“આપણે ત્યાં પણ કોંગ્રેસની સરકારનો એક જમાનો હતો કે ત્યારે આઠમ અને નવમું નોરતું સવારે દૂધ લઈને જ ઘેર જવાનું..
પણ નોઈસ પોલ્યુશનના સામે ભાજપની વીસ વર્ષથી ચાલતી કેહવાતી હિંદુવાદી સરકારે ચોકડી મારી દીધી..!
“તાકાત” હોય તો રાતના અગિયાર વાગી ગયા છે અટકાવો લાલબાગના રાજાની સવારી..?
બોડીબામણીનું ખેતર છે ગુજરાત..ગુજરાતનો પોતાનો કેહવાય એવો એકમાત્ર તેહવાર નવરાત્રી અને એને લગભગ ખતમ કરી દેવાનું કાવતરું થયું પણ ભીષ્મપિતમહ જેવો મજબુર સંઘ ધ્રુતરાષ્ટ્ર જેવી વિશ્વ હિંદુ પરિષદ..!
બધું ય ભેગું થઈને હાઈકોર્ટના ઓર્ડરના નામે ચુપચાપ છેલ્લા વીસ વર્ષથી સાક્ષીભાવે જોઈ રહ્યા છે..!
હવે આટલું લખ્યું ત્યાં તો લોકો પૂછવા માંડ્યા તમે કોંગ્રેસી છો..? ખતરનાક બ્રેઈન વોશ થયું છે જનતાનું..!
“તમે કહો” એ નહિ પણ “હું” કહું એ જ સાચુ..
અલ્યા ભાઈ યાદ કર, રાવણ નોહતો મુસલમાન કે નોહતો કોંગ્રેસી..દેવની આરધના કરતા રોકે કે પછી સામાન્ય જનસાધારણને આનંદ કરતો રોકે એને “અસુર” જ કેહવાય..!
ભલેને પછી આપણો સગો ભાઈ જ કેમ ના હોય..!
એક વખત મને યાદ છે
ધ્રોલ,ધ્રાંગધ્રા,જામ,જુનાગઢ અને પાવાગઢ વિજેતા બેગડા,ગાયકવાડી અને અમદાવાદને જીતીને પાટણ નરેશ શ્રીશ્રીશ્રીશ્રીશ્રી રાજાધિરાજ શાસન સમ્રાટ નરેન્દ્રદેવજી મહારાજાધિરાજ સાહેબશ્રી એક ક્લબમાં ગરબાના ઉત્સવમાં આવેલા અને એમણે જનસાધારણને નાચતો જોયો અને એમનું મન પ્રસન્ન થઇ ગયું..!
એ રાતના અમે સાક્ષી છીએ, અમારા જેવા રાંકના રતન, બિચારા,બાપડા.કીડા, મકોડાની ગરબા ગાવાની “કિમતી” વીસ પચ્ચીસ મિનીટ એમના ભાષણમાં જતી રહી હતી,રાત્રીના બાર વાગી ગયા હતા, અને નિરાશ વદને ખેલૈયા ઘાસમાં (ક્લબની લોનમાં) બેઠા બેઠા ઘાસ તોડતા અને એમના નસીબ ને કોસતા હતા..
પણ દેવ રીઝ્યા અને ભાષણ કરતા અટક્યા માઈકમાં પૂછ્યું..ગરબા કરવા છે..? અને અમે બધા કુદયા, ઉભા થઇને મોટે મોટેથી બુમો પાડી હા હા હા અને શ્રીશ્રીશ્રીશ્રીશ્રી એ કહ્યું ..રમો રમો..આજે ત્રણ વાગ્યા સુધી..ધન્યધન્ય થઇ ગયા હતા અમે તો શ્રીશ્રીશ્રીશ્રીશ્રી ની અસીમ કૃપા પામી ને..!!!
હવે તમને થશે કે આ પાંચ પાંચ વાર શ્રીશ્રીશ્રીશ્રીશ્રી કેમ ?અલ્યા બે ત્રણ વાર શ્રી શ્રી તો હવે બાવાઓ લખતા થઇ ગયા,અને હવે તો દેવ “પ્રથમ સેવક” છે..
એ ના ના..ના ભૂલ થઇ ગઈ પ્રથમ સેવક તો જવાહરલાલ હતા (જુઠ્ઠું નથી બોલતો યાર, જાવ મોકલો કોઈને તીન મૂર્તિ ભવન,જેવા અંદર એન્ટર થશો ને એટલે એકદમ ડાબી બાજુ જ આવું લખેલું છે)
આપ શ્રીશ્રીશ્રીશ્રીશ્રી તો “પ્રધાન સેવક” છો..!!
પ્રભો પ્રભો..દયાનિધાન,કરુણાસાગર..
એમના પદચિન્હો પર ચાલીને ગતિ પામેલા અને શીલવાન ખામામાં ધામમામાં ણમામા..એવા (શીલવાન ખામામાં ધામમામાં ણમામા..આ બધું શું છે?કઈ ભાષા છે..?કેમ કઈ નવુ ના હોય? મન થયું તો નવા ગુજરાતી શબ્દો બનાવ્યા..!! જાવ થાય તે તોડી લો) બબ્બે મુખ્યમંત્રીઓ આપણને મળ્યા પણ ..
નવરાત્રી આવે એટલે આપડા મોટા મોટા પોસ્ટરો લગાડવા સિવાય બીજું કઈ નહિ કરવાનું..અને પોલીસ ને કેહવાનું કે એક વાગ્યા સુધી ચાલવા દેજો, પણ પછી તો..નહિ જ ..
રાત્રે પેલો “કડકાસુર” નીકળશે અને ખેલૈયાઓનું ભક્ષણ કરી જશે, એના કરતા એમને ઘરભેગા કરી દ્યો..!
એક બીજો “હલકાસુર” પણ નીકળે છે એના શસ્ત્રો કોન્ડોમ અને આઈપીલ છે..!!
જો કે મને તો સાલ ૧૯૮૮થી આજ ના દિવસ સુધીમાં એકપણ અસુર એના શસ્ત્રો સાથે સામો મળ્યો નથી,પણ છાપામાં વાંચીએ એટલે ખબર પડે,અને છાપામાં વાંચીને તો આપણે પુરુષ માણસ પણ જો દિલ્લી જઈએ, તો ભરબપોરે જનપથ પર પણ ચાલતા પણ બીક લાગે, સાલું હમણા કોઈક બળત્કાર કરી જશે, એવું સતત લાગ્યા કરે..!
એકવાર બહુ વર્ષો પેહલા કોલેજકાળમાં અમે લાવણ્ય સોસાયટીના અંદરના ભાગમાં આવેલી અને અડધા મલાવ તળાવની સરકારી જમીન પર બનેલી ક્લબમાં ગરબા ગાવા ગયા હતા..અને ગરબા મધ્યે બ્રેક પડ્યો બે ચાર મિત્રોને લઘુશંકાની ભાવના થઇ..અને એમને સાથ આપવા બાકી બધા પણ તૈયાર થઇ ગયા..!
થોડું આમતેમ નજર ફેરવી ક્યાય કઈ દેખાયું નહિ, છેવટે આંતરિક દબાણને વશ થઇને શ્વાનવૃતિને હાવી થવા દીધી, બહાર આવીને પાર્કિંગમાં પાર્ક થયેલી એક એસ.યુ.વી. ના ચારે ચાર ટાયર પર એક એક બે બે જણા એ..
અને મૂત્રધારાઓ અવાજ આવ્યો ,અચાનક નીરવ શાંતિમાં એ એસ.યુ.વી.માંથી પ્રણયક્રીડામાં રત થયેલો “હલકાસુર” અને “હલકીર્પણખા” પ્રગટ થઇ..એમના રંગ માં ભંગ પડ્યો હતો પણ સામે આઠ આઠ..!
પણ હા એમની પાસે પણ પેલા એમના શસ્ત્રો હોય એવું લાગ્યું નહિ..!
નિ:શસ્ત્ર એવા એ બંને અસુરોની વચ્ચે ખાલી પ્રણયફાગ જ ચાલતો હતો રતિ અને કામદેવતા તો ગગનમાં જ વિહરતા હતા..!
મુદ્દો ત્યાં છે કે ભાઈ બે ત્રણ હજાર ગરબા રમનારા છોકરા છોકરી અંદર ક્લબમાં હતા, એમાંથી ફક્ત એક જ “હલકાસુર” અને એક “હલકીર્પણખા” અને એના નામે તમે બીજા ત્રણ હજાર છોકરાઓ અને છોકરીઓને આવા પોઈન્ટ આગળ કરીને કેમ સજા આપો છો..?
અરે ગામ હોય ત્યાં ઉકરડા હોય, અને આ તો હવે સ્પા અને મસાજ પાર્લરનો જમાનો છે, આઠસો રૂપિયાથી લઈને જેવી તમારા ખિસ્સાની તાકાત, છેક રશિયાથી લઈને થાઈ સુંદરીઓ ભારતભરમાં અવેલેબલ છે..વિથ જેન્યુન આઇડેન્ટિટી કાર્ડ..! એટલે એવું પણ ના બને કે તમને થાઈ ગર્લ કહીને નોર્થઇસ્ટ કે નેપાળી કન્યા પકડાવે..! ૧૦૦% ઓથેન્ટિક..!
અમદાવાદની સારામાં સારી હોટલો બપોર પડ્યે બસો રૂપિયામાં નોન એ.સી. રૂમ અને પાંચસો રૂપિયામાં એ.સી.રૂમ બે ત્રણ કલાક માટે આપે છે..!! અને પાછું તમે કાયમ ના ઘરાક હો તો ફોન કરો તો સીસી ટીવીનો કેમેરો પણ બંધ કરી દે તમારી એન્ટ્રી અને એક્ઝીટ વખતે, બોલો બીજી કઈ સર્વિસ જોઈએ તમારે..?
હવે આવા બધા ટોપિક છોડી અને છાપાવાળા આપણને એક્સાઈટ કરવા લખે નવરાત્રી દરમ્યાન કોન્ટ્રાસેપ્ટીવનું વધેલું વેચાણ..!!
રીતસરનો નવરાત્રી જેવા પવિત્ર તેહવારને બદનામ કરવાની જ વાત..!
મારું તો લોહી ઉકળી જાય છે, આજે ભડાસ કાઢી છે હજી પણ કાઢતો રહીશ..
નવરાત્રી મને મારી ગળાથુથીમાં મળી છે..!
મમ્મી કહે છે કે મારો જન્મ સોળે શ્રાદ્ધ ખાઈને ભાદરવા વદ અમાસની સાંજે થયો હતો..તારા જન્મ્યાની એ પેહલી રાત, ત્યારે તે થોડું ખનખન કર્યું હતું અને પછી ઇન્દુમાસીની હોસ્પિટલમાં જે રૂમમાં આપણે બંને હતા, બિલકુલ એ રૂમની નીચે રોડ પર ગરબા ચાલતા અને તું આખી રાતની રાત ઢોલ અને ગરબાના અવાજમાં શાંતિથી ઊંઘતો અને મને પણ ઊંઘવા દેતો હતો..!!
કદાચ જન્મ્યો અને એની બીજી જ રાતથી મારા કાનમાં ગરબા ગુંજ્યા છે, એટલે હવે તો એવી ઈચ્છા ખરી કે માડી જયારે જમડાને લેવા મોકલે ત્યારે પણ કાનમાં એ જ તાલ હીંચ વાગે અને જમડા ભેગો જાઉં..!
પણ ઘણીવાર છે..
જો કે ત્યાં સુધીમાં વચ્ચે મુંબઈમાં તો રાત્રે દસ વાગ્યાનો કાયદો ઘાલ્યો હતો, એવું કૈક કોઈ “સવાયા હિંદુ” આવે કે પછી જયપુરના મહારાજાની જેમ ગુજરાતના કોઈ મુખ્યમંત્રીને “સવાઈ” સંબોધન પોતાની આગળ લગાડવાનું મન થાય તો પછી ..
મને લેવા જમડો આવે ત્યાં સુધીમાં ગરબા નામની પરંપરા ખાલી પોસ્ટર પુરતી રહી જશે..!
પાછળ પડું છું ૧૨ વાગ્યાનો પ્રતિબંધ ઉઠાવી લેવા માટે, જોઈએ શું થાય છે..એવું નહિ લખું કે મસ્જીદો પરથી ભૂંગળા ઉતરાવોને, નહિ તો મારા ભૂંગળા વાગવા દો..!
ડબગરવાડ અને ગાંધીરોડ પર ભીડ જામવાની ચાલુ થઇ ગઈ છે..!
તબલા,ઢોલ,નગારા,ટીમ્બાની,બોંગો,કોન્ગો,ડ્રમ,રામઢોલ,ઢોલકી..બધા ના ફાટેલા ચામડા રીપેર કરવવા માટે ડબગરવાડમાં ભીડ, અને સાઉન્ડ સીસ્ટમ નવી કે જૂની સરખી કરાવવા ગાંધીરોડ પર ભીડ વધતી જાય છે…
કાલે બીજો કોઈ અનુભવ નવરાત્રીનો જ..!!
ચાલો સહુને જય માતાજી
આપનો દિવસ શુભ રહે
શૈશવ વોરા