચાખ્યો પણ નથી , પણ એનો મતલબ હરગીજ એ નથી કે દારુ પીવાવાળા કરતા અમે મુઠ્ઠી ઊંચેરા..”
ટીપીકલ ગુજરાતી માઈન્ડ સેટ ..!!
એક મજાની વાત ,જેના નામે આજે દારૂબંધીવાળા ચરી ખાય છે એ ગાંધીજી , સરદાર બધાય જીવતા હતા ને ત્યારે પણ મુંબઈ રાજ્યમાં આવેલા અમદાવાદ ,સુરત અને રાજકોટમાં દારૂ કાયદેસર વેચાતો ..!
પણ લોકો ખરીદતા નહિ..!!
આજે છત્તી દારૂબંધીએ એકલી પરમીટ નો દારૂ સો કરોડનો વેચાય છે વર્ષે દા`ડે ..!
કઈ ટપ્પો પડે ..?
ચાલો જવા દો..ગુમાસ્તા ધારા જેવા કેટલાય ધારા છે જે કદાચ `સલ્તનતે બરતાનીયા` એ પોતાની ધાક જમાવી રાખવા બનાવેલા હતા અને આજે સિત્તેર વર્ષે પણ હજી પણ આવા કેટલાય કાયદા જીવે છે..!!
ગઈકાલે અડધી રાત્રે એક બાળક મારી જોડે મારા ઇટાલીયન ઘોડા ઉપર રખડવા નીકળ્યું હતું ,શરીરથી તો ફુલ્લી ડેવલપ સાંઢ છે `બાળક`, પણ અંગ્રેજી મીડીયમની પ્રોડક્ટ એટલે ગુજરાતીમાં થોડી તકલીફ આજે સવારે ફોન કરીને મને પૂછે “ભાઈ આ ગુમાસ્તાધારા એટલે શું ?”
મેં કીધું `તોડપાણી` કરવાનું સાધન ..!!
હવે એને ગુમાસ્તો અને શેઠ નો સબંધ અને ગુમાસ્તો કોને કેહવાય કેવો હોય આવું બધું ક્યાં શીખવાડું? એટલે વિચાર્યું લખી પાડું..!
જુના જમાનામાં `પેઢી` હતી, પેઢીમાં `શેઠ` હોય ..`મેહતાજી` હોય ..`ગુમાસ્તો` હોય ..`નોકર` હોય ..અને એક `થડું` હોય જ્યાં સવાર સવારમાં એક ચોક્કસ સમયે શેઠજી આવી અને થડા ઉપર એમની `તશરીફ` જમાવી દે..!! અને શેઠના ઘરમાં `ચાકર` હોય..!!
સાચ્ચું બોલજો છેલ્લે ક્યારે આવું વાક્ય કાને પડ્યું હતું “ મારો ભ`ઈ તો કાંતિ રમણ માં `ગુમાસ્તો` છે”
કોઈને ત્યાં કોઈ `ગુમાસ્તો` હોય એવી વાત જ રહી નથી ..!!
પણ એ બધું છોડો હવે, ગુમાસ્તાનું કામ શું ?
તો કહે થોડીક અક્કલ વાપરી અને `ટાંપાં` કરવાનું ..
એ સલવાયો ગુજરાતી ..ટાંપાં એટલે શું ?
ઝક્કરીયા કડિયા કુઈ પર આવેલી કાંતિ રમણ ની પેઢીનો ગુમાસ્તો ઝવેરી વાડમાં હસમુખ શાંતિ ને ત્યાં ચેક લેવા જાય અને જો ચેક ના મળે તો શેઠની આગળ સાચુંખોટું રડી ને ચેક કાઢવીને આવે , આને ગુમાસ્તાએ `ટાંપુ` કર્યું કેહવાય..
પેઢીમાં શેઠ એ `શેઠ` હોય.., એમની `નજર` નીચે મેહતાજી ,જે નામું ઉર્ફે એકાઉન્ટ લખે ,ગુમાસ્તો મેહતાજીની `આંખ` નીચે, ગુમાસ્તો માલ બતાડે ,સમજી વિચારીને બોલે ,અને કામેકાજે થોડો ચોક્કસ હોય .. તો પણ શેઠ અને મેહતાજી કરતા “ડફોળ” ..
એટલે રોજની એક `ટપલી` મેહતાજી અને શેઠ ગુમાસ્તાને ચોક્કસ મારી લ્યે.. અને ગુમાસ્તાની અન્ડરમાં નોકર હોય ,જે ચા-પાણી આપે કચરા પોતા વગેરે વગેરે કરે ..!!
હવે ગુમાસ્તા અને શેઠ નો સબંધ.. ઘણીવાર તો ગુમાસ્તો શેઠનો સગ્ગો સાળો પણ હોય, કે પછી દૂર નો સગો હોય, અને આ બંનેમાં નું કઈ નાં હોય તો પણ એ `થઇ` જાય..એક નંબર નો ચુગલીખોર ..
પંદર દિવસે મહીને દા`ડે મેહતાજી મોડા આવે કે ના આવે, એ દિવસે અડધી ચા માં તો આખી પેઢીની ચુગલી કરી લે શેઠ ને ગુમાસ્તો ,અને શેઠને એમ લાગે કે હજી આના પેટમાં કૈક પડી રહ્યું છે તો શેઠ પેલા નોકર ને દોડાવે છેક રતનપોળના નાકે.. જા લ્યા અમારા બંને માટે એક-એક સમોસું લઇ આય ..!!
અને નોકર સમજી જાય `પત્તરફાડી` આજે તો.. મેહતો ગયો કાલે તો ..!!
નોકર એક-એક સમોસું લાવે એટલે સેઠજી પેહલા તો દસ મિનીટ બે નંગ સમોસાને ખુલ્લા રાખે અને ગુમાસ્તાને ખાલી સમોસા ની સુગંધ લેવા દે ..ગુમાસ્તો સરખું બોલે તો પોતાના અને ગુમાસ્તાના સમોસામાંથી એક-એક નાનો નાનો કટકો કરી અને નોકરને આપે ,અને જો ગુમાસ્તો અડધું પડધુ બોલ્યો તો પોતાનું સમોસું શેઠજી આખું ખાઈ જાય અને નોકરને બોલાવી અને કહી દે તું અને ગુમાસ્તો અડધું અડધું કરીને ખાઈ જાવ..!!
ગુમાસ્તા પાસેથી સરખી ચુગલી આવે તો જ ગુમાસ્તાને પોણું સમોસું ખાવા મળે..!! નહિ તો અડધું ..!
અમદાવાદ ભઈ હા.. અમને કોઈ ના પોહચે ..!!
એક સમોસામાં તો મેહતાજીની આખી કુંડળી ફેરવી નાખે શેઠ..!!
જો કે નોકર પાછો મેહતાનો હોય..!
`પા` સમોસું શેઠ નું અને `પા` સમોસું ગુમાસ્તાનું ખાધું હોય એટલે એને મનમાં ખાર હોય , સમોસું ઓછું પડ્યું હોય એને..
એટલે પેઢીએ થી છૂટી ને સીધો જાય માતાવાળા ખાંચે મેહતા ને ઘેર, ત્યાં એની ચુગલી ચાલુ થાય..
“બોલો મેહતાજી શેઠ એ બે જ સમોસા મંગાયા ..મને તો તો ચાખવા જેટલું જ આલ્યું ..”
આટલું નોકર બોલે એટલે મેહતાજી એમના ઘરવાળા ને બુમ મારે “કહું છું આજે નોકરભઈ અહી જમીને જશે ,” એટલે પેલો નોકર થોડો થોથવાય ના ના મેહતાજી જમવાનું નહિ …
તો ભજીયા ઉતારજો થોડા ..!!
પત્યું પછી ..!!
મેહતો પણ સાબરમતી નું પાણી પી ને મોટો થયો હોય…
એક નંગ બટાકાના પતીકાના ભજીયામાં તો નોકર બધીય વાતોની ઉલટીઓ કરીને મુકે..
અને બીજા દિવસે પછી શેઠ વર્સીસ મેહતા અને ગુમાસ્તા વર્સીસ નોકર ..!
ઠંડું યુદ્ધ જામે..!
અને બે દિવસમાં પાછા મેહતાજી અને શેઠિયો એક થઇ ને ફરી પછી ગુમાસ્તાની અને નોકર બન્ને ની `બજવણી` ચાલુ કરી દે..!!
ઓન સીરીયસ નોટ .. કોઈ ફર્ક લગભગ નહિ પડે રાત આખી દુકાનો કે હોટલો ખુલ્લી રાખવાથી પણ જ્યારે રાખવાની હોય ત્યારે આ કેહવાતી હિન્દુવાદી સરકાર પારોઠ ના પગલા ભરી લ્યે છે..
નોરતામાં જયારે યૌવન હેલે ચડ્યું હોય છે ત્યારે કુતરાની પેઠે દોડાવી દોડાવી ને એક વાગ્યે ઘરમાં ઘાલે છે,અને રાત્રે બાર વાગ્યે ગરબા બંધ કરાવે છે સાધ્વીજી પ્રજ્ઞા ઠાકુરની પોલીસ..!
જોઈએ હવે કોના બતાડવાના કેટલા છે અને ચાવવા ના કેટલા..!
બાકી તો “સેક્યુલર” ભારતની “સેક્યુલર” સરકારો રમજાનમાં ઢીલી થઇ જાય છે અને નવરાત્રીમાં શેર..!
બોલ શ્રી અંબે માત કી જે..!
શુભ રાત્રી
શૈશવ વોરા