ગુજરાત ના પગલે પંજાબમાં મુખ્યમંત્રી ને ઉતારી મુકાયા..!!
જે જે રાજ્યોમાં ચૂંટણી નજીક છે ત્યાં જુના પાપ ધોવા નવા ચેહરા મુકવાની કસરત થશે ,પણ જો સ્થાનિક ક્ષત્રપ પોતાની રીતે ચૂંટણી જીતવા સમર્થ હશે તો એ પાપ-પુણ્ય ની વ્યાખ્યાથી પર રેહશે..!
બહુ સીધો હિસાબ છે , એકવાર સત્તાસ્થાને બેઠા અને આખી સીસ્ટમ તમારા ખીસામાં હોય ત્યારે બીજાની નજરમાં પાપ લાગતા ને કૃત્ય પુણ્યમાં આસાનીથી ફેરવી શકાય છે..! અને હવા ઉંધી હોય તો પુણ્ય ને પાપમાં..!
પંજાબ ગુજરાત જેટલું સેહલું નથી ,સ્થાનિક ક્ષત્રપ થોડા ભારે પડે તેમ છે આપણે ત્યાં સુમડીમાં ખેલ રમાઈ ગયો અને આશીર્વાદ યાત્રાઓ શરુ થઇ ગઈ મંત્રીશ્રીઓની..!
ગુજરાત કે પંજાબ આખી કવાયત પાછળ નો હેતુ એક જ હતો આવનારી ચૂંટણીમાં જીતવું..!!
ચૂંટણીઓમાં મોટેભાગે આમ તો શાસક પક્ષ નું પલડું હંમેશા ભારે રેહતું હોય છે પણ આ વખતે ચઢાણ કપરું છે,
આખી રેસમાં છેલ્લા બે ચાર ડગલા પાડી દે એવી બીક છે દરેક પક્ષ ને ..!
ગુજરાતની ગઈ ચૂંટણીમાં નજર કરો તો ટોટલ ૧૮૨માંથી લગભગ ૫૦ સીટોમાં હારજીતનો માર્જીન પાંચ-સાત હજાર વોટો નો જ હતો, જે બન્ને મુખ્ય પક્ષો ને કનડે છે ,
મજબુત ઉમેદવાર ની સાથે સાથે એ વિસ્તારોના મજબુત મેનજમેન્ટ ની જરૂર પડે એવી પરિસ્થતિ છે..!
ભારતીય પરંપરા પ્રમાણે જો એક જ વ્યક્તિ ને લાંબુ શાસન કરવું હોય તો એણે પોતાની જાત ને દેવ તરીકે પ્રસ્થાપિત કરી જ દેવી પડે તો જ ભારતીય પ્રજા જે તે શાસક ને ટકવા દે ..! નહી તો પ્રજા પછાડી પછાડી ને મારે ..!!
ભૂતકાળમાં ઇન્દિરા ગાંધી ને દુર્ગા સ્વરૂપ ગણાવી ને ટકાવી રાખવાના સભાન પ્રયત્નો થયા હતા ..! રાજાશાહીમાં તો બહુ જાણીતું હતું કે રાજ એટલે વિષ્ણુ નો અવતાર, માથાકૂટ નહિ..!
શાસનની અવધી કોઈ એક જ વ્યક્તિની જયારે લંબાઈ જાય છે ત્યારે ભારતીય પ્રજા પોતાના જીવનની તમામ નિષ્ફળતાઓ માટે સીધો દોષ શાસક ઉપર ઢોળી દેતી હોય છે , સામાન્ય ઘરોમાં પણ બોલચાલની નાની નાની વાતોમાં શાસકના નામ લેવાતા થઇ જતા હોય છે,
દરેક શાસક માટે એ ચેતવા નો સમય હોય છે..!!
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજમાં ખોબલે ખોબલે મત આપ્યા જનતાએ પણ છેલ્લી લેહર પછી ને આમ આદમી પાર્ટી ની સક્રિય એન્ટ્રી પછી પેલી પચાસથી વધુ સીટો ઉપર નો ખતરો વધી જાય તેમ છે ,
બંને પક્ષો માટે ભયંકર ચિંતા નું કારણ છે આ નબળા માર્જીનથી જીતાયેલી સીટો ..!
અમુક સીટોના હારજીતના માર્જીન તો નોટા કરતા પણ ઓછા હતા ..!
આ વખતે નોટા બહુ મોટો રોલ નહિ ભજવી શકે પણ ત્રીજા પક્ષ ની એન્ટ્રી થઇ છે એટલે ઘંટડી વાગી ગઈ છે, વેળાસર જાગી ગયા છે..!
૨૦૨૪ ની સેમીફાઈનલ થશે ગુજરાત જબરજસ્ત રીતે એડી ચોટી ના જોર લાગશે , આખા દેશમાંથી ક્યારેય ના જોયેલા લોકો ને તમારે અને મારે આંગણે આવી ને ઉભેલા જોવા મળશે..!!
જો કે પ્રજા નામનું પ્રાણી ભયંકર શાણું છે, છેક છેલ્લી ઘડી સુધી મન કળવા દેતું નથી અને ખેલ જોયે રાખતું હોય છે..!
મંડાણ થઇ ચુક્યા છે ખેલના .. બંગાળ નો ખેલો ઉંધો પડ્યો હતો પણ ગુજરાત નો ખેલ તો કોઈપણ કાળે સીધો પાડવો પડે તેમ છે..!
પરાપૂર્વ ,ભૂતપૂર્વ કે પછી વર્તમાન જે કોઈ છે એ બધ્ધા એ રાત રાત માથે લઈને કામ કરવા પડે તેમ છે અને એ પણ ઉડી ને આંખે વળગે એવા..!
શાસક ,વિપક્ષ અને નવા આવેલા પક્ષ બધા એ કામ કરવા પડે તેમ છે , નવા આવેલા પક્ષ અને વિપક્ષ અત્યારે તો કોવીડમાં મૃત્યુ પામેલા ને અંજલિઓ આપવા ના ઘેર ઘેર જઈ ને કામ કરે છે , લાગણીઓ ના વેપલા ચાલી રહ્યા છે, હમણાં અમેરિકામાં સાડા છ લાખ સફેદ ઝંડા ક્યાંક રોપ્યા કોવીડમાં મૃત્યુ પામેલા લોકો ની યાદમાં..!!
એક ખોટી સ્ટ્રેટેજી છે , મૃત્યુ ને ભારતીયો વધારે સમય યાદ રાખી શકતા જ નથી, કોઈક બીજી રચનાત્મક સ્ટ્રેટેજી લાવવી પડે..!
સામે પક્ષે શાસક પક્ષ એ પણ હવે યાદ રાખવું પડે તેમ છે કે રૈયત ને રંજાડ ના હોય , અત્યંત થાકી અને હારી ચુકી છે જનતા લાઈનોમાં ઉભા રહી રહી ને..!
નાની નાની બાબતોમાં જે ટીઝીંગ ચાલી રહ્યું છે એ તાત્કાલિક અસરથી અટકાવવું રહ્યું..જેમકે શેહરોમાં પુરતી સગવડ આપ્યા સિવાય પાર્કિંગ ના દંડ અને ઈ-મેમાં ..!
રોડ રસ્તા ખુલ્લા આપવામાં કમ્પ્લીટ ફેલીયોર છતાં પણ અડધા ફૂટ માટે મેમાં આવે ,રસ્તે રખડતો ભિખારી વચ્ચે આવે અને બ્રેક વાગે ઈ મેમો , નથી સરકાર ભિખારી હટાવી શકી કે નથી ગેરકાયદેસર દબાણો..!
ચોમાસે રોડ રસ્તાની પથારી ફરી ચુકી છે , ફાયર એનઓસી ની નામે ધતિંગ ચાલુ થયા છે , સાદી ભાષામાં અમુક સ્ક્વેર ફૂટે દરેક દુકાનમાં એક ફાયર એક્સ્ટિંગવિશર વસાવવું ફરજીયાત છે એટલો ફરમાન બાહર પાડો તો ઘણું છે એમાં એનઓસી ના ધખારા કરાવી ને ધંધામાં અડચણ ઉભી કરવાની ક્યાં જરૂર છે , ઈઝ ઓફ બીઝનેસ આને કેહવાય ?
પણ અધિકારીઓથી ચાલી રહેલા રાજમાં ક્યારેક નાળીયેર અધિકારીઓ તરફ જ ફેંકાય એવું થાય પણ ખરું..!!
ગુર્જર પ્રદેશે આવેલી નવી સરકારના મુખિયાઓ પાસેથી ફરી એકવાર રૈયત ને રંજાડ ના કરશો એવી અપેક્ષા ખરી..
રોજ ના કામો અને ઉપરથી આવતા આવા સરકારી ગતકડાઓ જેવા કે એક દિવસ લાયસન્સ ,પીયુસી, હેલ્મેટ ની ઝુંબેશ જેવા ગતકડાઓથી રોજ ની ગૂંચવાયેલી જિંદગીઓ વધારે ગુંચાય ને એમાં પછી ક્યારેક સીધી અસર મતપેટીના ઓછા મતદાન ઉપર અસર દેખાય ..
પેહલા પણ લખી ગયો છું જો શાંતિથી શાસન કરવું હોય તો રોજ નવા ગતકડા કરી કરી રૈયત ને ગુંચાયેલી રાખો ને ખરેખર સેવા કરવા આવ્યા છો તો પોતે કામ કરી ને પ્રજાના કામમાં ગૂંથાઈ જાવ ..!!
સેવા કરવા માટે અધિકારીઓ પાસેથી અધિકાર લઈને જાત્તે કામ કરવા ઉતરવું પડે , બાકી અધિકારી તો અધિકાર નો જ ભૂખ્યો ..
પેલી કલીપ નોહતી સાંભળી “સાહેબ” કેહ્વાનું મને હું “સાહેબ” છું મોટો,”સાહેબ” થવા માટે હું ભણ્યો છું ..!!
ગુડ લક ..!!
છેલ્લે દરેક પક્ષો ને ફરી એકવાર રૈયત ને રંજાડ ના હોય ..!!
તૂટી ગઈ છે પ્રજા માનસિક રીતે મરેલા ને યાદ કરાવી ને જીવતા ના જીવતર ઝેર ના કરશો..!!
શુભ રાત્રી
શૈશવ વોરા
*(ચેતવણી :- આ બ્લોગને પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે , જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)*