ગુજરાતમાં દર વર્ષે થતા NRG ના આક્રમણની સમયમર્યાદામાં થયેલો વધારો..! મોટેભાગે એમની ૩૨ કિલોની બેગમાં આખું હિન્દુસ્તાન ભરીને ઉતરાયણ પછી તરત જ ઉડીને પાછા જતા NRG હવે છેક ફેબ્રુઆરી અને અમુક તો માર્ચ એન્ડ સુધી રોકાય છે..
નળસરોવરના પંખીડા જેવું છે,અહિયાં સીઝન સારી લાગે અને ત્યાં ખરાબ હોય તો થોડા વધારે રોકાઈ જાય, પણ હમણા હમણા NRGની હરકતોમાં થોડો સુધારો આવ્યો છે, થોડી “લુખ્ખાઈ” ઓછી કરતા થયા છે, આજકાલ NRG ઇન્ડીયામાં આવીને દરેક જગ્યાએ જઈ જઈ ને ગંદી રીતે બાર્ગેન નથી કરતા હવે કદાચ યજમાન ગુજરાતીની નવી પેઢી મોઢામોઢ કહી દે છે એ માસી-કાકા આવું ના હોય..! પછી થોડા ખસિયાણા પડીને એ વસ્તુ છોડી દે કે ચુપચાપ લઇ લે..!
થોડાક વર્ષોમાં બીજો પણ એક જોરદાર ફેરફાર આવ્યો છે NRGમાં એમના એલિયન જેવા વર્તન પર લગામ આવી છે,બે દસકા પેહલા આવતા NRG તો જાણે ચન્દ્ર પરથી આવ્યા હોય એવું જ વર્તન કરતા,પણ આજકાલના NRGમાં ઘણો સુધારો છે,તમને આવકારવા ગમે..
પણ એક તકલીફ તો હજી પણ છે, દુનિયાભરનું એમને ખાઈ લેવું હોય પાણીપુરી થી લઈને લસણની ચટણી અને દુનિયાભરનું ચુરમાના લાડવાના લોટથી લઈને પાટણનું પટોળું બધું જ ખરીદી લેવું હોય,અને એમાં હવે ત્રીજી તકલીફનો ઉમેરો થયો છે હવે NRGને ત્રણ વીકમાં આખું ભારત ફરી લેવું હોય છે..!
અને પછી ત્યાં પાછા જઈને ફાંકા મારવા હોય છે..ઓહ યા અમે પણ આ વર્ષે ઇન્ડીયામાં કેરલા જઈ આવ્યા..અને સામેવાળો એમ બોલે ઈ તો અમે બે વર્ષ પેલા ગ્યા
તા,અમે તો આ વર્ષે આસામ જોઈ ને આ`યવા..પત્યું પેલા ના દિમાગમાં આસામ નો કીડો ભરાય..!
જે દોડાદોડી માંડે છે આ NRG આજકાલ ફરવાના નામે..અને એટલી ખતરનાક અને હેકટીક ટ્રીપ કરે છે આપણને પણ એમ થઇ જાય કે અલ્યાએ આ દરેક જગ્યાના થપ્પા શું લેવા કરે છે? શાંતિથી બે રાત એક સીટીમાં રોકાઈ જા અને શેહરને સરખું જોઈ લે જાણી લે..હવે મોટાભાગના NRG જયપુર દિલ્લી અને આગ્રાની સર્કીટ ત્રણ દિવસ અને બે નાઈટમાં પૂરી કરે..દિલ્લીનો કે આગ્રાનો ગમે તે લાલ કિલ્લો હોય હડકાયા કુતરા પાછળ પડ્યા હોય એમ દોડી દોડીને જુવે અને પૂરો કરે..અને તાજમેહલમાં તો બે કલાક કાઢે.. બોલો પુરા બે કલાકમાં આખો તાજમેહલ જોઈ લે..!,એદમાત-ઉદ-દૌલાનું તો નામ પણ સાંભળવા તૈયાર ના હોય,પાછો જોડે જોડે મથુરા વૃંદાવન પણ લઇ લે..! એ પ્લાનિંગમાં ના હોય પણ હવે અહી સુધી આવ્યા છીએ તો પછી જોઈ લઈએ..અને પછી જયપુરમાં શું જોયું..? સીટી પેલેસ અને આમેર અને હવામહેલ બહારથી જોયો..થાકીને ઠૂસ..!
અને અમદાવાદમાં આવ્યા પછી તો કાકા,મામા,માસી,ફોઈ,સાળી.. લીસ્ટ તૈયાર જ હોય અને રોજ નવા ઘેર જમવા જાય..! કદાચ પેહલા પણ લખ્યુ છે મેં હું અહિયા રેહતા દરેક સગાને કહુ છુ મારો ભાઈ કે બેહન પરદેસથી આવે છે તો તમે એને જમાડો છો અને હું અહિયા નો અહિયાં જ ગુડાણો છું તો મને કેમ નથી જમાડતા..? મને પણ બોલાવોને..!
ખબર નહિ કોણે સીસ્ટમ પાડી છે આ NRG ને જમાડવાની..? મારે તો મારા મિત્રો કે NRG આવે તો ભાઈ જમવાના ટાઈમ પર આવ્યો છું જમી લે, તને કઈ સ્પેશિઅલ ખાવાની “વાસના” રહી ગઈ છે તો બોલ પૂરી કરાવી દઉં,બાકી બત્રીસ ભોજન અને તેત્રીસ પકવાન મારી ઘરવાળી બનાવે અને એમાંથી તું બધું ચાખે અને એશી ટકા બગડે અને પાછું જાય એના કરતા શાંતિથી અને પ્રેમથી જમી લે અને મારી જોડે સમય વિતાવ..!
ઘણા બધા મિત્રોના અને સગા NRG અત્યંત પ્રેમભર્યા આમંત્રણ છે એમને ત્યાં આવવાના પણ ૧$=૬૮INR બહુ નડે આપણને..! આપડું ગણિત ત્યાં ઉલટું થઇ જાય ૬૮=૧ થાય એટલે થોડો હાંફ ચડે..!
જો કે અમદાવાદના બહુ જ જાણીતા સર્જન અને પાપાના ખાસ મિત્ર મને હમેશા કહે..જો જે હો શૈશવ એવી ભૂલ ના કરતો અમેરિકા જાય તો અહીંથી જ પેલી પેકેજ ટુર લઇ લેજે,તારે અમેરિકા જીન્દગીમાં એક બે કે વધીને ચાર વાર જવાનું,પણ પેલો ત્યાંથી દર બે વર્ષે આવશે અને જો તને એણે ભૂલથી અમેરિકામાં ફેરવ્યો હશે અને જેટલા ડોલર ખર્ચ્યા હશે એટલા તો અહિયા ઇન્ડીયામાં તારી જોડે પુરા કરાવશે અને દર બે ઇન્ડિયા વર્ષે આવશે અને તારી મેથી મારશે..!
એમના શબ્દોમાં આગળ કહુ તો .. મને ન્યુયોર્કથી બસ્સો માઈલ દુર એક સગાના સગા લેવા આવ્યા હતા અને એમને ત્યાં પરાણે બે દિવસ મને રાખ્યો હતો, ખાતિરદારીમાં કોઈ કમી નોહતી રાખી, પણ હવે એ દર વર્ષે ઇન્ડીયા આવે છે અને પાલનપુરથી આગળના એક નાના ગામડામાં મને મળવા બોલાવે છે, મને ટાઈમ હોય ના હોય, ઈમરજન્સી હોય, કોઈ અનપ્લાન સર્જરી આવે તો પણ મારે બીજાને આપી ને એને મળવા જવું પડે છે, અને એ પણ પાલનપુરથી આગળ ગામડામાં..મેં કીધું એકાદ વાર તો જવાયને કાકા..મને કહે અરે શૈશવ એકવાર નહિ દસ વાર જઈ આવ્યો છું,અને અમેરિકા પણ હું એ પછી વીસ વાર ગયો પણ એમને ત્યાં હું નથી ગયો,અને હવે કંટાળો આવે છે એમને મળવાનો,એમની એની એ વાતો અને મારી જોડે ટાઈમ હોય ના હોય એ સમજવા તૈયાર નથી, દર વખતે મળીએ ત્યારે વાતની શરૂઆત જ ત્યાંથી કરે કે હું તમને બસ્સો માઈલ ડ્રાઈવ કરીને..વાત તો સાચી..એક સપાડુ આખી જિંદગી ખેંચાય..!
ઈન્ટરનેટ કે ફોન ગમે તેટલા વોટ્સ એપ અને ફેસટાઈમ કરીએ પણ જે સામ સામે મળ્યા અને બાજુમાં બેઠા ની હુંફ તો આ બધુ નથી જ આપી શકતા..અને બહુ મોટું ડીસ્ટન્સ અને કલ્ચર ગેપ આપણા અને એમના વિચારો અને આચારના એક અંતર તો ચોક્કસ ઉભા કરતા જાય છે, દુઃખ થાય યાદ કરવા બેસીએ તો કેટલાય મિત્રોને અને કાળજા ના કટકા વળાવ્યા..
પાછા આવે છે બે ચાર અઠવાડિયા માટે અને આવવાનો અજંપો વર્તાય છે અને ગયાનો ખાલીપો..! ક્યારેક એ ખાલીપાની બીકે હૈયે વધુ ઊંડા ઉતારવાની બીક લાગે છે..!
મને તો એક નહિ લાખ્ખો ફરિયાદ છે NRG માટે, ઘણા તો આવે તો મને એમ થાય કે આ ક્યાં આવ્યો..? એની એ ની એ વાતો, પણ તો`ય પણ એક વાત તો કહુ છું કે આ નખ્ખોદીયો H-1 અને ગ્રીનકાર્ડ બહુ બધા મારા પોતાના ને ગળી ગયો અને હજી કેટલાને અને ક્યારે ગળી જશે એ ખબર નથી..!
ટ્રમ્પકાકા અને એમની નવી ચકાચક કાકી(કાકી તો ના કેહવાય નહિ..! ભાભી રાખો ત્યારે, ટ્રમ્પકાકા અને ચકાચકભાભી), કાઢી મુકો બધા NRG ને પાછા,એટલે મારો દેશ અને ઘર પાછુ ભરાઈ જાય..થોડા લઢી લઈશું અંદર અંદર પણ અંતે તો અમારા જ ને..!
નકામો છે એ તમારો ટ્રમ્પકાકો અને ચકાચકભાભી બોલશે એટલું જ કોઈને કાઢવા નો નથી ઉપરથી દે વર્ષે બીજા પચીસ પચાસ હજારને ખેંચી જશે અને નવા NRG પેદા કરશે..
એ ભલે ભલે ત્યારે આવતા રેજો NRG અને કૈક કૈક નવા નખરા ને નાટક નવા કરતા રે
જો એટલે અમે લખતા રહીશુ..
આપનો દિવસ શુભ રહે
શૈશવ વોરા