
આજકાલ પેલા રી-યુનિયનો ખોવાઈ ગયા છે ..
બહુ ફોટા ક્યાંય અપલોડ થતા નથી..!
બે ચાર વર્ષ પેહલા રીયુનિયનના વાયરા વાયા હતા ,હવે અચાનક ઠરી ગયા હોય એવું લાગે છે ,
લાગે છે બધા એકબીજાથી ફરી એકવાર `ધરાઈ` ગયા છે..!!
જુના મિત્રો ગમે ,પણ જેમ જેમ સંપર્ક વધે તેમ તેમ કોઈ ને કોઈ પોતાની `પોઝીશન` બતાડવાનું જાણ્યે અજાણ્યે ચાલુ કરી દે અને પછી એમાં બે ચાર કોઈ એમએલએમ કે ઇન્શ્યોરન્સની લાઈનમાં હોય એટલે પછી એમના જબરજસ્ત ફોલોઅપ ચાલુ થાય,
વત્તા જુના ત્રીસ ભેગા થયા હોય એમાંથી બે ચાર છેકે છેક થી કનેક્તેડ રહેલા હોય એટલે એ જુદા ભેગા થાય ત્યારે બાકીના ની કુથલી રસ નો આનંદ લેતા હોય એટલે પછી ધીમે ધીમે રીયુનિયન તૂટી પડે છેલ્લે વોટ્સ એપ ગ્રુપ સુધી સીમિત થઇ ને રહી જાય..!!
વોટ્સ એપ ગ્રુપોમાં પણ હેપી બર્થ ડે,આરઆઈપી,ગુડ મોર્નિંગ ,ગુડ નાઈટ ચાલતા હોય એટલે જુના ઉભરા ઝટ શમી જાય..!!
રીયુનીયનમાં બીજું એક આકર્ષણ `પેલા` ને `પેલી` નું હોય અને `પેલી` ને `પેલા` નું હોય છે , ભૂતકાળમાં `નજરો` લડેલી હોય પણ વાત આગળ વધી ના હોય કે પછી વાત આગળ વધી ને ખેલ બગડી ગયો હોય એ બધા ને સ્કુલ કે કોલેજ છોડ્યાને ત્રીસ વર્ષે કેવો લાગે છે અને ક્યાં પોહચ્યો કે પછી કેવી લાગે છે અને મારા કરતા સારો મળ્યો કે મળી નહિ ..? એ ડેટા ભેગો કરવાનો હોય છે ..
શરુ શરુમાં એકઠી કરેલી બધી `સારપ` ઠલવાઈ જાય પછી ઓરીજીનલ “જાત” ઉપર માણસ આવી જાય એટલે એમ થઇ જાય કે ઠીક મારા ભાઈ..!!
ત્રીસ ભેગા થયા હોય એમાં બે ચાર ના સેટિંગ રીવાઈવ થાય ,ધણી બાયડીથી છાનો વોટ્સ એપ કરતો અને બાયડી ધણી થી,,
અલ્ટીમેટલી બેઉ કંટાળે ,એક તો મેસેજ વાંચવા પણ બેતાલા જોઈતા હોય ત્યાં એટલે ત્યાં જ એક્સાઈટમેન્ટ અડધા થાય પછી બેઠેલા ઉભા થવામાં ટેકા જોઈએ એટલે બાકી રહેલી કસર પણ પૂરી..!!
બીજા પણ ઘણા કારણો હોય છે , કોલેજ કે સ્કુલમાં છુટા પડ્યા હોય ત્યારે પેલાને લેહરાતા ઝુલ્ફ હોય અને પેલી ની મેન્ટેન ભાગ્યશ્રી જેવી ફિગર હોય , એને પચ્ચીસ ત્રીસ વર્ષ સુધી એને દિમાગમાં યાદ રાખી રાખી ને મનમાં કેટલીય વાર પરણ્યા હોય ને કેટલીય વાર મનમાં જ રાંડયા હોય ,એવામાં ફરીએકવાર પેલો કે પેલી પચ્ચીસ ત્રીસ વર્ષે મળે ત્યારે આખું ચિત્ર રમણ ભમણ થઇ જાય..!!
જો કે એકાદું સરપ્રાઈઝ પણ હાથ લાગી જતું હોય છે અને કેવી હતી અલ્યા આ તો ? અને કેવો ગગો હતો એમાંથી જો કેવો થઇ ગયો છે ..
એવું પણ થાય છે..
તો પણ સમય નો માર એટલી ખતરનાક વસ્તુ છે કે ભલભલી ઈમારતો ને ખંડેર કરી મુકે છે ..
શરીર ને જોઈ ઓળખી સ્વીકારી લીધા પછી એકબીજાની પોઝીશનો સ્વીકારવાની આવે, અઘરું ત્યાં જ પડે આ બધા રીયુનિયનમાં ,
પેહલા પણ માંડ માંડ એકબીજાની ઉડાવતા ઉડાવતા સ્વીકાર્યા હોય અને હવે તો `ઘડા` અને `કાંઠલા` બધુય પાકું થઇ ગયું હોય કેમના સ્વીકારી શકે..?
એકેએક જુદા જુદા સંજોગોમાંથી પસાર થયા હોય કોઈ સીધું પસાર થયું હોય અને કોઈ પીસાઈ ને પસાર થયું હોય એ બધું જ લગભગ છુપાવી દેવાનું હોય રીયુનિયનમાં..!
હા બે ચાર મિત્રો એવા રહી ગયા હોય કે જેમાં સુખદુઃખ વામીએ અને ક્યારેક એકાદો જુનો ખરેખર દિલથી જોડાઈ જાય એવો હાથ લાગી ચડે..!!
છોકરાઓમાં પેહલેથી જેના અપલખ્ખણો મળતા હોય અને બીજા જેમણે પાછળથી સ્વીકાર્યા હોય એ બધા પેહલા ભેગા થઇને આબુ કે ઉદેપુર જાય ને પછી થોડા વધારે અપલખ્ખણ મળી ગયા હોય તો બેંગકોક .બાકુ ,આમ્સ્ટરડેમ કે પછી પ્રાગ ની ટ્રીપ ગોઠવાય ..
ડીપેન્ડ કે ખિસ્સામાં ખણખણી કોના કેટલા કુદી રહ્યા છે…!!
પેલું વોટ્સ એપ જ્ઞાન એ તો પરમ સત્યનું રૂપ ધારણ કરી લીધું છે કે ગુણ મળે તો લગ્ન થાય ને અવગુણ મળે તો દોસ્તી..!!
બાકી તો ભરી દુનિયામાં એકલા ફરતા આજ ના માણસ ને સોશિઅલ મીડિયાનો જ સહારો બચ્યો છે,
ઘણા પ્રકારની મિત્રતા આપણા જુના શાસ્ત્રો એ વર્ણવી છે કૃષ્ણ સુદામાની શ્રેષ્ઠ ગણી છે હું તો ક્યારેક એમાં પણ ખોટ જોઈ લઉં છું કે આ બંને મોટા થઇ ને પણ રોજે રોજ મળતા હોત ને તો કૃષ્ણએ કદાચ સુદામા ને બ્લોક કરી દીધો હોત ..!
અથવા તો સુદામા ક્યાંક કૃષ્ણ ને ત્યાં જોબ પર લાગી ગયો હોત, નહિ તો છેવટે સુદામા ભક્તિ છોડીને ભાટાઈ ઉપર આવી ગયા હોત..!!
આર્થિક અસમાનતા દોસ્તી માટે બહુ બુરી ચીજ છે..!!
માન્યું કે સબંધ હૈયા ના છે પણ જયારે જયારે આર્થિક અસમાનતા વધે ત્યારે હૈયા ના હેત ક્યાંક અલોપ થઇ જાય છે..!!
અને વાંક કૃષ્ણ નો જ આવે છે જયારે તાલી હંમેશા બે હાથે જ પડતી હોય છે…!
અજબ દુનિયાની ગજબ વાતો છે ,
રશિયામાં હમણાં એક ઝૂ માં બકરો મરી ગયો એની બહુ ચર્ચા થઇ ,
થોડાક વર્ષો પેહલા વાઘના પાંજરામાં એ બકરા ને મારણ તરીકે મુકવામાં આવ્યો હતો પણ વાઘ ને બકરો ગમી ગયો અને બંને વચ્ચે દોસ્તી થઇ ગઈ બંને એકબીજા જોડે મારામારી પણ કરી લેતા ઘણો સમય ચાલ્યું પણ હમણાં વાઘની ઝાપટ જરાક જોરથી વાગી ગઈ અને બકરો કોમા માં જતો રહ્યો , ડોકટરો એ ઘણી મેહનત કરી પણ ઝાપટ વાઘની હતી અને ઝાપટ ખાનારો બકરો હતો એટલે બકરો રામશરણ થઇ ગયો ..!
બસ આવું છે..
દોસ્તી ટકાવવાની જવાબદારી હંમેશા વાઘની જ રહે છે કેમકે એની પાસે પાવર છે , વાઘ એ સમજવાનું છે કે સામે બકરો છે જો જરાક જોર વધી ગયું તો દોસ્તી અને દોસ્ત બધું જ જતું રેહશે , અને જો બકરો પણ સમજી ને ચાલે કે હું વાઘ નો દોસ્ત છું તો વાઘની ઝાપટ ના પડે..!!
અન્યોઅન્ય છે ..!
સ્કુલ કે કોલેજમાં થયલી દોસ્તી સાચી અને સારી પણ સમયની રેતી ,ઈંટ ,કાંકરા ,સિમેન્ટ એની ઉપર ચડી ગયા હોય તો એ દોસ્ત ને નવો જ ગણવો ,
વાઘ છે કે બકરો એ જાણીને મસ્તી કરવી..!!
રીયુનિયનના ઉભરામાં ઉબરાઈ ના જવું ..!
આપનો દિન શુભ રહે
શૈશવ વોરા
*(ચેતવણી :- આ બ્લોગને પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે , જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)*