બીઆરટીએસ નો પાંજરાપોળ પાસે થયેલો અકસ્માત આજે સોશિઅલ મીડિયા ઉપર બહુ જ ગાજ્યો છે , એકલો ગાજ્યો નહી પણ જોડે આંસુડા પણ વરસ્યા છે, બબ્બે જુવાનજોધ છોકરા રામશરણ પામ્યા છે..દુઃખની ઘડી છે ..
આજના સમયમાં જિંદગીની કિંમત ખુબ વધી ચુકી છે , પરિવારો પ્રેક્ટીકલી સંકોચાઈ ગયા છે એવા સમયમાં એક પણ જિંદગીનો લોસ એક આખા પરિવારને સમૂળગો છિન્નભિન્ન કરવા માટે નું કારણ બની જાય છે..
મૃતક તો જાય જ છે ,પણ જોડે જોડે પાછળ બચેલા પરિવારની જિંદગીઓ દોજખ બની જાય છે..
બહુ સીરીયસલી સરકાર અને સમાજ બધાએ વિચારવું પડે તેમ છે ..
ઘટના ઘટી ગયા પછી તો કોઈ કશું જ કરી શકતું નથી ,પણ એક બોધપાઠ લઇ અને ભવિષ્યને સુરક્ષિત કરી શકીએ તો પણ મૃત્યુ લેખે લાગશે..
બે મુદ્દા ઉભરી આવ્યા એક બીઆરટીએસ સીસ્ટમ ઉપર સવાલ ઉભો થાય છે અને બીજો હેલ્મેટ પેહરી હોવા છત્તા પણ માથું કેમનું ફાટી ગયું ???
પેહલા હેલ્મેટની વાત..
હેલ્મેટના મુદ્દે બેબાકી થી મારી વાત છેલ્લા એક વર્ષની જીટીપીએલના ગુજરાત ન્યુઝ ચેનલ ઉપર હું મુકતો આવ્યો છું ,આજે પણ મૂકી છે આવતીકાલે કલીપ આપીશ ,
ઘણો જ વિરોધ કર્યો છે મેં ,હું સ્પષ્ટ રીતે માનું છું કે સાહીઠ ફૂટથી મોટા રોડ ઉપર જ હેલ્મેટ ફરજીયાત કરવું જોઈએ સીટી એરિયાની નાની નાની ગલીઓ માટે હેલ્મેટ સદંતર ભાર રૂપ જ છે અને બીજું કારણ આજે બજારમાં મળતી હેલ્મેટ માં સેફટી ઓછી અને વધુ ભ્રષ્ટાચાર ને જન્મ આપે છે ..
હેલ્મેટના સેફટીના યુરોપિયન કે અમેરિકન સ્ટાન્ડર્ડ ની સાથે આપણા સ્ટાન્ડર્ડ બહુ જ ઉણા ઉતરે છે , મારો એક સવાલ એ પણ રહ્યો છે કે બજારમાં મળતી હેલ્મેટની ગુણવત્તા માટે જવાબદાર કોણ છે ?
આરટીઓ ? એઆરડીઆઈ ? ટ્રાફિક પોલીસ ?
કયું ડીપાર્ટમેન્ટ ભારત સરકારનું કે રાજ્ય સરકારનું હેલ્મેટની ક્વોલીટી માટે જવાદાર છે ?
ટીવીની ડીબેટમાં મારો સવાલ હમેશા હોય છે કે જેમ મીઠાઈની દુકાનો ઉપર દરોડા પડે છે તેમ હેલ્મેટ ની દુકાનો ઉપર કે પછી હેલ્મેટ બનાવતી ફેક્ટરી ઉપર ક્યારેય દરોડો પડ્યો છે ?
અને પડ્યો છે તો ક્યારેય તમે કે એવું વાંચ્યું કે અમુક હજાર હેલ્મેટ નો નાશ કરવામાં આવ્યો ?
હવે એક વેહપારી તરીકે સવાલ એમ થાય કે પાંચસોથી સાતસો રૂપિયાની એવરેજથી વેચાતી હેલ્મેટમાં રો મટીરીઅલ કેટલા રૂપિયાનું ? અને કેટલું ?
સાતસો રૂપિયામાં હેલ્મેટ વેચનાર ,ડીલર ,ડીસ્ટ્રીબ્યુટર અને મેન્યુફ્રેકચરર ના માર્જીન કાઢો સરકારી ટેક્ષ બાદ કરો તો કયું ,કેટલું ,કયું અને કઈ ક્વોલીટીનું મટીરીયલ હેલ્મેટ માટે વપરાતું હશે ?
સરકાર એવો દાવો કરી રહી છે કે હેલ્મેટ આપણા મસ્તિષ્કની સુરક્ષા માટે છે ..!!
તો કેટલા ક્રેશ ટેસ્ટ એક આઈએસઆઈ પાસ હેલ્મેટ ઉપર થાય છે ? કેટલા ડ્રોપીંગ ટેસ્ટ અને ક્યા સંજોગોમાં થાય છે એના ખુલાસા આજે જરૂરી બની ગયા છે..
આપણી ગાડીઓના ક્રેશ ટેસ્ટમાં તાતાની નેક્સોન સિવાય ઘણી બધી ગાડીઓ નાકામ રહી છે અથવા તો નેક્સોનની સરખામણીમાં ઉણી ઉતરી છે ..
એ જ રીતે ભારતીય બજારમાં મળતી હેલ્મેટ જો ડીઓટી કે સ્નેલના સ્ટાન્ડર્ડ જોડે સરખાવીએ તો ઉતરતી સાબિત થાય તેમ છે ,
જો ખરેખર સરકારો આપણા માથાની ચિંતા કરવા માટે જ આપણને પેહરાવતી હોય તો આવી ઘટિયા હેલ્મેટ ને તિલાંજલિ આપવી પડશે ..
મીનીમમ સાત આઠ હજાર રૂપિયા ની આંતરરાષ્ટ્રીય માપદંડો ઉપર ખરી ઉતરે એવી હેલ્મેટ બજારમાં મળે છે..એ પેહરવી પડશે ..
ખરેખર કામ અહિયાં થવું જોઈએ ,
એક સ્વતંત્ર ઓથોરીટી હેલ્મેટની ક્વોલીટી ઉપર નજર રાખવા ઘડવી પડશે અને આ નહિ થાય ત્યાં સુધી જનસાધારણ એમ જ માનવાની છે કે હેલ્મેટ તોડપાણી કરવા જ છે..!!
તાત્કાલિક ધોરણે દરોડા પાડી પાડી અને ફક્ત અને ફકત દંડથી બચવા માટે પેહરાતી હેલ્મેટો નો નાશ કરો..!!
આજે તો એવું પ્રતીત થાય છે કે સરકારમાં બેઠેલા અને અધિકારીઓ એમ જ માની રહ્યા છે કે માથા ઉપર કૈક મુકેલું હોય એટલે માથું સલામત છે ..
ક્યા બાત હૈ ..શું વહીવટદારો આપણને મળ્યા છે..!
હવે વાત બીઆરટીએસ ની ..
તદ્દન ફેઈલ ગઈ આખી સીસ્ટમ .. બસ રેપીડ ટ્રાન્ઝીટ સીસ્ટમ..
રેપીડ શબ્દનો અર્થ પેહલા શીખવાડવો પડે તેમ છે …!! અને પછી કાઢી નાખવો રહ્યો..
સો-સો બસ્સો મીટર ના અંતરે આખા બીઆરટીએસના ઋટ માં બાખા પાડી ને મુક્યા અને એ ઋટમાં કોઈ ઘૂસે નહિ એટલે કેમેરા અને માર્શલો ગોઠવ્યા ..
શું શું નથી કર્યું ???
ટકાની ડોશી ઉપર ઢબુના મુંડામણ કર્યા ,
બીઆરટીએસના રૂટ સુધી પોહચવા ફીડર બસો આવી હતી ક્યાં મરી ગઈ એ બધી બસો ..?
અણઘડ વહીવટનો ઉત્તમ નમુનો એટલે બીઆરટીએસ ..અઢળક રૂપિયાના આંધણ કર્યા પછી પણ લગભગ નિષ્ફળ કહી શકાય એવી પરિસ્થિતિ છે .. બેફામ ડ્રાઈવરો અને પીક અવર્સમાં ભીડ ભીડના ભડાકા અને બાકીના સમયમાં ખાલી પડેલા આખા ને આખા ટ્રેક..!!
એકપણ બીઆરટીએસનો રૂટ એવો નથી કે જે ટ્રાફિકની ઘોર સમસ્યાથી ઝઝૂમી ન રહ્યો હોય..!!
નેવું ટકા લોકો માટે આવવા જવાના થઈને પચાસ ટકા રોડ અને દસ ટકા પ્રજા માટે બાકીનો પચાસ ટકા..!
બહુ જ એવું લાગતું હોય કે બીઆરટીએસ ને કોઈપણ ભોગે સફળ કરવી જ છે તો પછી ઓડ ઇવન ચાલુ કરો , પ્રાઈવેટ ગાડીઓ ને બીઆરટીએસના રૂટ ઉપર ચલાવવા ઉપર પ્રતિબંધ ,બધાએ ફરજીયાત બીઆરટીએસમાં જવાનું ..
એમાં શું થઇ ગયું પેટ્રોલ ડીઝલની બચત વળી..!!
બકરાનું કુતરું છેક પંચતંત્રના જમાનાથી કરતા આવ્યા છીએ એકવાર વધારે ..!
ઓન સીરીયસ નોટ જો બીઆરટીએસ ને ચલાવવી જ હોય તો સળંગ ત્રણ ચાર કિલોમીટરની વચ્ચે એકપણ બાખું ના આવવું જોઈએ અને એક બાજુથી બીજી બાજુ જવા માટે ઘણા બધા ફૂટઓવર બ્રીજ બનાવવા રહ્યા ..
હાલ જ્યાં સુધી મેટ્રો સુચારુ રૂપથી શરુ ના થાય ત્યાં સુધી પીક અવર્સ સિવાય બીઆરટીએસ ના રૂટ ને પ્રાઇવેટ ગાડીઓ અને ટુ વ્હીલર માટે રીવરફ્રન્ટની જેમ ખોલી નાખો જેથી લેવાદેવા વિનાના ધુમાડા અટકે ..
ઉત્તમ નમુનો જોવો હોય તો સારંગપુર પુલ પાસે બપોરે બે વાગ્યે જોજો શું ખતરનાક ટ્રાફિક હોય છે..!! અને બીઆરટીએસ ના રૂટ ખાલી..!!
સીસ્ટમ એ પણ સમય સમય પર મંથન કરવું રહ્યું અને વ્યવસ્થામાં સુધારા વધારા કરવા રહ્યા જેથી આવી રીતે નવાણીયા કુટાઈ ના જાય..
દુઃખદ ઘટના છે ,પણ સરકાર અને સમાજ ભેગા થઇને કોઈ નિર્ણય કરશે અને અકસ્માતો રોકાશે તો નગરજનો ને શાતા વળશે..
ખોટા મેસેજ ફેરવીએ કે હેલ્મેટ પેહરી હતી તો પણ મૃત્યુ થયું હવે સરકાર વળતર આપે તો એ પણ યોગ્ય નથી ..
વળતર આપવું ના આપવું એ સરકારના મોભી ની મુનસફી ઉપર છે પણ ફરી ફરી ને વળતર આપવું જ ના પડે એવું તંત્ર ગોઠવવું એ પણ એમની ઉપર જ છે..
વિચારજો , સાચવી ને ચલાવજો ..
તમારા અને મારા જ નહિ દરેકના ઘેર ,ઘરના બધા જ રાહ જોતા બેઠા હોય છે..!!
જેટલું મોટું વાહન ચાલવતા હો એટલી જવાબદારી પણ મોટી ,આ વાત ને પણ વાહન ચલાવતી વખતે યાદ રાખવી ઘટે..
શુભ રાત્રી
શૈશવ વોરા
*(ચેતવણી :- આ બ્લોગને પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે , જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)*