આ નનુપમાં
મારી એક નંબરની દુશમન થઇ ને બેઠી છે..!! રોજ દસ વાગે એટલે નનુપમાં
આવી જ જાય, મગજ બેહર મારી જાય છે , અને ઘરના બધા ટીવીમાં એક જ સીરીયલ ચાલતી હોય એટલે જખ મારીને જોવી પડે , ભારત દેશના કદાચ ગણ્યાગાંઠ્યા નારીરત્નો બચ્યા હશે કે જે આ સીરીયલ નહિ જોતા હોય..!!
બળ્યું જે ત્રાસ વર્તાય છે, છોકરો ભાગીને પરણી જાય,ઘરમાં વહુ લાવે, પોતે સસરો બને અને પાછું નવી આવનારી વહુને માથે સાસુ સસરા ,વડસાસુ અને વડસસરા બેઠા હોય તો પણ પેલો વનરાજ ગર્લફ્રેન્ડ રાખે અને એ પણ કેવી ચકાચક ..!! ઘરવાળીને છૂટી કરે ત્રીસ વર્ષે …!!! અને ગર્લફ્રેન્ડ ને ઘરવાળી બનાવે બોલો ..!!
અહિયાં અટકે નહિ, જૂની અને નવી બંને પાછી એક જ છાપરા નીચે રહે..!!
આ જોઈ ને ઈન્સ્પાયર થવું કે પછી મહાભારત જેવું રાખવું કે આમાંનું કઈ જ નથી કરવાનું..??
અનુપમા લોકોના દિમાગ ઉપર કેવી છવાઈ છે એનો એક નમુનો પેશ કરું છું..!!
બે દિવસ ઉપર એક મિત્રને ફોન કર્યો પણ પેલો એનો ફોન ઘેર મૂકી ને ક્યાંક બાહર ગયેલો,
નવાઈ લાગી ને ?
કોઈ ફોન ને પોતાની જાતથી છુટ્ટો કેમ મુકે ? મને પણ નવાઈ લાગી હતી પણ આશ્ચર્ય તો ત્યારે થયું કે એમના પત્નીજી એ ફોન ઉપાડી લીધો .. મને કહે બોલો શૈશવભાઈ..
મેં કીધું તમે કેમના આવી ગયા…? વચ્ચે ?
સામેથી ભાભીએ ધારદાર જવાબ આપ્યો …પરણી ત્યારની વળી, મોટી જાન જોડી આયા તો ખરા .. ભાભીએ એમના સ્વભાવ પ્રમાણે બેટિંગ ચાલુ કરી, એટલે આપણે પણ પાછા તો ના પડાય .. હા વળી હા કેમ નહિ ? પણ હજી અણવરનું મારું કવર બાકી બોલે છે..!! સામે જોરદાર ફટકો આવ્યો ..આ કોરોનામાં તમે બચી ગયા નહીતર મારા બાપા ઉપર કવર હાથમાં રાખી ને જ બેઠા છે, તમને હાથોહાથ જ આ
લી દેત..!!
મેં હસતા હસતા કીધું ..ઓ મારી માં જીવવા દે ને..
સામે છેડેથી મુક્ત મને હાસ્ય વેરાયું…. બોલો શું કામ હતું તમારા ભાઈબંધનું તમારે ?
મેં કીધું ..છે ક્યાં પણ એ ?
મોબાઈલ મૂકી ને બાહર ગયો છે એટલે હમણાં આવતો જ હશે ..!
મેં આશ્ચર્ય સાથે કીધું ..ઓહો એટલે નક્કી ભઈ ને તમે એક જ છો કોઈ કાવ્યા-બાવ્યા નથી ..!!
પછી ફટકાવાળી ચાલુ થઇ ..અરે હોય તોય કઈ વાંધો નહિ હું કઈ અનુપમા જેવી વેવલી નથી,પણ લાવશે તો એનેય રાખી લઈશ બેહનો બેહનો ની જેમ રહીશું જોડે ,પણ પછી તમારા ભાઈ ની શું હાલત થશે એ વિચારજો ..!
મેં કીધું ..કેમ ? કઈ ઉંચો પ્લાન તૈયાર રાખ્યો છે ?
ખખડાટ હસતા હસતા ભાભી બોલ્યા ..બંને ભેગી થઇ ને ઝુડીશું ત્યારે તમારા કાકી કે કાકા કોઈ બચવવા વચ્ચે નહિ પડે ..!!
મેં કીધું એ હા અલ્યા ભાભી તારે ઘેર તો સેઈમ કોમ્બીનેશન છે, કાકા કાકી પણ કડેધડે બેઠા છે હજી તો …
તે ભલે ને બેઠા, એમને ખેંચાય એટલું એમના છોકરા નું ખેંચી લેવા દો પછી તો મારે જ એક બે દોરી ખેંચવાની છે ને..!!
મેં કીધું… એ ભાભી તારું માઈન્ડ સેટ ક્રિમીનલ થતું જાય છે હો ..
આ સીરીયલો જોઈ જોઈ ને શૈશવભાઈ, સાલા પેલા ને હવે તો ત્રીજી આવી ગઈ મુકુ અને એની અનુપમા પેલા બીજા જોડે ..
મેં વચ્ચે વાત કાપી ..એ ..એ..એ… ભાભી .. કંઈ સ્કુલ કોલેજનું રીયુનીયન નથી થયું ને? મારા ભાઈને કાવ્યા મળે કે ના મળે પણ તમને પેલો ચશ્મેરી અબજોપતિ કાપડીયો નથી મળ્યો ને..?? કોઈ જુનો આશિક..!!??
જોરદાર ઠહાકા સાથે એ બોલ્યા …અરે રે એવા તે ક્યાં નસીબ હતા ? એફવાય થી તો અમે બધાય જોડે ને જોડે ગુડાણા છીએ, પેલો એક ચિઠ્ઠી આલી ગયો હતો એને કેવો ધીબેડી નાખ્યો હતો બિચારા ને , મને ચિઠ્ઠી વાંચવા સુધ્ધા ના આપી..!! ત્યાર પછી આખાય મણીનગરમાંથી એકેય ચિઠ્ઠી નાં આવી..!
મેં ખડખડાટ હસતા હસતા કીધું ..તે ઈચ્છા અધુરી રહી ગઈ હોય તો શોધી કાઢું એને અને ફરી ચિઠ્ઠી લખાવી લાવું..! હવે તો મારો ભાઈ કન્યાદાન કરવા તૈયાર થઇ જશે..!!
એ આવતે જન્મે હો શૈશવભાઈ.. ધરાઈ ગઈ છું ..અનુપમા જેટલી આપડી કેપેસિટી નથી ફ્યુચર હસબંડ ,એક્સ હસબંડ ,એક્સ સાસુ સસરા ,વેવાણ અને કોણ જાણે કોના કોના લફરા સોલ્વ કરતી ફરે છે ને ઉપરથી પાછી એને પણ ઘરડે ઘડપણે પ્રેમ થાય..!! અક્કરમી છે, માંડ છૂટી હોય તો ફરી ભરાવા જાય છે ડોબી..!!
પછી એક તીર છૂટ્યું …તે શૈશવભાઈ તમેય જોવો આ અનુપમા..?
મેં કીધું હા પેહલા જોતો હતો પણ પછી થાક્યો, કોઈ કાવ્યા મળી નહિ એટલે પછી રસ ઓછો થઇ ગયો..!
એમ ?? તમને અને ના મળી એમ ? પચ્ચીસ વર્ષથી તો ઓળખું છું હોં વાતમાં માલ નહિ ..!!
મેં કીધું અલી ..ઓ ભાભી ..જપ ને હવે,ખોટા મદારીના ટોપલા ના ખોલે..!!
અરે ખોલો ખોલો ટોપલો તમેય ટ્રાય મારી લો એકાદી કાવ્યા મળી રેહશે, પછી અફસોસ ના થાય કે કાંડામાં કૌવત હતું ને અજમાવ્યું નહિ ..! જીમ બીમ વાળા ફોટા મુકો મુકો..!
મેં કીધું અરે મારી માં માફ કરને મને એમ કહે કે પેલો ક્યાં ગયો છે અને ક્યારે પાછો આવશે ?
આવતો જ હશે ચાલુ રાખો તમતમારે હું પણ જાણી લઉં થોડી કે મારો વાંદરો એના વાંદરાઓના ટોળામાં કેમનો જીવે છે ..!!
અરે શું વાંદરો ? બિચારા ને ગાય કરી મુક્યો છે ગાય તે ભાભી ,કાવ્યા ની તો એની જોડે વાત નથી થતી , હિમાલય જવાના મૂડમાં છે ..!
હા એ મને કેહતો હતો કે આજકાલ મેકલોડગંજમાં બહુ બધી કાવ્યાઓ અને મુકુઓ મળે છે..!!
ખરો પાળી રાખ્યો છે મારા ભાઈબંધ ને તમે બધુંય હંગ્યું પાદયું બકી મારતો લાગે છે..!
અલ્યા પરણ્યાના પચ્ચીસ અને એ પેહલાના પાંચ,સત્તરની હતી ત્યારનો મારી પાછળ લાગ્યો હતો તે હવે તો બોલે કે નહિ બધું ?
મેં કીધું સાચ્ચી વાત છે ,પણ હજી બીજા ત્રીસ નહિ તો ય પચ્ચીસ તો પાક્કા આની જોડે જ કાઢવા પડશે..
શૈશવભાઈ એટલે જ અનુપમા જોવાની મજા આવે .. ખડખડાટ હાસ્ય વેરતા ભાભી બોલ્યા અને તમે પણ જુવો , અમે કાપડીયો જોઈએ અને તમે કાવ્યા ,મુકુ અને હજી આગળ ચાલે તો કોઈ તુકુ
લાવશે, તમતમારે બધી ના સપના જોયે રાખો ..!
મેં કીધું હાર તારે તમારો વનરાજ ઉર્ફે વી ઉર્ફે રાજ આવે તો ફોન કરાવો..!! એ ..હા ..હો ..શિશુ ,સૈસુ ,... જે
શ્રી ક્રષ્ણ
એ જય શ્રી કૃષ્ણ શૈશવભાઈ
શુભ રાત્રી
શૈશવ વોરા
(ચેતવણી :- આ બ્લોગને પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે , જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)