થોડાક દિવસ પેહલા ગુરુ તેગ બહાદુરજીનો ૪૦૦મો પ્રકાશપર્વ લાલ કિલ્લેથી ઉજવાયો..!પણ આનંદ થયો જાણીને કે જ્યાંથી એમની હત્યાનું ફરમાન થયું હતું એ જ લાલ કિલ્લે આજે પ્રકાશપર્વ ઉજવાયું..!!
જો કે વધુ આનંદ એટલે થયો કે દેશભરનું મીડિયા ખુલીને બોલ્યું કે ગુરુ તેગ બહાદુરજીની હત્યાનું ફરમાન ઔરંગઝેબે એમણે ઇસ્લામ ના સ્વીકાર્યો માટે કર્યું હતું, અને લાલ કિલ્લાની બિલકુલ સામે જ ચાંદની ચોકમાં એમનું માથું વાઢી લેવામાં આવ્યું હતું..!!
ઈતિહાસને શબ્દો ચોર્યા વિના બોલાતો જોઈને વધુ આનંદ થયો..!!
સેક્યુલારિઝમની આડમાં ભૂતકાળમાં ઘણું બધું જુનું ભૂલવાડી દેવાની સદીઓથી કોશિશ થઇ રહી છે અને દરેક વખતે એમ વિચાર આવે કે આવું કેમ ?
નથી ભૂલવું જાવ ..!
આજકાલ કુત્તુબમિનારની પાછળ મીડિયા પડી ગયું છે, હું તો વર્ષોથી પડ્યો હતો, જેટલી વાર ગયો એટલી વાર દરેકને ખૂણે ખૂણે લઇ જઈને પુરાવા સાથે દેખાડ્યું છે આ હિંદુ સ્થાપત્ય હતું ..!!
ભારતવર્ષના કાશ્મીરથી કોલંબો સુધીના પત્થરો જોડે વાતો કરી ચુક્યો છું અને એક એક પથરા ચીસો પાડી પાડીને બોલે છે કે અમે તમે જે જોવો છો તે નથી..!!
હું મંદિર હતો મિનાર નહિ..!!
હિંદુ એકતાના અનહદ મેસેજીસ ફેરવવામાં આવી રહ્યા છે, જાગો જાગો કરીને જગાડવાના પ્રયત્નો થાય છે,
પણ ફળ શું ? આવા સવાલો થાય છે પછી મન વિચારે ચડી જાય કે જાગી ગયા ચાલો,
તો પણ રહી રહીને જવાબ આવે કે કદાચ તમે ઊંઘતા હતા અમે તો ક્યારના જાગેલા છીએ, ફર એકવાર ચલો જાગી ગયા પણ જાગીને કરવાનું શું ?
કટ્ટર બનીને રોડ રસ્તા ઉપર નીકળી પડવાનું ? ખૂનામરકી આચરવાની ?
આવું કરવાની તો ભારત દેશનું બંધારણ પરમીશન આપતો નથી તો પછી જાગીને કરવાનું શું ?
એક જવાબ આવે કે હિંદુ તરફી ઝોક ધરાવતી રાજકીય પાર્ટીને મત આપો ..!
ઠીક મારા ભાઈ ચાલો એ પણ કર્યું કે કરીશું , પણ પછી ?
અને એકવાર નહિ દસવાર મત આપી દીધો પણ પછી એ હિન્દુત્વ તરફ ઝોક ધરાવતી પાર્ટી તમને અને મને ઉભા ઉભા વેચી નહિ ખાય એની શું ગેરેંટી ?
પડોશના રાજ્યમાં હળાહળ હિન્દુત્વનો ઠેકેદાર કેહવાતા સેક્યુલરની જોડે સરકાર બનાવી દે અને આજે કાશ્મીર માટે જેમને ગાળો પડે છે એમની જોડે સરકાર પણ બનાવી દે તો શું કરવાનું ?
સંયમ રાખવાનો તમારે અને મારે ..! અને આવનારી ચૂંટણીની રાહ જોવાની સબક શીખવાડવા માટે એવું જ ને ?
બહુ ભયંકર કન્ફયુઝન પેદા કરી મુક્યું છે દેશમાં ધર્મોના નામે અને બંધારણના નામે..!!
ભારત દેશનો બહુ લાંબો લચક ઈતિહાસ ને લોહીથી ખરડાયેલી ભૂગોળ આ બંને એ આજના નાગરિકશાસ્ત્રથી તમારા મારા જેવા સામાન્ય માણસને દૂર કરી મુક્યા છે..!
કંદહાર ઉર્ફે ગાંધારથી લઈને જાવા સુમાત્રા દ્વીપ સુધીના ભારતવર્ષને એક ગણવામાં આવે તો આ બસ્સો કરોડ પ્રજાનો નેવું ટકા ભાગ ફક્ત અને ફક્ત બે ટંકનું ભોજન અને શાંતિ જ ઈચ્છે છે..! અને કદાચ એ જ સૌથી મોટ્ટું કારણ છે ગમ્મે તેટલા મેસેજીસ ચારે બાજુથી ફરે છે તો પણ હુલ્લડો ફાટી નીકળતા નથી ..!
બે પાંચ મિનીટ માટે મગજ ગરમ થાય દરેકના અને પાછી થંડક પકડી લ્યે છે..!
જે દેશોમાં ભયંકર ગરીબી છે, બે ટંકના ખાવાના વાંધા છે ત્યાંથી કટ્ટર પેદા થાય છે, અને બીજી પણ એક બે જગ્યા છે જ્યાંથી પેદા થયેલો કટ્ટર વધારે નુકસાન કરે છે અને એ છે બે નહિ પાંચ ટંક જમવાનું મળે તો પણ જમે નહિ અને ક્યાંકથી કૈક વધારે પડતું “ભણી” ગયેલો ,ત્યાંથી કટ્ટર પેદા થાય છે..!!
ભારતનો વ્યાપ અને વિસ્તાર જો વૈચારિક રીતે જોઈએ તો ભૂતકાળમાં ઘણો મોટો હતો અને આજે પણ છે,
હેં …? ક્યાં છે ?
આવા સવાલ કરો તો જવાબ એ છે કે જગત આખાના લોકોના આચાર વિચારમાં જોઈએ તો ભારત વૈચારિક રીતે ક્યાંક ક્યાંક ઉડીને આંખે ચડે એવો છે..!
બહુ મોટા ઉદાહરણ ના લેતા ફક્ત સ્ત્રી દાક્ષીણ્ય, કુટુંબ ,પરંપરા, લગ્ન નામની સંસ્થા, રાજકીય વ્યવસ્થા ,રાજાશાહી , વંશ પરંપરાગત સત્તાના હસ્તાંતરણ આવા બધા ઉદાહરણ લઈએ તો કદાચ હમણાં સુધી જંગલી કે કબીલા શાહીમાં જીવતા દેશોમાંથી સભ્ય સમાજ બનેલા વિશ્વએ સ્વીકારવું પડે કે આ બધું ભારતે આપ્યું છે અને એની કથાઓ,વાર્તાઓ,ઉપનિષદો,વેદોમાંથી દુનિયા શીખી છે અને ભારતે પ્રેમથી શિખવાડ્યું પણ છે ..!
અત્યાર સુધી શૂન્યની શોધ ઉપર જ ભારત ભૂમિના લોકોએ ગર્વ લીધા છે, પણ વૈશ્વિક સમાજમાં અને સામાજિક રીત રીવાજોમાં ગોઠવાઈ ચુકેલી ભારતની હિંદુ જીવનશૈલી ને હજી પણ ઉજાગર કરવામાં નથી આવી..!!
ફરી પાછો જાગવા ઉપર આવું તો …
“જાગેલો” હિંદુ આજ સુધી હિંદુ જોડે જ લડતો આવ્યો છે..!
કારણ એક જ છે નોહતો કંસ વિધર્મી કે નોહતો રાવણ કે દુર્યોધન..!!
રામાયણ મહાભારત ફરી લખવાનો સમય છે , ફક્ત અસુરનો સંહાર એવું નહિ ચાલે , મહાકાવ્યોના વિલનોને વિધર્મી ચીતરવા પડે ,નામ બદલવા પડે..!!
હિંદુ જીવનશૈલી એ અન્યાયની સામે લડતા શીખવાડ્યું છે, પણ વિધર્મી સામે લડતા નથી શીખવાડ્યું..!! કેમકે વિધર્મી હતો જ નહિ ..!!
છેલ્લા બારસો વર્ષમાં જ્યારે જ્યારે હિંદુ જીવનશૈલી ઉપર કુઠારાઘાત થયા ત્યારે માંડ પ્રજાના બે કે ત્રણ ટકા ભાગે શસ્ત્રો ઉપડ્યા અને આતતાયીઓની સામે લડ્યા..!
આજે ઘણી જગ્યાએ હું એવા શબ્દો સાંભળું છું કે ઝેલેન્સકી જેવો મૂરખ માણસ એકેય નથી આ જગતમાં અત્યારે કે જેણે પોતાના પાંચ પચ્ચીસ લોકોની ઈચ્છા માટે પોતાના આખા દેશને રણભૂમિ બનાવી નાખી , કચ્ચરઘાણ કાઢી અને બરબાદ કરી નાખે છે..!
દેશપ્રેમ સ્વાભિમાન આ બધું સેહજ વાર બાજુ પર મૂકી ને આ પણ વિચારવા જેવી વાત તો ખરી ..!
દલીલ આગળ એમ પણ ચાલે કે એના દેશમાં નેવું ટકા લોકો તો આપણી જેમ ગરીબ છે કે જે ફક્ત રોટી ,કપડા અને મકાન માટે સંઘર્ષ કરીને જીવે છે તો એવા લોકોને નાટો હોય કે રશિયા હોય તેનાથી શું ફર્ક પડે ?
અને ત્યાં તો આપણી જેમ ત્યાં ધર્મનો ઈશ્યુ તો છે જ નહિ, તો પછી થોડુક કળથી કામ લઈને ઝેલેન્સકી પોતાના દેશને ખંડેર બનતો રોકી શક્યો હોત..!!
આટલા બધા મોટા વિનાશ અને નેવું ટકા યુક્રેનની બરબાદી માટે કોણ જવાબદાર ?
રાજ એવો પણ હોય કે મને અને મારા ઘરપરીવાર બધાને મારી નાખો પણ મારી રૈયત ને હેમખેમ રાખો ,
ભારત વર્ષમાં અસંખ્ય ઉદાહરણો છે કે જેમાં પ્રજા ખાતર રાજ એ પોતાના માથા ધરી દીધા હોય..!
ઝેલેન્સકી હીરો ચીતરાશે કે વિલન એ તો આવનારો સમય કેહશે પણ પ્રજા બરબાદ થઇ ગઈ..!
ભારતની એક પરંપરા ને વિશ્વએ ક્યાંય સુધી ઝાલી રાખી હતી ..
યુદ્ધ મોટેભાગે રણમેદાનમાં થતા નગરોમાં નહિ ,જ્યાં સુધી હિંદુકુશની પર્વતમાળાઓ આતંકીઓ એ ઓળંગી નહિ ત્યાં સુધી આ નિયમ જળવાઈ રહ્યો અને લગભગ વટ વેહવાર સાચવવા જ યુધ્ધો થયા પણ જેવું ખૈબર પડ્યું પછી હલકાઈઓ ચાલુ થઇ ..!
નકરી લુંટફાટ અને તોડફોડ જ થઇ છે..!!
એની વે .. આપણા નેતાઓ તો એમ કહે છે અમે પુરેપુરી ભારતની એકસો ચાલીસ કરોડ પ્રજાના પ્રતિનિધિ છીએ નહિ કે પ્રજાના કોઈ એક ચોક્કસ ભાગના ..!
દંભ અને જુઠ એ આઝાદી પછી ભારતના ઘણા બધા નેતાઓના પર્યાયવાચી શબ્દો રહ્યા છે..!
આપણે માની લેવાનું અને ગાળો ખાધા કરવાની ને આપ્યા કરવાની માંહેમાંહે..!!
ચાલો આજે અહી અટકું છું ..
અરે હા મારી વોલને રણમેદાન ના બનાવશો ,ખોટી કોમેન્ટ્સ અને રીએક્શન આપીને લમણાં ના લેતા …
શુભ રાત્રી
શૈશવ વોરા
(ચેતવણી :- આ બ્લોગને પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે , જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)