મિત્રતા..!
લોકડાઉનમાં નવરાશ ઘણી છે..એટલે નવરા પડ્યા લેપટોપ ફંફોસતા મને પપ્પાના પરમ મિત્ર એવા કનુકાકાના ફોટા મળ્યા, લગભગ ૧૯૭૯ કે ૧૯૮૦ની આજુબાજુમાં અમે કાશ્મીર એમની સાથે ગયા હતા એ ફોટા મને હાથ લાગ્યા..!!
ખાલી આંખ બંધ કરું છું તો હજી પણ એમ લાગે છે કે કનુકાકા અહિયાં જ છે..
હમણાં બૂમ મારશે એ ઈ મોટીયા .. શૈશવ ,ક્યાં ભટકે છે આખો દિવસ ? દેખાતો કેમ નથી ?
એમના પત્ની શાંતાકાકી લગભગ ત્રીસેક વર્ષ પેહલા પાછા થયા હતા, કાકાએ એમનું અડધું જીવન કાકી વિના કાઢયું ,…વીસ વર્ષ …!!
પપ્પા સાથેની એમની દોસ્તી એવી કે રોજ સવાર પડે અને દવાખાને આંટો મારવાનો જ અને પેશન્ટ નો લોડ
ઓછો હોય તો અડધો કલાક બેસી અને ખાટીમીઠી વાતો કરી ને જવાનું..!!
આમ જોવા જાવ તો કનુકાકા પપ્પાના જ નહિ પણ અમારા આખ્ખા પરિવારના ના મિત્ર , એમનો આખ્ખો પરિવાર અમારો મિત્ર , એમના ભાઈ ,ભાણીયા ,ભત્રીજા, બધા ને અમારો પરિવાર ઓળખે ને અમારા પરિવાર ને કાકા ઓળખે..!
અમારા ત્રણ ભાઇબેન માટે માટે કનુકાકા ને શાંતાકાકી એટલી બીજા માંબાપ ની આખ્ખી પેર
..!!
એક બીજી જોડ
જ માતાપિતાની અમારા માટે હતા..
મને તો ક્યારેય યાદ એવું નથી કે મેં એકપણ રમકડું મારા પપ્પા પાસે માંગ્યું હોય ..!
એકદમ હક્કથી કાકા ને કહી દેવાનું કાકા ક્રિકેટના બોલ જોઈએ છે, ને બીજે દિવસે એક ડઝન બોલ નું પેકેટ હાજર, કાકા બેટ તૂટ્યું બીજા દિવસે નવું હાજર, કાકા ભમરડા , કાકા પતંગ, કાકા લખોટી , કાકા નવું ચેસ બોર્ડ ,કાકા બેડમિન્ટન ના રેકેટ અને શટલ કોક, કાકા નવરાત્રી ના દાંડિયા ,મારી બેહન માટે બંગડીઓથી લઈને મેક અપ કીટ અરે ત્યાં સુધી કે મારી દીકરીના રમકડા સુધ્ધા કાકા લાવ્યા છે..!!
જરાક પણ પારકું લાગે જ નહિ , છેક કાકા સ્વર્ગે ગયા ત્યાં સુધી એવી ખબર જ નહિ કે મંગાય કે ના મંગાય , મોંઘુ સસ્તું કોઈ દિવસ કશું વિચાર્યું જ નોહતું છેક મારી દીકરી જન્મી ત્યાં સુધી..!!
કનુકાકાનો અમારા ત્રણેય ભાઇબેન સાથે બિલકુલ ડાયરેક્ટ સંવાદ કોઇપણ અચકાટ કે છોછ વિના અમે ખુલ્લા દિલે કાકા ને કોઈપણ વાત કરી શકીએ..!
એવા સબંધો એ જમાનાના હતા ..!!
અને આજે..?
તકલાદી કાચના સબંધો…
સાચું બોલજો તમારા કેટલા મિત્રોના સંતાનો સાથે તમે ડાયરેક્ટ વાત કરો છો ? અને એ પણ કોઈ કારણ વિના ..? અરે વાત તો છોડો તમારી ફોનબુકમાં તમારા મિત્રોના સંતાનો નંબર પણ સેવ કરેલા છે ?
નહિ હોય દોસ્ત , નહિ હોય..!!
એવું નથી લાગતું કે આપણી પેઢી ભૂલ કરી રહી છે..?
તમને નથી લાગતું કે વધારે પડતા આપણા સંતાનો ને ગળે વળગાડી લઇ ને હેલિકોપ્ટર પેરેન્ટિંગ કરી કરી આપણે આપણા સંતાનો ને કૈક ઓછું
આપ્યું છે..?
જીવનમાં માતાપિતા ની એક ની બદલે વધારે પેર
હોવી જોઈએ ,
મારું તો એવું ઓબ્ઝર્વેશન છે કે જે બાળક ને એકથી વધારે માંબાપના છાયડા મળ્યા છે એ લોકો વધારે સારી રીતે જીવનરસ નો આનંદ લઇ શકે છે ને સારી રીતે “બાહર” આવે છે..!
તમે બહુ નાનપણથી જો તમારાથી મોટી જનરેશન જોડે ડીલ
કરતા થઇ જાવ તો તમારી જિંદગીના શરૂઆતની સ્ટ્રગલ ના ઘણા બધા વર્ષો એક ઝાટકે કપાઈ જાય છે , તમારી જનરેશનના બીજા લોકો કરતા તમે ઘણા આગળ નીકળી જાવ છો..!
હું તો ભરપૂર કોશિશ કરું છું મારા મિત્રોના સંતાનો સાથે સંવાદ સાધવાનો અને એમની સાથે વાત કરવાનો ,
પણ મારા ઘણા એવા મિત્રો પણ છે કે જે મારા સંતાનો સાથે ને હું એમના સંતાનો સાથે સંવાદ નથી સાધી શકતો..એ વાત મને સખ્ખત ખટકે છે જ્યારે મારા સંતાનો મારા મિત્રો સાથે સંવાદ નથી સ્થાપી શકતા કે મારા મિત્રોના સંતાન સાથે હું સંવાદ નથી સ્થાપી શકતો..!
આજે પપ્પા ની ગેરહાજરીમાં મને પપ્પા ના એવા મિત્રો કે જે હયાત છે એ દરેક ની પાસે મને લગભગ પપ્પા જેટલી જ હુંફ મળી રહી છે, પપ્પાના કનુકાકા જેવા મિત્રો જે આજે હયાત નથી આજે , પણ એમના પરિવારો આજે પણ અમારા પરિવાર નો એક ભાગ છે..
સબંધો ની મજબૂતી છે આ…સમય ને પ્રેમના પાણી પી પી ને એટલી બધી પાક્કી થયેલી એ દોસ્તી છે કે છેક ત્રીજી પેઢી સુધી સહજતાથી પોહચી ગઈ છે..
પણ મને અત્યારે તીવ્ર આશંકા છે કે આવનારા સમયમાં અત્યારે લગભગ મઝધારે આવેલી અમારી પેઢી આવા મજબૂત
ત્રણ ચાર પેઢી સુધી ચાલે એવા સબંધ ઉભા કરી શકશે કે કેમ..?
મારા બેચાર મિત્રોના સંતાનો ને હું ક્યારેક ફોન કરી લઉં છું ને ઘણીવાર એવું પણ બને કે એ મિત્ર સામેથી કહે કે અલ્યા પેલા નાલાયક ને ફોન તો કર ક્યા રખડે છે એની ખબર પડે..?
ત્યારે હું પણ જવાબ આપું આમ વાત ના થાય હવે, કોલેજ પૂરી થઇ હવે થોડું રિસ્પેક્ટ આપવું પડે છોકરા ને ..પછી હું વાત કરી લઉં ..
ઘણીવાર મારી દીકરી ને કોઈ મારો મિત્ર ફોન કરી ને પૂછે કે શું કરે છે દીકરા કેમ દેખાતી નથી ..?
આવું કઈ બને ને ત્યારે મને અત્યંત આનંદ થાય ..
આજ ના આ મીડિયા સોશિઅલ મીડિયા ના જમાનામાં બાળકો જયારે મોબાઈલની બાહર મોઢું કાઢે છે ત્યારે ખુબ જ એકલા હોય છે, એવામાં ક્યારેક ન કરે નારાયણ પણ કોઈ ક
એવી મુસીબતમાં બાળક સપડાઈ જાય જેમાં એ પોતાના માંબાપને કેહતા અચકાટ અનુભવતું હોય ત્યારે એ બાળક ને જો આપણા મિત્ર રૂપી બીજી બે-ત્રણ માતાપિતા ની પેર
હોય તો જ્યાં એ ખુલી ને વાત કરી શકે તેમ હોય તો આગળ જતા બાળક ઘણા મોટા પ્રોબ્લેમમાં ફસાતું બચી જતું હોય છે..
ઘણી વખત એવું પણ બને છે કે હેલિકોપ્ટર પેરેન્ટિંગ કરતા કરતા માંબાપ પોતે પણ બાળક ઉપર કોઈ પ્રકાર નું અજાણતા વધારે પડતું “દબાણ” નાખી દેતા હોય છે ને અત્યારના જમાના પ્રમાણે એક જ કે બે બાળકોના વાયરામાં એકલું થઇ ગયેલું બાળક પોતે ને પોતે અંદરથી પીડાતું હોય ત્યારે પણ આવા માતાપિતા સમાન મિત્રો ખુબ જ કામ લાગે..!!
મોટેભાગે જો યોગ્ય સમયે સ્ટીમ
રીલીઝ થઇ જાય તો જીવન બહુ જ સરળ થઇ જતું હોય છે..!
આવતીકાલે પપ્પાનો જન્મદિવસ છે અને આ એમની એવી પેહલી વર્ષગાંઠ છે જયારે પપ્પા હયાત નથી એમના બીજા પરમમિત્ર પ્રવીણકાકા અને ભારતીકાકી ત્રણ દિવસ પેહલા નો ફોન આવી ગયો છે.. દીકરા બધા મજા માં છો ને બધા..?
મને ખાતરી છે કે આ લોકડાઉનની સિચ્યુએશનના હોત તો એ જરૂર અમારા ઘરે જ હોત..! અમને પપ્પા ને ગેરહાજરી ના સાલે એના માટે..!!
છેલ્લે કનુકાકાની એક વાત કહી ને પૂરું કરું.. કનુકાકા એ દેહ મુક્યો પછી સતત મને એવો ભાસ થતો કે ત્રણ ચાર દિવસ સુધી કે કાકાને મારી સાથે વાત કરવી છે , અંતે પાંચમે કે છઠ્ઠે દિવસે કાકા મને સપનામાં આવ્યા ..
સ્વપ્નમાં હું હતો મારા મમ્મી હતા કનુકાકા હતા અને શાંતાકાકી હતા..
કાકા મમ્મી ને ફરિયાદ કરતા હતા ..ભાભી આ જુવો આટલા વર્ષે મને મળી તો ઝઘડવા બેઠી છે આ વીસ વીસ વર્ષે કેમ આવ્યા ? મેં એકલી એ અહિયાં કેમ દિવસો કાઢ્યા એ મારું મન જાણે છે .. તો ભાભી તમે જ કહો કે એ તો દીકરીને પરણાવી ને દસમાં દિવસે અહી આવતી રહી મારાથી એમ મારી દીકરીને સાવ મૂકી ને અવાય ? અને મારા હાથમાં હતું અહિયાં આવવાનું ?
પછી મારા મમ્મી અને શાંતાકાકી ,કનુકાકા નો સંવાદ ચાલ્યો… છેલ્લે મમ્મી કહે ચાલો કનુભાઈ હવે અમે જઈએ , શાંતાબેન જેશ્રીક્રષ્ણ ત્યારે કાકા છેલ્લે બોલ્યા એ મોટીયા (મને મોટીયો કેહતા ને મારા નાના ભાઈને છોટીયો ) મુન્નીનું ધ્યાન રાખજે..
અને મેં કાકા છણકો કર્યો હતો.. તમે કેહશો તો જ ધ્યાન રાખશું નહિ..?
અને મારી આંખ ખુલી ગઈ..!!
આવા સબંધે ઉજળા છીએ બાકી તો આવે તે જાય છે..!!
ઘણા બધા આવા સબંધોમાં અમારા મમ્મી પપ્પા એ અમને બાંધ્યા છે, આજે બધાના નામ નથી લખતો પણ એટલું ચોક્કસ છે અમે કોઈ ને ભૂલ્યા નથી ને કોઈ અમને ભૂલ્યું નથી..!!
હું ભરચક પ્રયત્ન કરું છું કે આવા બે ચાર સબંધો મારી દીકરીઓ ને વારસામાં આપતો જાઉં..!!
જે મારા પપ્પા એ અમને આપ્યા..!!
શુભ રાત્રી
શૈશવ વોરા
(ચેતવણી :- આ બ્લોગને પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે , જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)