ઇમ્યુનોલોજીસ્ટ ક્યાં છે ..????????
અમદાવાદની દુકાનો ખુલી અને બંધ થઇ ગઈ..
અમદાવાદે અસ્સલ મિજાજનો પરચો આપી દીધો..
તમે ભલે ચાલુ
રાખવાનું કીધું પણ અમે બંધ
રાખીશું..!
ખતરા ને દૂરથી સુંઘે અને તક ને પાદરે થી પરખે એનું નામ અમદાવાદી..!!
પોલીસ અને લાહ્યબંબાની ચાલ ને ઓળખે એ અમદાવાદી માણસ..!
રોજ સવાર પડે કોઈ ને કોઈ ની મેથી મારી
ને કોરોનાનું લેટેસ્ટ જ્ઞાન મેળવી લેવાનું ને બપોર પછી વિડીઓ કોલ કરી કરી ને એ જ્ઞાનનું પ્રદર્શન ને નિદર્શન કરવાનું..!
અમદાવાદી એ બંધ જે પ્રકારે રાખવાનું નક્કી કર્યું છે એ જોતા એટલું તો નક્કી કે કોરોના ને અમદાવાદમાંથી કાઢવા માટે અમદાવાદી મક્કમ છે..
આમ જોવો તો અત્યારે સીધો અર્થ એવો નીકળે કે તંત્રની જોડે ખભ્ભે ખભા મિલાવી ને કામ કરવા અમદાવાદ તૈયાર છે, પણ અપેક્ષા એવી ખરી કે જેટલું કેહશો એટલું બંધ રાખીશું ,પણ રીઝલ્ટ જોઇશે બાપુ હા..
બાકી આ સાબરમતીનું પાણી..!!
આઝાદી લાવ્યું તાણી, લુટીયન્સ દિલ્લી ને બે અમદાવાદીઓ ફીણ ચડાવી રહ્યા છે અત્યારે…!!
આ એ જ અમદાવાદ છે ૧૯૬૫ ,૧૯૬૯ ,૧૯૮૨ ,૧૯૮૫ ,૧૯૯૨… જેણે સજ્જડબંબ બંધ પાળ્યા છે..!!
બે ચાર મહિનાના બંધ ને અસ્સલ અમદાવાદી આરામથી પચાવી જાણે છે ને ધાર્યું કરાવે છે.. ફિતરત રહી છે આ શહેરની..
એક જમાનો હતો કે વેપારી મહાજન સત્તાધીશો ના સ્થાન
નક્કી કરતો ને ચેમ્બરના પ્રમુખની હેસિયત એક કેબીનેટ મીનીસ્ટર જેટલી ગણાતી..!
આજે મહાજનો એસોશીએશન ના નામ ધારણ કરી ચુક્યા છે પણ પક્કડ તો ખરી બજારો ઉપર એમની હજી..!!
આજે સવારે થોડા થોડા બજારો ખુલ્યા હતા રોડ રસ્તે થોડો ધમધમાટ દેખાયો પણ જ્યાં પોઝીટીવ વધારે છે ત્યાં સજ્જડ બંધ હતા.. અમુક તમુક ને બાદ કરતા..!
મહાનગરપાલિકા અને નગરપાલીકા ની બાહર આવેલા કારખાનાં ખુલ્યા છે પણ માલ ભરી ને આગળ જતા વાહનો હજી પણ થોડાક અચકાટ સાથે આગળ વધી રહ્યા છે ,
પોલીસ ના ડર લાગી રહ્યા છે..એટલે મોટા કારખાના નહિ ખુલે ત્યાં સુધી તો બબાલો રેહવાની..
એક આમ કારખાનું ગ્રામ્ય વિસ્તારમાં ભલે હોય પણ એના રો મટિરિયલ કે કોઈ તૂટફૂટ ના સામાન બધું મોટા શેહર જોડે જોડાયેલું જ હોય છે, ગ્રામ્ય વિસ્તારમાં રહેલા કારખાનામાં હંમેશા એક ગાડી એક્સ્ટ્રા પડી જ હોય જે નજીકના મોટા શેહરનો રોજ નો એક આંટો મારતી જ હોય..!
અમદાવાદ ના કલ-કારખાના નો મોટો ભાગ પીરાણા ના કચરા ડુંગર થી શરુ કરો તો છેક નાના ચિલોડા સુધી નો લગભગ બાવીસ કિલોમીટર નો રોડ અને એની ડાબી બાજુ બેથી ચાર કિલોમીટર અને જમણી બાજુ પાંચથી છ કિલોમીટરમાં વિસ્તરેલો છે, એ આખો ઔદ્યોગિક પટ્ટો હજી સન્નાટામાં છે..!
ત્રીજી તારીખ પછી પણ આખો વિસ્તાર કેવી રીતે ખોલવો એ તંત્ર માટે માથાનો દુઃખાવો સાબિત થવા નું છે..
ગુજરાતના હ્રદયમાંથી નીકળતી રૂપિયાની ધોરી નસ નો પેહલો જ ભાગ છે આ પટ્ટો..
એ પટ્ટો આગળ વધે તો છેક વાપી સુધી જાય મણીનગરથી રેલ્વે લાઈન ની બંને બાજુ છેક વાપી સુધી નકરા કારખાના જ કારખાના..!!
અને હજી આગળ વધો તો મુંબઈ સીધ્ધું આવે જેએનપીટી ( મુબઈનું પરદેસ માલો મોકલતું સમુદ્રી બારું )
દખ્ખણ બાજુ થોડું ખુલ્યું છે પણ આ બાવીસ કિલોમીટરના પટ્ટા થી લોહી ઉર્ફે રૂપિયા ઉર્ફે માલ આગળ વધે તો જ બધું આગળ વધે, બાકી તો બધું નક્કામું પડે , ઇન્વેન્ટરી હોય એટલો માલ નીકળે પછી ઠૂસ..!
તલવારની ધારે આવી ગયા છીએ આપણે ,એક એક ડગલું ફૂંકી ફૂંકી ને ભરવાનું છે દુશ્મન અદ્રશ્ય છે અને જિંદગી લઇ લેતા ક્ષણભર નો પણ વિલંબ નથી કરતો , બીજી તરફ પાપી પેટ આ વાત સમજવા તૈયાર નથી એને તો એક ટંક માંડ ખમી ખાવું છે પછી તો જોઈએ જોઈએ ને જોઈએ જ ..!
ડોક્ટર્સ કહે છે કોરોનાની જોડે જ જીવવાનું છે..
તંત્ર અને પ્રજા કોરોનાને પછાડવાના મૂડમાં છે અને ડોક્ટર્સ કહે છે એની જોડે જ જીવવાનું છે ?
સાચું કોણ ?
ડોક્ટર્સ જ સાચા, ગમે તેટલો મોટો આઈએએસ અધિકારી હોય પણ એનેટોમી, ફીઝીયોલોજી,ફાર્મેક વગેરે વગેરે ના ભણ્યા હોય એટલે એક ડોક્ટરની સામે શૂન્ય..!
હોસ્પિટલના દરવાજાની અંદર ની દુનિયામાં કોઈ ની પણ નો એન્ટ્રી
..!
તો પછી આજે જગત આખું એક હોસ્પિટલમાં ફેરવાઈ ચુક્યું છે તો તંત્રની બાગડોર કોને આપવાની હોય ? કોના હાથમાં હોવી જોઈએ ? કોઈ એક રાજનેતાના ? અધિકારીઓ ના ? કે પછી ડોક્ટર્સ ના ?
અમેરિકન પ્રમુખ સવાઈ ડોક્ટર થઇ ને એક પછી એક ભાંગરા વાટી રહ્યા છે અને અમેરિકન પ્રજા હવે તો એમના માથે માછલા ધોવાનું પણ બંધ કરી ચુકી છે , થાકી ગઈ..!
અમેરિકનો અત્યારે એમના ઇમ્યુનોલોજીસ્ટ ડોક્ટર ફાઉચી ને વધારે ગણકારે છે એમના “લોકલાડીલા” પ્રમુખ કરતા ..!
મને એક વાત કઠે છે ભારતમાં મેં એક પણ ઈમ્યુનોલોજીસ્ટ ને ટીવી ઉપર આવી ને કે જાહેર જનતા ને સંબોધન કરતા જોયા નથી.!!
આવું કેમ ?
ઇમ્યુનોલોજીસ્ટ ક્યાં ખોવાયા છે ભારતમાં ?
ભલે રાજનેતાઓ અને આઈએએસ અધિકારીઓની મદદથી આપણે ઘણું કંટ્રોલ કરી ગયા છીએ પણ હવે આગળ નો રસ્તો તો કદાચ ઇમ્યુનોલોજીસ્ટ જ બતાડી શકે તેમ છે..
પ્લાઝમા ટ્રીટમેન્ટ સફળ થતી દેખાય છે પણ હજી પાશેરા ની પેહલી પૂણી છે અને પ્લાઝમા ને સંપૂર્ણ સફળ કરવી હોય તો ઇમ્યુનોલોજીસ્ટ જોઈએ જ..!!
ભારત ના ડોક્ટર ફાઉચી
કોણ ..?
શોધી કાઢવા પડશે અને કમાન એમના હાથમાં મુકવી રહી ..
આખા બ્લોગની પૂર્વભૂમિકા કદાચ વધારે લાંબી એટલે કરી છે કે પડકારો ને ઉજાગર કરવા હતા..
ભારત અમેરિકા કરતા નસીબવાળું રહ્યું છે કોરોના ના મામલે , રોગ ને આગળ વધવાની ઝડપ ને તો લગભગ તોડી પાડી છે આપણે , પ્રજા એમના રાજનેતા નરેન્દ્ર મોદી ના શબ્દોનું અક્ષર-સહ પાલન કરી રહી છે અને હજી સુધી ક્યાય કોઈ અધિકારી નો કોઈ મોટો છબરડો બાહર નથી આવ્યો , પ્રજા ના બહુ મોટા ભાગે પોતાની જવાબદારી સમજી ને કામ ઉપાડી લીધું છે એટલે હવે સવાલ દરેક ને એક જ આવે કે વોટ નેક્સ્ટ ?
અમેરિકાના ડોક્ટર્સ જોડે વાત કરી અને ત્યાંથી જવાબ આવ્યો ઇમ્યુનિટી એ જ ઉપાય અને એના માટે ઇમ્યુનોલોજીસ્ટ જ જોઈએ..!!
અપેક્ષા ખરી કે જલ્દીથી બુલેટીન આપતા અધિકારીઓ ની જોડે ઇમ્યુનોલોજીસ્ટ પણ આવે અને પ્રજા ને એજયુકેટ
કરે ..!!
હજી આ દેશમાં રાજનેતા કે અધિકારીથી ઉપર નો દરજ્જો એક પ્રમાણિક ડોક્ટર ભોગવી રહ્યો છે ,
ઘણા બધા ડોક્ટર્સ એવા ચોક્કસ છે કે જેમના બોલ
ને જાતી ધર્મ કે બીજા કોઈ ભેદભાવ વિના પ્રજા નો એકે એક વર્ગ બિલકુલ ઉથાપતો નથી..!
ઇમ્યુનિટી વધારવા માટે કોઈ ઉપાય રાજનેતા કહે કે અધિકારી કહે એના કરતા ડોક્ટર કેહશે તો શીરાની જેમ ગળે ઉતારશે જનતા જનાર્દન..!
થુંક ઉપર નો ૧૭ મી એપ્રિલનો કકળાટ કામ લાગ્યો છે ,અભિયાન રૂપે “નો સ્પીટીંગ” ઉપાડવામાં આવ્યું છે..
આભાર પ્રધાનમંત્રીજી..
શુભ રાત્રી
શૈશવ વોરા
(ચેતવણી :- આ બ્લોગને પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે , જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)