થોડાક દિવસ પેહલા એક વિચિત્ર ઈચ્છા જાગી..
સાંજના આઠનો સુમાર થયો હતો અને એમ થયું કે બસ આજે તો બાહર જ જમવું છે..!!
ટીનએજમાં હતા ત્યારે આવી ઈચ્છાઓ મને બહુ થતી, અને મારી સાથે મારા મિત્રોને પણ થતી,
પણ ઘરમાં મમ્મી લડશે ..એવી બીક રેહતી..!
“પેહલા નથી કેહવાતું ,તો આ તમારા માટે આટલી મેહનત કરીને રસોઈ ના બનાવત ..તું બાહર ખાઈને આવે તો આ આટલું બધું કોણ ખાય હવે ..?”
આવી “ડાંટ” અમને દરેક મિત્રોને ખાવી પડતી ,જો કે પછી તો એનો પણ રસ્તો કરી નાખતા અમે..
આખી ટોળી ભેગી થઇને એકબીજાના ઘરે જાય અને મમ્મીઓ નું બનાવેલું બધું ઝાપટી જાય અને ખાધા પછી પણ “ભૂખ્યા” રહી ગયેલી ટોળી અમદાવાદની લારીઓ અને હોટેલોનું કલ્યાણ કરવા નીકળતી..!!
એ `દિવસે` તો આખી જૂની ટોળી યાદ આવી,
પણ હવે આધેડ અવસ્થાએ પોહચેલી `ઘરડી` થઇ ગયેલી ટોળી ને ફોન કરવો નિરર્થક હતો એટલે ત્રણ પેહલવાન અને બીજા ત્રણ અમે મિત્રો એમ કરીને ઉપડ્યા..!
નક્કી કર્યું હતું કે લારીનું જ કલ્યાણ કરવું..!!
અદ્ભુત આનંદ આવ્યો..!!
પણ શેનો આનંદ હતો એ હજી નક્કી નથી થતું ..
પત્નીજી અને મમ્મીના કકળાટ કર્યા નો હતો..? લારીના ખાવાના ચટાકા નો હતો ?કે ભાઈબંધો ભેગા થઇને એકબીજાની ખેંચમતાણી કરતા હતા એનો હતો ?
હજી ખબર પડતી નથી ..પણ એ આનંદ હતો..!!
છેલ્લા ચાલીસ વર્ષથી જોતો આવ્યો છું કે આઠમું ધોરણ ભણી ઉતરેલા તેર ચૌદ વર્ષથી મોટા દરેક અમદાવાદી છોકરા છોકરીની મમ્મીઓ આજે પણ કકળાટ કરે છે અમારા છોકરા ઘરનું ખાતા નથી , જયારે જુવો ત્યારે બહાર જ ખાય છે..!
અને એવું પણ નથી કે મમ્મીઓ સારું સારું જમવાનું બનવાતી નથી ..
એ જમાનો તો સાવ ગયો હવે કે જ્યારે રોજ સાંજે ખીચડી રાંધીને મૂકી દેવાતી અને બહુ થયું તો રસાવાળું બટાકા કાંદાનું શાક, કોઈક બહુ નસીબવાળો હોય તો જોડે શેકેલો પાપડ મળે, બાકી ખીચડીમાં ઘી રેડી અને ઘી જોડે ફીણી અને ખીચડી ખાઈ લેવાની એટલે દિવસ પૂરો..!!
પાછલા ચાલીસેક વર્ષથી અમદાવાદના રસોડામાં દુનિયાભરની વાનગીઓ મમ્મીઓ બનાવતી થઇ ગઈ છે અને એમાં જે મમ્મીઓને નોહતું આવડતું એ બધી લગભગ તરલા દલાલના પુસ્તકો કે ટીવી શો જોઈ જોઈ ને બનાવતી થઇ ચુકી છે અને તો પણ અમારા જેવી પ્રજા બાહર જઈ ને ખાઈ આવે છે ..!!
જુના જમાનાની કંપેરીઝનમાં જોઈએ તો આજે અમદાવાદમાં દર બીજી દુકાન ખાણીપીણીની છે , વસ્તી વિસ્ફોટના પ્રમાણમાં જોઈએ તો ખાણીપીણીની દુકાનો અને લારીઓ નો તો રીતસર નો અણુબોમ્બ ફાટ્યો છે..!!
આજ ના સાવ સામાન્ય પ્રકારની બુદ્ધિ ધરાવતા છોકરા ને પણ પૂછો કે ધંધો કયો કરાય..?
તો ફટાક કરતો બોલશે ખાણીપીણીની લારી ખોલો..!!!
હમણાં કૈક લખનૌમાં જીએસટી ની રેડ પડી અને એમાં એક કચોરીવાળા પાસે બાર મહીને સાહીઠ લાખની આવક જાહેર કરાવવામાં આવી..!!
કચોરીવાળાની સાહીઠ લાખ આવક..!!
આ મામલામાં અમદાવાદના લારીવાળા હોશિયાર છે.. મોટાભાગના લારીમાંથી દુકાનમાં ગયેલા હોટેલોવાળા એ જીએસટી નંબર લઇને જીએસટી ભરતા થઇ ગયા છે અને જીએસટી આવે તો ઇન્કમટેક્ષ પણ ભરતા જ હશે ને..!!
પણ એક સારી એવી મોટી રેસ્ટોરન્ટ ધરાવતા મિત્રને પૂછ્યું કે ભાઈ સાચું બોલ ત્રીસ ટકા છૂટે ?
અરે હોય શૈશાવ્યા સરખું મેનેજમેન્ટ કરીએ તો ચાલીસ ઉપર જાય પણ ચોવીસ કલાકનો ધંધો રાત્રે બે–ત્રણ વાગે પૂરો થાય અને સવારે ચાર વાગ્યે શાક આવે ત્યારે ચાલુ થાય, એટલે એકદમ ઘરના અને મેહનત કરે એવા મીનીમમ ત્રણ માણસો હોય તો જ હોટલ ચાલે બાકી તો ચોર ખાય…મોર ખાય .. ઢોર ખાય .. અને વધે એ શેઠ ખાય..!!
ચાર લીટીમાં ટૂંકસાર આપી દીધો..!!
દરેક ધંધાને લાગુ પડતો આ નિયમ..!! હોટેલવાળા ને વધારે..!!
પણ આ ધંધો જોર ચાલવા પાછળનું કારણ શું ?
તો પેલી ઈચ્છા ..આજે બહાર ખાવું છે..!!
પણ સવાલ ત્યાં નો ત્યાં છે ,બાહર ખાવાની ઈચ્છા કેમ ..?
જવાબ એવો આવે કે એટલો સમય મિત્રો જોડે વધારે `સ્પેન્ડ` થાય , ઘરના એક ના એક માહોલથી કંટાળ્યો હોય માણસ અને હોટેલ કે લારીએ ખાવાનું હોય એટલે જમી ને રૂપિયા ચૂકવો એટલે છુટ્ટા, પાછળ નું કશું અવેરવાની ઝંઝટ નહિ..અને સૌથી મોટું કારણ તો મને એમ્બીયંસ લાગે છે..!
લારીના ફૂડમાં એમ્બીયંસ ના હોય પણ લારીના ફૂડ ખાતી વખતે ફૂટપાથ પર પણ ઉભા ઉભા ૩૬૦ ડીગ્રીની દુનિયા જોવાતી હોય છે..!!
અને હા વાત પાણીપૂરીની ..
છોકરાઓને બાહરના ખાવાના ખાવાથી રોકતી અને કકળાટ કરતી મમ્મીઓ પોતે પાણીપુરી એવરેજ બાર મહીને કેટલા ની ઝાપટી જાય છે..?
આ જીએસટીવાળાઓ એ રોજ સાંજે પાણીપુરીના ખુમચે ખુમચે ઉભા રેહવું જોઈએ , જોરદાર આવકમાં વધારો થઇ જશે અને રાષ્ટ્ર વેહલું વિકસિત થઇ જશે..!!
અમદાવાદ આજે જાત જાતને ભાતભાતની વાનગીઓ બનાવતું અને પીરસતું થઇ ગયું છે ક્યાંક કોઈ ક શોખથી નાનકડી હોટેલ કે લારી ચલાવે છે અને ક્યાંક કોઈ પ્રોફેશનલી..
દુનિયા આખીમાં ખવાતી અને વેચાતી વાનગી લગભગ અમદાવાદમાં મળી રહે છે..!!
આજે આ વાનગીની દુનિયામાં બહુ ઊંડા ઉતરવું નથી ,નક્કામું યાદ કરી ને દસ બાર નામો પણ લખીશ ને તો એક કિલો વજન વધી જશે , માંડ કરતા ઉતાર્યું છે..!!
હવે સાવ છેલ્લે કે મહત્વની વાત કહી દઉં ..
અમારા જેવા અભાગિયા જે હોટેલ કે લારીએ ખાવાનાની સુગંધ પણ લઇ આવે ને તો પણ એકાદ કિલો વજન વધી જાય એવા લોકો ને વજન ઉતારવાનો ખર્ચો અને ગણ્યો છે..!!
લગભગ તેરસો રૂપિયા થી લઇ ને બે હજાર રૂપિયે કિલો વજન ઉતારે છે..!!
એ પછી ડાયાટીશીયન હોય, જીમ નો ટ્રેઈનર હોય ,કે પછી યોગા ઉર્ફે યોગ ,કે પછી આયુર્વેદ અને ઝુમ્બા હોય..!!
જો સિસ્ટમેટીકલી ત્રણ મહિનામાં દસ બાર કિલો ઘટાડવું હોય તો તેરસો થી લઈને બે હજાર રૂપિયાની એવરેજ આવે છે..!!
ત્રણ મહિનાના પ્રોગ્રામના લગભગ આ બધાય પંદર હજાર મીનીમમ ઠોકી લ્યે છે ..!! અને વજન આઠ દસ કિલોથી વધારે ના જ ઉતારે .. સિવાય કે ટાર્ગેટ બહુ મોટું હોય ..દોઢસો પોણા બસ્સો કિલો વાળું..!!
અને આ બધા વજન ઉતારવાના નખરા જોઈ ને મારી મમ્મી તો એમ જ કહે કે પેહલા ખાઈ ખાઈને ચડાવો અને પછી ઉતારવાના રૂપિયા ખર્ચો ,એના કરતા મોઢા ઉપર થોડો કાબુ રાખો ને..!!
પણ મમ્મી..રે ….નથી રેહતો બળ્યો..!
અહી તો ગળ્યું એટલું ગળ્યું ને બાકી બધું બળ્યું..!!
ના નહિ યાદ કરું એકપણ ખાવાની આઈટમ .. મારે વજન નથી વધારવું..!!
જો કે બધા મારા જેવા અભાગિયા નથી દુનિયામાં અમુક ભાગ્યશાળી લોકો પણ દુનિયામાં હોય છે, ગમે તેટલું ખાય પણ એમના વજન ના વધે .. ચાલીસ વર્ષે પણ અઠ્યાવીસની કમ્મરના પેન્ટ પેહરે..!!
હું તો પૂછું એવા લોકો ને અલ્યા તમારી જીઆઈટી (પાચન માર્ગ ) માં એકેય વાલ્વ ભગવાને મુક્યા છે કે નહિ ..?
જે ખાવ એ બધું સીધું સરેરાટ…
આવું છે ભાઈ ચાલો આજે અહિયાં અટકું ,નકામું અત્યારે મધરાતે ક્યાંક ખાવા જવું પડશે..!!!
થયું ને પેટમાં ગુડગુડ ,જીભડી ને ચટાકો યાદ આવ્યો ને ..
ના …….આ આ …તેરસો રૂપિયે કિલો..!!
બહુ મોંઘુ ભૈ`શાબ ..
શુભ રાત્રી
શૈશવ વોરા