દામિની આશયનું નામ આવતા એકદમ હાલી ગઈ, પણ એણે કાનવને પરખાવા ના દીધું અને દામિની એ પોતાની સાસુના શબ્દો યાદ કર્યા.. જો દામિની આ હોશિયાર પુરુષોને બે-ચાર બૈરા કરતા ક્યારેય રોકવા નહિ , અને જો રોકીશ ને તો એમની હોશિયારી ઉપર આપણા ઘરના બૈરાની છાંયડી ચડી જશે, અને આગળ વધતો અટકી જશે..એટલે કા`નુ ઉપર ખોટી ખોટી કોઈ બીજી માટે લગામ ના કસતી.. હા આપણા ઘર ના ઉંબરે કોઈ ના જોઈએ, બસ એટલું ધ્યાન અને કડપ રાખવો..વધારે પડતા વેવલાવેડા કરતા પુરુષો `પંડ રળે અને પેટ ખાય એટલું જ રળી શકે..!` જો એ રૂપિયા રળતો ઓછો થાય તો પછી એને એના જ ઘરમાંથી ધક્કો મારી ને કાઢી મૂકજે ,ભલે મારો છોકરો રહ્યો તો પણ કહું છું, બાકી જ્યાં સુધી આવા બેહિસાબ એ રૂપિયા રળે છે ત્યાં સુધી એની પાસે કોઈ જાત નો હિસાબ માંગતી નહિ..!
કાનવે આશય નું નામ લીધું એટલે દામિની સમજી ગઈ કે જીનેટીકલી એકથી વધુ સ્ત્રીઓના સંગાથના શોખીન પુરુષો ના આ ઘરમાં હવે મારે પણ નવી આવનારીને પ્રેમ ને ભૂલવાડી ને ભોગ-વિલાસમાં આળોટતી કરાવી પડશે અને પછી મારા સાસુના શબ્દોને મારે ફરી એકવાર રીપીટ કરવા પડશે..!!
એની સાસુની વાતને દામિની એ ગાંઠે બાંધી હતી અને કાનવની ઐયાશીને નજરઅંદાજ કરી ને જન્મારો કાઢ્યો..
દામિની એ કાનવ ને પૂછ્યું .. કા`નુ તને ક્યાંથી ખબર પડી કે એ નેહલ `મી ટુ`માં જોડાઈ ને આપણા ઘરના ધજાગરા બાંધવાની છે ?
કાનવ બોલ્યો એના ઈન્ટરવ્યું લેનારી જર્નાલીસ્ટ સમીર ની ફ્રેન્ડ છે..!! એણે કહ્યું કે એ જર્નાલીસ્ટ એક સામટા અમદાવાદના વીસેક જણાને માટે મી ટુ ઉપર સ્ટોરી કરી રહી છે અને બધું સામટું જ પબ્લિકની સામે મુકવાની છે..!!
સમીર એમનો ફેમીલી ફ્રેન્ડ અને અમુક ફ્લેટ ની સ્કીમો માં પાર્ટનર હતો..
દામિની આંખો ઝીણી કરીને બોલી એકસામટા વીસેક જણા એમ ..? તો તો કોઈ મોટું માથું એની પાછળ હોય બાકી ચાર કોડીની જર્નાલીસ્ટ ની હેસિયત ના હોય કે આવો મોટો ખેલ કરે ..તે તપાસ કરી .?
કાનવ બોલ્યો ના મેં આખો કેસ સમીરને આપ્યો છે..
દામિની એ તરત જ પોતાનો મોબાઈલ ઉપાડ્યો અને સમીરને લગાડ્યો ..સીધી જ વાત ચાલુ કરી સમીર શું મેટર છે કોણ છે એ જર્નાલીસ્ટ ..?અને એની પાછળ કોણ છે ?
સમીર બોલ્યો દામિની એ જર્નાલીસ્ટ ની પાછળ એક લેડી વકીલ છે અને બે પ્રાઇવેટ ડિટેકટીવ ..
દામિનીનું દિમાગ એકદમ સ્પીડમાં કામ કરવા લાગ્યું ..એ બોલી વીસ જણ કોણ કોણ ? એમાં તું તો એક ચોક્કસ હોય, પણ બીજા કેટલા ? અને કોણ ?
સમીર સેહજ હસીને બોલ્યો ફોન પર જ ..દામિની બોલી ઘેર આવ .. સમીર બોલ્યો ના અત્યારે તો ઝુરીચમાં બેઠો છું (સ્વિઝરલેન્ડ)
દામિની બોલી મને બધા ના નંબરો આપ..
સમીર બોલ્યો તું શું કરીશ ?
દામિની કડક અવાજે બોલી નંબર આપ..
અને સમીરે ઓકે કહી ને નંબર વોટ્સ એપ કર્યા..
દામિની એ તરત જ પેલી લેડી વકીલને પેહલી ઝાલી..
ફોન કરી અને એ જ મિનીટ ની એપોઇન્ટમેન્ટ લીધી..
દામિની ફટાફટ કામે વળગી.. થોડોક સાદો એવો ડ્રેસ પેહરી અને એક નાની ગાડી પોતાના બંગલામાંથી કાઢી અને મણીનગરમાં આવેલી પેલી લેડી વકીલ ચંદનબાળા કાંતિલાલ ઢોલરીયા ઉર્ફે સીકેડી મેડમ ના નામે ઓળખાતી હતી..એને ત્યાં પોહચી..
મણીનગર દક્ષિણી ફાટકની પાસે આવેલા જુના ખખડધજ બિલ્ડીંગમાં એક નાનકડી ખોલીમાં સીકેડી મેડમ ની ઓફીસ હતી .. દામિની ત્યાં પોહચી.. બહારથી જોયું તો ઓફીસમાં જુનું લાકડાનું ફર્નીચર અને પંખો જ હતા, સીકેડી ની ઓફીસ જોઈ ને દામિનીને હાશ થઇ ચાલો આને ખરીદી લેવાશે..
દામિની સીકેડી મેડમની ઓફીસમાં એન્ટર થઇ અને સીકેડી મેડમ અને દામિનીનો આમનો સામનો થયો દામિનીની કદ કાઠી કરતા દોઢી પોહળી અને ઉંચી અને લગભગ પચાસે પોહચેલી હતી સીકેડી, કૈક વધારે પડતું મોટું મોઢું અને રંગ શરીરનો કાળો ભમ્મર..સીકેડી સફેદ સાડી પેહરી ને બેઠી હતી, દેખાવે આખી બ્લેક એન્ડ વ્હાઈટ જ હતી સીકેડી..
બંને સ્ત્રીઓ એકલી જ હતી સીકેડીની ઓફીસમાં..દામિની સીકેડીની આંખમાં આંખ નાખી ને બોલી એક કામ છે લેશો ?
સીકેડી બોલી કામ નું નામ શું છે ?
દામિની બોલી નામ તમારે પાડવા નું છે દામ કેટલા લેશો એ બોલો..
સીકેડી બોલી નામ વિના ના કામ સીકેડી મેડમ નથી લેતા ..
દામિની બોલી.. દામ જોઈ લો પેહલા પછી નામ અને કામ ની વાત કરો..
દામિની બોલી વીસ લાખ આપીશ .. મારે એક જણ ને ખુલ્લો કરવો છે..
સીકેડી બોલી કોને ..?
દામિની બોલી એક અખબારના માલિકને..
સીકેડી બોલી કઈ રીતે ..?
દામિની બોલી મને બહુ ચૂસી છે સાલ્લા એ પંદર વીસ વર્ષ પેહલા..હવે આ `મી ટુ` ચાલ્યું છે એમાં મારે એ અખબારના તંત્રી અને બીજા ત્રણ ચાર જણ નાં વારા પાડવા છે..
સીકેડી બોલી કોણ છે બીજા ..?
સીકેડીની વધતી ક્યુરીયોસિટી જોઈ ને દામિની એ બ્રેક મારી કામ નું નામ અને દામ બોલો અને હાથમાં લેવું છે કે નહિ પછી વાત ..મને સમીરે તમારું નામ અને નમ્બર આપ્યા છે અને એવું કીધું છે કે એકપણ કોર્ટ એવી નથી કે જ્યાંથી કોઈનું કોઈ તમારી ઉપ્પરથી ના ગયું હોય..તમારે પણ આ `મી ટુ` માં જોડાવવું હોય અને રૂપિયા થી પાછા પડતા હોવ તો બોલો ..મારે મારા ધણીથી છુટું જ થવું છે અને આવા આપણા જેવા બૈરાઓ ને ચૂસી ખાધેલાને નવરા કરવા છે..
શાતીર સીકેડી મેડમ દામિનીની ગલીમાં ભરાઈ ચુકી હતી .. એ બોલી કોનું બૈરું છો તમે..?
દામિની કોન્ફિડન્સથી બોલી કાનવ..ની ..
સીકેડીની આંખ પોહ્ળી થઇ ગઈ અને બોલી એનકેવાળા કાનવની ?
દામિની બોલી ..હા બોલો હવે કામની વાત કરો..બે ચાર જર્નાલીસ્ટ અને બીજા બધાને સાથે રાખીને વ્યવસ્થિત પ્લાન કરો સાલ્લા હરામીઓ ને ખુલ્લા પાડી દઈએ..
સીકેડીને થોડી ગંધ આવી કે પોતાના ધણી છોકરાને બચાવવા તો આ નથી આવી ને ..એટલે એ બોલી શું સબુત છે એ અખબાર માલિક ના તમારી પાસે ..
દામિની એ પોતાનો મોબાઈલ ઉપાડ્યો અને એક વોટ્સ એપ કર્યો અને બોલી સીકેડી મેડમ તમારો વોટ્સ એપ ચેક કરો..
સીકેડી એ મોબાઈલ ઉપાડ્યો એક વિડીઓ કલીપ દામિની ના નંબર ઉપરથી આવી હતી ..
દામિની બોલી મારો નંબર છે એ, કલીપ જોઈ લ્યો..
સીકેડી કલીપ જોતી ગઈ અને જોતા જોતા દામિનીની સામે જોવે અને ક્લીપમાં જોવે..સીકેડીની આંખો પોહળી થઇ ગઈ એને માનવામાં નોહ્તું આવતું કે આટલા મોટા અખબારના માલિક જોડે ની કામક્રીડાની કલીપ આ બાઈ આટલી સેહ્લાઈથી વોટ્સ એપ માં સેન્ડ કરે..
સીકેડી બોલી તમારું કામ હું ચોક્કસ કરીશ પણ બીજા કોણ કોણ છે..?
ત્રણ આઈપીએસ બે આઈએએસ અને ત્રણ મીનીસ્ટર છે..
સીકેડી બોલી સબુત આપશો.. દામિની એ ફટાફટ કલીપો વોટ્સ એપ કરી ..
સીકેડી દસ મિનીટ માટે તો બેભાન થવા જેવી થઇ ગઈ એને તો ખજાનો મળ્યો હતો ..એ હરખ ની મારી બોલી તમે આવતીકાલે મળો હું એક કરોડમાં તમારું કામ લઈશ અમે `મી ટુ` કેમ્પેઈન ની અન્ડરમાં ગુજરાતમાં બહુ મોટો ધડાકો કરવાના છીએ તમારું કામ થઇ ગયું દામિનીબેન..
દામિનીએ પોતાના પર્સ માંથી બે હજાર રૂપિયાના દસ બંડલ લઈને મુક્યા ..અને બોલી બીજા ચાર આવા બંડલ મળશે પણ આમાંનો એકેય બચવો ના જોઈએ..
સીકેડી કલીપ અને રૂપિયાના ઉત્સાહમાં એ પણ ભૂલી ગઈ કે એના ધણી અને છોકરા ને એ લોકો દુનિયાની સામે ખોલવાના હતા..!!
સીકેડી અત્યંત ઉત્સાહમાં બોલી તમારું તમારું કામ થઇ જશે હું તમને કાલે ફોન કરું ..
દામિની ઉભી થઇ અને એ ખખડધજ ઓફીસની બહાર નીકળી ગઈ અને પોતાની ગાડીમાં બેસી ગઈ એને હાશ થઇ ગઈ એનું કામ પતી ગયું હતું…!!
ત્રણ દિવસ પછી એક છાપાના ખૂણામાં સમાચાર આવ્યા નેહલ અને એના પતિએ સાથે આત્મહત્યા કરી હતી..
બીજા એક અઠવાડિયા પછી ત્રણ પત્રકારો કચ્છમાં ફરવા ગયા હતા અને ત્યાં એકસીડન્ટમાં મૃત્યુ પામ્યા હતા ..
અને સીકેડી વકીલ મેડમ હાર્ટ એટેકમાં મરી ગયા હતા અને બે ડિટેકટીવ એજન્સી ચલાવતા લોકો શંકાસ્પદ રીતે નર્મદા કેનાલ માં મરેલા તરતા મળ્યા..!!
કાનવ તો આ બધું એકપછી એક થતું છાપાઓમાં વાંચતો જ રહ્યો ..
પણ છેવટે એક દિવસ કાનવે દામિની ને પૂછ્યું તે શું ચક્કર ચલ્વ્યું દા`ની ..?
દામિની બોલી કશું જ નહિ વીસ લાખમાં બધું પૂરું થઇ ગયું..કાનવ બોલ્યો કેવી રીતે પણ..?
દામિની બોલી પેલી સીકેડી વકીલ , બે ડિટેકટીવ અને પેલી એક જર્નાલીસ્ટ આ પાંચેય એ ભેગા થઇ ને `મી ટુ` ની ગંગામાં નાહવા નું નક્કી કર્યું અને એમાં એ લોકો એ નેહલ જેવી ચાર પાંચ ડફોળો ને પકડી ,એમના પ્લાનિંગ માં એવું હતું કે પાંચ દસ ને ખુલ્લા પાડીએ અને બાકીના ને બ્લેકમેઈલ કરીએ .. રૂપિયા નો ઢગલો થશે..
કાનવ બોલ્યો તને ક્યાંથી ખબર પડી પણ એવી.. દામિની બોલી બધાય ભૂખડીબારશ હતા હું તો ફક્ત સીકેડીને એકલી ને જ મળી, એમાંથી જ મને અંદાજ આવી ગયો કે આ બધા કોઈ સમાજ સેવક નથી અને મેં સીકેડી ના મોઢે વીસ લાખ માર્યા તો એના મોઢામાંથી ફીણ નીકળી ગયા એટલે હું સમજી ગઈ કે આ સીકેડી કવર નું સરનામું છે અને બાકીના બધા આ જ છે..
કાનવ બોલ્યો આગળ આગળ દા`નુ બોલ જલ્દી..
દામિની બોલી એટલે મેં એ લોકો ની સામે અલીબાબા નો ખજાનો ખોલી નાખ્યો .. મારી અને બીજા ત્રણ આઇપીએસ , બે આઇએએસ ,ત્રણ મીનીસ્ટર ,અખબાર માલિક બધા સાથે ની નકલી કલીપો મેં સીકેડી ને ફોરવર્ડ કરી દીધી અને એ કલીપો એણે તરત જ એની ટીમ ને મોકલી અને પછી તો પેલા આઈએ એસ ,આઈપીએસ અને મીનીસ્ટરો એ જ એમના કામ તમામ કરી નાખ્યા..!!
કાનવ આંખો ફાડી ને બોલ્યો બ્રીલીયન્ટ દા`ની ડાર્લિંગ તું તો જીનીયસ છે ..તે આપણી મુસીબતને બીજાની બનાવી કાઢી અને બીજા એ એનો કાંટો કાઢી નાખ્યો..!!
કાનવ ખુશીનો માર્યો દામિની ને ભેટી પડ્યો..અને દામિની વિચારતી રહી કે આ હોશિયાર પુરુષ ખુબ રૂપિયા રળતો પુરુષ આટલો મુર્ખ પણ છે ..??
કેમકે દામિની પણ ક્યાં બધું સાચું બોલી હતી ..?
સીકેડી મેડમ ને આપેલી એકપણ કલીપ નકલી થોડી હતી..?
*સમાપ્ત*
સહુ ને વિક્રમ સંવત 2075 સાલમુબારક ..
વાર્તા ગમી હોય તો ફોરવર્ડ કરો, શેર કરો..!!
*શૈશવ વોરા*