ગઈકાલના બ્લોગ ઉપર કેટલાક લોકોએ એવું કહી દીધું કે પેહલા જીવદયા કે અહિંસા વિશે જાણો અને પછી લખો..!
ગઈ ભેંસ પાણીમાં..! જીવદયા કે અહિંસા વિશે મારે જાણવાનું,શું અને ક્યાંથી..?
સ્વામીજી પાસેથી..?કોઈ ૧૦૦૮ પાસેથી..?ભગવંત પાસેથી..?ગુરુ મહારાજ પાસેથી.?જબરો ત્રાસ છે..! સીધું ગમે તેને કહી દેવાનું કે પેહલા જાણો અને પછી બોલો,આવું ખોટું ખોટું જાણ્યા વિનાનું બોલીને પાપના વોહરશો..! પોતાનો મત કોઈને મુકવા જ નહિ દેવાનો,અમે અને અમારા “બાપજીઓ” જે કહીએ એ સાચું અને બધાએ એમ જ કરવાનું..!
અને જે બાપજી કહે એમ ના કરે એ પાપ કરી રહ્યા છે અને પાપી..!
તાલેબાની માનસિકતા..!
મધ્યયુગમાં ઈતિહાસ સાક્ષી છે કે સમ્રાટ અશોકની હિંસા અને હિંસા પછીનો આવેલો અહિંસક યુગ, લગભગ “અહિંસા” તાલેબાની અવસ્થા સુધી જતી રહી હતી અને પછી, એક પછી એક એમ આક્રમણો થયા અને પ્રજા ભારતમાં આવતી રહી અને ભારત એ બધી પ્રજાને સમાવતો રહ્યો અને ધીમે ધીમે કાળક્રમે ભારત દેશ તૂટતો ગયો..!
કુદરતી રીતે હિંસક એવા સિંહબાળ ને એક જમાનામાં મધ્યપ્રદેશમાં વેજીટેરીયન બનાવવાના દાવા થયા હતા..! હું તો માનું છું કે સૃષ્ટિના કણ કણમાં હિંસા વસેલી છે,એ પણ ત્યાં સુધી કે ગર્ભમાં જયારે એગ અને સ્પર્મ નું મિલન થાય છે પછી જે વિસ્ફોટ થાય છે અને એક કોષમાંથી બીજો કોષ બને છે, જુનો કોષ તૂટે અને એમાંથી નવો બને,અને જીવન શરુ થાય એની સાથે જ મૃત્યુની શરૂઆત થઇ જાય છે,નકરી હિંસા..!
મહારાણા પ્રતાપના ભાલાના મેસેજ ફોરવર્ડ કરનારી પ્રજા(એ તો આપણામાં એકતા નોહતી, બાકી જેટલા વજનનો મહારાણા પ્રતાપનો ભાલો હતો ને એનાથી ઓછા વજનનો તો અકબર હતો) ને અત્યારે ભાલો પકડતા પણ ફીણ નીકળી જાય અને એ ભાલો કોઈની છાતીમાં પોરવવાનો આવે તો..? બધા ધોતિયા ને પોતિયા મુકીને ભાગી જાય અહિંસકો..!
હા શારીરિક અને માનસિક રીતે દુર્બળ થઇ ગયેલી અહિંસક પ્રજાને કોઈપણ પ્રકારનો ફાયનાન્શિયલ ક્રાઈમ કરતા જરાક પણ શરમ નથી આવતી..!
એકપણ “બાપજી” એવું ક્યારેય એમ નથી પૂછતો કે તમે જે રૂપિયાથી દાનધર્મ કરો છો એ નીતિથી કમાયેલા છે કે પછી..?અને પૂછે પણ શા માટે એમને પણ એમની દુકાન ચલાવવાની છે અને ધંધો એક્સ્પાંડ કરવાનો છે..અમુક અમુક પંથમાં તો રીતસરના મેનેજર રાખવામાં આવે છે બાપજીને પ્રમોટ કરવા માટે…! પ્રોપરલી “બ્રાન્ડીંગ” થાય છે બાપજીના નવી નવી “સ્ટ્રેટેજી” બને અને જે બીજા ચારને જોડે લેતો આવે એ “મોટો”..!
મને ઘણીવાર થાય કે આ દસ દસ દિવસ અને મહિનો મહિનો પ્રજા જાત્રાઓ કરે અને કાયાને કષ્ટ આપે ઉપવાસ અને એકટાણા કરે અને પછી શું..?
ઉપવાસ એકટાણાથી શરીર સારું રહે એવું કહે,ચાલો માન્યું પણ આ તો માપ સાવ વિનાના..!લોકો મહિનો મહિનો પડ્યા રહે છે જાત્રાધામમાં “નેટ નવરા” અને બાપજીઓ પણ જ્યાં સુધી પેલો કૈક કામનો કે રૂપિયા વેરતો હોય ત્યાં સુધી ઠીક મારા ભાઈ..!
હિંદુઓ માટેના મેસેજ ફોરવર્ડ કરતી પ્રજાને બંદુક જોઇને ચક્કર આવે છે,લગનમાં શકનમાં મુકવામાં આવતી કટાર પણ હવે ગાયબ થઇ ગઈ..!
અમારા દવાખાને કેટલાય એવા આવે છે કે જે બીજા કોઈને મારા પપ્પા ઇન્જેક્શન આપતા હોય અને પેલો ત્રીજો જ ચક્કર ખાઈને પડે..! માન્યું કે આપણે સભ્ય સમાજનો એક ભાગ છીએ પણ શાંતિ અને અહિંસા બંદુકના નાળચામાંથી જ નીકળતી હોય છે..!વધારે પડતા અહિંસક થયા તો પછી વટલાવવા તૈયાર રેહવાનુ..!
અને બીજી વાત કે કોઈપણ ધાર્મિક ૧૦૦૮ કે ગુરુ કે કાનજી વિરુદ્ધ કાનજીની ભાષામાં કહીએ તો “એજન્ટ” હમેશા નવા આવેલા ચેલાના બેચાર સવાલોના જવાબ આપશે,અને પછી એની ક્યુરીયોસીટી મારી નાખશે અને બહુ માથુ ખાય તો એને વટલાવી દે આવી જા, અમારા જેવો થઇ જા જન્મારો આખો મારી સેવા કર અને હું તને “જ્ઞાન” આપ્યા કરીશ..!અને જયારે “જ્ઞાન” આવે ત્યારે એટલું બધું મોઢું થઇ ગયું હોય કે અફસોસ અફસોસ..!
દરેક ગુરુના જ્ઞાનની પણ મર્યાદા હોય છે,પણ ચેલાઓ એ બિલકુલ સ્વીકારવા તૈયાર નથી હોતા અને ગુરુ પણ દે દે ઠોકારતા હોય સિદ્ધુની જેમ..! એક જેલમાં બેઠેલા ગુરુજી ટીવી પર કેહતા કે પીઝા ખાવાથી મન વચન અને કર્મ ત્રણે બગડે..!ટોટલ આઉટ ઓફ સબ્જેક્ટ જઈને ઠોક્યું..! જીવદયા અને અહિંસા પણ એવું જ કૈક છે,ગાંધીની અહિંસા અને મહાવીરની અહિંસા બંને સાવ જુદી..
અને રામ અને કૃષ્ણ ની હિંસા પણ જુદી..! રામે રાવણ માર્યો હિંસા કે અહિંસા..? કૃષ્ણે કંસને માર્યો હિંસા કે અહિંસા..?
ટોટલ લોચે ચડી જાય આવા સવાલો નાખો તો..! બટાકા,કાંદા અને લસણથી આગળની વાર્તાના આવડે..!
હમણા એક ચેનલ ફેરવતા થોડાક “આત્માઓ” ને વાર્તાલાપ કરતા જોયા..હું ફલાણો આત્મા મને એકાત્મતા સાધવા જતા તાદ્મ્યતા ખોવાઈ જાય છે તો મારે શું કરવું ? જવાબ આવ્યું શરુ શરુમાં આવું થશે પછી બધું બરાબર થઇ જશે..!
મારું બેટુ મને તો હજી આ એકાત્મતા અને તાદ્મ્યતા અને સાધવા આ બધાનો ક્યાય મેળ બેસતો નથી પણ હવે ચાલે બધું લોલમ લોલ..!
ઘણા લોકો “ખ” શરુ થતા શબ્દો બોલે ખણામમા.. અલ્યા આ શું પાછુ..?
બાપજી આખી નવી જ ટર્મિનોલોજી ડેવલપ કરે તમને એમ લાગે કે હવે આશુતોષ ગોવારીકરને એક નવી ફિલ્મ નો સબ્જેક્ટ મળી ગયો અને ભાષા પણ..!
ઘણીવાર રાત પડ્યે ઊંઘ ના આવે તો ધાર્મિક ચેનલો જોવાની મજા આવે મસ્ત મોટે મોટેથી બાપજી ઘાંટા પડતા હોય કે પછી ભજન ચાલતા હોય પિક્ચરની ટયુન પર અને એના ચેલા આપણને કહે કે પેહલા નોલેજ લઇ લો..!
સાહેબો આ દેશ ને ખરેખર બચાવવો હોય તો જેમ દારુની લત છોડાવવા વ્યસનમુક્તિ કેન્દ્રો ખોલ્યા છે ને એમ ધરમની લત છોડાવવાના મુક્તિ કેન્દ્રો ખોલવાની જરૂર છે..બિચારો જણ જિંદગીને જોવે જાણે અને માણે..!
ભારત દેશનો જનસાધારણ એટલો ગભરુ છે કે એના “બાપજી”માં જન્મે ત્યારથી આવી જાય છે અને જીવનભર બીકમાંથી બહાર નથી આવતો, જીવતે જીવતની જિંદગીને નરક કરી ને મર્યા પછીની ના જોયેલી જીંદગીના જન્નત અને સ્વર્ગ ની પાછળ દોડે છે..!
હિંદુ મુસ્લિમ સીખ ઈસાઈ..કોઈ બાકી નથી આમાં..!
થાય તેટલી અહિંસા કરો અને આચારો બાકી ભલે થતી હિંસા..!
આજ નો લાહવો લીજીએ રે કાલ કોણે દીઠી..!
અને વધારે પડતું જ્ઞાન લેવાની આપણી કોઈ જ તૈયારી નથી..
અતિજ્ઞાનનો સો સો મણનો ભાર ઉપાડીને જીવવું એના કરતા અભણ રહીને હલકા ફૂલ જેવું રેહવુ સારું..
તમારું “જ્ઞાન” તમને અને તમારા બાપજીને મુબારક..!
શુભ રાત્રી
શૈશવ વોરા
www.shaishavvora.com