ફેસબુક અને વોટ્સ એપ યુનીવર્સીટી ના પ્રાંગણમાં ફરતા ફરતા એક કલીપ આવી નજરે ..
સોમનાથ મહાદેવ ના પ્રાંગણમાં ફૂલ વેચતી એક દીકરીની ..
કદાચ તમારા બધા પાસે આવી જ ગઈ હશે , થોડીક લાંબી કલીપ છે પણ જોવાનો આનંદ આવ્યો , દીકરી ને બાપુ વ્યાસપીઠ સુધી બોલાવે છે અને પછી એનો તુટલો સુંડલો અને સુંડલામાં રહેલી બે ફૂલ ની માળાઓ..
સંપૂર્ણ ભૌતિક જગતમાં જીવતા મારા જેવા ક્યારેક તો દ્રવિત થઇ જાય અને એમાં પણ એ દીકરીના મોઢા ઉપરની માસુમિયત જોઈએ ત્યારે તો ખરેખર સેહજ આંખ નો ખૂણો ભીનો ચોક્કસ થઈ જાય એવું છે..
જોકે વ્યાસપીઠ પર બિરાજેલા બાપુએ ખરેખર વ્યાસપીઠ શોભાવી દીધી ,ખોટો શબ્દ છે શોભાવી ..દીપાવી દીધી વ્યાસપીઠ ને ..!!
તૂટેલા સુંડલા ને કથા મંડપમાં ફેરવ્યો અને લોકો એ દિલ ખોલી ને ત્રણ ચાર સુંડલા ભરાય એટલું આપ્યું ને છેલ્લે વ્યાસપીઠ તરફ ભાવ નહિ પણ આસ્થા જન્મે એવું કાર્ય પણ કર્યું જયારે દીકરીના જીવનની તમામ જવાબદારી સમાજના મોભીઓ ને આપાઈ..!!
હું વ્યક્તિ પૂજામાં નથી માનતો એટલે નામ લખવાથી દૂર રહું છું પણ ક્યારેક ઈશ્વરના અસ્તિત્વ ઉપર હું પોતે જ સવાલ કરી બેસું છું ત્યારે આવું કૈક જોઈએ ત્યારે ખરેખર આનંદ આવે છે ,
હ્રદયના તાપ સંતાપ દૂર થાય છે અને પાછું હું જ મારા મનને માનવું છું કે હું જ એ છું અને એ જ હું છું ..!!
ક્યારેક એની જોડે એના અસ્તિત્વ ને નામશેષ થવા માટે પણ હું બાઝ્યો હતો ,એવો તે કેવો કે તું કે ગઝની જેવા ફૂદ્દૂ તારું મંદિર તારું ઘર તોડી ગયા પણ જયારે એ સ્થાન ઉપર જઈને ઉભો રહું છું ત્યારે ચેતનાનો ધોધ વરસતો હોય એવું લાગે છે..
ઘણી બધીવાર જમનાજીના ઘાટે નગરી દિલ્લી માં પસાર થતો હોઉં ત્યારે એકરોમાં જગ્યા લઈને પડેલા તીનપંચુકિયા નેતાઓની સમાધીઓ જોઇને સખ્ખત ગુસ્સો ચડે છે, અને જયારે સરખામણી કરું કે બિલકુલ દેવાધિદેવ ની સામે યુગ પુરુષ નું ભાલકા તીર્થ જોડે સરખામણી કરી બેસું ત્યારે તો મગજ તમતમી જાય છે ..અને ફરી એકવાર એની જોડે પણ ઠની જાય ..
મહાબાહો ને રણમધ્યે વિરાટ સ્વરૂપ દેખાડનારો તું કેવી જગ્યાએ પડ્યો છે ? તારું દેહોત્સર્ગ ભાલકા ની દશા તો જો ? અને પેલા તીનપંચુકિયા નેતાઓ ..?
પણ પછી જવાબ આવે કોણ ઓળખશે તીનપંચુકિયા ને એક સદી પછી ?
શું વિસાત છે આ લોકો ની તારી સામે ?
છતાંય વળી વળી ને સવાલ આવે કે ઈશ્વર છે કે મેં અને તમે બનાવેલો છે ? કે પછી ઈશ્વર એ તમને અને મને બનાવેલા છે ?
જવાબ નથી મળતો ,પણ એટલું તો નક્કી છે કે ઈશ્વર નામની સંસ્થામાં વિશ્વાસ કાયમ રાખવા માટે પણ આવા કોઈક ફૂલ વેચવાવાળી દીકરીના સુંડલા કોઈકે તો રૂપિયે ભરવા રહ્યા..!
બધા કામ માટે બારેય મહીના અને ચોવીસે કલાક એને જ યાદ કરીએ પણ એના એક કામ પણ આપણાથી થતા નથી..
પણ છે ઘણા બધા વીરલા સમાજમાં કે જેના થકી હજી ઈશ્વર પણ જીવતો છે..
મારે સાથે જીમમાં એક છોકરો આવતો ,પેહલા ફેસબુક ફ્રેન્ડ થયો અને પછી ફેન થઇ ગયો પછી મેં જીમ બદલ્યું અને એ છોકરા નો સંપર્ક છૂટી ગયો..
એક દિવસ પરિમલ ચાર રસ્તા ક્રોસ કરી રહ્યો હતો અને જોરદાર મોટ્ટેથી બુમ આવી શૈશવભાઈ ..શૈશવભાઈ .. મેં એ દિશામાં જોયું પેલો અસલી હીરો હતો .. મેં બાઈક સાઈડમાં કર્યું અને એ દોડતો આવી ને ભેટી પડ્યો..
બધું નવાજુની વાત થઇ પછી મેં કીધું બકા તું જે કામ કરી રહ્યો છે ને એ મારાથી જિંદગીમાં નહિ થાય ..મને કહે ના ભાઈ એવું કઈ નથી થઇ જાય છે ખબર નહિ પણ હું કોઈ એવું જોઉં ને એટલે મારાથી રેહ્વાતું જ નથી મને ખબર નથી પડતી કે મારામાં કોણ આવે છે અને હું આ કામ કરી લઉં છું..
એ અસલી હીરો રસ્તામાં રખડતા પાગલ લોકો ને પકડી અને પેહલા ચાર પાંચ વખત સાબુ ઘસીને નવડાવે પછી એમના વાળ સરખા કરે, નવા કપડા ખરીદી અને પેહરાવે પછી એમને જમાડે અને ફરી રસ્તે રખડતા મૂકવાને બદલે કોઈ ચોક્કસ આશ્રમમાં મુકે છે અને પછીથી એનું ફોલો અપ પણ લે છે..!!
ત્રીસ વર્ષ હજી એ મારા અસલી હીરા ને પુરા નથી થયા હો ..
કોણ એનામાં આટલો બધો દયા ભાવ ,કરુણા ભાવ જગાડી ગયું એ ખબર નથી પણ એ જે લોકો ને નવડાવે છે એની નજીક પણ તમારા મારા જેવો પાંચ મિનીટ ઉભો ના રહી શકે અને આ છોકરો એને આટલી બધી ટ્રીટમેન્ટ આપે છે..
મેં એને પૂછ્યું બકા તને ઘીન્ન નથી આવતી ?
મને કહે ના શૈશવભાઈ ,મને તો હું જેવો આવો કોઈ ભાઈ કે બેહન જોઉં ને એટલે મારી જોડે જે હોય ને એને એની પાછળ લગાડી દઉં અને હું એને નવડાવવા આજુબાજુમાંથી પાણી શોધું સારા માનો સાબુ શોધું આજુબાજુની દુકાનમાંથી કપડા ખરીદી લઉં અને પછી પાછળ લગાડેલાને ફોન કરું કે ક્યાં છે અને પછી પેલા પાગલ ને પાણી સુધી લઇ જાઉં અને શાંતિથી અને પ્રેમથી નવડાવું ,
મેં કીધું મારતા નથી તને ?
એ હસી ને બોલ્યો મારે ને જોર મારે અમુક વાર તો, પણ પછી ક્યારેક હું બે સામી ઠોકી ને ઘાંટો પાડી ને ચુપ કરી દઉં અથવા મને એવું લાગે કે ભૂખ્યો છે તો પેહલા ખવડાવું પછી નવડાવવાનું ચાલુ કરું ..
મેં કીધું આશ્રમ સુધી કેવી રીતે પોહચાડે ?
ભાઈ એમાં એવું છે ને કે પેટમાં પડે અને ઘણા દિવસે ન્હાય ને એટલે પછી ઊંઘ ચડે જ એટલે ગાડીમાં બેસાડું અને લગભગ ઊંઘી જાય એટલે મારે શાંતિ..!!
છેલ્લો સવાલ મેં પૂછ્યો કેટલા કલાક નો પ્રોજેક્ટ ?
મને કહે ..એક મળે એટલે ચાર પાંચ કલાક તો ગયા જ સમજો
કામધંધો ..?
બોસ સારો છે, સમજે છે, અને ઘણીવાર એ પણ મદદમાં આવી જાય ..
સાલ્લા માંજરાની એક આંખમાં મહાકાલ અને બીજી આંખમાં કાળીયો ઠાકર સાક્ષાત દેખાતા હતા..!!
શ્રધ્ધા ને આસ્થા રાખવી પણ રહી , અને બીજા ની ટકી રહે એવું પણ કૈક જીવનમાં કરવું રહ્યું ..!!
શુભ રાત્રી
શૈશવ વોરા
(ચેતવણી :- આ બ્લોગને પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે , જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)