શનિવાર અને રવિવાર બે દિવસ એક સેમીનાર એટેન્ડ કરવામાં જતા રહ્યા, ખબર જ ના પડી કે વિકએન્ડ ક્યાં જતો રહ્યો..
ભારતીય વિચાર મંચ એ આયોજન કર્યું હતુ આ સેમીનારનું અને વિષય હતો “હિંદુ રાજનીતિ”..
એક એક વક્તા ખુબ જ જ્ઞાની પ્રતીત થતા હતા,મારા જેવા માટે આ પેહલો અવસર હતો આ પ્રકારના સેમીનારમાં જવાનો..
આખો સેમીનાર લગભગ ભૂતકાળની ભારતવર્ષની રાજનીતિ,રાજકીય સીમાડા, રાજા રજવાડા,કોલોનિયલ કાળ અને એમાં વચ્ચે વચ્ચે વર્તમાન રાજનીતિનો ઉલ્લેખ એની આજુબાજુ ફર્યો..
ભૂતકાળ બહુ પાછળ ગયો, છેક વેદો સુધી ગયો અને એમાં રાજાઓ અને રાજાના કર્તવ્યોની ચર્ચા થઇ..
હું માનું છું કે ભવિષ્ય હમેશા ભૂતકાળને બાપ બનાવી અને વર્તમાનની કુખેથી જન્મે છે અને ભૂતકાળ એટલે ઈતિહાસ..!!
ઈતિહાસ હમેશા રોચક હોય છે એને જોવો, જાણવો,સાંભળવો અને સમજવો ગમે પણ જયારે એની સત્યાર્થતા કેટલી?એવો સવાલ આવે ત્યારે થોડું બઘવાઈ જવાય..
કેમકે એની સત્યાર્થતા પુરવાર કરવા કોઈપણ પ્રકારની સાબિતી શોધવા માટે પત્થરોમાં જવું પડે, ત્યારે જ સાબિતી હાથમાં આવે.. એક કેહવત ડો શરદ હેબાલકરજી બોલ્યા..ક્યાં તો બાપ બતાડો નહિ તો શ્રાદ્ધ કરો..
ઈતિહાસના સંદર્ભમાં મને એ વાત ઘણી સાચી લાગી..અને એ વાત પણ કદાચ હકીકત હોઈ શકે,ભારતીય રાજપુરુષો હંમેશા રાજા રામચન્દ્રજીને આદર્શ માની અને રામરાજ્યની કલ્પના અને વાતો કરતા આવ્યા છે..
મને રામ અને કૃષ્ણ એ બંનેમાં રામ નો કાળખંડ હજારો વર્ષો નહિ પરંતુ લાખો વર્ષ પૂર્વે નો પણ હોઈ શકે છે એવું લાગે છે..
રામના કાળખંડ માટે મેં મારી પોતાની એક થીયરી મેં ડીરાઈવ કરવાની કોશિશ કરી છે..
પૃથ્વી પરના માનવ જીવનના ઈતિહાસમાં ઉત્ક્રાંતિ દરમ્યાન એક કાળખંડ એવો હતો કે જયારે હોમો સેપીયંસ સેપીયંસ, હોમો સેપીયંસ, હોમો ઇરેકટસ અને કદાચ નીએન્ડરથલ મેન આ બધા જ એક સમયે સાથે જીવતા હતા,અસ્તિત્વ ધરવતા હતા,અને ઉત્ક્રાંતિ એ સમયમાં ખુબ જ ઝડપથી આગળ વધી રહી હતી ..
રામાયણના વર્ણનોમાં હનુમાનજી થી લઈને બધા જ વાનર મને હોમો ઇરેકટસ અને નળ-નીલ મને નીએન્ડરથલ મેન લાગ્યા છે..
અને રાવણ ઈત્યાદી જે રાક્ષસ કુળ અને દેવતાઓ એ બધા મને ઉત્ક્રાંતિમાં હોમો સેપીયંસ સેપીયંસ કરતા આગળ ગયેલા લાગ્યા છે..
હવે કદાચ એવું બન્યું હોય કે રામ નામના કોઈ એક હોશિયાર હોમો સેપીયંસ સેપીયંસ એ હોમો સેપીયંસ, હોમો ઇરેકટસ, નીએન્ડરથલ મેન અને હોમો સેપીયંસ સેપીયંસ થી આગળ ગયેલા રાક્ષસ કુળને એક સાથે એક મહાયુદ્ધમાં એકબીજા સાથે લડાવી માર્યા અને એ યુદ્ધના અંતે ફક્ત હોમો સેપીયંસ સેપીયંસ ના જીનેટીક્સ ધરાવતી પ્રજા પૃથ્વી પર રહી ગઈ..
મારી આ માન્યતા પાછળ બીજો એક કુરિવાજ પણ સપોર્ટમાં છે, આજ ની તારીખે એકવીસમી સદીમાં પણ દૂર અંતરીયાળ વિસ્તારોમાં જયારે જયારે કોઈ જીનેટિક વિકૃતિ ધરાવતું બાળક જન્મે છે એને લગભગ મારી નાખવામાં આવે છે..અને હોસ્પિટલોમાં પણ જીનેટિક વિકૃતિવાળા જીવને સ્વીકાર્યતા નથી..!!!
કદાચ આપણા મનુષ્યોના જીનેટિક કોડમાં લખાઈ ગયું છે કે આપણા કરતા જુદા પ્રકારના જીનેટીક્સ ધરાવતુ માણસની નજીક લાગતુ અને માણસ ના હોય એવા કોઈપણ પ્રાણીને આપણે જીવવા દેવું નહિ..!
પણ દરેક સવાલ ત્યાં જ આવી ને ઉભો રહે છે કે બાપ બતાવ નહિ તો શ્રાદ્ધ કર ખોટી વાર્તાઓ નહિ કર..!!
એટલે હિંદુ રાજનીતિનો મોટો આધાર સ્તંભ રાજા રામચંદ્રજી પુરવાર થતા નથી..!!
અને બીજો એક પ્રોબ્લેમ અત્યારે એ છે કે 1947 પછી ભારતે એકપણ રાજા જોયા નથી, ભારત વર્ષના છેલ્લા રાજા કિંગ જ્યોર્જ પંચમ હતા..!!
અને છેલ્લા હિંદુ રાજા નેપાળના મહારાજા રાવ બીરેન્દ્ર સિંગ હતા એમના સ્વર્ગવાસ પછી આવેલા એમના ભાઈને પ્રજા એ ભૂંડેહાલ કાઢ્યા..
એટલે એવું કહી શકાય કે અર્વાચીન યુગમાં છેલ્લા હિંદુ રાજા નેપાળના રાવ બીરેન્ર્દ્સિંગ હતા ,એ સિવાયના તમામ રાજા રજવાડા વિનાના રાજા છે અને હતા..!
અત્યારે આ વાત નો ઉલ્લેખ કરવાનું કારણ એટલું જ કે હિંદુ રાજનીતિ હમેશા રાજાની અને રાજસિહાસનની આજુબાજુ ફરતી અને લખાઈ છે..
અને છેલ્લા પાસઠ વર્ષમાં રાજા તો રહ્યા નથી ..!!
ભારતના પેહલા પ્રધાનમંત્રી નેહરુ પોતાની જાતને “પ્રથમ સેવક” કેહતા અને હાલમાં નરેન્દ્ર મોદી પોતાની જાતને “પ્રધાન સેવક” કહે છે
તો પછી આ આખે આખી હિંદુ રાજનીતિ જેમાં રાજા ના કર્તવ્યો ,રાજ કેમ ચલાવવુ,રાજા ના અધિકાર, રાજા ની ફરજો, રાજ્યસત્તા ઉપર ધર્મસત્તાની લગામ આ બધા ઉપર જ ફરે છે..!
અને ખાટલે મોટી ખોડ કે રાજા રહ્યો જ નહિ અને દર પાંચ કે દસ વર્ષે રાજા બદલાય અને જો અક્કરમી પ્રજા જો ઊંધું ચત્તું વોટીંગ કરે તો દર વર્ષે વર્ષે રાજા બદલાય એવા સંજોગોમાં રાજ માં નીતિ જેવું કઈ રેહતુ જ નથી..!!
તો હિંદુ રાજનીતિને અત્યારના લોકશાહી પદ્ધતિમાં કઈ રીતે સેટ કરવી..?
કદાચ અમેરિકાની જેમ પ્રમુખશાહી હોત તો પણ આપણને એ એપ્લાઇ કરવામાં તકલીફ ઓછી પડતે, પણ અત્યારે જે રીતે સંઘીય ઢાંચો બન્યો છે અને સંસદીય લોકતાન્ત્રિક પ્રણાલી ગોઠવાઈ છે એમાં તો કોઈક જુદું મોડેલ જ ડેવલપ કરવું પડે અને જુદુ મોડેલ ડેવલોપ કરવુ એ પણ ભારત જેવા વિશાળ રાષ્ટ્ર માટે એટલે ઓછામાં ઓછી ત્રણ પેઢી જાય, લગભગ સાહીઠ વર્ષ બીજા લાગે બાકી તો એ શક્ય નથી ભાઈ. .!!
આમ પણ દુનિયામાં રાજા રજવાડા પરથી લગભગ પ્રજાનો હવે મોહ ઉતરી ગયો છે..અને વધુ એકાદ બે પેઢી જશે એટલે સંપૂર્ણ રીતે ખાલી વાર્તાઓ માં જ રહી જશે એક રાજા અને રાણી..!
હિંદુ રાજનીતિ શબ્દ જ ગૌરવ પ્રદાન કરનારો છે પણ અફસોસ અમલ નહિ થાય..!!
મુખ્ય પાત્ર રાજા જ ખૂટે છે..!!
આપનો દિવસ શુભ રહે
શૈશવ વોરા