ગુરુ પૂર્ણિમા ..
ચર્ચાઓ ઘણી કરી આટલા વર્ષોમાં, ગુરુ અને ટીચર વચ્ચેની,
ગુરુ ગોવિંદ દોનો ખડે બલિહારી ગુરુ આપ કી ગોવિંદ દિયો બતાય..
ગોવિંદ દિયો બતાય ..
તો જ ગુરુ સાચો..!!
અત્યારની ચાલતી એજ્યુકેશન સીસ્ટમની “ભવાઈ” વિશે હવે જેટલા બખાળા કાઢીએ એટલા ઓછા છે, નરાધમની કેટેગરીમાં આવતા ગુરુઓથી લઈને ખરેખર દેવ જેવા સત્તપુરુષ ગુરુઓ સાથે મારો પનારો રહ્યો છે..
કોલેજકાળનો એક કિસ્સો યાદ આવે..
કેમેસ્ટ્રીના પ્રેક્ટીકલ ..
શૈશવનો શુક્ર સ્વગૃહી તુલા રાશિમાં ,અને સાથે દેવગુરુ બૃહસ્પતિ પણ ખરા એટલે શુક્રની આડી અસરોથી બચેલો, પણ પ્રેક્ટીકલની બેચમાં અમે બે ચાર છોકરાઓ અને બાકીની બધી છોકરીઓ ..
હવે થયું એવું કે અમારો લેબ-ઇન-ચાર્જ એક “હલકો ગુરુ” અમારી બેચની એક છોકરીની સાથે જરાક વધારે વાતો કરે, અને પછી ધીમે ધીમે પેલી છોકરી જયારે બ્યુરેટ ભરતી હોય ત્યારે એકદમ પાછળ જઈને ઉભો રહી જાય..
આપણે રહ્યા કાગડા જેવા, નજરમાં આવી ગયું કે આ “હલકો ગુરુ” નયનસુખ તો લે જ છે ,પણ હવે સ્પર્શ સુખ લેવાની ફિરાકમાં છે..
કેસ આવ્યો ..
એક આપણી મિત્રાણી આવી પાસે.. એ શૈશાવ્યા પેલો હલકો હવે સાવ લગભગ અડીને ઉભો રહે છે મંજુની ( કાલ્પનિક નામ) કૈક રસ્તો કર ..
મેં કીધું બોલ હેન્ડ એચઓડી પાસે જઈને પૂરો કરાવી નાખીએ ..
મિત્રાણી કહે ના યાર ઇન્ટરનલ માર્ક્સમાં પેલીને હેરાન કરે તો અને સરકારી કોલેજ છે એને સસ્પેન્ડ કરાવતા મંજુડીને એના ઘરવાળા ઉઠાડી મુકે .. કૈક વચલો રસ્તો કાઢો..એ જમાનો દબાઈને રેહવાનો હતો..!
મેં કીધું ઉભી રહે, થોડા સડેલા દિમાગ ભેગા કરવા દે ..
આપણે બધા બે ચાર આપણા જેવા ભેગા કર્યા ..
એક સૂરમાં વાત કે આ ના ચલાવી લેવાય તો કરવું શું ?
એક વર્મા (કાલ્પનિક નામ) કરીને સહાધ્યાયી,
મને કહે હું દૂર પેલ્લા ખૂણામાં ઉભો રહું છું ,જેવો પેલો નજીક આવે એટલે વોરા તું સિગ્નલ આપ ,હું ત્યાં ધડાકો કરું એટલે હલકો ગુરુ દોડતો આવશે , એ મારી બાજુ આવે તો તારી બાજુ તું ધડાકો કર ,આજે લેબમાં સાલ્લાને દોડાવો પછી જોઈ લઈશું ..
અમારી કોલેજ સરકારી અને લેબોરેટરીની સાઈઝ ઘણી જાયન્ટ કહી શકાય એટલે કે ખૂણેથી બીજા ખૂણે દોડવું હોય તો પણ પોહચતા ખાસ્સી બે ત્રણ મિનીટ લાગે..
કાવત્રામાં બીજા ત્રણને જોડ્યા..
બીજી બધ્ધી મિત્રાણીઓ કહી દીધું કે તમારે ધડાકો થાય તો ચીસ પાડવાની પણ મોઢું નહિ ખોલવાનું.. બધ્ધાએ એક અવાજે ડન કરી દીધું..
મંજુને કીધું હેંડ તું બ્યુરેટ ભર અને ટાઈટ્રેશન ચાલુ કર હું પાછળ જ છું ..
જે લોકો ના જાણતા હોય એને જાણ કરું કે કેમેસ્ટ્રીની લેબોરેટરીમાં ચારેય બાજુ કેમિકલ ભરેલી બાટલીઓ પડી હોય ,આખા રેકના રેક ભર્યા હોય ,
નક્કી એવું થયું હતું કે હલકો ગુરુ જેવો નજીક આવે કે વર્મા ઉર્ફે વર્મો એક કાચની બાટલી દિવાલ સાથે અથડાવીને ફોડશે અને અવાજ કરશે ,એટલે પેલો ત્યાં એ દિશામાં દોડશે..
બિલકુલ પ્લાન પ્રમાણે મંજુ એ બ્યુરેટ ભરવાની ચાલુ કરી અને “હલકો ગુરુ” દોડતો આવ્યોને એની પાછળ ઉભો રહી ગયો ..
આપણે એક જોરદાર ઠહાકો માર્યો, બીજી જ મીનીટે વર્મો કામે લાગ્યો ..
ઉત્સાહમાં એણે એક સખ્ખત મોટ્ટું લગભગ પંદર સત્તર કિલોનું કાચનું ડેસીકેટર જોરથી જમીન ઉપર પટક્યું ,અને ધડાકો એટલો મોટ્ટો થયો કે આજુબાજુના ચાર લેકચર હોલમાં સંભળાયો..
મારો વારો જ ના આવ્યો બીજું કશું ફોડવાનો ,ચારે તરફથી આખ્ખો સ્ટાફ એચઓડી સાથે દોડીને લેબમાં આવ્યો .. કોણે ફોડ્યું ? કોણે ફોડ્યું ? થઇ ગયું..
પણ આખી બેચ સંપી ગઈ હતી ,કોઈ એ ધરાર મોઢું ના ખોલ્યું , ધમકીઓ અપાઈ આખી બેચને ફેઈલ કરવાની પણ કોઈ ટસ નું મસ ના થાય..
છેવટે એચઓડી મેડમએ પેલા “હલકા ગુરુ” ને ઝાલ્યો , તમે ક્યાં હતા ?
શૈશવએ લાગ જોઈ ને સોગઠી મારી …બિલકુલ માસુમિયતથી બધાની વચ્ચે “હલકા ગુરુ”નું “વસ્ત્રાહરણ” કરી લીધું..
મેમ એમને તો મંજુ સિવાય કોઈને પણ શીખવાડવામાં રસ છે ..! મંજુની સાથે જ આખો ટાઈમ હોય છે , પૂછો કોઈ ને પણ ..
એચઓડી મેડમએ અમારી બધી મિત્રાણીઓ સામે સૂચક રીતે જોયું , જમાનાના ખાધેલ એચઓડી મેડમ પામી ગયા કે વાત શું છે ..
એકદમ સત્તાવાહી અવાજે એચઓડી મેડમ બોલ્યા…
“ હલકા ગુરુ” તમે મારી સાથે આવો, અને વોરા તમે લેબનું ધ્યાન રાખો હવે આવું થયું તો હું તમને ઇન્ટરનલમાં ઝીરો આપીશ..
પેલો “હલકો ગુરુ” ઝલાયો, મારી સામે કતરાતી નજરે જોઈને ચાલતો થયો અને ડોબી મંજુડી એ ડૂસકું ભરીને પોક મૂકી ,
એમાં જેને કશી સમજણ નોહતી પડી એ બધાને જાણ થઇ ગઈ કે કાંડ થઇ ગયો..
બીજા દિવસથી લેબ ઇન્ચાર્જમાં અમારે એક મેડમ આવી ગયા અને મારા સદ્દનસીબે એ મેડમ મારા પપ્પાના ક્લાસમેટ અને પેશન્ટ નીકળ્યા ,
લાગણીનો તાંતણો બહુ જલ્દી બંધાઈ ગયો.. પેલા હલકા ગુરુને જે બેચમાં બધા છોકરાઓ જ હતા ત્યાં શિફ્ટ કરવામાં આવ્યો..
મારા નવા લેબ ઇન્ચાર્જ મેડમએ થોડાક દિવસો પછી મને વિશ્વાસમાં લઈને પૂછ્યું કે શું મામલો હતો વોરા ?
મેં બધ્ધી સાચી હકીકત કીધી .. મેડમએ એમના પર્સમાંથી સાડા ત્રણસો રૂપિયા કાઢીને મને આપ્યા અને કીધું કે ડેસીકેટરની કિંમતને લઈને મામલો ચગ્યો છે ટીચર્સ રૂમમાં, અને તારી આખી બેચના માથે દંડ નાખવાની વાત છે ,ઘણા છોકરાઓને દંડ નહિ પોસાય તું આ આખી બેચના બધા વતી લઈને ચૂકવી દે.. આ લે રૂપિયા ..( એ સમયે ૯.૯૦ રૂપિએ લીટર પેટ્રોલ હતું )..
સચ્ચાઈની સામે સચ્ચાઈ .. મેં કીધું ના મેડમ હું ભોગવીશ મમ્મીને વાત કરીશ મને આપશે , હું `પે` કરી દઈશ ..
મેડમ કહે શું કામ ચોળીને ચીકણું કરે છે બેટા , પાછું તારા મમ્મી પપ્પાને ચિંતા થશે.. મેં કીધું ના મેમ મને મમ્મી પપ્પા નહિ આપે તો હું તમારી પાસેથી લઈશ ચોક્કસ..
સદ્દભાગ્યે મમ્મીએ એક ઝાટકે રૂપિયા આપ્યા અને મેં કોલેજને બેચ વતી પે કરી દીધા..!
પણ ત્યારે મનમાં સંઘર્ષ ચોક્કસ થયો હતો ગુરુ કોને ગણવા ?
જવાબ પણ મળ્યો હતો..
સખ્ખત રખડું , બાપ લાખ છપ્પન હજાર શૈશવને ભણતો કરવામાં એમનો ઘણો ફાળો, વગર રૂપિયા લીધે એમના ઘેર બોલાવી અને ભણાવ્યો..!
એ લેબ ઇન્ચાર્જ મેડમના મૃત્યુ પર્યંત જયારે જયારે કોઇપણ પ્રસંગે એમને મળવાનું થતું ત્યારે અચૂક નીચા નમી અને હું પગે લાગતો અને દસ પંદર મિનીટ ચોક્કસ અમે ઉભા રેહતા ,
છેલ્લે એક લગ્નમાં એમને મળ્યો ત્યારે સપરિવાર એમને પગે લાગ્યો અને જ્યારે એમને જાણ થઇ કે મારી એક દીકરી મેડીકલ અને બીજી એન્જીનીયર થઇ રહી છે, ત્યારે એમની આંખમાં રીતસર ઝળઝળિયાં આવી ગયા અને એ ઘરડો હાથ એટલા બધા પ્રેમથી મારા માથે સતત બે મિનીટ ફરતો રહ્યો…
મારી ઘણી બધી ગુરુપૂર્ણિમાઓ એક સાથે ઉજવાઈ ગઈ હતી..!!
ગોવિંદ ખરેખર એકવાર આવીને મોઢું બતાવી જાયને તો તો દુનિયાના ઘણા ઝઘડા પૂરા થઇ જાય,
પણ ક્યારેક આવા ગુરુ પણ ગોવિંદ સ્વરૂપે પણ આવે તો પણ આપણા જેવાના જન્મારા સુધરી જાય..!
શૈશવને પળોટવો જરાય સેહલો નોહતો જીવનના પંચાવન વર્ષે પણ હજાર સીસીના બાઈક લઈને ભટકે એને ત્યારે નાથવો ..!!!!???????
હું કેટલાય સમયથી ભગવાનને કેહતો કે મારા છોકરા મારા જેવા મને ના આપતો ભગવાનીયા.. નહિ તો હું દેવાઈ જઈશ ..
માતાપિતા સહીત બીજા અનેક લોકો એ મારા જીવનમાં ગુરુની ભૂમિકા ભજવી અને મને સાચા-સારા રસ્તે વાળ્યો છે ..!
સર્વેને પ્રણામ..
શૈશવ વોરા
*(ચેતવણી :- આ બ્લોગને તમે ફોરવર્ડ ચોક્કસ કરી શકો છો, પરંતુ પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે, જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)*