મારો સૌથી મોટો દુશ્મન પણ જીવથી વ્હાલો … આઈસક્રીમ ,
અમદાવાદમાં જન્મી ને મોટા થયેલાને એવું પૂછવાની ભૂલ કરો કે આઈસ્ક્રીમ ભાવે ..??તરત જ ગાળ પડે બોસ .. ભાગ્યેજ કોઈ એવો વીરલો મળે અમદાવાદમાં કે જેને આઈસ્ક્રીમ ના ભાવતો હોય …!! કેટલા બધા આઈસ્ક્રીમ આપણે ઝાપટ્યા , ક્યાંક વાંચ્યું હતું કે અમદાવાદએ આઈસ્ક્રીમની રાજધાની છે … બોસ સો એ સો ટકા સાચી વાત ..
ક્યાંથી શરુ કરું ..? વાડીલાલ , હેવમોર ,ક્વોલીટી ,બાસ્કીન ,પટેલ ,નેચરલ ,રાજસ્થાન ,જયસીન ,જનતા ,અસર્ફી ,બસ્તીરામ… ગણતા જાવ યાદ આવે તો ઉમેરતા જાવ અને ફ્લેવર જાંબુ ,થી લઇને અહા હા હા હા … મારું તો આજે ખાલી આ બ્લોગ લખીને જ વજન બે કિલો વધી જવાનું છે ..
દસ વર્ષ પુરા અને અગિયારમું વર્ષ જાય છે જીમમાં , પણ એબ્સ બનતા નથી ,મારો જીમનો પેહલો ટ્રેનર રાજુથી લઈને અત્યારનો ઇશાન ચડ્ડા .. બધે બધા ટ્રેઈનર બુમો મારે છે ..સર અમે તમને તોડાઈ નાખ્યા , પણ જ્યાં સુધી તમે આઈસ્ક્રીમ ખાવાનું બંધ નહિ કરો ત્યાં સુધી તમારો મેળ નહિ પડે , એમાં ઇશાન તો આ વર્ષે મિસ્ટર અમદાવાદ રમવાનો છે, અને હું એની હારોહાર ટ્રેનીગ કરું છું પણ …!!!! આ આઇસક્રીમ ….!!! એક અંગ્રેજ ટ્રેઈનરે તો મને મોઢા મોઢ કીધું ..sir abs are made in kitchen … not in gym .. લો પત્યું …મોઢા પર કંટ્રોલ ..ક્યાથી થાય..? kitchen ને તો કંટ્રોલ કર્યું પણ યાર આ આઈસ્ક્રીમને કેમનો કંટ્રોલ કરવો ..
જોકે આ આઈસ્ક્રીમ ખાવો એ અમારી જીનેટીકલ “બીમારી” છે … ગઈસાલ પંચોતેરમાં વર્ષે , મારા પપ્પાએ મારી ઓગણીસ વર્ષની ભત્રીજી સાથે કોમ્પિટિશન કરી હતી ….આઇસક્રીમ ખાવાની, દીકરી સોળ કપ ખાઈને હારી ગઈ અને દાદા સત્તર કપ આઈસ્ક્રીમ ખાઈને અણનમ રહ્યા …દાદાએ બધા ને કીધું તમતમારે ખાવ આઈસ્ક્રીમ દવા તો આપડે ઘરની જ છે ….
મને તો મારા બાળપણથી પપ્પાના આઈસ્ક્રીમ ખાવાના શોખને લીધે અમદાવાદના બધી જ બ્રાંડના આઇસક્રીમની જયાફતો ઉડાવવાની મોજ મળી છે … જનતાનો આઇસક્રીમ માણેકચોક , વાડીકાકાની તો વાત જ ના થાય .. પેહલો કોફી મગ વાડીલાલ નો , હેવમોર નો કસાટા ,શ્રધ્ધાનંદ લો ગાર્ડન સૌથી પેહલી જ લારી …એનો કેસર, અસર્ફીની કુલ્ફી …મિક્ષ .. આખો ડબો .. પા અડધાની વાત નહિ કરવાની ,પછી સ્ટેડીયમ આગળ પટેલનો બીપીકે , રાજસ્થાનનો રાજભોગ ,જયસિંહ નો સીઝનલ ,
થોડા મોટા થયા ત્યારે ….વાડીલાલ અને હેવમોરએ પેલા કિંગકોન કાઢ્યા , પછી જનમ થયો ડેરી ડેનનો ,મ્યુનિસિપલ માર્કેટ સીજી રોડ … સીટીએફ … ની સોફ્ટી કેટલી ખાધી ..?? અનહદ …પછી નેચરલ અને બાસ્કીન આવ્યા …
એકવાર ચસ્કો ચડ્યો જાતે આઈસ્ક્રીમ બનાવવાનો ..ઘરના માળીયેથી કોઠી ઉતારી , મમ્મી જોડે દૂધ ઉકાળાવ્યું ,બરફ લાવ્યા, આખું મીઠું લાવ્યા સંચો ફેરવ્યો બે કલાક હાથથી ….પરસેવો પાડ્યો બધા પાંચ ભાઈબંધોએ .. લગભગ ત્રણ ચાર કિલો આઇસક્રીમ બન્યો … વીસ મિનીટમાં સાફ … બનાવતા બે કલાક અને ખાતા વીસ મિનીટ … બસ પછી બે ત્રણ વાર પ્રયત્નો કર્યા .. પછી પેલુ સોફ્ટેલનું આઈસ્ક્રીમ બનાવવાનું મશીન આવ્યું પણ હવે કોણ કરે એટલી મજુરી ….જોકે અત્યારે એ પણ માળિયા માં જ છે ..!!
મારી આદત પ્રમાણે થોડો ઈતિહાસમાં જાઉં તો …આઇસક્રીમનો ઈતિહાસ મારી જાણ પ્રમાણે મોગલ કાળ દરમિયાન જ ભારતમાં જોવા મળે છે … ગાઈડના જણાવ્યા પ્રમાણે મહારાણી જોધાને જયારે આઇસક્રીમ ખાવાની ઈચ્છા થતી ત્યારે કાશ્મીરથી બરફ ગાડામાં ભરીને આગ્રા લાવવામાં આવતો અને એને ઉંડા કુવામાં સ્ટોર કરતા ,અને પછી મીઠું નાખી અને કોઠીમાં આઇસક્રીમ બનતો .. આજે ઓર્ડર કરે મહારાણી જોધા તો એમને અઢી મહીને આઇસક્રીમ ખાવા મળતો એમને જલાલુદીન મોહમદ અકબરની સાથે બેસીને ..એ પણ શિયાળામાં કહી દેવું પડે ત્યારે ઉનાળો શરુ થાય એ પેહલા મળે .. પછી ના મળે … બોલો ટેકનોલોજી એ અત્યારે આપણી જોધા અને આપણને કેટલા આગળ મુક્યા છે ..ભર ઉનાળે અત્યારે ચાલતા ચાલતા ઘરની બહાર અકબર અને જોધા રાતે નીકળે અને આઇસક્રીમ ખાઈને ઘેર આવે…અને કિમત પણ દસ રૂપિયાથી ચાલુ થાય ….
મારી જીંદગીનો મોંઘામાં મોંઘો આઇસક્રીમ મેં શાંઘાઈમાં ખાધો … શાંઘાઈમાં રખડતા એક મસ્ત આઇસક્રીમની દુકાન દેખાઈ …મારી સાથે મારો દિલ્લીનો મિત્ર હતો .. થોડો સની શાઈની દિવસ હતો તાપમાન +૬ ડીગ્રી સેલ્સિયસ જેવું હતું … મારી દાઢ સળકી આઈસ્ક્રીમ જોઇને મેં કીધું ચલ યાર ઝાપટીયે.. નહિ માંદા પડીએ .. મેં એ દુકાન માલિક ચીની બેનને સમજાવ્યું …ઈશારાની ભાષામાં કે જે સારું હોય તે આપ …મેનુ તો આખુ ચાયનીઝમાં હતું … એટલે એ ચીની બેન આખી મોટી મસ્ત શણગારેલી પ્લેટ ભરી અને આઇસક્રીમ લેતા આવ્યા ,ઓછા માં ઓછા બાર પંદર સ્કૂપ હતા આઇસક્રીમના ,અને બે સરસ કાંટા સ્ટીલના સાથે હતા … મારા મિત્રની આંખો પોહળી થઇ ગઈ કે આટલો બધો આઇસક્રીમ કેમનો ખવાશે ..?? મેં કીધું હું છું ને યાર ..ચિંતા ના કર તું ચાલુ કર પૂરું હું કરીશ ….એ પ્લેટમાં લગભગ બધી ફ્લેવર હતી ..એક અજાયબી હતી ગ્રીન ટી , લીલી ચાનો આઇસક્રીમ પણ હતો એમાં …. ઓસમ આઇસક્રીમ હતો બોસ …મારો મિત્ર અટક્યો ખાતો ખાતો ,એટલે મેં પૂરું કર્યું .. દિલ્લીવાળો જોઈ રહ્યો .. મને કહે યાર દારુ તું પિતા નહિ હૈ લેકિન તેરી આઇસક્રીમ કી કેપેસીટી જોરદાર હૈ .. મેં કીધું ચલ રીપીટ કરીએ … હસવા માંડ્યો મને કહે બસ કર રાત કો આજ માઈનસ સિક્સ ટેમ્પરેચર હૈ … મેં કીધું હા યાર ચલ બીલ મંગા લે … અને ચીની મરક મરક હસતી બીલ લાવી … ખાલી ૬૦૦ આરએમબી ..!!!! લગભગ ૭૨૦૦ રૂપિયા …. અમે બંને એકબીજાની સામે જોતા રહ્યા .. ખાતા ખવાઈ ગયું પણ ૭૨૦૦ રૂપિયા આઇસક્રીમના ….!!!!
આઇસક્રીમ ની બેન કુલ્ફી છે … આમ તો કુલ્ફી એ અવધિ વ્યંજનમાં આવે છે .. અવધની સ્પેશીયાલીટી કેહવાય છે કુલ્ફી , પણ સમગ્ર ઉત્તર ભારતમાં લગભગ કુલ્ફી રાજ કરે છે …હા જેવા આપણે મુંબઈ છોડી અને જેવો દખ્ખણમાં ઉતરીએ પછી આઇસક્રીમ કે કુલ્ફી મળવાનો ઓછો થઇ જાય છે …
જયારે જયારે લગ્ન સમારંભ કે કોઈ હોટલમાં ફૂલ ફાઈવ કોર્સ ડીનર હોય ત્યારે ડેઝર્ટ માં આઇસક્રીમ હોય છે ,અને ત્યારે સાથે ગરમ ગાજરનો હલવો કે ગુલાબજાંબુ મળી જાય ,તો મને તો યારો મોજ પડે..ગરમ ગરમ ગાજરના હલવા પર કે ગરમ ગરમ ગુલાબજાંબુ પર આઇસક્રીમનો સ્કૂપ નાખી અને આહા હા હા હા બે વાર તો લઇ જ લેવાનો ભાઈ ….શરમ શા માટે રાખવી હેં ….!!!!
પૂરું કરતા પેહલા મારા સાસુમાની એક કેહવત …હાં રે હાં જમાઈ રાજા ખાધેલું પીધેલું હારે આવશે..!! અને પછી આગળ ઉમેરતા … તમ તમારે ભગવાન જ્યાં સુધી ખાવા આપે ત્યાં સુધી ખાધે જ રાખો બેટા …અને હા એટલું તો કેહવું પડે કે મરણ પથારીએ હતા અને હું રોજ જતો પણ એકપણ દિવસ મને આઇસક્રીમ ખવડાવ્યા વિના મારા સાસુમાએ એમના ઘરની બહાર નથી જવા દીધો ….
અને કદાચ એમના આશીર્વાદથી ડાયાબીટીસ ને જોજનો દુર મૂકી ને હું મસ્ત આઇસક્રીમ ઝાપટુ છું…
શુભ રાત્રી
શૈશવ વોરા