ઉગે છે સુરખી ભરી રવિ મૃદુ હેમંત નો..
સોરી બોસ .. એ આપણું કામ નહી , ડૂબતો સૂરજ રોજ જોઈએ, પણ ઉગતો ?
અને એ પણ આ મસ્ત ફૂલ ગુલાબી ઠંડીમાં ..?
ના હો ના બને..!!
રવિવારની વામકુક્ષી વધારે થઇ જાય તો રવિવાર રાત્રે આપણો ઈટાલીયન ઘોડો પલાણવો પડે અને `ચોકીદારી`એ નીકળવું પડે અમદાવાદી નગરીની..!
જો કે અમે એકલા નથી હોતા, અમારા જેવા હજ્જારો `ચોકીદારો` અમદાવાદ નગરમાં ભટકતા જ હોય છે રાતભર..!!
એસજી હાઈવે આખો ભરેલો હોય છે અમારા જેવા ચોકીદારોથી ,રાતના બે અઢી સુધી , પણ આજકાલ પાંચ સિતારાઓ કરતા આ ફૂટપાથીયા ઉપર ભીડ વધારે દેખાઈ રહી છે..
છેલ્લા ઘણા સમયથી શનિરવિમાં સાંજના પીક અવર્સમાં પણ દસએક મિનીટ ના વેઈટીંગ હોટેલોમાં જગ્યા મળી જાય છે અને આ વખતના લગ્નોમાં સેહજ અમથી બ્રેક દબાવાઈ હોય એવું લાગે છે..
બહુ મોટા ઘરના લગ્નો કે જે ડેસ્ટીનેશન વેડિંગ હોય છે ત્યાં એકદમ કડક સૂચનાઓ અપાઈ રહી છે કે કોઈ જ ફોટા સોશિઅલ મીડિયા ઉપર નહિ મુકવા..
પણ તો`ય ઘણા સાલા એવા બે ચાર તો હરખપદુડા હોય છે કે જે વર-કન્યા ને ટેગ કરી અને પોતાના `સડેલા` ભીખમાં લીધા હોય એવા ફોનથી પાડેલો ફોટો સોશિઅલ મીડિયા ઉપર ચડાવી દે ..
અલ્યા શંખ ,પિત્તળ જપ ને હવે…
વરઘોડિયાના માંબાપે બિચારાએ ખર્ચા કર્યા હોય , જીવનમાં પેહલી ને છેલ્લીવાર લાખ-લાખ રૂપિયાના `ગાભા` અંગે જડ્યા હોય, ફોટોગ્રાફીના બબ્બે ત્રણ ત્રણ લાખ રૂપિયા આપ્યા હોય તો પછી એના સારા માઈલા હાઈ રેઝોલ્યુશનવાળા ફોટા એને જાત્તે અપ લોડ કરવા દે ને ,અને દુનિયાને બતાડવા દે ને ભાઈ ..તું શું લેવા ગેલહાગરા હરખપદુડો થાય છે ભઈ..
પણ ના ..હું સોશિઅલ મીડિયા નો “વીર” ..
પેલા વરઘોડિયા ને એમના કપડાની બારીકી થી લઈને બીજું ઘણું ઘણું બતાડવું હોય ગામ ને, પણ ના હું તો વીર સોશિઅલ મીડિયાવાળો..
એક ધંધાકીય મિત્ર જોડે આવા “વીરો” વિષે ચર્ચા કરી હતી ..
હા હવે યાર…, મારા સહીત અત્યારે બધાય નવરી બજાર જ છે અને વાત કરવા પણ ટોપિક જોઈએ એવી હાલત છે..
મેં કીધું આ સોશિઅલ મીડિયા વીર ,જ્યાં ,જેના લગન, સગાઈ ,અરે અમદાવાદથી વડોદરે જાય તો પણ ચેક ઇન કેમનું નાખે છે ?
હવે પેલો “વીર” પણ ધંધાકીય મિત્ર છે..
જવાબ આવ્યો જુવો શૈશવભાઈ એમાં એવું છે કે તમે જે વીર વ્યક્તિની વાત કરો છો ને એ વીર ને એવા વીર દુનિયામાં ઘણા બધા છે , અને એમને એક સમસ્યા હોય છે *જેમ કે અમુક નામ એમની ફોનબુકમાં નથી પણ ફેસબુકમાં છે ..*
આપણે કીધું ઝૂમ કરો ભાઈ ઝૂમ કરો ના સમજાયું..
અરે યાર `પુરાની યાદે` ફોનબુકમાં ડીલીટ કરવી પડી હોય, પણ ફેસબુકના હજાર બે હજાર ફ્રેન્ડમાં ફેઇક એકાઉન્ટથી ફ્રેન્ડ હોય ,અને પેલી કે પેલો જોતો કે જોતી હોય કે વીરલો શું કરે છે ,અને પેલા ને પણ કેહવું હોય ..એટલે વીર પુરુષ રાહ જોઈ ને બેઠો હોય કે ક્યારે મોકો મળે સોશિયલ મીડિયા ઉપર પોસ્ટીંગ નો..
અને એમ નેમ કોઈ કારણ વિના જો ફોટા અપલોડ કરે તો ઘેર બેઠેલી વીર પુરુષની વીરાંગના ફાડી ખાય..
આ તો સાપ પણ મરે અને લાઠી પણ ના તૂટે ..
મેં કીધું ઓહો ..યાર નોટ બેડ આઈડિયા ..આમ પણ વીર પુરુષ અને વીરાંગના નો પ્રેમ ચાલતો હશે જયારે ત્યારે ત્રણ ત્રણ કલાક ફોન ઉપર અને ચાર પાંચ કલાક રૂબરૂમાં વાતો કરી હશે દિવસની, ત્યારે પણ કઈ બહુ મોટી ભારત દેશની ઈકોનોમીની વાતો તો કરી જ નહી હોય ,આવી બધી પંચાતો ઠોકી હોય ..
આં જાનું ,,બોલ ને મોનું ..તું બોલ ..ના તું બોલ .. ખામોશી ….હવે તો બોલ ..
અલ્યા નખ્ખોદ વાળ્યું, આમાં કોલેજ ના વર્ષો નું અને પાછા પરણ્યા તો જુદે જુદે..
તો પછી હવે તો સુધરો ..!!
જો કે આજકાલ આવા આધેડ થયેલા વીર માંબાપ હરખાય અમારા છોકરા તો હવે સ્વતંત્ર થઇ ગયા..
જય હો ..આ સોશિઅલ મીડિયા ના ચક્કરમાં બૈરું હાચવજે હો નહી તો અડધે રખડે..
એકવાત તો ખરી હો આ સોશિઅલ મીડયામાં ..
પંચાતમાં આખું ગામ શૂરુ ..બજાર ઘરની કે બાહરની જરાક નવરી પડી કે ફટાફટ સ્ક્રોલ કરે અને આવું લગનના ફોટા હાથ લાગે તો તો એવા ધારી ધારી ને જોવે ..
વરઘોડિયાની આખી ટાઈમ લાઈન `સ્ટોક` કરી મુકે ..સ્ટોકરિયા ..!
નવો શબ્દ લાગ્યો ? કોઈ ની આખી ટાઈમ લાઈન ને ફંફોસવી એને `સ્ટોકિંગ` કર્યું કેહવાય , અને આવું કરે એને અમે સ્ટોકરિયા કહીએ ડોકરા ,ડોહી ,
નોહતી ખબર ને હમમ..!!
ભારતવર્ષના દુઃખ દરિદ્રતાના આઝાદી પછીના પાંચ દસકા હિન્દી ફિલ્મો એ કાઢી આપ્યા ,પ્રજા એવી ફિલ્મ ઘેલી થઇ ગઈ હતી કે પોતાના પ્રશ્નો ને બિલકુલ ભગવાન ભરોસે મૂકી અને એક બીબાઢાળ જિંદગીમાં ખોવાઈ ગયા હતા..!!
આજે સોશિઅલ મીડિયા છે ,
પણ અહિયાં જેમને ખોવાવું છે એમને માટે પણ જગ્યા છે અને જેમને ઉગવું છે એમને માટે પણ જગ્યા છે..
નક્કી આપણે કરવાનું છે..
એક સમય હતો કે કોઈના ઘરે ટાઈમ મેગેઝીન જોઈએ તો ગાંડા થઇ જતા અને વીસ પચ્ચીસ મિનીટ સુધી હાથમાંથી છોડતા નોહતા ,આજે તો ટાઈમ ને ફોલો કરો એટલે તરત જ નોટીફીકેશન આવે અને વાંચી લ્યો ઓનલાઈન..
એવી જ હાલત પેલી પોર્ન “સાહિત્ય” ની હતી ..રીગલ અને અશોક થીયેટરની બિલકુલ વચ્ચેની ગલીમાં છાપેલું પોર્ન સાહિત્ય વેચાતું ,જોકે અમારા જેવા સ્કુલ ડ્રેસ પેહરેલા છોકરાવ ને એ ગલીમાં જવા ની મનાઈ હતી, જો ઘુસવાની કોશિશ કરીએ તો કોઈ ને કોઈ એક ઝાપટ જ પ્રેમથી મારે ..
જયારે આજે ઈન્ટરનેટથી હાઈવે ખુલ્લો છે..!!
બદલતી દુનિયાના બદલાતા રંગો છે ,આજકાલ છોકરા છોકરી લીપ ટુ લીપ પપ્પી વાળા ફોટા બિન્દાસ્ત સોશિઅલ મીડિયા ઉપર ચડાવે છે..
અને અમે ભૂલથી એલીસબ્રીજ જીમખાનાની ગલીમાં મિત્રો જોડે ઉભા હોઈએ તો અમારા ને અમારા ભિખારા ઘેર કેહવા આવે કાકી ,કાકી શૈશાવ્યો ત્રણ ત્રણ છોકરી જોડે એકલો જીમખાનાની ગલીમાં ઉભો હતો..!
જો કે અમારા માતાજી પ્રેમથી જવાબ આપતા ત્રણ જોડે છે ને તો વાંધો નહિ એકલો કોઈ એકની જોડે ઉભો હોય ને ત્યારે કેહવા આવજે ..
ઘેર જઈએ એટલે થોડો ઠપકો પણ મળતો શું બાહર ઉભા રહો છો બધા ? ઘર નથી અહિયાં કોણ તમને ના પાડે છે ..
આવું બધું છે ગઈકાલ અને આજ ની વચ્ચે અટવાતી અમારી પેઢી …
પેલું ગીત યાદ આવે કાંટો સે ખીંચ કે યે આંચલ..
વધારે લખાય એમ નથી ..
બહુ હોશિયારી નહિ સારી , ભરાઈ જવાય ..ડરવું પડે
એના કરતા ચુપચાપ ટાઈમ લાઈન “સ્ટોક” કરી લેવાની..!!
શુભ રાત્રી
શૈશવ વોરા
*(ચેતવણી :- આ બ્લોગને પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે , જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)*