ફેસબુક-ફેસબુક રમતા રમતા એક કલીપ જોઈ ..
રણથંભોરમાં જંગલ સફારી દરમ્યાન એક વાઘ એને જોવા આવેલા લોકોની જીપ્સીની પાછળ પડ્યો અને એ પણ ફુલ્લી ચાર્જ થયેલો ..
બે કાન અને પૂંછડી ઉંચી કરી ને વ્યવસ્થિત રીતે જીપ્સીની પાછળ દોડ્યો હતો..
અને પછી તો અંદર બેઠેલા ની તો બેન્ડ બજી ગઈ હતી.. આપણને તો રાત પડ્યે કુતરા વાંહે પડે તો પણ એક્સીલેટર નો ચમચો દબાવી ને ભાગી એ છીએ તો પછી આ તો વાઘ એન્ની માં ને..
માંડ પીછો છૂટ્યો હોય એવું લાગતું હતું..
બહુ અઘરી કલીપ હતી ..
અમને થયું કે લાવ આપણે પણ આપણી ટ્રાવેલ ડાયરીના પાનાં ખોલીએ..જિંદગીના પચાસ વર્ષના સવાસો વેકેશન લીધા છે એટલે એકાદ પાનું ક્યારેક ફેરવી લઈએ તો સારું લાગે આ નવરાશમાં..
સૌથી પેહલા તો અમને જાણીને આનંદ થયો કે રણથંભોરમાં વાઘ છે ..!!
અમે લગભગ પચીસેક વર્ષ પેહલા ગયા હતા ત્યારે તો ટોટલ દાવ થયો હતો , સવાર સાંજ કેન્ટર અને જીપ્સી બધાયમાં બે દિવસ ચાર ટાઈમ ભટક્યા હતા પણ કશું નામે જોવા ના મળ્યું એટલે પછી લોકલ લોકો જોડે કુથલી શરુ કરી અને ત્યારે ત્યાં એવી કાનાફૂસી થતી હતી કે બધા વાઘ મારી ખાધા છે ,
એના પછી થોડાક વર્ષો વીત્યે એવું સાંભળ્યું કે પ્રધાનમંત્રી મનમોહનસિંહ જાત્તે રણથંભોર બે રાત રોકાયા હતા કે મને વાઘ બતાડો , અને ત્યારે પણ એવું કેહવાય છે કે પેહલા તો વાઘના પગલા દેખાડી ને એમને ફૂટટાસ ની ગોળી પીવડાવી દેવાની કોશિશ થઇ હતી પણ તેઓ અડી રહ્યા હતા એટલે છેવટે સરિસ્કામાંથી ઈમ્પોર્ટ કરી ને એક વાઘ એમને દેખાડ્યો હતો..
પણ પછી તો બધું આમ તેમ થયું હશે અને આ કિલપ પછી તો એટલું નક્કી થઇ ગયું કે ના ના વાઘ છે હો..!! રણથંભોરમાં..!!
જો કે વાઘ માટે તો એમપી .., કોર્બેટ પણ ખરું ,પણ આપણું માનવું તો એમ કે બાંધવગઢ જઈએ એટલે વાઘ ભઈ આપણને મળવા આવે જ આવે..!!
ઓછા વિસ્તારમાં સૌથી વધારે વાઘ હતા ત્યારે ત્યાં..વાઘની ડેન્સીટી ત્યાં વધારે અને અમને જે ઇલાકામાં ફેરવવામાં આવતા હતા એ ઇલાકામાં ત્રણ વાઘ હતા અને કૈક પાંચ રૂટ હતા ત્યાં અને લગભગ સવાર સવારમાં જ લોકેટ થઇ જતો એકાદો તો ..
નસીબ પાધરું હોય તો બે ત્રણ વાઘણ વિયાણી હતી અને એમાની એકાદી એના બચ્ચા લઈને તડકો ખવડાવવા નીકળી હોય તો એ પણ મળી જાય..
બાંધવગઢ નો અનુભવ ખુબ સરસ રહ્યો હતો ,
થોડી ઘણી એ પેહલા પણ જંગલ સફારીઓ કરી ચુક્યા હતા એટલે જંગલને ઓળખતા થોડા થોડા અમે થઇ ગયા હતા..
મારો એવો આગ્રહ ખરો કે સવારની સફારી લઈએ જ અને એમાં પણ આપણી જીપ્સી જે રૂટ પકડીએ એમાં આપણી જીપ્સી પેહલી જ જવી જોઈએ ભલે છ વાગ્યે ગેઇટ ખુલતા હોય તો આપણે પાંચ વાગ્યે પોહચવું ..
આમ પણ જંગલ ના ગેઇટ સુધી પોહચીએ ત્યાં સુધીમાં અડધા જંગલની વચ્ચે તો પોહચી ચુક્યા હોઈએ છીએ એટલે જંગલના સુસવાટા અને જંગલના અવાજો ની મજા મળે..
સૌથી પેહલી જીપ્સી હોય એનો ફાયદો એ મળે કે ટ્રેક ઉપરના પગલા તાજા મળે અને વિષ્ટા પણ જો થઇ હોય તો તરત વાઘ લોકેટ થાય ,વત્તા ક્યાંક પોતાના ઇલાકાની પ્રભુસત્તા જાળવવા એકાદા ઝાડ ઉપર પંજા માર્યા હોય કે પછી રાતનું મારણ કર્યું હોય અને એની ઉપર સવાર પડતા જ ગીધડા સમડી ઉડતા થયા હોય એ બધું જોવાની શોધવાની મજા આવે..!!
બાંધવગઢનો એક સરસ અનુભવ છે.. સાંજની સફારી લીધી હતી અને દિવાળી પછી નો સમય હતો એટલે વનરાજી ઘેઘુર હતી ,બપોરના ત્રણ વાગ્યાના નીકળ્યા હતા અને સવાર નો એક રૂટ ઉપર વાઘ લોકેટ થઇ ચુક્યો હતો એટલે સીધી એ તરફ હંકારી ગયા પણ પણ પછી એવું લાગ્યું કે પાર્ટી સરકી ગઈ છે ત્યાંથી એટલે પગલા દબાવો ..
પગલા દાબતા અમે એક લીલીછમ ટેકરી ની નજીક ઉભા ત્યાં લગભગ દોઢસો બસ્સો હરણાં ચરતા હતા કદાચ વધારે ખરા પણ ઓછા નહિ ,અને એટલા જ વાંદરા કુદાકુદ કરતા ..
હરણ અને વાંદરા વચ્ચે સહભોજીતા નો સબંધ લાગે છે , વાંદરા ઊંચા ઝાડ ઉપર ચડી કુણા કુણા પાન ખાઈ અને ડાળી નીચે જમીન ઉપર ફેંકે અને એ હરણ (અહિયાં હરણ એટલે બધી પ્રજાતિ ગણી લેવી ,ચિત્તલ ,સાંભર વગેરે વગેરે ) ખાઈ લ્યે , વાંદરા અને હરણાં ને જોડે રેહવાથી બીજો ફાયદો એ થાય છે કે વાંદરા ઝાડ ઉપર ચડી અને ઉંચેથી દૂર સુધી નજર દોડાવી શકે છે કે દીપડું કે વાઘ જેવું પ્રાણી દેખાય તો એક ટીપીકલ અવાજ કરી અને બધાને ભગાડી મુકાય અને હરણ પાસે કુદરતે આપેલી સુંઘવાની શક્તિ છે એટલે એને હિંસક જંગલી પ્રાણી ગંધાય એ ભેગું બુમ મારી ને ભાગે..
જંગલના ગાઈડ એ બુમ ને “કોલ” કહે ..એકવાર કોલ મારે વાંદરું કે હરણ એટલે બધી જીપ્સી એ તરફ દોડે..
અમે જે જગ્યાએ ઉભા હતા ત્યાં આટલા બધા જથ્થામાં હરણાં ને વાંદરા હતા એટલે અમારો ગાઈડ કહે ઇધર નહિ રહેગા સા`બ આગે ચલતે હૈ..
મને થોડી આટલી બધી ક્વોન્ટીટીમાં ચારતા હરણાં ને નીરખવાની લાલચ થઇ મેં કીધું છોડ ને વાઘ , જંગલ માં બીજું ઘણું છે અમારા જેવા શેહરી જંગલીઓ માટે ઉભો રહે શાંતિથી અહિયાં..
લગભગ પંદર વીસ મિનીટ અમે શાંતિથી એ દ્રશ્ય ને ૩૬૦ ડીગ્રીમાં માણી રહ્યા હતા અને એમાં અચાનક એક મોટ્ટો નર વાંદરો લગભગ રાડ ફાટી ગઈ હોય એવા અવાજે બરકયો અને એની પાછળ એક ચિત્તલ એ ચીસ નાખી અમારી નજર એ તરફ ખોડાઈ ગઈ અને ત્યાં તો જંગલ નો રાજા ટેકરીએથી ઉતર્યો પુરા ઠાઠથી, અને પછી તો જે નાસભાગ મચી છે ..
બધ્ધે બધ્ધા હરણાં જીવસટોસટનો જંગ લડવા માંડ્યા પંદરથી વીસ સેકન્ડમાં બધ્ધું જ ખાલી ..અને ધણી ઠાઠથી ચાલતો ચાલતો અમારી સામેથી ક્રોસ કરી ને નીકળી ગયો..!!
બધું કચકડે મઢવા ની ઈચ્છા ઘણી હતી પણ થોડીક સેકન્ડોના ખેલ હતા અને દ્રશ્ય એટલું મોટું હતું કે એક કેમેરામાં ના સમાય એટલે એ બધી લાલચ બાજુ ઉપર મૂકી ને માણ્યું..!!
જંગલમાં આ એક તકલીફ છે માણવા જાવ તો કચક્ડું કોરું રહી જાય અને કચક્ડું ભરવા જાવ તો નજરો કોરી રહી જાય..
પણ અફસોસ નથી .. ડુંગરાની ધારેથી ઉતરતો રાજ નો ધણી અને એને જોઇને ભાગતું આખે આખું જંગલ , જોડે જોડે બધી જીપ્સીના સેલ વાગી જાય અને ગાડીઓ ગીયરમાં નખાઇ જાય ખતરો લાગે કે રમખાટ બધું ભાગે..
સાવ અમારી જીપ્સીથી ત્રણ ફૂટથી ક્રોસ કરી ગયો હતો ..અમે ત્રાટક કરવાની કોશિશ કરી એ ભેગું ગાઈડે બુમ મારી સા`બ જાનવરકી આંખ મેં આંખ મત ડાલો વો સમજેગા આપ હમલા કરોગે નજરે ફેર લો ..
અને અહિયાં સિમેન્ટ કોન્ક્રીટના જંગલમાં ..?
આંખમાં આંખ નાખી ને જ વાત કરવી પડે જરાક ચુક્યા કે શેહરી “સભ્યતા” તમને ખાઈ જાય , “કરી” જ નાખે “અહિંસક” પ્રાણીઓ તમારું..!!
પાણી આર.ઓ. ના કે ઉકાળી ને જ પીવે ,પણ લોહી તો સીધું જ પીવે અને એ પણ એવી રીતે કે કોઈ ને દેખાય નહિ ..મારણ એવી રીતે થાય કે અવાજ સુધ્ધા ના આવે..
કોઈ ભૂલથી “કોલ” ના મારી જવો જોઈએ..
જંગલની દુનિયા આમ તો સારી જીવ્યા ત્યાં સુધી ની જિંદગી અને પછી સીધ્ધું મોત..!!
રીબામણી તો નહિ , એક એક ક્ષણ `જીવી` ને `એક` જ વાર મરવાનું..
આપનો દિન શુભ રહે
શૈશવ વોરા
*(ચેતવણી :- આ બ્લોગને પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે , જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)*