કોણ ?
અમદાવાદે એની જૂની આદત પ્રમાણે જોર ઠીઠીયારા કર્યા ..! જુના જમાનામાં આ ધંધા પોળના નાકે કે ચોકઠામાં ઉભા ઉભા થતા અને હવે સોશિઅલ મીડિયા છે , થોડોક સરકારી ડર ના હોત તો ગઈકાલ ના મીમ્સ હજી આગળ વધ્યા હોત અને છેક દિલ્લી સુધીના ઠઠ્ઠા થયા હોત..!!
એક સીરીયસ ચર્ચા ને જન્મ આપવાનો હતો એની બદલે નર્યા ઠઠ્ઠામાં કેહવાતા , પોતાની જાત ને કેહાવડાતા કે માનતા બૌદ્ધિકો પણ જોડાઈ ગયા..!!
ચર્ચા નો મુદ્દો એ હોવો જોઈતો હતો કે સલ્તનતે બર્તાનીયા ના બંધારણનું કન્ટ્રોલ સી કન્ટ્રોલ વી કર્યું પછી આ પંચોતેર વર્ષમાં ખરા અર્થમાં નેતા કેહવાય કે જે પથ દર્શન કરી અને પથ ઉપર લઇ જાય અને એ પણ સાચા એવા ભારતભૂમિ કેટલા મળ્યા ?
રાષ્ટ્રપતિ થી લઈને ગ્રામ પંચાયત ના પ્રમુખોમાં રબર સ્ટેમ્પ કેટલા મળ્યા અને પોતાની મરજીથો પેન ઉપાડી ને સહી કરે એવા કેટલા ?
બ્રિટીશ સંસદીય લોકતંત્ર ની જેમ આપણે પરંપરાઓ ને અનુસરવું અને નેતા નક્કી કરવા આવા બધા નાટકો અનહદ જોયા અને અનેકો અનેક વખત ભિખારા બાઝતા હોય એમ લોકતંત્રના મંદિરોમાં મત આપી ને ચૂંટેલા નેતાઓ ને બાઝતા જોયા ..!!
કેમ આ દશા આવી ?
કોઈ કેહનાર કે પૂછનાર નથી એટલે ?
બ્રિટીશ બંધારણમાં હજી આજ ની તારીખે મહારાણી દરેક વડાપ્રધાન ને રેગ્યુલર મળવા બોલાવે છે અને પેલી બહુ જાણીતી વેબ સીરીઝ નો આધાર લઉં કે જેમ ઈતિહાસનું નાટ્ય રૂપાંતર છે તો પ્રેક્ટીકલી મહારાણી મિસ્ટર પ્રાઈમ મીનીસ્ટર ની પરેડ લઇ કાઢે છે સમય આવ્યે ..!
વિન્સ્ટન ચર્ચિલ જેવા પ્રાઈમ મીનીસ્ટર ને પણ ઉભા ઉભા જ વાત કરાવે અને રીપોર્ટ લે ..!!
સત્તા નું કેન્દ્ર બિલકુલ બ્રિટીશ બંધારણ પ્રમાણે મહારાણી જ છે..!!
દેશી ભાષામાં કહું તો એકે એક પ્રાઈમ મીનીસ્ટર ઝૈડ જાય મહારાણી ની સામે..!!!
અહિયાં ? શું કર્યું મહારાણી ની જગ્યા રાષ્ટ્રપતિ ને આપી અને રાષ્ટ્રપતિ ને બેસાડી દીધા રાયસીના હિલ્સમાં ,હલવાનું નહિ ડાયરેક્ટ પ્રજા જોડે તમારે કોઈ સંવાદ કરવાની જરૂર નથી , સત્તા બીજી ધરી ઉભી થવી જ ના જોઈએ , સરકાર તમારા નામે ચાલે પણ મરજી અમારી ..!!
સલ્તનતે બ્રતાનીયામાં રાજ પરિવાર નું માનો કે ના માનો પણ ફુલ્લ પ્રેશર સંસદીય પ્રણાલી ઉપર આજે પણ છે , રાજ પરિવાર ની સીધી દખલ લશ્કર, વિદેશનીતિ અને અર્થ નીતિ માં પણ ખરી..!!
અને એની સરખામણીમાં આપણા રાષ્ટ્રપતિ ?
કયું વિશેષણ વાપરવું એ તમે જ નક્કી કરો..!!
મધર ઇંગ્લેન્ડ કહી ને ખીખીયાટા કરતા અમેરિકન હોશિયાર નીકળ્યા , થોડી આંટીઘૂંટી વાળી ચૂંટણીઓ કરી પણ પ્રમુખશાહી તરફ વળી ગયા ..!!
સીધો મત પ્રમુખના નામે જ જાય વડાપ્રધાન જેવી વ્યવસ્થા જ કાઢી નાખી..!
અધવચ્ચે જો પ્રમુખ ઉકલી જાય તો નવો પ્રમુખ મળે તમને બાકી તો જે આવ્યો એને ચાર વર્ષ ઝેલાવાનો જ ..!!
આજે અફઘાનિસ્તાન કાંડ પછી જો બાઇડન કરતા ટ્રમ્પ સારા લાગે છે ઘણા અમેરિકન પણ ત્યાં અફવાઓ ના ચાલે કે એ ગયા ગયા .. અલ્યા ના જાય .. બે નાં શું જાય ..ગયો હમજ ..!! આવું બધું ના ચાલે ..!!
અને બીજું મોટ્ટું કામ કર્યું કે બે ટર્મ પૂરી એટલે ગમ્મ્મે તે હોય ઘર ભેગો ,ફરી ચૂંટણી ના લડી શકે ..!!
બિલ ગેટ્સ એકમાત્ર પ્રમુખ કે જેમના પત્નીજી એ પ્રમુખપદ ની ચુંટણી લડી બાકી બસ્સો વર્ષના ઈતિહાસમાં આવું કશ્શું જ ના મળે ..!!
અહિયાં ? ગાયો દોહતા દોહાતા મુખ્યમંત્રી થઇ જાય..!!
પેલી જૂની વાર્તા .. સવારે નગર નો દરવાજો ખોલ્યો અને જે પેહલો આવ્યો અને એને માથે હાથણીએ કળશ ઢોળ્યો બની ગયો રાજ્જ્જા ..!!
એકવીસમી સદી છે આ બહુ “વસમી” સદી છે ..!!
સંસદીય પ્રણાલી વાળા લોકતંત્ર ને ક્યાં સુધી પકડી રાખવું છે એની ચર્ચાઓ થવી જોઈએ આ ઘડીએ ..!
એટલીસ્ટ બુદ્ધિ વાળી પ્રજાએ તો પોતાની જાત ને તો સવાલ કરવો રહ્યો કે મારે હવે ઉમેદવાર ને ડાયરેક્ટ મત આપવો છે ..!!
કદાચ ફાયદા ઘણા છે આ સંજોગોમાં જાતિવાદ નું દુષણ ઘણું ઓછું થાય , અને અમેરિકન સીસ્ટમ આવે કે દર ચાર વર્ષે ઈલેક્શન તો પ્રેશર રહે નેતાગણ ઉપર અને આઠ વર્ષે રીટાયર્ડ એટલે દરેક પક્ષ જખ મારી ને નવી નેતાગીરી ને તૈયાર કરે ..!!
બીજી સારી વાત એ થાય કે વન ટુ વન કમ્પેરીઝન આવે એટલે ભોટવો અને હીરો કયો એ પ્રજા જાતે પરખે ..!! , રબર સ્ટેમ્પ, કઠપુતલી , અને રીમોટ સરકારોથી છુટકારો મળે..!!
ભારત ને મળેલા પ્રધાનમંત્રી સરદાર મનમોહનસિંહ ભલે ખુબ સારા હતા પણ ક્યારેય પ્રજા નો ચૂંટણીમાં સામનો કર્યો જ નહિ રાજ્યસભા નામનું પાછલું બારણું ઝાલી રાખ્યું..!!
હું વગર ચૂંટણી લડ્યે સત્તા સુખ પામનારા નેતાઓ પરમ ભાગ્યશાળી ગણું છું, આવા નેતાઓ ને જોઈ ને આપણે માનવું જ પડે કે રાજ યોગ જેવા યોગ છે કોઈક..!!
મોટેભાગે આવા રાજયોગ ધારી નેતાઓ નો યોગ ક્યાં તો કોઈક નેતા ના મૃત્યુ પછી ચાલુ થતો હોય છે અને ક્યાં તો પછી આવી રીતે અધવચ્ચે તગેડી મુકે ત્યારે ચાલુ થાય..!!
એક જન સાધારણ તરીકે મને પેહલા એમ લાગતું કે આ રાજનીતિમાં એવું તો શું છે બળ્યું કે લોક ગાંડું થાય છે ? પણ છે .. ગ્લેમર જેમાં નામ દામ અને હામ બધ્ધું જ છે અને મર્યા પછી પણ રાજકીય સન્માન અને એમાં પણ જો ચાલી ગયા તો જમાનજી ને કાંઠે સમાધિ પણ મળે ..!
બહુ મોટી વાત છે .. મારા તમારા જેવા ને બાળી હજી ઘેરે ના પોહ્ચ્યા ત્યાં તો તમારી જગ્યા ઉપર બીજું મુકાઈ ગયું હોય ..!!
એક કેહવત છે ધણી વિના ઢોર સુના..!!
મહારાણી રેગ્યુલર પરેડ લે છે એમના પ્રધાનમંત્રી ની અને એની સામે તંત્ર વખતો વખત મહારાણી ગુજરી જાય તો શું કરવાનું છે એની એમની નજર સામે પ્રેક્ટીસ કરે છે , જે મહારાણી ને પણ સતત યાદ અપાવે છે કે તમારે પણ જવાનું છે ..!!
જે આવે તે પણ એક પરંપરા ચાલુ થાય કે તમામ મોટી ઓફીસમાં છેલ્લે રાજીનામાં આપેલા પત્ર અને જે તે પદાધિકારી નો ફોટો મુકવામાં આવે તો કમ સે કમ પદ ઉપર બેઠેલા ને એટલું તો યાદ રહે કે …
એક દિન બીક જાયેગા માટી મોલ ..!!!
આપનો દિન શુભ રહે
શૈશવ વોરા
*(ચેતવણી :- આ બ્લોગને પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે , જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)*