સવાર સવારમાં છાપું ખોલ્યું અને ધમકી આવી ..
કાળાના ધોળા
માટે છેલ્લા ૭ દિવસનું સરકારનું અલ્ટીમેટમ..
બહુ કરી હો ભાઈ તમે તો ..
આ અઢી અઢી વર્ષ થ્યા તોય હજી આવી જાસા ચિઠ્ઠીયુ મોકલવી પડે હે..?
તમારા કાળા કામા અમે પૈક્દડયા તો તમારી ખેર નથી..! એટલે જ કહુ સુ માની ઝાવ અને હંધુય ડીકલેર કરી દ્યો ..
નો કરું તો તમે હું કરી લેહો કયો જોઈ
..
નકર નકર નકર.. હું ભેંકડો જોડીશ બીજું હું થાય..!
માર્ચ મહિનો જાય અને આખું ગામ બેલેન્સશીટ સરખું કરવામાં પડ્યું હોય અને આવા આવા સમાચારો મોટા અક્ષરે છાપે..
પકડશો તો કોને પકડશો ..?
તમારી મશીનરી જ ભ્રષ્ટ છે, સરકારી અધિકારીઓ જ સૌથી વધારે કરપ્ટ છે અને “કાળા” સૌથી વધારે એમની જોડે જ છે અને એ થોડા “ડીકલેર” કરવાના છે ..?
ઓન એન એવરેજ શ્યામલ ચાર રસ્તે ઉભા રહીને “તોડપાણી” કરતો “સરકારી” હેલ્મેટ વિનાના ને પકડતો ખાલી ને ખાલી રોજના દસને પકડે, અને સો રૂપિયાનો “ભાવ” ચાલે છે તો રોજના ૧૦૦૦/- અને એમાં રવિવાર તો હોય નહિ, એટલે લગભગ ત્રણ લાખ સાહીઠ હજાર વર્ષના થાય..બિલકુલ “ટેક્ષ ફ્રી”..!
આવો જ આંકડો આવે વડાપાઉં અને દાબેલીવાળાનો,ગીતા અને સીતા સમોસાવાળાનો,દિલ્લી કચોરીવાળા ,બેઈમાન ભાજીપાવ ,પાણીપુરી ,ખાખરા , ખમણ ,સેન્ડવીચ ..યાદ કરો કરો કેટલું બહાર ખાવ છો ?
અરે હા એક વાત તો કરવાની રહી જ ગઈ તમને..“યુદ્ધ” ફાટી નીકળ્યું છે નરેન્દ્રભાઈ, તમે જ્યાંથી ચાય પર ચર્ચા કરી હતી ને ત્યાં તો..
કર્ણાવતી કલબની સામે ઇસ્કોન ગાંઠિયા યાદ છે..? હા એની હામે રાજકોટનો ઓલ્યો ખેતલાઆપા વાળાએ ચા કીટલી ખોલી નાખી છે, અને લાઈનું લાગે હે યાં, એઈ મજાની જાડ્ડી રબર્ડ જેવી સા પાય સે ,અને ઓલ્યા જૂનાગઢવાળા ઇસ્કોનને યાં હાવ કાગડા ઉડે હે..!
અને ઈ ખેતલાઆપા વાળો તો ટોકન એય નથ માંગતો, જે આવે ઈને સાપીવડાવી દે હે ..!
લ્યો આવું હાલે હે અમદાવાદમાં આજકાલ..
સાહેબ તમે સરકારના મુખિયા,એટલે સરકારી અધિકારીઓ પણ તમારી સરકારના જ અધિકારી કેહવાય, જનતાને જેમ ધમકાવો છો એમ એકાદો પરિપત્ર સરકારના તમામ મેહ્ક્માઓને ફેરવો અને કહો કે જેટલા મારી ખાધા હોય એટલા “ઓકી” કાઢો નહિ તો ખેર નથી..
એકવાર બોલ્યા હતા કે “લાખ નવા છોકરા લેવાના આવે તો હું લઇ લઈશ પણ ભ્રષ્ટાચારને તો હું ખતમ કરી જ દઈશ..”
જુવો આ ૨૮મી એ ચૈત્રી નવરાત્રી બેસે અને તમારે ઉપવાસ ચાલુ થશે ,વણજોયુ મૂહર્ત છે ચાલુ કરી જ દો તમતમારે..! યોગીજી ની જેમ મંડી જ પડો..!
ખાલી અને ખાલી સરકારી અધિકારીઓ પાસેથી કાળાનાણા બહાર લાવવા માટેની ટાસ્કફોર્સ બનવો, કોંગ્રેસવાળાનો વારો પછી ..!
સાહેબ જે લોકો પાસે PAN નંબર છે અને ટેક્ષ ભરે છે એમને કનડે તમને શું ફેર પડશે ? જે નથી ટેક્ષ ભરતા અને લાખો કમાય છે એમને પકડો..
તમને ખબર છે આજકાલના બૈરાને મમરા વઘારવામાં પણ આળસ આવે છે અને ક્યાં તો આવડતા નથી..મોહનથાળ ઘેર બનાવેલો ક્યારે ખાધો ? મેહસુબની વાત થાય એમ નથી..!
બધુ જ બહારથી આવે છે, એટલી મોટી ફૂડ ઇન્ડસ્ટ્રી ડેવલોપ થઇ છે પણ કોઈ સરકારને દેખાયુ નથી..સરદાર મનમોહનસિંહજી ને તો ઉંમરને લીધે આંખો કાચી થઇ જાય પણ તમારી આંખ તો બાપુ ..ભાઈ ભાઈ..!
બોલાવી દો “તડી” બધા મસાલાના બાદશાહો પર..!
સાહેબ તમને ખબર છે સાહેબ ખેત પેદાશોના દલાલો કેવા માર્જીન રાખે છે ..? કોથળા ભરી ભરીને રૂપિયા હોય છે એમના ઘેર, અને “દલાલ” તો પછી જમીનોના .. આહાહાહા..!! એમાં તો સીધી ચાર બંગડી જ છુટે..!
મને તો કાળજે બળતરા બળતરા થઇ જાય છે, સાલો પચ્ચીસ ત્રીસ વર્ષથી રીટર્ન ફાઈલ કરીએ છીએ અને કાળુંનાણું નામે ઘરમાં ના આવ્યુ ..
બાપાએ પણ “ડોબા” જેવા કામ કર્યા..આખા ગામના ડોકટરો કમીશન લઈને ઘેર આવે અને એમણે બધાને ખખડાવીને કાઢી મુક્યા, અને એ બધાના બંગલા અને ચાર ચાર બંગડીઓવાળી ગાડીઓ છે, આજે અને મારા બાપા હજી “નેનો”માં “રખડે” છે..!
અને ઉપરથી એ બધા મોટા મોટા “સફળ” ડોકટરો મોઢે એમ બોલે “વેરી એથીકલ પ્રેક્ટીસ ડોક્ટર વોરા” અને પાછળથી ..”વેદિયો છે.. જવા દે.. ને..!”
અને અમને પણ આવી જ ટેવો પાડી બાપુજીએ..”રાતે શાંતિથી ઊંઘ આવે એવા કામ કરવાના..” લ્યો કર લો બાત..બે પેગ મારીએ તો ય એમનેમ મસ્ત ઊંઘ આવે..!
જેટલા પાસે દારૂની પરમીટ છે ઠોકો એ બધાને નોટીસ..ક્યા કામધંધા કર્યા કે રાતની ઊંઘ “હરામ” થઇ ગઈ હે..? અને રોજ દારુ પીવો પડે છે ? મુઆ આટલો મોંઘો દારુ પીવે છે તે ચોપડે દેખાડેલા રૂપિયાનો પીવે છે કે રોકડામાં ?બધે દારૂની દુકાનોમાં ક્રેડીટ ડેબીટ કાર્ડ કમ્પલસરી કરો નો કેશ..!
મંચિંગ નો વારો પછી..,!
સાહેબ આપણી જોડે પણ બાબા રામદેવ કરતા પણ સારા સારા આઈડિયા છે એમના આઈડીયાથી તો બધું સીધું કરતા દમ નીકળી ગયો..પણ આપણું કેહવું વિચારી જો જો..
લગભગ બધું ઓનલાઈન કર્યું છે, આજે ટેક્ષ કન્સલ્ટન્ટને ત્યાં નોટીસો ફેરવી છે બરાબર છે, વેહતી ગંગામાં એમણે પણ હાથ ધોયા છે..
જૂની મશીનરી સખત રીતે કરપ્ટ છે એટલે નવી મશીનરીથી જ કામ લેવું પડશે.. ભંગારવાડે નહિ નાખો તો નહિ “મેળ” બેસે..તમે પણ નિષ્ફળ જાશો અને અમને પણ નિષ્ફળ સાબિત કરશો..!
નવા નવા ૨૨ થી ત્રીસ વર્ષના છોકરાઓમાં દેશદાઝ પુષ્કળ હોય અને જેમ જેમ મોટો થતો જાય એમ એમ એ “કરપ્ટ” થતો જાય અત્યારના નવા છોકરા એટલા હરામી નથી કે જેટલા તમારા જમાનાના હતા..!
તમારા જમાનાવાળો તો “સાત પેઢી”નું “ભેગું” કરતો, અત્યારવાળો ખાલી બહુ બહુ તો મહીનેદા
ડે સ્પામાં જઈ આવે એટલે પત્યુ..પેઢીઓ ગઈ ગટરમાં..! આજ નો લાહવો લીધો એ બહુ છે..!
એટલે એને બહુ ભેગું કરી અને લુંટી લેવાની વૃત્તિ પ્રમાણમાં ઓછી છે..!
એક હાક પાડો કે ભ્રષ્ટાચારીઓને પકડવા છે અને એના માટેની ટાસ્ક ફોર્સ બનવું છું, અને પછી જુવો જનતા પણ કેવી તૂટી પડે છે રોજના અઢળક મેસેજ સામેથી તમને કરશે,અને વીણી વીણીને પકડાવશે..!રીટાયર્ડ થયેલાને પણ ઝાલી ઝાલીને બહાર લાવશે..!
તમારા યુપીના નવા નવા મંત્રીઓ એ મંત્રાલય અને ઓફિસોની સાફ સફાઈ માટે જાતે ઝાડુ પકડ્યા એમ તમારે પણ તમારી સરકારને સાફસુફી માટે જાતે જ ઉતરવુ પડશે..!
રાજકીય પક્ષોના “ડોનેશન”..! સોરી સોરી સોરી ભૂલ થઇ ગઈ..
ખાલી યાદ કરવું છુ..! બાપલીયા..
બાપા અમને હવે ના કનડશો “નોટબંધી” બહુ થઈ હો..!
ભારતનો નવો નવો જન્મેલો ૫૦ કરોડ લોકો નો મધ્યમવર્ગ અને એનાથી થોડો નીચે રહેલો ત્રીસ કરોડ લોકોનો રોજ સવારે મારી જેમ ટીફીન લઈને ઘેરથી નીકળતો અને રાતે ઘેર આવતો નીચલો મધ્યમવર્ગ એની ઉપર દયા રાખજો..
લોકરું ખોલાવવાના હોય તો પસે પેલા કે
જો.. મામા માસીના ભાઈના બે બે લાખ તો ભયરાતા.. સુ કરીએ વે
વારમાં તો ઈ જ કામ લાગે હે ને ?દેશદાઝ થોડી મારી દીકરીના લગનને દીઆવીને ઉભી રે
વાની ?
આય તો એક હાંધે ને તેર તૂટે હે..લાખ કમાણા નથ ને લખેશરી થ્યા નથ..
બોલ સ્રી ગીરીરાધ
રણ કી… જે..
લાલે લાલ કી… જે ..
આજ કે આનંદ કી… જે ..
આનંદ કરવાને વાલે કી ..જે
શુભ સંધ્યા
શૈશવ વોરા
તા.ક. આપણે કોઈના ભર્યા નથી પણ આવું થયેલું જોયું છે માટે લખ્યું છે સાચું માનીને મારી ઉપર.. હા ભાઈ..!
www.shaishavvora.com