ઈચ્છા મૃત્યુની પરવાનગી આવી..
લગભગ દરેક છાપાની હેડ લાઈન..
સદીઓથી મૃત્યુ સામે ભારત લડતો આવ્યો છે અને લડતો રેહશે..
પણ “ઈચ્છામૃત્યુ” ..??!!!
થોડાક પાછળ જઈએ,
”ખાલી” એક જ યુગ..
તો દ્વાપર યુગમાં પિતામહ ભીષ્મ જેમને ઈચ્છામૃત્યુનું વરદાન હતું અને એ વરદાનને જોરે એટલું જીવ્યા કે અત્યારના સામાન્ય માણસને કદાચ ભૂલથી પણ એટલું જીવવાનું આવે તો વગર મોતે મૃત્યુ આણે..
કેટલી પેઢીઓ જોઈ ..??!!
ઘડપણ નો થાક જોયો છે ..?? અને એમાં પણ આજના ઘડપણ નો ?
આજે જયારે એક કે બે જ સંતાનો હોય અને ઘડપણ આવે ત્યારે..?
“કવોલીટી લાઈફ” ના ચક્કરમાં બાળકોની લાઈન થવા ના દીધી, અને એક કે બે બાળક ને જન્મ આપી અને કુદરત ને રોકી લીધી..!!
સત્ય આ જ છે કે “ક્વોલીટી લાઈફના ચક્કરમાં જન્મ ને રોક્યો છે” ,
અને હવે વાત કરીએ મૃત્યુની…
લગભગ આજ નો દરેક માણસ ઈચ્છામૃત્યુ નું વરદાન લઈને જીવી રહ્યો છે..
એકલું ઈચ્છામૃર્ત્યું નહિ માતા કુંતીની જેમ અખંડ યૌવનનું વરદાન પણ જોડે મળ્યું છે..
પચાસ સુધી હેર-ડાઈ,પછી યોગા ,અને ઝુમ્બા, પછી વારો આવે હોર્મોનની ગોળીઓ અને બોટોકસ સાલું પાંસઠ વર્ષે પૌત્ર કે પૌત્રી બોલે એ બા-દાદા હવે થોડા ઘરડા થાવ હવે..
હા, સિત્તેર પછી એ મેકઅપ નો માળો લગભગ “ધડામ” કરતો તૂટી પડે,
અને પછી આવે ઘડપણ,
પ્રૌઢાવસ્થા જીવનમાં વચ્ચેથી ગાયબ થઇ ગઈ છે..છેક છેલ્લા સમયે “અચાનક” આવી પડતું આજ નું ઘડપણ પછી મૃત્યુ ને ઝંખતું થઇ જાય છે..
તડપતુ થઇ જાય છે..
આજે સાંજે મંદિરનો વારો પડ્યો હતો.. લગભગ પાંચેક વાગ્યાના સુમારે..
દસેક “એક્ચુલી” ડોસીઓ અને ડોસાઓ બેઠા હતા, સિત્તેર પંચોત્તેર ઉપરના.
કાકાઓ બહાર મંદિરના પ્રાંગણમાં અને કાકીઓએ મંદિરની અંદર ..
કાકીઓનો ટોપિક શું હતો ?
મેં તો ભાલોડીયાને ત્યાં બદલાયા.. ના મને તો સેલ્બીમાં, હારું રહ્યું હો ..આ પારેખ્સમાં કેવું ?
બેન બધે ય હરખું જ છે ,પણ પે`હલા બે મહિના તો બાપ નરક જેવા જાય છે દુખાવો કઈ દુખાવો પણ પછી બઉ હારું લાગે છે..
ની-જોઈન્ટ રિપ્લેસમેન્ટની વાર્તાઓ ચાલી રહી હતી..!!
એક તો રોગની સામે દવાઓની મદદથી લડવાની,અને બીજું શરીરના અંગો બદલીને જીવન આપણે લાંબુ ને લાંબુ કરી રહ્યા છીએ, અને આ લાંબા જીવન અને જે જન્મે તેને જીવાડવાના ચક્કરમાં ક્યારેક કુદરતના નિયમની વિરુદ્ધ જઈને જે જીવને ખરેખર ધરતી ઉપર જીવવાનો અધિકાર નથી એને પણ જીવાડીએ છીએ..
ડાર્વિનનો ઉત્ક્રાંતિ વાદ સાચો જ છે, અને એની જોડે બીજો પણ એક નિયમ કુદરતે બનાવ્યો છે સ્ટ્રોંગર સર્વાઇવલ નો..
જે જાતિ અને પ્રાણી મજબુત હોય એ જ જીવે, નબળું મૃત્યુ ને વરે…
પણ આજની દવાઓ એ બધું જ ઊંધું પાડયું છે..
ધરતી ઉપર માણસ સિવાયના તમામ જીવોમાં આજે પણ આ નિયમ લાગુ પડી રહ્યો છે..
સૌથી વફાદાર મિત્ર શ્વાન..
ભાદરવે રતિક્રીડામાં રત થાય, દિવાળીએ કુરકુરિયા બાહર..અને હોળી શેકી ગયા એ જ કુરકુરિયા ડાઘીયા થાય, બાકીના જ્યાંથી આવ્યા હતા ત્યાં પાછા..!!
અને માણસ જાત ..??
લુલુ ,લંગડું , કાચું ,પાકું જેવું આવ્યું એવું જીવાડો જ જીવાડો…હોળી દિવાળી બધું જ દેખાડો..
અને ક્યારેક આ “જીવાડવા” ના ચક્કરમાં દોજખ જેવી જિંદગી આખા પરિવારને મળે છે..!!
થોડાક સમય પેહલા એક ડોક્ટર મિત્રને મળવા આઈસીયુમાં ગયો હતો એક મોટી કોર્પોરેટ હોસ્પિટલનો એ ઇન્ચાર્જ છે ..
આઈસીયુમાં એક મુસ્લિમ છોકરો ખાટલે બાંધેલો કોમામાં હતો..
લગભગ ચોવીસ પચ્ચીસ વર્ષનો..મેં પૂછ્યું શું છે..?
એક્સીડેન્ટ, બ્રેઈન ઇન્જરી છે ,ઈરરિવર્સિબલ છે.., છ મહિનાથી કોમામાં છે,હટ્ટોકટ્ટો હતો ઘરવાળાને કેટલું સમજાવ્યું પણ સમજતા નથી, પૈસેટકે બરબાદ થઇ રહ્યા છે, દિવસનો એક દોરોધાગો લઈને અચૂક કોઈનું કોઈ આવે છે હવે ખાટલે દોરો બાંધવાની જગ્યા નથી ..
કોઈ જ ચાન્સ નહિ..?
ના બિલકુલ નહિ..
છોડી દેવું જોઈએ કે નહિ ??
આપણા માટે સેહલું છે બોલવું પણ પરિવાર માટે ????
જુવાનજોધ કોડ્ભર્યો જીવ, ક્યા માંબાપ છોડે ?
મર્સીકિલિંગની પરમીશન હોય તો પણ બહુ અઘરું છે..
લોકો પાળેલા કુતરાને પણ “ઇન્જેક્શન” નથી અપાવતા..
એક જ રસ્તો હતો એ છોકરાને છૂટવાનો, એક્સીડેન્ટના બીજા જ દિવસે જયારે એ “સીંક” કરી રહ્યો હતો ત્યારે વેન્ટીલેટર નોહતું મુકવાનું ,પણ મુકાઈ ગયું અને હવે છ-છ મહીને એના ફેફસાને વગર વેન્ટી એ પણ જીવવા ની આદત પડી ગઈ છે, અને હવે એ “જીવવાની આદત” ઇન્જેક્શન મારીને છોડાવવાની કે પછી ઘેર લઇ જઈને ભૂખ્યો તરસ્યો રાખીને..!!
મેડીકલ ઈમરજન્સી દરમિયાન ક્યારેક આવેશમાં એવા નિર્ણય લેવાઈ જાય છે કે જેનાથી આખું કુટુંબ બરબાદ થઇ જાય છે..
કુદરત જેને જીવાડવા નથી ઈચ્છતી એને સામે પડીને જીવાડીએ છીએ અને મોતથી બદતર જિંદગી આપણે આપી દઈએ છીએ ..
કદાચ મર્સીકિલિંગની છૂટ એ સામે પડીને જીવાડવાની ભૂલને સુધારવાની એક તક છે,પણ ભયાનક હિંમત ની જરૂર છે , કાચાપોચા અને લાગણી ઘેલા માણસોના કામ નથી..!!
આ ચુકાદાએ ઘડપણથી પીડાતા લોકોને પણ લીવીંગ વિલ ની છૂટ આપી કે અમે જતા હોઈએ તો શાંતિથી અમને જવા દેજો .. ખોટા ખોટા વેન્ટીલેટર, ડાયાલીસીસ અને બીજા ઘોંચ પરોણા કરીને અને અમને “અધર” માં લટકતા ના મુકશો..
સાચી વાત છે, એક સમયે જીવનમાંથી “એક્ઝીટ” પણ એટલી જ જરૂરી છે..
દુનિયામાં મરે નહિ એવો બાપ, અને ઘરડીના થાય એવી માં, કોઈને નથી ગમતી..!!!
આખા મહાભારતમાં કેટલાય પાત્રો વધારે પડતું જીવી જીવીને દુ:ખી થયા હતા, અને છેવટે બધું ય હિ`માળે હાડ ગાળવા ગયું ,એના કરતા ટાઈમે પો`હચી ગયા હોત તો ..??
આમ જોવો તો ઘણા વર્ષે કાયદાનું સ્વરૂપ મળ્યું છે, બાકી વધુ ઉંમર વ્યક્તિ માટે વેન્ટીલેટરની સ્વીચો પણ બંધ થતી જ હોય છે..
શું બોલે ? જીવ છોડાવો કતલખાનેથી..!!!
તો જીવ છુટશે..!!
એ શું છે..?
શુભ રાત્રી
શૈશવ વોરા