હું એટલે કે શૈશવ ..!!
જીવનનું ત્રેપનમુ રમખાટ જઈ રહ્યું છે ..
મિડલક્લાસ માણસને આવતી તકલીફો અને મળતી સગવડો બધુય આવે છે અને જાય છે ..!
બહુ વર્ષોથી મને પુછાઈ રહેલા સવાલોના જવાબ આપવાની એક કોશિશ…ઘણા બધા લોકો હવે પૂછે કે શૈશવ તું આટલું બધું લાંબુ કેમ લખે છે ? અને શું લખે છે ? અને ક્યારનો (સાત આઠ વર્ષથી ) કેમ લખે છે ?
મને લાગે છે કે હું જયારે બ્લોગ લખું છું ને તે સમય મારો છે, મારો પોત્તાનો સમય.. “મી ટાઈમ” જેને લોકો કહે છે ઓળખે છે..ઘણી શાંતિ મળે છે .. મારું બોલવાનું બંધ થઇ જાય છે અને મારી પોતાની જાત સાથે વાતો કરવાનું ચાલુ થઇ જાય છે..!
આટલો બધો સમય કેવી રીતે મળે છે ? અમને તો વાંચતા જ તકલીફ પડી જાય છે ?આટલું લાંબુ લાંબુ..
સાચ્ચું કહું ,બહુ સમય ખરેખર નથી લાગતો .. અડધો પોણો કલાક માંડ થાય છે .. અને એમાં મેં મારી પોત્તાની મર્યાદા બાંધી છે ૮૦૦ શબ્દોની આજુબાજુ થાય એટલે હું પૂરું કરી નાખું છું ,લાલચ તો ઘણી થાય છે કે લખ્યા જ કરું ,પણ અટકી જાઉં છે ..!
જાત સાથે વાતો કરવાની બહુ મજા આવે છે .. દિવસ દરમ્યાન બનેલી ઘટનાઓને વાગોળવાની મજા આવે છે અને એમાંથી કોઈક નિષ્કર્ષ મળે છે ..
હવે વારો ઘટનાનો..
થોડાક દિવસ પેહલા એક “બાળક” લગભગ બત્રીસ કે તેત્રીસ વર્ષનું કીટલીએ મળ્યું ..! રંગેરૂડોને રૂપે પૂરો .. દિસંતો કોડીલો કોડામણો ..!
એના જીવનમાં એક અપેક્ષીકૃત ઘટના ઘટી ..
ઘરના કોઈક સ્વજનના મૃત્યુ પછી એને બહુ મોટો વારસો મળ્યો ..!
જો તમે મધ્યમવર્ગના છો તો જરાક છાતીએ હાથ મૂકી દેજો .. લગભગ બસ્સો કરોડ રૂપિયાનો ..!
અને બાળક પોતે પણ ઘણું કમાય છે સેટ છે ..
બાળક સંપૂર્ણપણે વૈચારિક રીતે મારું પોત્તાનું હોય એવી રીતે અમારી મિત્રતા છે , જીવનમાં કોઈપણ નવું કામ કરીને આવે જેવું કે કોઈ નવી ગાડી લીધી, કે ધંધામાં નવો પ્રોજેક્ટ ..એટલે હજાર માણસની વચ્ચે નીચે નમીને પગે લાગે.. કાકા આશીર્વાદ .. અને એકલામાં ડોહા તારામાં અક્કલ જ નથી અને પછી ગાળાગાળી ,તું ..તારી..!!
મને એમ હતું કે બાળકના જીવનનું નજીકનું મરણ છે એટલે જરાક દુઃખમાં હશે એટલે મેં એને માહોલમાંથી બાહર કાઢવા કીટલીએ બોલાવ્યો , રસ્તે જતી આવતી “માયા” ઓ બતાવવાની કોશિશ કરી.. પણ મારો બેટો રણમધ્યે આવીને ઉભો રહી ગયો ..!!
શૈશવકાકા મારા જીવનનું ટાર્ગેટ શું ? લક્ષ્ય શું હોવું જોઈએ ? મારી પાસે તો હવે બધું જ છે….!
એકદમ સીરીયસ સવાલ ..
મોટાભાગના લોકોને પ્રોબ્લેમ હોય છે કે પોતાની પાસે હોય એટલા રૂપિયા હંમેશા ઓછા પડતા હોય, અને બે છેડા ભેગા કરવા માટે આમથી તેમ સવાર સાંજ દોડાદોડી ચાલી રહી હોય ,ક્યારેક રાતની ઊંઘ પણ હરામ થઇ જતી હોય છે, પણ આ તો કરોડોનું વારસદાર ..!
જબ્બર ગુગલી નાખી ..! મારો બ્લોગ છે એટલે મારી આસપાસ વાત ઘૂમશે જ ..
મારી એક ટેવ રહી છે મારાથી નાનું કે મોટું મને કોઇપણ સવાલ પૂછે તો હું એ સવાલનો જવાબ મારી રીતે ચોક્કસ આપવાનો પ્રયત્ન કરું છે, અને જો મને નથી ખબર તો હું સ્પષ્ટ રીતે ના પાડું છું અને પછી તે સવાલનો જવાબ શોધું છું અને પાછળથી જે તે વ્યક્તિને આપું છું ..
આ રીત તમારા સંતાન સાથે ચોક્કસ રાખવી જોઈએ .. ગમ્મે તેવા અણગમતા કે નક્કામાં સવાલનો પણ જવાબ ચોક્કસ આપવો જોઈએ ,અને માતાપિતાને સવાલનો જવાબ ના આવડતો હોય તો બીજે ક્યાંકથી મેળવીને પણ આપવો જ રહ્યો .. છણકો કરીને બાળકને તોડી પાડો તો પછી બાળક જીવનમાં આગળ જતા દિશાહીન થઇને ભટકી જવાના બહુ મોટા ચાન્સ છે અથવા તો એ જ બાળક તમારાથી ધીમે ધીમે છુટું પડી જશે ..! ખુબ નાનપણથી બાળક સવાલ પૂછતું જ હોય છે અને જવાબ શોધતું જ હોય છે પેરેન્ટ તરીકે તેના દરેક સવાલનો જવાબ અને તેના મનનું સમાધાન આપવું જ રહ્યું..!!
કિટલીએ બેઠા બેઠા એકવાર તો મને થઇ ગયું કે આખી ભગવદ્દ ગીતા સંભળાવી દઉં અને મારા વિરાટસ્વરૂપનું દર્શન કરાવી દઉં ..!!
મારા વિશે એક એવી અવધારણા બાંધી લેવામાં આવી છે કે આને બોલવાનો ચાન્સ મળે તો પછી બીજાનો વારો નથી આવવા દેતો , આવું મને ઘણા મિત્રો મોઢા ઉપર કહે છે જે એમનો હક્ક છે અને ફરજ પણ છે .. મિત્રતામાં એવું જ હોય ..!
પણ મારે મારા અર્જુનને ખરેખરો યુધ્ધે ચડાવવાનો હતો અને એ પણ મારો પાર્થ સમજે એવી ભાષામાં..!
પેહલા તો મેં ધારી લીધું કે હજી તાજું તાજું મરણ છે એટલે સ્મશાન વૈરાગ્યને ઘેર લેતો આવ્યો હશે એ નક્કી છે.. એ પ્રમાણે જ્ઞાન વેરવું પડશે અને એને સમજાય એવી ભાષામાં ..!
એટલે મેં ચાલુ કર્યું ..
કઈ ગાડી લેવી છે હવે ? સાડા ત્રણ કરોડનો પોર્શ લઇ લે ..
ભયંકર ગુસ્સા સાથે “ ધનંજય” બોલ્યો (ગાળ ,ગાળ ગાળ ) ડોહા સથીયાઈ ગયો છો કે શું ? ચાર ચાર કરોડના ગાડા લઈશ તો દસ વર્ષમાં પૂરું થઇ જશે બધું ..મારી જમીને ચોકીદારીએ લાગવું પડશે મારે..!
શૈશવસુદન .. વત્સ મેં ક્યાં કીધું કે વારસામાં આવેલી જમીનો વેચીને લ્યો ..
ધનુર્ધારી ફુલ્લ ટેન્શનમાં .. એટલે ?
ચક્રધારી .. કમાઈને તો લેવાયને ..
મહાબાહો .. ચાર કરોડની ગાડી લેવા તો તમારા પ્રમાણે નેટ સો ખોખા કમાવા પડે પછી ખર્ચાય..
કારખાનાધીશ .. તો પછી કમાવ અને ખર્ચો .. એવું લાગે કે..છે એટલા ખર્ચી નથી શકતા તો બીજાને મદદ કરવામાં ખર્ચો ..
સવ્યસાચી .. પ્રભુ..દેવ છેલ્લો સવાલ કમાણીના કેટલા ટકા વાપરું અને કેટલા ટકા દાન કરું અને બીજું કેટલા ટકા શું કરવું ..બધું પર્સન્ટેજમાં ..!
શૈશવમેઘ .. દસ ટકા વપરાય ,દસ ટકા દાન ધર્મ અને એંશી ટકા ઇન્વેસ્ટ પણ બધું સમય અને સંજોગ ઉપર , અહિયાં ઇન્વેસ્ટનો મતલબ તારા સંતાનની જો કોઈ સારી જગ્યાએ કોલેજની ફી ભરી તો એને પણ ઇન્વેસ્ટમેન્ટ ગણવું .. ટૂંકમાં દસ ટકા વેડફી નાખો ,દસ ટકા કોઈના માટે અને બાકીના ભવિષ્યમાં અને ભવિષ્યને કામ લાગે એવી જગ્યાએ વાપરો..
ફાલ્ગુન .. બીજું કશું કેહ્વાનું ..
જગતગુરુ શૈશવ .. તારી અક્કલ ચાલે તેમ કર ..!!
બાળકનું મગજ ફાટયું .. ગેલસ્પ્પા ડોહા મારી અક્કલ ચાલતી હોય એમ કરવાનું હોત તો તને પૂછવા થોડીના આવ્યો હોત .. તું પણ સથીયાઈ ગયો છે .. ગાળ ગાળ ગાળ ગાળ …વરસાદ ..!!
કોઈકને જ્ઞાન આપવમાં જાણે અજાણ્યે આપણા જીવનની દિશા પણ નક્કી થઇ જતી હોય છે ક્યારેક..!!
રવિવારની સવાર છે એટલે .. જેઠાલાલો ફાફડા જલેબીની લાઈનમાં ઉભા રહી ગયા છે અને દયાબેન રસ પૂરીની તૈયારીમાં લાગી ગયા હશે ..!!
ચાલો ત્યારે મોજ કરો રોજ કરો
શૈશવ વોરા
*(ચેતવણી :- આ બ્લોગને તમે ફોરવર્ડ ચોક્કસ કરી શકો છો, પરંતુ પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે, જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)*