અષાઢી પૂર્ણિમા , ગુરુ પૂર્ણિમા
ગુરુને વંદન કરી અને કૃતઘ્નતા વ્યક્ત કરવાનો દિવસ ,દરેકને કેટકેટલા ગુરુઓ છે જીવનમાં ..!! આમ જોવા જઈએ તો ગણ્યા ગણાય નહિ, રોજે રોજ કોઈ ને કોઈ માણસ તમને કઈ નવું શીખવાડીને જાય, હા એના માટે આપણી શીખવાની તૈયારી જોઈએ ,નહિ તો બધું પત્થર ઉપર પાણી ..!!!
મારા જીવનમાં અનેકો અનેક ગુરુઓ આવ્યા, કોઈ કોઈ ગુરુ ઘંટાલ પણ આવ્યા ,અથડાતા કુટાતા શીખતા સમજતા રસ્તો કપાતો ગયો ..સ્કુલ જીવનથી ગુરુઓ મળવાના ચાલુ થાય,મારું એવું માનવું છે કે ઘણું કરીને મોટા ભાગના સ્કુલ ગુરુઓ એમના સ્વભાવથી જ બહુ અહંકારી હોય છે, આપણને શીખવાડતા શીખવાડતા એ લોકો એવું માની જ લેતા હોય છે કે એમને જે આવડે છે જ બધું સાચું છે અને સારું છે, અને આનાથી વધારે હું તને શીખવાડીશ નહિ, કારણ શું ..?તો કહે મને આનાથી આગળ આવડતું નથી અને મારે શીખવું પણ નથી ,અને તને શીખવાડવું પણ નથી …
મારા સ્કુલ જીવનમાં મને એકાદ બે ટીચરો સિવાયના મારા ગુરુઓ પ્રત્યે મને બહુ માન ક્યારેય નોહતું થતું , પણ આજે યાદ કરુ એ તો એમ થાય છે કે ,ખરેખર કોઈ કોઈ ટીચરો આપડા માટે જ બધી મજુરી કરતા ,અને બીજા ડઠ્ઠર ટીચરો ને એવા બનવા પાછળ કદાચ એ જમાનાની ગંદી શિક્ષણ પધ્ધતિનો વાંક હતો …
પણ દરેક વર્ષમાં એકાદ બે ટીચર એવા આવતા કે જે ખરેખર એકદમ કુલ હોય અને આપણને એમ થાય કે આમનો પીરીયડ ક્યારે આવે ..!! અને થોડાક ટીચર એવા માયાળુ અને પ્રેમાળ હોય કે આપણને એમના પ્રત્યે અહોભાવ અંદરથી જ જન્મે ..મારા જીવન ના આવા પ્રેમાળ, માયાળુ એવા થોડાક ટીચર ગુરુઓની વાત…
મારે મારા ભયંકર ખરાબ અક્ષરોને લીધે મારે બહુ જ સાંભળવું પડતું , શૈશવ તું લખે છે પણ વાંચશે કોણ..? તારા અક્ષર તો જો ..!!! એમાં પાછા જાહેર માં આખા ક્લાસ ને દેખાતા ટીચર ગાંધીજીને ટાંકે “ ખરાબ અક્ષર એ અધુરી કેળવણીની નિશાની છે ” , અને હું સામી દલીલ ઠોકું .. કેમ.. એ ગાંધીજીના પોતના અક્ષર કેટલા ખરાબ હતા.. તો એ શું અધુરી કેળવણી … બસ વાક્ય પૂરું કરવાનો અવસર એ જમાનાના ટીચરો નોહતા આપતા , બેંચ ઉપર ઉભા રેહવાનું ક્યાં તો બેસી જવાનું … હવે બહુ થયું હો …
બળવાખોરી પેહલેથી જ મારી પ્રકૃતિમાં છે, એટલે સામી દલીલ કરવી મને બહુ ગમતી, સ્કુલમાં ચાલુ કલાસે તો બહુ ઓછી મગજમારી કરતો , પણ ટ્યુશન ટીચરનું હું બહુ લોહી પીતો , એક બાબુભાઈ કરીને ટીચર આવતા મને ભણાવવા,એમની પાસે લુના મોપેડ હતું મને એમની પાસે ભણવા કરતા મને એમના લુના નો આંટો મારવાની વધારે મજા આવતી …લગભગ છઠ્ઠા અને સાતમાં ધોરણમાં આવતા ,મને ભણવા કરતા એમના લુનાનો આંટો મારવાનો વધારે રસ , અને એ વાત એ સમજી ગયા હતા , શરુ શરુમાં તો લુનાને સાયકલ કરી અને પેડલ મારીને ચલાવવા આપતા ,પછી તો હું પણ કારીગર એટલે થોડો આગળ જાઉં અને પછી લુનાને પેટ્રોલ પર કરી લઉં અને ભાગું, પછી તો બાબુભાઈ સાંજે ભણાવવા આવે ત્યારે રોજ આવતાની સાથે પેહલા લુનાની ચાવી મને આપે લે આંટો મારી લે નહિ તો તું ભણીશ નહિ …
બીજા મારા ટ્યુશન ટીચર યાદ આવે ડો બી.એમ.દેસાઈ , એક જમાનામાં તેઓ ગુજરાત યુનીવર્સીટીના કેમેસ્ટ્રીના ડીન હતા, રીટાયર્ડ થયા પછી સમય પસાર કરવા અમને ભણાવતા, અનાવિલ બ્રાહ્મણ ખુબ શાંતિથી અને ધીરજ પૂર્વક ભણાવે ,શૈશવ કેમેસ્ટ્રીમાં ક્યાં કઈ છે ..!! ખાલી ઓબ્ઝર્વ કરો વાસ ,રંગ અને એપીયારંસ ને સમજો અને ઓળખો ,પછી એકાદ બે ટેસ્ટ કરો અને બધું ચોખ્ખું ..અને ખરેખર જે મજા પડી છે ઓર્ગેનિક કેમેસ્ટ્રીમાં ,આજે ગમે તેવા મોટો કેમિકલ પ્લાન્ટમાં જાઉં દુનિયાભરમાં પણ ડો. બી.એમ. દેસાઈ સાહેબના સિદ્ધાંતો અને લોજીક એપ્લાઇ કરું છું અને ફટાફટ આખા પ્લાન્ટની થીયરી મગજમાં સેટ થઇ જાય છે ..!!
પછી મળ્યા શ્રીમતી સરોજબેન ગુંદાણી, એમએસસીના પાર્ટ વનમાં હતો ત્યારે એક મિત્ર મને એમની પાસે લઇ ગયો ,સંગીત શીખવા ..!! એ પણ કંઠ્ય સંગીત .. ઉતર ભારતીય શાસ્ત્રીય સંગીત , મારી સાત પેઢીમાં કોઈએ તાનપુરાને હાથ નોહતો લગાડ્યો ..!!!
રોજ સવારે કેમેસ્ટ્રી ,બપોરે ટ્યુશન અને ઘોરવાનું ,સાંજ પડે બે કલાક સંગીત અને રાત તો મારી પોતાની રખડપટ્ટી.. GBY ૮૩૮૭ હીરો હોન્ડા ..૯.૯૦ રૂપિયે લીટર પેટ્રોલ , ફક્ત સો રૂપિયાની નોટમાં તો ટાંકી ફૂલ થાય એવરેજ આવે ૬૦ કિલોમીટરની … રખડો ..જ..રખડો
રાગ ભૂપાલીથી મારું સંગીત શરુ થયું ..સા રે ગ પ ધ સાં .. સા ધ પ ગ રે સા . ઓડવ જાતીનો રાગ ..પેહલી ચીજ શીખ્યો તીન તાલમાં
નમન કર ચતુર સીરી ગુરુ ચરણા …
સાંસાં ધ પ ગ, રે સા રે ગ ,પ ગ ધ પ ,ગ ગ રે સા.
જોઈ જોઈ ધ્યાવત શુભ ફલ પાવત…
જનમ મરણ દુઃખ સબ નીસ્તરણા…
રાગ ભૂપાલીથી શરુ થયેલી મારી સંગીતની યાત્રા લાગે છે ક્યારેય પૂરી નહિ થાય, સૂર અનંત સાગરને જાણ્યો, માણ્યો,મારા કંઠને તાનસેન અને સ્વામી રામદાસજીની ચીજો અડી,મહાદેવના બનાવેલા રાગ ઉતર્યા .. ખોળિયું પાવન થયું…
મારા ખરાબ અક્ષરો માટે શરુ શરુમાં સરોજબેન મને ટોકતા , પણ એમને લાગ્યું કે જો આને વધારે અક્ષરો માટે વધારે ટોકીશ તો આ સંગીત છોડી દેશે ,સરોજબેનને ખરાબ અક્ષર બિલકુલ પસંદ નહિ એટલે એમણે રસ્તો કાઢ્યો, જો બેટા શૈશવ મારે તને સંગીત શિખવાડવાનું છે એટલે તું સૂરમાં ધ્યાન આપ, મારે તને વિશારદ તો કરવાનો જ છે … અને તારી આ નોટબુક મને આપ , બસ એ દિવસથી મારી બધી જ નોટ હમેશા સરોજબેન જાતે લખતા , વિશારદ સુધીની ખાલી પરીક્ષાઓમાં જ મેં લખ્યું છે , બાકીની મારી તમામ નોટ્સ સરોજબેને જ હમેશા મારી નોટબુક મને લખી આપી છે ..
વર્ષો ના વહાણા વાયા છે વિશારદ થયે, બે દસકા ઉપર ગયા પણ સરોજબેનના મરોડદાર અક્ષરોવાળી એ બધી નોટબુક મેં સાચવી છે હજી ..!!!
કાલે રાત્રે જ સરોજબેન જોડે વાતો કરી, અમેરિકામાં છે અત્યારે તેઓ ..મારા બધા જ ગુરુઓ ને યાદ કરીને એમને મેં પ્રણામ કરી લીધા …!!
છેલ્લે બોટમ લાઈનમાં એટલું કહીશ કે નિષ્ફળતા અને અનુભવથી મોટો બીજો કોઈ જ ગુરુ નથી..!!
આપનો દિવસ શુભ રહે
શૈશવ વોરા