હપ્તા ભરતો
જરાક બાહર નજર કરીએ ઓ ચારેય બાજુ હરખ હરખની હેલી ચડી હો એવું લાગે છે દેશ આખામાં ..
સર બજારથી લઈને કપડા બજાર ચારેકોર તેજી જ તેજી છે , જીએસટીના આંકડા જોઈને સરકાર હરખાય અને શેર બજારનો સેન્સેક્સ જોઈને સટોડીયા..
આમ એવું લાગે કે હવે સ્વર્ગ ભારતભૂમિ ઉપર ઉતરી જ આવ્યું છે..!
એવું ખરું ?
તો પૂછો હપ્તા ભરતા લોકોને.. મણ મણની કાઢશે..!
લોકો એમના છોકરાઓને છોકરીઓ આપવા તૈયાર નથી..!
સેહજ આડવાત ..
આજકાલ હવે અમે યુવાન મટીને પ્રૌઢ થયા છીએ એટલે લાકડે માંકડા વળગાડવાના ક્યારેક પ્રયત્નો કરી લઈએ છીએ…
આમ તો પેહલા પણ કરતા, પણ ત્યારે `સેટિંગ` કરાવતા..
“અલ્યા તારી જ સામું જુવે છે, જા જા વાત કર ..”
“બે ના યાર તું ચલ ને સાથે શૈશવ્યા ..”
“બે એ ચંપક, શૈશાવ્યો તારી જોડે આવશે ને તો પછી તારું પત્તું કપાઈ જશે, તારા આગલા સાત જનમમાં એ તારા હાથમાં નહિ આવે ,એના કરતા તારે સેટિંગ કરવું હોય તો તારે એકલા એ જ જવું પડે..”
“એમ નહિ તો કરવાનું શું મારે શૈશાવ્યા..?”
શૈશાવ્યો ઉવાચ “સૌથી પેહલા સ્માઈલ આપવાની .. તારા થોબડેથી નહિ આંખોથી ..”
“એટલે…?” મૂછો ચાવી જાય માટીડો..
પછી ગુરુજ્ઞાન આપીએ..
પણ આજકાલ લાકડે માંકડા વળગાડવાની કોશિશ કરીએ છીએ એરેન્જ મેરેજ માટે ત્યારે.. એક જરાક છુટ્ટા મોઢાવાળી દિકરીએ સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું ..
“હપ્તા ભરતો હોય છોકરો કે એનો બાપ તો મેહરબાની કરીને બતાડશો નહિ શૈશવ અંકલ..ગમ્મે તેટલી એસેટસ હોય, કે કમાતો હોય, પણ હપ્તાવાળું ઘર કે છોકરો નથી જોઈતો..”
મારી સેહજ છટકી.. “એટલે……? છો`ડી તું કેહવા શું માંગે છે? લોન લઈને હપ્તા ભરવા એ કંઈ ખોટી વાત છે ?”
“જુવો શૈશવ અંકલ, હપ્તા ભરતા જોડે પરણીએ એટલે મોટેભાગે ગણતરી એવી જ હોય કે વહુ કમાતી આવે, અને વહુના પગારમાંથી ઘરનો હપ્તો ભરાઈ જાય , ને છોકરાના પગારમાંથી ઘર ચાલે, પણ જેવા હપ્તા પૂરા થાય એટલે એસઆઈપી ચાલુ કરે ,ઘડપણમાં કામ આવશે એમ કરીને, મારે ભાગે તો આખી જિંદગી વૈતરું જ રહે , ગોવા ફરવા લઇ જાય ને પછી માલદીવમાં શું બળ્યું છે એમ કરીને માલદીવ્સનું વાટે, રૂપિયો જીવનમાં છૂટે જ નહિ, એના કરતા સેહજ નાનું ઘર હોય પણ પોતાનું હોય અને હપ્તાની બદલે એસઆઈપી પેહલેથી કરી હોય તો સાઈઝેબલ કેપિટલ જનરેટ થઇ હોય ને તો તમારી ભાષામાં કહુંને તો જીવનમાં સેહજ મોકળાશ રહે..”
આખો ફકરો છો`ડીએ આપી દીધો ..
વાત તો સો ટકાની સાચી.. મોટેભાગે નગરી અમદાવાદમાં મોટા ઘર લીધા હોય એટલે હાઉસિંગ લોન કરી જ હોય, અને હાઉસિંગ લોન હોય એટલે પંદરથી વીસ વર્ષની ઓછામાં ઓછી હોય એટલે નોકરી હોય કે ધંધો એક છાનું પ્રેશર તો રહે રહે ને રહે ..
સંજોગ થોડા કાઠા છે લોન લીધેલા માટે .. એક કમાય અને ત્રણ બેઠા બેઠા ખાય એ દિવસો જતા રહ્યા છે ,ત્રણ કમાય અને એક બેઠું ખાય તો જ દિવસો સરખા જાય નહિ તો છત ના ચાળા અને અછતના ઉછાળા ,
ઉડીને આંખે વળગે અછતના ઉછાળા ગામ આખ્ખાની..
પ્રેમ થઇ ગયો હોય અને નિભાવવો એવું નક્કી જ હોય તો ઠીક છે, બાકી તો છોકરા છોકરીઓ કુંડળીઓ મેળવે કે ના મેળવે ફાઇનાન્સ અને બેલેન્સશીટ ચોક્કસ મેળવતા થઇ ગયા છે…
એક કિસ્સામાં છોકરાવાળાના ઘરમાં સિમ્બોલવાળી ચાર ગાડી {બંગડી કે તારો(ઓડી કે મર્સિડીઝ)પચાસ લાખથી ઉપરની } , હવે છોકરીની મા મારા જેવી ખાંટખૂણીયણ ,
છોકરાની અને એના બાપની ઓફીસ જઈને બેઠી અને એમની નજર માલ જોડે જતા ઇન્વોઇસ ઉપર પડી ગઈ ,
સાદું ઇન્વોઇસ હતું ઈ-ઇનવોઇસ નહિ ,
મા`ડી તરત સમજી ગઈ કે ટર્નઓવર પાંચ કરોડથી ઉપર હોય તો ઈ-ઇનવોઈસ જ હોય અને અત્યારે ચાલે સપ્ટેમ્બર ,અડધું ફાઈન્નાશીયલ ઈયર તો ગયું એટલે આનું ટર્નઓવર તો વધારે હોય જ નહિ અને ગમ્મે તેટલો માર્જીનવાળો ધંધો હોય તો પણ પચાસ ટકાથી વધારે માર્જીન ક્યા ધંધામાં હોય ?
નક્કી બધો લોન અને હપ્તાનો ખેલ છે, બાર મહીને કરોડ કમાતા હોય તો કેટલો ઇન્કમટેક્ષ આવે ? અને પછી ઘરના ખર્ચા બીજું બધું બાદ કરો તો ક્યાં તો લોન ઉપર બધું છે ,અને ક્યાં તો ઇન્વેસ્ટમેન્ટ નામે નહિ કરતા હોય ..
એટલે ઉધારીયા કે પછી ફતનદિવાળીયા જોડે ના પરણાવાય..
ઘણીવાર તો બાપીકા ધંધે બેઠેલાને મોઢા મોઢ પૂછવામાં આવે છે “ પોકેટમની ઉપર છે કે ફાયનાન્સ તારા હાથમાં છે ?”
ટૂંકમાં બાપા આપે એટલા રૂપિયામાં તારે તારું ચલાવવાનું કે જાત્તે તારું અને મારું તું ફોડી શકે ?
એક કિસ્સામાં સાસુમા સેહજ ડાહ્યા થયા,
બાપીકા ધંધે બેઠેલો છોકરો પોકેટમની ઉપર છે અને વહુને કીધું કે મારી તરફ રેહજે તો લીલાલેહર રેહશે..
પેલી માથાની ફરેલી નીકળી રાખો તમારા છોકરાને તમારી પાસે હું તો ઉપડી, મને આવા ના ચાલે.. લગ્નના વર્ષ પછી ભંગાણ પડ્યું..!
સંસાર ચક્રના ચાર આરા ધર્મ,અર્થ,કામ અને મોક્ષ,
આપકર્મી કે બાપકર્મી ?
વરમાંથી ઘર થશે ઘરમાંથી વર નહિ થાય ,
જેવો છે તેવો મને તું જોઈએ , જેવી છે તેવી પણ તારા વિના નહિ જીવાય , સુકો રોટલોને મરચું ખાઈ લઈશું , બે જોડ કપડે જીવી લઈશ પણ તારો સંગાથ નહી મુકું..
બધું ખોવાઈ ગયું છે અને ખોવાતું જાય છે .. પ્રેક્ટીકલ થઇ ગયા છે..!
બાળપણમાં મેં ડોંગરેજી મહારાજનું ભાગવત વાંચ્યું હતું ત્યારે તેમાં લખ્યું હતું કે ભાઈ કરતા વેવાઈ વધારે વહાલો લાગશે કળિયુગમાં,
ત્યારે તો એ નોહતું સમજાયું પણ આજે એકદમ બરાબર સમજાય છે..!
પૂછી ને પ્રેમ નહિ…સમજી…, વિચારી…, અને પ્રેમ કરવો છે ..
એક જ શબ્દ છે આ બધા માટે ..
“ગોઠવણ”
ચાલો શુભ રાત્રી
શૈશવ વોરા
*(ચેતવણી :- આ બ્લોગને તમે ફોરવર્ડ ચોક્કસ કરી શકો છો, પરંતુ પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે, જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)*