શનિ મહારાજ ધન રાશીમાં એમની ધીમી પણ મક્કમ ચાલે આગળ વધી રહ્યા છે, અને સાતમી તારીખે સાંજે લગભગ સાડા છ વાગ્યે એમને મળવા ભૂમીસુત યુદ્ધના દેવ મંગળ પોહચી ગયા..!!
આજે ગોચરમાં તુલા રાશિમાં બેઠેલા દેવગુરુએ એમની ચાલ બદલી અને વક્રી કરી છે,બે મહિના સુધી દેવગુરુ બૃહસ્પતિ વક્રી ચાલે ચાલશે…
ધન રાશિમાં શનિ-મંગળની યુતિ થઇ, લગભગ સત્તાવન દિવસ આ યુતિ રેહશે..
ફળ શું ??
ન્યાયના દેવતા શનિ ને ગ્રહ મંડળના સેનાપતિ નો સાથ મળે પછી શું બાકી રહે..?!!
દરેક સજાનો અમલ થાય..!!
ઈશ્વરની લાઠીમાં અવાજ નથી હોતો એટલે આપણે એને “અકસ્માત”નું નામ આપીએ છીએ..
આ સમય દરમ્યાન ઈશ્વરની લાઠી વિંઝાય અને “અકસ્માતો” ની હારમાળા સર્જાય…
જેને ન્યાય આપવામાં માનવીય અદાલતો પાછી પડી હોય, એને ગ્રહમંડળના ન્યાયાધીશ શનિ મહારાજ ચુકાદો આપે અને સેનાપતિ મંગળ એ ચુકાદાનો અમલ કરે…!!
ગમે તેટલી રેહમ રેહમની બુમો પાડો તો પણ દેવગુરુની વક્રી ચાલ એ અવાજ સાંભળે જ નહિ..
આજના ભારતની કુંડળી ૧૫મી ઓગસ્ટ ૧૯૪૭ ના ૦૦:૦૧ AM,નવી દિલ્લી ની કુંડળી મુકીએ તો વૃષભ લગ્નની કુંડળીમાં ભારતના આઠમાં સ્થાનમાં આ યુતિ થાય છે..
કુંડળીનું આઠમું સ્થાન એટલે ગુપ્ત સ્થાન…ગૂઢ વિદ્યાનું સ્થાન..
ભારતનું ગુપ્ત સ્થાન ગણવું હોય તો કામાખ્યા અને કામરૂપની આજુબાજુનો પ્રદેશ ગણી શકાય..
અને આ ગુપ્ત સ્થાનમાં શનિ-મંગળ દેવગુરુ બૃહસ્પતિની રાશિમાં ભ્રમણ કરી રહ્યા છે,
ધબધબાટી બોલે, અને શરૂઆત થઇ ચુકી છે..!!
પૂર્વોત્તર અને પૂર્વી ભારતમાં રમખાણોની પુરેપુરી શક્યતા, અને એ પણ ન ભૂતો ન ભવિષ્યતિ એવા..
હવે ગોચરને બાજુ પર મુકીએ અને રત્નગર્ભાની સપાટી ઉપર આવીને વિચારીએ કે ખરેખર પરિસ્થિતિ શું ?
મારા જીવનમાં મોટા રમખાણ સાલ ૮૧,૮૨ ,૮૫,૯૨ અને છેલ્લા ગોધરા..વચ્ચે નવનિર્માણ..
મોટાભાગના રમખાણોમાં સામાન્ય માણસોને ક્યારેય કોઈ અંદાજ પણ નથી આવ્યા કે કાલ સવારથી અમદાવાદ મહિનો બંધ..
એક નાનકડો તિખારો એવો ભડકો કરે કે એને ઓલવાતા દિવસો અને મહિનાઓ નીકળે..
આજે જોઈએ એટલા “તિખારા” લઈને લોકો પેટ્રોલ પમ્પ ઉપર ફરી રહ્યા છે..
જેવા કે શ્રી શ્રી એમ કહે કે સીરીયા..એક પછી એક પુતળા તોડ પ્રતિયોગીતા ..એક કલાક પોલીસ હટાવો..હિન્દુસ્તાન કે ટુકડે ..
કેટલા બધા તિખારા રોજ ના રોજ થઈ રહ્યા છે..
આર્થિક મોરચે પણ રોજ કોઈને કોઈ સાચી ખોટી ખબરો જનતાને ધ્રુજારી કરાવી રહી છે હવે એક ઔર નામ ઉમેરાયું છે..વિડીયોકોન ..
કેટલા લાખ કરોડની લ્હાણી થઇ છે દેશમાં આઝાદી પછી આજ સુધીમાં એનો કોઈ જ અંદાજ નથી બેસતો કોઈને..કોણે દેશને વધારે લુંટ્યો એ નક્કી કરવું અઘરું થયું છે,ઇસ્લામિક શાસકો, અંગ્રેજ કે પછી આઝાદી પછી ઘરના લોકો એ ..
જનમાનસ ડરેલું છે,ડોફરાયેલુ છે..પણ બધા ચુપચાપ પોતાના કામધંધે લાગેલા રહેલા છે,
ભારતની એક ખૂબી પણ ખરી..”હશે આ દિવસો પણ જતા રેહશે અને કાલ સવારે સોના નો સૂરજ ઉગશે..!!”
આશાના તાંતણે જીવવા ટેવાયેલી પ્રજા નિરાશામાં દિવસો કાઢી રહી છે..
ટીવી ઉપર ચાલતા વાકયુદ્ધ અને સોશિઅલ મીડિયાના વોટ્સ એપ “રણ” હવે રાજકીય ઓછા થતા જાય છે..
કૈક નવું અને મોટું આવે એની પ્રજા રાહ જોઈને બેઠી હોય એમ ભાસે છે..
મીનારક બેસે એટલે ગ્રહમંડળના રાજાધિરાજ શ્રી ભાનુપ્રતાપ અને શનિ મહારાજના પિતાશ્રી બંને કેન્દ્રમાં આવે પછી તનાતની થાય..
ઘણી વાર આપણા સળંગ ડાહ્યા ભણેલા વિદ્વાનો જ્યોતિષની સામે પ્રશ્નાર્થ ચિન્હ લગાડતા હોય છે..! થોડાક વર્ષ પેહલા ક્યાંક વાંચ્યું હતું કે એમ.પી.ની કોઈ યુનીવર્સીટીમાં જ્યોતિષને એક વિષય તરીકે લઈને ગ્રેજ્યુએશન ચાલુ કર્યું..
મને પણ થોડું અચરજ થયું હતું..
હું જ્યોતિષને અર્ધવિજ્ઞાનની કેટેગરીમાં મુકું છું, કારણકે ગ્રહો ની ચાલ અને ગ્રહોની ગણતરીમાં વેદકાળથી લઈને આજ સુધી વાયા મહર્ષિ ભૃગુ રતિભાર મિસ્ટર ગેલેલિયોનું ખગોળ ફર્ક કરી શક્યું નથી..
હા રાહુ કેતુ નું અસ્તિત્વ આપણે સાબિત કરી શક્યા નથી, પણ એના માટે પેહલા જ ક્લેરીટી છે એ બનેને છાયા ગ્રહો કીધા છે અને છાયા (પડછાયો) નું અસ્તિત્વ સાબિત ક્યારેય ના થાય..
એક્ચ્યુલી પૃથ્વી અને સૂર્યની ભ્રમણકક્ષા જ્યાં છેદાય છે એ બંને બિંદુ ઉપર એક ગ્રહ જેટલું ચુંબકીય આકર્ષણ પેદા થાય છે અને એ બિંદુ એટલે રાહુ અને કેતુ..
અડધો પાર્ટ જ્યોતિષનો બહુ ક્લીયર છે જે નરી આંખે પણ દેખાઈ રહ્યો છે , ગ્રહો અને નક્ષત્રો..
બાકીનો જે અડધો પાર્ટ મિસિંગ છે એ છે ફળાદેશ,
“આ” ગ્રહ અહીંથી ત્યાં ગયો માટે “આ” ઘટના ઘટી કે ઘટશે, એવું તાલ ઠોક બજાકે કહી શકાતું નથી અને અહિયાં આપણું શાસ્ત્ર પાછુ પડે છે માટે અર્ધવિજ્ઞાન કેહવું પડે છે..
વિજ્ઞાનની સાદી વ્યાખ્યા મારે કરવાની હોય તો એમ કહું કે ..”ક્યાંતો બાપ બતાડ નહિ તો શ્રાદ્ધ કર..”
અસ્તિત્વ ..અને કન્ફર્મ રીઝલ્ટ એ જ વિજ્ઞાન ..જ્યાં તર્ક આવે એ “જ્ઞાન” ખરું પણ “વિજ્ઞાન” નહિ..
અર્વાચીન ભારતનો સૌથી મોટા જયોતિષ ખગોળશાસ્ત્રી કે પછી તાંત્રિક હું જયપુરના મહારાજા જયસિંહને ગણું છું જેમણે પોતાની ખગોળીય ગણનાથી જંતરમંતર બનાવડાવ્યા અને જયપુરની રાજલક્ષ્મીને તાંત્રિક વિધિથી રક્ષિત કરી..
ગ્રહ નક્ષત્રથી આગળ વધીએ એટલે મંત્ર ચાલુ થાય ..અને પછી તંત્ર
મંત્ર એ વેવ મીકેનીક્સ જ છે ,
શૃંગ અને ગર્ત, તરંગની ઉત્પત્તિ આપે છે અને એ તરંગની તરંગ લંબાઈ નક્કી કરે છે કે તરંગ ચુંબકીય તરંગ છે ,લાઈટ વેવ ,સાઉન્ડ અલ્ટ્રાસાઉન્ડ ,ઇન્ફ્રારેડ ,રેડીઓ વગેરે વગેરે..
મંત્ર એ શક્તિ છે,
પણ પાછળનો આધાર હાથ નથી લાગતો, માટે સાબિત નથી થઇ શકતો..
હા આપણે પેલી બધી કલીપો જેમાં ગાયો સંગીત સાંભળીને દૂધ વધારે આપે છે એવું બધું સાંભળીને હરખાઈએ ચોક્કસ, પણ એક નક્કર રીઝલ્ટ નથી મળતું..એટલે શ્રાદ્ધ જ કરવું પડે છે..!!
બહુ મજાના છે આપણા શાસ્ત્રો પણ અફસોસ કે વચ્ચેની ખૂટતી કડીઓ નાશ પામી છે..
ક્યારેક કોઈકને સમય મળે તો ખુલ્લા આકાશે જોર કરીને મનનું એકાદું તરંગ કોઈક ને મોકલજો ક્ષિતિજને પેલે પાર ..
જવાબ મળશે..
સહુને જય શ્રી કૃષ્ણ
શુભ રાત્રી
શૈશવ વોરા