સુપ્રભાત મિત્રો ..
આજે સવાર સવારમાં એક કાકા યાદ આવ્યા ,એક કાલ્પનિક નામ આપું છુ ચૌહાણ કાકા ..
ચૌહાણ કાકા અને કાકી લગભગ સિત્તેર વર્ષની આજુબાજુની ઉમર, ગાંધીનગરમાં એક સરકારી નોકરીમાં જન્મારો કાઢ્યો, હાથેપગે ઉત્તર ગુજરાતના એક ગામમાંથી આવ્યા ,
અત્યારે એક નાનકડો ચારસો વારમાં બાંધેલો બંગલો ગાંધીનગરમાં એમાં રહે છે,સવારે વેહલા ઉઠી અને ચાલવા જવાનું અને બાકીના જે કામ રીટાયર્ડ લોકો કરે છે તે કરવાના..
ચૌહાણ કાકાએ પોતે પોતાનું જીવન સંપૂર્ણ સાદગીમાં વિતાવ્યું ,અને કાકીએ એમાં સાથ આપ્યો, આજે પણ કાકા બે જોડ ચોકડીવાળી વાદળી લુંગી અને બંડીમાં લગભગ આખો દિવસ અને દિવસો કાઢે છે,
પણ ચૌહાણ કાકા જયારે ૪૫ ઉમરના હતા ત્યારે એમને “ચાન્સ” આવ્યો,એમની સરકારી નોકરીમાં એમને ”પોઝીશન” મળી અને ચૌહાણ કાકાના ઘરે આવીને લોકો “બંડલો” મૂકી જતા, શરુ શરુમાં ચૌહાણ કાકાએ બહુ જ વિરોધ કર્યો ,
ના મેં નીતિથી જીંદગી કાઢી છે અને મારે એમ જ રેહવું છે,
પણ સાથે નોકરી કરતા લોકોમાં ચૌહાણ કાકા વેદિયા, નકામો,બોગસીયો,મુરખો થઇ ગયા,
ચૌહાણ કાકાની આજુબાજુનો એમનો કાકા બાપાનો અને સસરાનો વસ્તાર ઘણો મોટો ,ગાંધીનગરમાં એમનું એક જ ઘર બાકી બધું ગામડે રહે,
એટલે ચૌહાણ કાકાનું વસ્તી અને મેહમાન વાળું ઘર પણ કાકી તાણીતુસીને ચાલીવે લેતા કોઈ ફરિયાદ નહિ..
હવે ચૌહાણ કાકાના નાના ભાઈને કેન્સર ડિટેકટ થયું અને પ્રાઈવેટમાં દવા કરવાવી એવું કુટુંબ સભામાં નક્કી થયું , પણ ખર્ચો કોણ ઉપાડશે એ વાતનો કોઈએ ફોડ ના પડ્યો …
છેવટે બધું રમતું ભમતું ચૌહાણ કાકાના માથે આવ્યું અને ચૌહાણ કાકા આર્થિક રીતે ખેંચમાં આવ્યા અને પેલા “બંડલો “ નો સ્વીકાર કર્યો ..હા નીતિ ના છોડી ..
ડોકટર ચૌહાણ એ સરકારી ગાઈડલાઈન્સ પ્રમાણે જ દવાઓ મંગાવી અને એ પણ એકદમ કસીને ,
એન્જીનીઅર ચૌહાણ સાહેબે હાઉસીંગ બોર્ડના મકાનમાં ક્યાય માલ મટીરીયલમાં ઘાલમેલ ના કરી..
પુરવઠા ખાતા વાળા ચૌહાણ સાહેબે પેટ્રોલપંપમાં કોઈ જગ્યાએ ચોરી ના ચલાવા દીધી..
આ બધું સરકારી કાયદા પ્રમાણે કરવા છતાં ચૌહાણ કાકાને ઘેર ”બંડલો” આવતા, અને વેપારી લોકો એમ કેહતા સાહેબ અમે પણ કમાઈએ છીએ, રાખો ચિંતા ના કરો કશું ખોટું નથી આ તો વેહવાર છે ..
હવે આ “બંડલો”થી ચૌહાણ કાકાએ પોતાના નજીકના સગામાં દાન દક્ષિણા ચાલુ કર્યા, ચૌહાણ કાકાની આજુબાજુમાં જ્યાં જ્યાં જરૂર લાગી ત્યાં ત્યાં એ બધાને પેલા “બંડલો “માંથી મદદ કરતા ગયા,
પણ પોતે અને કાકી એ “બંડલો” ને બિલકુલ હાથના લગાડતા ..
ના અમારે આ પૈસો ના ખપે ..
સમાજમાં ચૌહાણ કાકાનું નામ થઇ ગયું કોઈને પણ માણસને નાની મોટી કોઈપણ તકલીફ આવે એટલે સીધો દોડીને ચૌહાણ કાકા પાસે પોહચી જાય…
કહાની મેં ટ્વીસ્ટ..
સમય આવ્યે ચૌહાણ કાકાની મોટી દીકરીના સાદગી પૂર્વક લગ્ન કર્યા , વેવાઈનું મગજ માંડવો જોઇને જ ભમ્યું ,આવું તો કઈ ભિખારીવેડા હોય ..!
બસ બે વર્ષમાં દીકરી ઘેર પાછી આવી ,જબરજસ્ત પ્રેશર દીકરીને સાસરિયાઓ તરફથી આ લાવ ને પેલું લાવ ,ગ્રેજ્યુએટ દીકરી નોકરી એ લાગી અંતે છૂટાછેડા લીધા..!
દીકરાના લગ્ન કર્યા, એન્જીનીઅર દીકરો પણ વેવાઈ કડકો વારતેહવારે વહુ પાસેથી પૈસા પડાવે અને એક વખત તો વહુએ સસરાની તિજોરીમાંથી “બંડલ” પૂછ્યા વિના બાપાને આપ્યું ..
બહુ ધમાલ થઇ ઘરમાં “બંડલ” ક્યાં ગયું ?
બીકની મારી દીકરાની વહુ બોલી નહિ કે મેં મારા બાપ ને આપી દીધું , છેવટે સમય જતા મામલો શાંત પડયો અને પછી તો વહુને ફાવટ આવી ગઈ વર્ષમાં બે ત્રણ વાર ઘરની વસ્તુ પિયર જાય ,ક્યાં તો બંડલ કે કોઈ ઘરેણું ..
ચૌહાણ કાકાના ઘરની વહુ જ “ચોર” થઇ ગઈ પણ એ એક દીકરીની માં થઇ ગઈ હતી હવે એ માસુમ પૌત્રીના મોઢાને આ “ચોર” ને સાચવવાની..
રીટાયર્ડ થયા અને “બંડલો “ આવતા બંધ થયા ,માંગવાવાળા અને બીજા બધાને હવે “ના” કેહવાનો વારો આવ્યો ..હું હવે રીટાયર્ડ છું મારે કોઈ જ બીજી આવક નથી,
ચૌહાણ કાકા તો નકામો માણસ થઇ ગયો ..ગરજ સરી વૈદ વેરી..!
ઘરમાં પ્રોબ્લેમના પાર નથી.કાકીને કીડની ફેઈલ થઇ ગઈ અને ટ્રાન્સપ્લાન્ટ કરી કીડની ,
રૂપિયા બધા પુરા થઇ ગયા, છાતી પર બેઠેલી છૂટાછેડા લીધેલી દીકરી અને “ચોર “ વહુ ઘરમાં , વર્ષોથી જેમના પ્રોબ્લેમ સોલ્વ કરેલા એ બધા હજુ પણ આવે છે અને ગામડેથી જુદા જુદા લોકોના પ્રેશર લઈને આવે છે, ચૌહાણ કાકા વિચારે છે હવે મારું અને મારા વસ્તારનું કરું કે હવે ગામનું સાચવું ?
દીકરો તો પ્રાઈવેટ નોકરીમાં છે, એવો કોઈ મોટો પગાર નથી એનો કે એના રૂપિયે બીજાને મદદ થાય અને એને તો પેહલા જ દિવસથી બાપના “રોબીન હુડ વેડા “ ગમતા નોહતા..!
કાકી એક જ વાત વારેવારે બોલ્યા કરે છે આપણે તો દઈને દુશ્મન થયા , આખા ગામનું આપણે કર્યું અને સાચવ્યું ,પણ અમારે કોઈ કામમાં નાં આવ્યા ,
કાકીની જીંદગી હવે રૂપિયાના સહારે આવી ગઈ જેટલી દવા નામનો ગોળ નાખો એટલું ગળ્યું થાય,,!
ચૌહાણ કાકા હજી વિચારે છે આ બધું કેમ થયું ? પેલા “બંડલો“ ને હાથ લગાડ્યો એટલે કે પછી આવેલા “બંડલો “ ને સારી રીતે “ઠેકાણે” ના પાડી અને ગામ ને વેહચી દીધા એટલે ..?
દસ વાર ભગવદ્ ગીતા વાંચી ગયા બહુ મનોમંથન કરે છે પણ કઈ સમજાતું નથી , મેં તો એક પણ રૂપિયો અ-નીતિ નો મારી પાસે નથી રાખ્યો પણ આમ કેમ ?
જવાબ મને પણ નોહતો મળતો ..
પણ ચૌહાણ કાકાની એ ઘરડી આખોમાં ક્યાંક સચ્ચાઈ છુપાયેલી હતી ,અને સમયનો માર એમની આંખ પર હાવી થઇ ગયેલા ગાલની કરચોલી પર મને ચોખ્ખો દેખાતો હતો ,
અને એ કરચલીવાળા ગાલ એમની આંખને રડવા પણ નોહતા દેતા..
મારે જવાબ આપ્યે જ છૂટકો હતો ..
કાકા તમે જે રૂપિયાથી ગામના લોકો ને મદદ કરીને એ રૂપિયા નીતી ના ચોક્કસ નોહતા એ તમે પણ સારી રીતે જાણતા હતા ,અને માટે જ તમે એને હાથ ના લગાડ્યો ,
પણ તમે જેને જેને મદદ કરીને એ લોકો પણ એને પાત્ર નોહતા ..
તમે બધાને ખુબ મદદ કરતા એટલે તમારી દીકરીના સાસરિયા અને તમારા આજુબાજુના લોકો એ બધા જ એમ માનતા કે તમે ઢગલો રૂપિયા મારી ખાધા છે ,ભલે તમે સાદગીથી રેહતા હતા પણ લોકોને એમ જ હતું કે ચૌહાણ કાકા પાસે કરોડો છે ..
અને એ કરોડોની લાલચ એ જ તમારી આ હાલત કરી છે ,
ચૌહાણ કાકા હવે બધું ભૂલી જાવ , અને થાય એટલી જ કાકીની દવા કરો નહિ તો એમને જવા દો..
જે રૂપિયા તમારા નોહતા એ તમે સારી રીતે જાણતા હતા તો પછી એ રહ્યા કે ગયા એનો અફસોસ શા માટે ?
ચૌહાણ કાકા દુનિયામાં કોઈ કોઈનું નથી, દરેક ડૂબતો તરણું શોધે છે એ તમારા પોતાનો હોય કે પારકો પણ બધાને તમે ના લાકડું આપી શકો કે તરણું ..!
માટે ચૌહાણકાકા ફરીવાર કહું છું થાય એટલું કરો નહિ તો છોડી દો ..!
જો ઈશ્વર છે તો સહુ નો છે ,અને નથી તો કોઈ નો નથી ..!
ચૌહાણકાકા કશું જ બોલ્યા વિના મારી પાસેથી જતા રહ્યા..
આપનો દિવસ શુભ રહે
શૈશવ વોરા