જ્યોર્જ ફ્લ્યોઈડ ..એક અશ્વેત અમેરિકન ને લગભગ ગળચી દબાવી ને શ્વેત અમેરિકન પોલીસે રામ રમાડી દીધા..સોશિઅલ મીડિયા નો પાવર ફરી એકવાર દુનિયા એ જોયો..!
આખો વિડીઓ જેમાં શ્વેત પોલીસ ઓફિસર હાથકડી બાંધેલા જ્યોર્જ ફ્લોઈડ ઉપર ચડી અને પોતાના ગોઠણ વડે મિસ્ટર ફ્લોઈડ ની ગળચી દબાવે છે અને એ સમયે જ્યોર્જ વિનવણી કરતો કહે છે આઈ કાન્ટ બ્રીધ , હું શ્વાસ નથી લઇ શકતો પ્લીઝ ઓફિસર .. મને પાણી આપો ..
ત્યારે આસપાસ રહેલી પબ્લિક પણ બુમો મારે છે કે આ માણસ મરી જશે ઓફિસર તમે આવું ના કરી શકો , એની પલ્સ છે ? પણ તાનમાં ગુલતાન પોલીસ ઓફિસર કોઈ નું સાંભળતા નથી અને છેવટે ના થવાનું થયું..!
અમેરિકામાં જબરજસ્ત રોષ ફાટી નીકળ્યો છે ,પ્રજા લોકડાઉનની એસી કી તૈસી કરી ને બાહર આવી ગઈ છે.. માનસિક કારણો એવા પણ આવે છે કે લોકડાઉન ને લીધે પ્રજા અને પોલીસ બધાય સમતા
ખોઈ બેઠા છે અમેરિકામાં એટલે આવું થઇ રહ્યું છે..
બીજી તરફ એમ પણ કેહવાઇ રહ્યું છે કે કોરોનાનો ભય પરેશાન કરી રહ્યો છે , નોકરીઓ જતી રહી છે ભવિષ્યના અંધારપટ દેખાઈ રહ્યા છે એટલે રોષ ફાટી નીકળ્યો છે..!
રોમ સળગી રહ્યું છે અને અંકલ સામ ખાંડા ખખડાવી રહ્યા છે..!! ચીન દેશ સામે..!
ભારતે ચેતવા જેવું છે..!
ટ્રમ્પકાકો એમ કહે છે કે ચીન માટે નરેન્દ્ર મોદી નો મૂડ બરાબર નથી અને ભારત સરકારે સ્પષ્ટતા કરવી પડે કે અમારે આવી કોઈ વાત જ નથી થઇ..!
અટલબિહારી બાજપાઈના શબ્દો યાદ કરવા રહ્યા “મૈ હિમાલય કો યુદ્ધભૂમિ નહિ બનને દુંગા..”
આપણું મીડિયા અને સોશિઅલ મીડિયા યુદ્ધ જવરથી પીડાઈ રહ્યું હોય એવું લાગે છે.. ત્યારે પશ્ચિમ આખું એક થઇ ને કુટનીતિથી ચીન દેશ ને ઘેરો ઘાલી રહ્યું છે..!
હોળીનું નાળીયેર આપણે બનવાની જરૂર નથી..!
ચીનના પડખામાં ઘણા દર્દ ઉભા થઇ ગયા છે એમાં સૌથી મોટું શૂળ હોંગકોંગ નું છે , મેઈન લેન્ડ ચાઈના જાણે છે કે જો હોંગકોંગ હાથમાંથી ગયું તો પછી મકાઉ થી લઈને શેનઝેન ને બીજા ઘણા પડકારો ઉભા થશે એટલે સામ ,દામ, દંડ અને ભેદ બધુય મેઈન લેન્ડ ચાઈના વાપરી રહ્યું છે..!
ભારત સાથેનું યુદ્ધ ને ચીન પોતાની સમસ્યા ને બીજી તરફ વાળવા માટે કરે, પણ આવી વાત તો દુનિયા આખી ના બાળકો ને પણ ખબર પડે..
છતાંય બેજિંગ મભ્ભ્મમાં સંદેશો મોકલે છે કે ડ્રેગન અને હાથી સાથે નૃત્ય કરી શકે છે..!
જેટલા અર્થ કાઢવા હોય એટલા નીકળી શકે..
સીધો મતલબ એ થાય કે ડ્રેગન સલવાયુ છે , હવે હાથીની મદદની જરૂર છે,
ખરી અગ્નિ પરીક્ષાનો સમય છે ,
એકબાજુ ભારત દેશમાં કોરોના તાંડવ કરી રહ્યું છે અને એની અસરમાં આર્થિક ક્ષેત્રમાં બંટાધાર થયો છે ને બીજી બાજુ ચીનની સામે પંગો લેવાની કે ચીનની સાથે રેહવાની મોં માંગી કિંમત ભારત દેશ ને મળે તેમ છે..!!
ભારત દેશમાં પણ સમસ્યાઓ ના પાર નથી ,વામપંથી થી લઈને કટ્ટરતા વાદ અને એને પોષનારી અરબ કુટનીતિ હાથી ને ચારેબાજુ શૂળ ભોંકી રહી છે..!
પશ્ચિમ તો આરબ જગત ને પોતના સૈનિક સામર્થ્ય થી કન્ટ્રોલ કરી ગયું છે પણ ભારત ને ભા-બાપા કરવા પડે છે , ક્રુડ ઓઈલ બેઇઝ ઈકોનોમી સખ્ખત પરેશાન કરી રહી છે ભારત ને..!
હાથી ને દુનિયામાં ચાલવા માટેની શેરી દિવસે દિવસે આ કોરોના કાળમાં સાંકડી થતી જાય છે અને મણ એક નું રોજનું ખાવાનું અને કાઢવાનું એ બંને સમસ્યા સતાવી રહી છે..!
ડ્રેગન ને પુછ્ડેથી તાઈવાન કનડે અને મોઢેથી હોંગકોંગ..!
ડ્રેગન ને હાથી જોડે નૃત્ય કરવું છે અને પશ્ચિમને આ બંને ને લઢાવી મારવા છે..!
સંસ્થાનવાદના પતન પછી કેહવાતી સ્વતંત્રતા અને સાર્વભૌમ્ત્વ દુનિયા ભોગવી રહી છે, ગોરા હાકેમો ના દેખીતા અત્યાચારના જ્યોર્જ ફ્લ્યોઇડ જેવા જુજ કિસ્સા બહાર આવે છે પણ છાના કિસ્સા ને તો જરાક પણ બાહર આવવા નથી દેતા હાકેમો..!!
નાનકડું ઉદાહરણ છાના શોષણના કિસ્સા નું જો સમજી શકીએ તો..
સંસ્થાનવાદના પતન પછી એટલું નક્કી થઇ ચુક્યું હતું કે દુનિયા બાહુબળથી નહિ પણ બુદ્ધિના બળે ચાલવાની છે અને એના માટે અમેરિકા અને પશ્ચિમ ના રાષ્ટ્રો એ પોતે ઉભી કરેલી યુનિવર્સીટી બેઇઝ શિક્ષણ પદ્ધતિ વડે ભારતના સૌથી શક્તિશાળી “બ્રેઈન” પેહલા ગ્રીનકાર્ડ અને પછી એચ વન કરી ને પોતાને ત્યાં ખેંચી લીધા..!!
હવે વિધિની વિટંબણા જુવો કે એચવન નો ક્વોટા ઘટે તો ભારત સરકાર હરખાવાની બદલે નિરાશ થાય છે અને અમેરિકન સરકાર ને અરજ કરે છે કે આવું ના કરો ભૈસાબ..! અરે આ તો ખુશ થવા જેવી વાત છે ,આપણા શક્તિશાળી બ્રેઈન આપણી પાસે રેહશે..!! આ વાતની વિરોધમાં કોઈને બીજો કોઈ વિચાર આવે એ પેહલા કહી દઉં કે અમેરિકનો મેડીકલની મેજર બ્રાંચ જેવી કે સર્જરી વગેરે વગેરેમાં છેલ્લા ઘણા સમયથી “બહાર” ના ને પેસવા દેતા નથી..!! હવે જે ધંધો આપણી જોડે થયો એ જ ધંધો ચીન દેશ જોડે થયો છે ત્યાં ના દિમાગ પણ પશ્ચિમ
ચાવીગયું છે..! સીલીકોન વેલી દેસી અને ચીનાઓથી ભરી પડી છે આખી..! છતાં પણ એલીટ ક્લાસ પશ્ચિમમાં હજી પણ એક ચોક્કસ વર્ગ જ ગણાય છે..! આપણા માટે આમ જોવા જઈએ તો એક ને ઉઠાડો અને બીજા ને બેસાડો એવો ઘાટ છે, ચીન દેશ કઈ આપી નથી જવાનો અને પશ્ચિમ કશું રેહવા નહિ દે..! ચીન દેશ
જમીનલઇ જશે અને પશ્ચિમ
છોકરાખાઈ જશે..!! ખરી કસોટી ભારત માટે આવી છે
કલ્લીઆપી ને
રૂપિયોકઢાવવા નો છે કે
રૂપિયોઆપી ને
કલ્લીકાઢવાની છે એ નક્કી કરવાનું છે..! બીજા વિશ્વયુદ્ધ પછી પશ્ચિમ ક્યારેય પોતાની ભૂમિ સુધી યુદ્ધ ના આવે એની ભરપૂર તકેદારી રાખે છે..! કિમ જોંગ ને મળવા એમ નેમ
કાકા` પોહચી ગયા હતા ..?
દક્ષિણ ચીની સમુદ્ર લાલ થતો હોય તો થવા દેવાય..!
આપણે તો શંતિના દૂત, શાંતિ સેના મોકલાય..!!
કલિંગના મહાયુદ્ધ પછી જ બુધ્ધમ શરણં ગછ્છામિ થયું હતું..!
શુભ રાત્રી
શૈશવ વોરા
(ચેતવણી :- આ બ્લોગને પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે , જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)