ચાલો ત્યારે સાહિત્યકારોમાં એક નવો ફાંટો આવ્યો ..
ફેસ્બુકીયા સાહિત્યકારો..!!
ક્યાંક સમાચાર છપાયા કે જીએલએફમાં ફેસબુકીયા સાહિત્યકારોના સેશન ગોઠવાયા..!!
અઘરું હો..!!
ફેસબુકીયા સાહિત્યકારો..!!
આપણ ને તો આપણી પાછળ “કાર” લાગે ને એ જ તકલીફ છે..
વર્ષો પેહલા અમે એક સૂત્ર ડીરાઈવ કર્યું હતું..
*જો તમારી પાછળ “કાર” લાગે ને તો તમારી કાર વેચાઈ જાય..!!*
થોડું વધારે થઇ ગયું નહી ..? પણ સાવ નાખી દેવા જેવું નથી..
સંગીત`કાર` ,સાહિત્ય`કાર` , કલા`કાર` આ બધા `કાર` ની એક જ તકલીફ એમને ત્યાં લક્ષ્મીજી રિસાઈ જાય..!
જો કે આજકાલ તો હવે ખરેખરી કાર ની કઈ બહુ કિંમત નથી રહી અને જૂની સેકન્ડ હેન્ડ તો સસ્તી અને સારી ઘણી મળે એટલે હવે કદાચ `કાર` ને ત્યાં કાર ટકી રહે છે, પણ ઉપર નું સૂત્ર જયારે અમે એક જમાનામાં નેવું ના દાયકાની શરૂઆતમાં સંગીત શીખતા ત્યારે ડીરાઈવ કર્યું હતું..
તો પણ બહુ અઘરું પડે છે હો આ મોટાભાગના `કાર` ને કાર પકડી રાખવી અને મેન્ટેન કરવી..!!
જુદા જુદા ફિલ્ડના `કારો` ને ઘણા સમયથી મળું છું પણ જે રીતની મેહનત કરતા આ `કારો` ને હું જોઉં છું અને એ પણ અક્કલ વાપરી ને મેહનત કરતા , એ જોતા આ `કારો` ની જિંદગી બહુ સ્ટ્રગલ વાળી હોય છે..એમને બે પાંદડે થતા થતા જન્મારો જતો રહે છે અને માંડ માંડ સેટ થયા એવું લાગે ત્યાં તો પાછળથી ધસમસતી આવતી નવી પેઢી એક કલાકમાં એમને ચાઉં કરી જાય છે..!!
મારી ફેસબુકની વોલ `કારો` થી ભરી પડી છે, ઘણા બધા સફળ `કાર` છે પણ આર્થિક રીતે સફળ થયેલો `કાર` ઝટ કોઈ જોવા મળતો નથી..!!
એકેય `કાર` ચાલીસ પચાસ લાખની કાર લઈને ફોટો પડાવતો હજી મળ્યો નથી..!!
અને જે ભૂલ ભૂલમાં મળ્યા એ પીપીએમ માં છે `પાર્ટ પર મિલિયન..`
દુનિયાના ટોપ અબજપતિમાં કદાચ ક્યારેય કોઈ `કાર` નું નામ નથી આવ્યું ..!!
અને કદાચ આવ્યા છે એમણે પોતાની “કારી” બાજુ પર મૂકી અને બીજું કૈક કર્યું છે ત્યારે કારી ફાવી છે..!
એક એક ઇવેન્ટના પાંચ પાંચ લાખ લેનારા છે અને એમાંથી લાખ તો નેટ ઘેર લઈને જાય પણ ખાટલે મોટી ખોડ કે આવા ઇવેન્ટ મળે કેટલા ?
અને બીજી વાત એ કે આટલી જ અક્કલ અને હોશિયારી બીજા ફિલ્ડમાં વાપરી હોત તો અઢળક પાડતો હોત ,
હું જેમ `કારો` ને મળું છું એમ `પતિ`ઓ ને અને `દારો` પણ મળું છું જેવા કે ઉદ્યોગ`પતિ` .. દુકાન `દારો` ને મળું છું ,
ત્યાં આ રેશિયો સારો છે ,કદાચ હજારે એક નો છે..
પ્રોફેશનલ્સ ની તો વાત જ ના થાય.. વકરો એટલો નફો ને ખર્ચ્યા એટલા ગયા ખાતે..!!
એક ઇવેન્ટના પાંચ લાખ લેતા `કાર` પાસે સામન્ય એમએસએમઈ વાળા કરતા કૈક વધારે બુદ્ધિમત્તા હોય છે અને `કાર` બન્યો એન કરતા `પતિ` કે `દાર` બન્યો હોત તો જોર રૂપિયા કામ્યો હોત , અહિયાં ચોક્કસ નામ લખી શકું તેમ નથી , મર્યાદા રાખવી રહી પણ આ પણ એક હકીકત છે..!!
જિંદગી એક દસકો દરેક ને આપે છે પણ એ એક દસકામાં શું મેળવવું છે અને ભેગું કરી લેવું છે ,બીજા શબ્દોમાં શું અંકે કરી લેવું છે એ આપણે નક્કી કરવા નું હોય છે..
સામાન્ય માણસ ને જીવનમાં હામ, દામ ને નામ ત્રણ માંથી એક મળે .. નસીબ અને બુદ્ધિ હોય તો બે મળે, અને બહુ જ બુદ્ધિશાળી અને ભાગ્ય નો બળીયો હોય તો જ ત્રણે મળે બાકી તો મોટેભાગે એકથી જ સંતોષ લેવાનો..!!
અને હૈયે હામ મળે કે હાશ જિંદગી પૂરી થઇ ,
પછી ક્યાં તો દામ મળે ,ઘણું ભેગું કર્યું છોકરા ના છોકરા સુધી પોહચશે અને ક્યાં તો નામ મળે અને છોકરા નો છોકરો એમ કહે મારો દાદો તો જોરાદર હતો ,પણ મારો બાપો તો ..જવા દે ને બધું પૂરું કર્યું..!! જરાક વડલો થયા કે વસ્તાર ઘાસ થઇ ને ઉભો રહી જાય..!
ઘણી બધી ઇવેન્ટોમાં ગયો છું અંદર નો વાણીયો જીવતો રાખી ને..
ઘણા બધા ને એમ પણ લાગશે કે કૈક શૈશવભાઈ વધારે પડતું ભૌતિકવાદી થઇ ને લખી રહ્યા છે આજે ,પણ બહુ જૂની ઉક્તિ છે પૈસો ભગવાન નથી પણ ભગવાનથી કમ પણ નથી..!!
એવા પણ ઉગતા `કારો` પણ મેં જોયા છે કે જે કમાતી કે સરકારી કે સિક્યોર નોકરી કરતી છોકરી પરણવા માટે શોધતા હોય..
એકવાર બહુ બધા લગભગ પચાસેક `કારો` ભેગા થયા હતા ત્યાં હું જઈ ચડ્યો હતો નામ નથી લખતો પણ એક જાણીતા લેખક ઉર્ફે સાહિત્ય `કાર` મને કહે કહે દીકરા દર મહીને પચાસ હજાર તો તારા કાકી ને આપવાના ને મારે..અને મારે કેહવું પડ્યું એ તો ચોક્કસ કાકા પણ જોડે જોડે મેડીકલેઇમ અને પીપીએફ ના પ્રીમીયમ પણ ભરવાના ,એકલા કાકી ને રૂપિયા આપે થોડું પૂરું થાય છે..!!
નગ્ન સત્ય ..પત્ની ,નોકર અને સંતાનો એમને રૂપિયા આપવા જ પડે..!!
સોશિઅલ મીડીયા ની લાઈકો કે ફોલોઅરશીપ એવા રૂપિયા નથી આપતું કે જેનાથી આ બધા સંતોષાય, છાપા ના પાને પાનાં ભરી ને લખનારા કે મોટા મોટા સાહિત્યના સર્જન કરનારા છેવટે તો એમના કબાટ ખોલી અને એમના અને બીજા ના પુસ્તકો જ બતાડતા હોય છે અને બોલતા જોયા છે કે આ આમારી જીવનભરની મૂડી અને એ મૂડી ને ગીરવે મુકવા જાવ તો કોઈ લ્યે નહિ ને કાકી ની હોસ્પિટલનું બીલ ભરાય નહિ..
જુના જમાનામાં કલા રાજ આશ્રયે રેહતી અને નભતી ,આજે રાજા રજવાડા રહ્યા નથી અને કલા લગભગ નોધારી અવસ્થામાં જીવી રહી છે ,જે લોકો ટોપ ઉપર નથી પોહચી શકતા એમના ઘેર પ્રેક્ટીકલી હાંડલા કુસ્તી કરતા હોય છે..
એ જમાનામાં પણ `કારે` તો રાજ ની સામે ખોળો જ પાથરવો રેહતો બહુ જુજ હતા કે જેમને રજવાડા મોતીઓ ની માળા ગળે થી તોડી તોડી ને ચડાવતા..!
અમે રવિવારની સવારે જીએલએફમાં આંટો મારવા ગયા હતા લગભગ અગિયારથી બારના સુમારે , મારા જેવા બે ચાર કાગડા જ ઉડતા હતા , મોરલા આગલા દિવસોમાં કળા કરી ગયા હોય એવું લાગ્યું એટલે બધે નજરો દોડાવી એકાદ શમિયાણા ડોકિયું કર્યું તો કોઈ બેહન કૈક કવિતા સમજાવી રહ્યા હતા પણ `મેળો` શબ્દ નો ઉચ્ચારણ `મેડો` કરતા હતા એટલે પછી અમને થયું કે જવા દો ..
થાય એવું ,ઠીક છે,
`મેળે` જવાનું હોય અને `મેડે` ચડવાનું હોય..
ગુજરાતી ભાષામાં `ળ` નો `ડ` બહુ ખરાબ રીતે ઘુસાડાઈ રહ્યો છે ત્યાં બાહર ફૂડ કાઉન્ટર ઉપર પણ `અડવી` ના પાતરા હતા, અળવી ની જગ્યા એ..!!
ગુજરાતનું પોતીકું ગીત સાંવરિયો રે મારો સાંવરિયો એમાં પણ પ્રજા છબીલો મારો સાવ ભોળો ને એમ ગાવા ની બદલે સાવ “ભોડો” ગાય છે ..
ભોડું શબ્દ ખરો પણ ભોડો ..??
પણ ચાલ્યા કરે આપણે તો બધું લોલ `મ` લોલ ..
મને ઘણી બધી ઓફર્સ આવી ચાલો છાપીએ ,ને મારો એક જવાબ છે હું કોઈ સાહિત્યનું સર્જન કરતો જ નથી ફક્ત અને ફક્ત મારા મનનો ભાર અને આવતા વિચારો ને શબ્દ સ્વરૂપ આપી અને મુકું છું બ્લોગ જ લખું છું અને ગુજરાતી કરવું હોય તો રોજની ડાયરી રોજનીશી બીજું કઈ ના થાય ..એટલે ખોટા ખોટા પુસ્તકો છાપી અને કાગળિયાં બગાડી અને જંગલો નથી કાપવા ..
આટલા પાપ તો કરીએ છીએ ત્યાં નવા પાપ ક્યાં બાંધવા ?
છેલ્લે.. જીએલએફના પાર્કિંગમાં એકાદી મોટ્ટી કાર શોધી .. પણ અફસોસ રોયલ એનફિલ્ડ પણ માંડ દસ બાર નીકળ્યા..!!
અમદાવાદ ..અમદાવાદ ..!!
પોલું છે તો વાગ્યું તેમાં કરી શી તે કારીગરી ..
એન્ટ્રી ફી રાખે તો મારા જેવો `કાગડો` ય ના ફરકે..!!
રહી વાત ફેસબુકીયા સાહિત્યકારો ની તો જમાનો છે તો છે , જમાના પ્રમાણે ચાલવું પણ પડે..!!
પગ પરમાણે કડલાં જોઈએ વાલમિયા ..
આપનો દિન શુભ રહે
શૈશવ વોરા
*(ચેતવણી :- આ બ્લોગને પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે , જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)*