એ આવી નકામી “વેરણ”..એવી ફાળ પડે ને જયારે ભર શિયાળે ક્યારેક પંચમમાં કુહૂ કુહૂ ..કરે ત્યારે,
ત્યારે હું એને કહું અરે ઓ કાજળ કાળી, હજી વાર છે થોડી ધરપત રાખ ડાર્લિંગ, અને જપ યાર..હજી તો માગશર જાય છે, તારો વારો તો મહા મહિનો પૂરો થાય પછી આવે,આટલી જલ્દી તું પંચમમાં કુહુ કુહુ કરો તો તારે તો ઠીક છે અહિયાં તો એસીના બીલ ભરી ભરીને ડેબા તૂટી જાય છે..!
એક જમાનામાં એ મને બહુ ગમતી અને એનો ટહુકાર બંને,પણ ગુરુજી શશીકાંતભાઈ ગુંદાણી કેહતા એ તો ડોબી છે ડોબી, એને તો એકલો પંચમ જ આવડે અને આપડે તો સાતે સૂર શીખવાના છે..ચાલો શૈશવભાઈ તાનપુરો મેળવો પેહલા ષડજમાં અને પછી પંચમ..!
પણ મને તો એ ત્યારેય ગમતી અને આજે પણ..!!
જો કે આ વખતે ગરમીમાં તો મારી કાજળ કાળી હમેશા પંચમમાં ગાતી દોસ્તનું ગળુ પણ ૫૦ ડીગ્રી ગરમીના લીધે પાછલા બે દિવસમાં બેસી ગયું હતું,..એને પણ હીટ સ્ટ્રોક લાગ્યો હતો..અને લાગે પણ ખરો,
એરકંડીશનિંગ રૂમ એના નસીબમાં ક્યાંથી..?
જોકે એના જેવા અભાગિયા માણસો પણ ઘણા છે,અને કેટલાક બિચારા તો ૫૦ ડીગ્રીની ગરમીમાંથી સીધા ૩૫૦ ડીગ્રીમાં પોહચી ગયા ..!! (લાકડાની ચિતા નું તાપમાન ૩૫૦ થી ૬૫૦ ડીગ્રી સુધીનું હોય છે) ,
બે દિવસ પેહલા છાપામાં આંકડા આવ્યા,વધતી જતી ગરમીને કારણે સ્મશાનમાં આવતા મૃતદેહોની સંખ્યામાં ખુબ વધારો..
પારો રેકોર્ડ તોડીને આગળ વધી રહ્યો છે,અને સાથે સાથે મરણના આંકડામાં પણ વધારો થઇ રહ્યો છે..
સરકાર અને છાપાઓ ગ્લોબલ વોર્મિંગ અને જંગલ કાપ્યાની વાર્તાઓ કરે છે..!
સોશિઅલ મીડિયામાં એસીમાં બેઠેલી પ્રજા ઝાડ વાવો, ઝાડ વાવો કરે અને પ્રજા ખોટી ખોટી લાઈકો ઠોક્યા કરે છે..
જો કે લાઈકો ઠોકવા સિવાય એ બીચાર્રો બીજું કરી પણ શું શકે ?
સોશિઅલ મીડિયા પર આખો દિવસ મચેલા ફેસ્બુક્યા કે વોટ્સએપ્યાને જમીન દેખાતી જ નથી એને તો ખાલી લાઈક મારીને છૂટી જવું છે, એ જણ ને તો બાપડાને ખબર જ નથી કે ઝાડ જમીન પર ઉગે..!!
એકાદો સોફ્ટવેર બનાવતો માટીડો ફેસબુક પર કે વોટ્સએપ પર કે પછી કોઈ નવી સરસ મજાની એપ બનાવે અને એમાં એવું કૈક આવે કે ઝાડને પાણી પીવડાવાનું અને મોટું કરવાનું.. તો એ ફેસ્બુક્યા અને વોટ્સએપ્યા એના મોબાઈલમાં એકાદું બટન વધારે દબાવી અને ઝાડને પાણી પીવડાવી દે..
બાકી તો એમને પૂછો કે સાચા ઝાડ કેટલા રોપ્યા તે ? હે ફેસબુક્યા? વોટ્સએપ્યા ? તો..તો..તો..તરત જ લોગ આઉટ થઇ જાય ..સીધો જ ઓફ લાઈન સ્ટેટસ દેખાડે..!!
જો ખરેખરું ઝાડ રોપવાનું અને ડોલ ભરીને ઝાડને પાણી પીવડાવવાનું આ ગરમીમાં એને ભાગે આવે, તો પછી ખમખમાંઈને ગાળો ફેસબુક પર લખે..
મેં એક ફેસબુક પર્યાવરણવાદીને પૂછ્યું ભાઈ તે કેટલા ઝાડ મોટા કર્યા ? તો એના થોડા પ્રોબ્લ્સ આવ્યા,
ઝાડ વાવવામાં પેહલો ટેકનીકલ એમનો પ્રોબ્લેમ..અમે ફ્લેટમાં કે ગીચ સોસાયટીમાં રહીએ છીએ, તો અમારે ઝાડ ક્યાં વાવવું? મેં કીધું રોડ પર..
જવાબ ..હવે રોડ પર વાવે તો સેહજ મોટું થાય તો ઝાડની નીચે મંદિર બની જાય કે પછી કોઈ લારીવાળો ફેરિયો આવીને ઉભો રહે કે છેલ્લે કોઈ મોચી આવી જાય..તો કોઈના માટે હું શું કામ આવા વૈતરાં કરું..? અને કોઈ ફાર્મ હાઉસ લેવાના આપણા તો ગજા નથી..
હવે તમે જ કહો કે મારે ઝાડ ફેસબુક સિવાય ક્યાં વાવવાનું ?
ગંભીર સમસ્યા..!!
બિચારા જણ ને ઝાડ વાવવું છે પણ જગ્યા નથી..!
પેલી બાર રૂપિયે મીટરવાળી જગ્યા જનતાને તો નાં અપાય નહિ..?
વગડાની કે જંગલની જગ્યા ખેતીની થાય ,ખેતી જગ્યા બિનખેતીની (N.A) ગમે તે બિલ્ડર કરાવી આપે,પણ ખેતીની કે બિનખેતીની જગ્યા ફરી વાર વગડાની થાય ખરી?
પૂછો કોઈ ધારાસભ્યને કે IAS ને, તમે મેઘા પાટકરના ભાઈ હો ને એવા ખુન્નસથી એ તમારી સામે જોશે..
પણ હકીકતે જમીન પરનો નોધારો માણસ આ બધામાં ગરમીને લીધે ૫૦ ડીગ્રીથી સીધો ૩૫૦ ડીગ્રીમાં ઝોકાઈ જાય છે..!
અત્યારે જરૂર છે એવા શેલ્ટર હાઉસની જ્યાં એરકંડીશનર ફીટ કર્યા હોય, અને ત્યાં એવા વૃધ્ધો કે જેમના ઘરમાં એસીની સગવડ નથી, એ ઓકો એમનો તપતો દિવસ ત્યાં પસાર કરી શકે,
અને આ જવાબદારી ફક્ત સરકારની નહિ પણ ધાર્મિક સંસ્ત્થાનોની પણ છે,
ખુલ્લી મસ્જિદોમાં નમાજ પઢવાને બદલે એરકંડીશનર મસ્જીદો બનાવો અને ગરીબ વૃધ્ધોને આશરો આપો..
આ જ વાત મંદિર,ચર્ચ,દેરાસર અને બીજા તમામ ધર્મસ્થાનોને લાગુ પડે છે ,અને હા લાઈટ બીલ અને એસી ફીટીંગ નો ખર્ચો તમારા રૂપિયાથી કરો નહિ કે સરકાર ને માથે..
ઘણી આવક છે તમારી, અને આવક ના હોય તો ઉભી કરતા તમારા ટ્રસ્ટીઓ ને સારી રીતે આવડે છે, તમારા ભક્તો તમારું માર્કેટ છે, ક્યારેક કોઈ સગવડ આપો..
૫૦ ડીગ્રીમાં તાપમાનમાં એસી હવે સગવડ કે લક્ઝરી નથી, જરૂરીયાત છે..!!
સરકારને એનું કામ કરવા દો એ શેલ્ટર હાઉસ ઉભા કરશે..
એ પેલી બોલી કુહુ કુહ ..
મેં તો એક અઠવાડિયે એનો અવાજ સંભાળ્યો કુહુ કુહુ છેક ગઈકાલે અને મારા મનને શાંતિ થઇ કે હાશ..ચાલો કુદરતે કાલના દિવસની તો લાજ રાખી..!
બુદ્ધ પૂર્ણિમા..
ગમે તેટલી ગરમી હોય પણ બુદ્ધ પૂર્ણિમાની રાતનો અનુભવ જુદો જ હોય, શરીરના પરસેવાને સુકવતા મંદ મંદ પવનની વચ્ચે એક મોટી લેહરખી થપાટ મારીને ક્યાંક જતી રહે,અને માથાના વાળનો પરસેવો સુકાય અને મનમાં એકદમ ઠંડકનો અનુભવ થાય ..!
સેટર.. ડે નાઈટ..નો બલી ચડાવ્યો..નો જાવા+ નો હયાત..
બસ એક ખેતરું..નદીના ભાઠામાં રાત.. ધોળકાથી આગળ ક્યાંક
એકદમ જ નદીનું ભાઠુ પાછળ દસ જ ફૂટે જ એકાદ એકાદ કિલોમીટર પોહળો નદી નો પટ,
એ નદીનું નામ અમદાવાદમાં સાબરમતી અને પછી “ગટરમતી”
અહા..હા..ગટરમતી ના ધીર ગંભીર એક જગ્યાએ થોભી ગયેલા ગંદા પાણી..અને “સુ”..ના..ના..ના..”ગંધ”.. તો મારે અહહાહા.. માથું ફાડી નાખે..એવી વાસ..!
ગટરમતી..સોળેકળાએ ખીલેલા પૂર્ણઇન્દુ..ખેતરની આજુબાજુની ધારે ધારે ઉગાડેલી નાળીયેરી..ખેતરમાં ઓરડી.. ઓરડીના છાપરેથી દેખાય દુર સુધી સાબરમતી..
નદીના મૂળ સુધી જવાની ઈચ્છા થઇ ગઈ..!!
નદીનું મૂળ અને ઋષિનું કુળ ના જોવાય..!!
કમબખ્તી ત્યાં જ થઇ..કેટલા બાવાના આશ્રમોમાં એમના પૂર્વાશ્રમના ભાઈ ભૈયા ભાણીયા,એમના આશ્રમોમાં ટ્રસ્ટી છે તપાસ કરો તો ..!!
સાબરમતીનું પણ એવું જ છે…એક જમાનામાં વેહતી નદી મૂળ આવે અરવલ્લીમાં હિન્દુસ્તાનનો સૌથી વયોવૃદ્ધ પર્વત અને એને કમ્પ્લીટ બોડો કરી નાખ્યો અને દે ધનાધન માર્બલની ખાણો ખોદી નાખી…!!
લાખએક વર્ષ જુના અરવલ્લીનું આયુષ્ય હવે સો બસ્સો વર્ષ જ રહ્યું છે..માર્બલ ખોદી અને ડુંગરા હતા ત્યાં ખાડા થઇ ગયા છે .. કોઈ દિ નાથદ્વારા કાંકરોલીથી આગળ જજો એટલે દેખાશે..
અરવલ્લી દાદા ની છાતી પર કેવા હથોડા પડે છે, અને તો ય ડોસો હજી જીવે છે બોલો મારવાને વાંકે,
ફેસબુક્યો કહે છે જુના ઘી તેલ ખાધા છે ને એટલે ટકી ગયા છે ડોહા..!!
ખેતરમાં પાછી અડધી રાત્રે બોલી કુહુ..કુહુ..બાપડી મને કે
તી તી એ જતો રે વાલા અહીંથી આ ગટરમતીની 4-Ph ની એસીડીક હવા તારા ફેફસામાં ભરાઈ જશે ને તો તને અસ્થમાનો એટેક આવશે..હું તો આ ઉડી અહીંથી અને તું પણ નિકળ ડાર્લિંગ..!!
અને મેં એની વાત માની લીધી..!
બુદ્ધ પૂર્ણિમાનો વાતાવરણનો કુદરતના ખોળે અલહાદક અનુભવ.. કાળી બળતરામાં ફેરવાયો..!!
અરે રામ… કોઈક તો ગટરમતી ને ફરી એકવાર મારી સાબરમતી બનાવો…!!!
જેશ્રી ક્રષ્ણ
શૈશવ વોરા