કાયદે મેં રહોગે તો ફાયદે મેં રહોગે
એક છોકરી ને એક છોકરાએ સરેઆમ રેંહસી નાખી અને ગામ ચકડોળે ચડ્યું ..!
કેમ થયું ? શા માટે ? આવું તે કંઈ હોય ? આજે આ છે કાલે બીજી કોઈ શું થવા બેઠું છે..? જાત જાતના ને ભાત ભાતના સવાલો અને જવાબો આવ્યા ,
પણ નુકશાન કોને ?
છોકરીને …જીવથી ગઈ, એના માંબાપને, અને ભાઈ ભાંડુંને બાકી બધા પોતપોતાના ઓપિનિયન આપીને છુટ્ટા ..!
બહુ ગંદી પરિસ્થિતિમાંથી સમાજ પસાર થઇ રહ્યો છે, સાયકો વેડા કરતા પિકચરો અને હીરો ગમે છે, અને હકીકતે સામે આવી ને ઉભા રહે તો ફાટી પડે છે,
એક બાજુ એમ શીખવાડવામાં આવે છે કે કાયદે મેં રહોગે તો ફાયદે મેં રહોગે ,અને બીજી બાજુ છોકરીને બચાવવા કેમ ના ગયા ? વિડીયો બનાવતા રહ્યા પણ હિંમત કેમ ના થઇ કોઈ ની એવા સવાલો કરી મુક્યા ..!!
કેવી વાત છે ખબર છે…??? જાગો જાગો ફલાણી કોમ જાગો નહિ તો તમારો વિનાશ થઇ જશે ..!!
પણ જાગી ને કરવાનું શું છે ? તો કહે મત આપો રાજકારણીને, બસ એટલું કરો એટલે પૂરું પછી એ રાજકારણી તમને અને મને આખ્ખે આખ્ખા વેચી મારે તો પણ તમારે ફરજીયાત ઊંઘતા રેહવાનું કેમ કે કાયદે મેં રહોગે તો ફાયદે મેં રહોગે…!
ભય એટલો મોટો છે કે કોઈ ને પણ સિપાઈ સપરાના લફરાં જોઈતા નથી, હવે ધારી લ્યો કે વિડીયો બનાવનારામાંથી કોઈકે પેલા નરરાક્ષસને ધરી લીધો હોત અને એનો સંહાર કરી નાખ્યો હોત રામ રાજ્યમાં જેમ અધર્મી પાપી ને હણનારાનો જય જયકાર થયો હોત કે પછી એ ધક્કે ચડી ગયો હોત ?
આજ સુધીમાં આવી કોઈ ઘટનામાં વચ્ચે પડીને કોઈકના જીવ બચાવનારાના સન્માન થયા હોય એવા કેટલા કિસ્સા તમને કે મને યાદ છે ?
કાયદે મેં રહોગે તો ફાયદે મેં રહોગે ચોક્કસ… પણ જોડે જોડે હવે એ પણ શીખવાડો કે કાયદાનો રક્ષક અમુક તમુક સંજોગોમાં ના પોહચી વળે કે નાં હાજર હોય તો રણમધ્યે તું જ અર્જુન છે, બૃહનલ્લા..!!
મારા તમારા કે કોઈના પણ જીવની કિંમત ત્રાહિત વ્યક્તિ માટે કેટલી ? અને આપણે ત્રાહિત હોઈએ તો આપણે કેટલી હદ સુધીનું કોઈનો પણ જીવ બચાવવા માટે નું જોખમ લેવું ?
સોશિઅલ મીડિયા ઉપર ફિટકાર તો એવો વરસાવ્યો કે જાણે કૈક મોટા પરાક્રમ કરી ને પબ્લિક ઉંધી પડી ગઈ હોય ..!
એક વાત પત્થર ઉપર કોતરાઈ ચુકી છે ..જે કામ કરવામાં તમને કે મને કોઈ જાતની આંચ નથી આવવાની એવા જ કામ કરવાના ,કાયદે મેં રહોગે તો ફાયદે મેં રહોગે..!!
સખ્ખત કાયદા ભીરુ થઇ ગઈ છે ચિંદીચોર પ્રજા..! નાના નાના કે આર્થિક ગુન્હા કરવાની મજા આવે છે ,સંતાઈ ને દારૂ પી લેવાનો પણ ઝલાવાનું કોઇપણ સંજોગોમાં નહિ..!!
અને આ તો બહુ મોટી વાત હતી .. કોણ કોર્ટના ધક્કા ખાય ? પોલીસ સ્ટેશન અને બીજા કૈક લફરા, દેશનું કેવું સરસ મજાનું ન્યાયતંત્ર કે જ્યાં આજે પણ વેકેશન પડે છે અને તો પણ લખાય કે મોડો ન્યાય એ તો ન્યાય ના મળ્યા બરાબર જ છે..!!!
શિથિલતા ની પરાકાષ્ટા ..!!
કોઈ વચ્ચે ના પડ્યું એમ બોલનારા ક્યારે કેટલી જગ્યાએ વચ્ચે પડ્યા હશે ?
વૈધવ્ય ધારણ કર્યા પછીનું ડાહપણ છે, પણ કદાચ આવા કે બીજા કોઈપણ કેસમાં પેહલી જ મિનીટથી પોલીસને વચ્ચે નાખી દેવી જોઈએ, પોલીસ તરફથી પણ એટલું લચીલાપણું અપેક્ષિત છે કે અમે કોઇપણ પ્રકારનો આચાર ભ્રષ્ટ નહિ કરીએ અને પેલા ને “ઠેકાણે” પાડી દઈશું ..!
ફિલ્મો સમાજનું દર્પણ છે કે સમાજ ફિલ્મોનું એ સમજવું ક્યારેક અઘરું છે પણ નજર સામે ઘટતી ઘટનાઓમાં ક્વિક રિસ્પોન્સ આપવો એ દરેકનું કામ નથી હોતું..!
એક નાનકડી મારી સાથે ઘટેલી ઘટના .. એક સાંજે બહાર હિંચકે બેઠેલો ,સાંજ ઢળી હતી અને સામેના એક ફ્લેટમાં ચોથે કે પાંચમે માળે અંધારું, ગેલેરીનું બારણું બંધ પણ બારી ખુલ્લી ,એમાંથી અજવાળું રેલાયું ,પેહલા લાગ્યું કે દિવો કર્યો હશે, દિવો મોટો થયો અને આગની લપ્ટો બાહર આવી, પેહલા તો રાડ ફાટી ગઈ.. આગ.. આગ.. કરી ને બુમો પાડી , છેક બે ત્રણ મીનીટે અક્કલ ચાલી ફાયરબ્રિગેડને ફોન કર્યા, એટલી અક્કલ જ ના ચાલે કે દસ માળિયા ફ્લેટને ખાલી ઝટ કરાવો, પણ બીજા કોઈકની ચાલી અને લીફ્ટ અને લાઈટોના ઘોડા પણ કોઈકે પાડી દીધા,
મારી પીન ફાયરબ્રિગેડ ઉપર ચોંટી, સતત ફોન ઉપર ફોન લગાડું છેવટે ફાયરબ્રિગેડ ના કોલ સેન્ટરે મને લાહ્યબંબાના ડ્રાઈવર જોડે કનેક્ટ કર્યો ,એકઝેટ લોકેશન આપો અને રોડની વચ્ચોવચ ઉભા રહો આવી સુચના આવી સામેથી, એટલી વારમાં આગે રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું, ફોન ચાલુ જ રહ્યો ..મને સુચના મળી કે થોડાક આગળ આવી જાવ દોડતા ..ચાર પાંચ લ્હાયબંબા આવ્યા હું રોડ ની વચ્ચોવચ અને ફોન ચાલુ મને રોડ ઉપરથી પકડીને એકદમ જ લાહ્યબંબા ઉપર ખેંચી લીધો ,
છાતીના પાટીયા બેસી ગયા હતા એક મિનીટ માટે તો કાન ફાડે એવા ચીચીયારા લાહ્યબંબાના અને એની ઉપર બેઠા પછી… પેહલો સવાલ હતો લોકલ છો ? મેં કીધું હા .. આગ સુધી કઈ કઈ બાજુથી પોહચાશે ? મેં ત્રણ દિશા બતાડી એમાં એક ગાર્ડનની અંદર થઇ ને જવાનું હતું એટલે મને એમ કેહવામાં આવ્યું કે ત્રણ આગળ જાય છે તમે રસ્તો બતાડો ગાર્ડનની અંદર જવાનો, રીતસર ધક્કો માર્યો બંબા ઉપરથી અને રોડ પર પડ્યો ,પણ જોશ આવી ગયું હતું એટલે બીજા બમ્બે દોડી ગયો અને ત્યાંથી હાથ થયો, ઉપર ખેંચી લીધો પાછળના રોડેથી ગાર્ડનના ટ્રેક ઉપરથી આગની નજીક બંબો પોહ્ચ્યો એ ભેગો ફરી ધક્કો આવ્યો ચલો ભાગો તમારું કામ પૂરું ..!!!
ઘણો સમય લાગ્યો હતો ઓલવતા એ દરમ્યાન મુક પ્રેક્ષક બની અને ઉભા રહ્યા લગભગ બે કલાક, પોલીસે પબ્લિક મારી ને ભગાડી મૂકી હતી આગ જોડે ઝઝૂમીને ફાયરમેનો સખ્ખત થાક્યા હતા ,સોસાયટીના બે ઘરોમાં સ્ટાફ માટે ચા મુકાઈ ચુકી હતી અને નાસ્તા સાથે પ્લેટો આવી ગઈ હતી, ચીફ મારી પાસે આવ્યા .. દોસ્ત થેંક્યું તમે અમને રાઈટ જગ્યાએ દોરી ગયા અને બીજી સારી વાત એ હતી કે આખા ફ્લેટની ફાયર સિસ્ટમો લાગેલી હતી અને એ ચાલુ હતી એટલે અમને સરળતા રહી ..!
ગાડા નીચેનું કુતરું ફુલાઈ ગયું , પછી વિચાર્યું કે આખો ફ્લેટ ખાલી કોણે કરાવ્યો ? બાજુની હોટેલના વેઈટરોએ..!!! જીવના જોખમે છેક દસમાં માળ સુધી ચડી ગયા હતા અને વૃદ્ધોને તો ખભે તેડી તેડીને ઉતાર્યા હતા..!!
થેંક્યુંના હક્કદાર કોણ હતા ?
વારો હતો પંચનામુ કરવાનો, સોરી કહી ને ઉભો રહી ગયો હું, હોટેલના બે વેઈટરો એ સહી કરી પંચનામા માં ..!!
નથી જાણતો કે કોના માટે હું કેટલું જોખમ લઇ શકું એટલું જીગર છે , વીરરસની વાર્તાઓ વાંચવી ગમે છે ,વાત કરવી પણ ગમે છે, પણ વીરતા ક્યારે અને કેટલી બતાડી શકીએ એ પ્રશ્નાર્થ તો ખરો જ ,અને એ પણ જ્યાં કોર્ટ અને પોલીસ પાછળથી આવવાની છે એની ખબર હોય એ પછી ..!!
ઈશ્વર એ દિકરીના આત્માને શાંતિ અર્પે અને એના માતાપિતાને સહનશક્તિ ..!! સરકાર અને ન્યાયતંત્ર સમજે અને ઉદાહરણરૂપ સજા સમયવર્તે કરે તો ઉપકાર ..!!
જય શ્રી કૃષ્ણ
શૈશવ વોરા
(ચેતવણી :- આ બ્લોગને પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે , જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)