આજે મારા કનકકાકાનો ૮૭મો જન્મદિવસ છે ,કાકા મારા સૌથી વૃદ્ધ મિત્ર હતા, ગઈસાલ કાકા બ્રેઈન હેમરેજ પછી કોમામાં જતા રહ્યા પણ આંખ અને સાનભાન હતા, અને કાકાએ આંખોથી મારી પાસે વિદાય માંગી અને મેં કાકાને વિદાય આપી પણ ખરી ,પણ મારા હ્રદયમાંથી તો કાકા મારી જોડે જ જશે..
કાકાએ અનેકો અનેક કેહવત શીખવાડી એમાંની એક કેહવત યાદ વિજય માલ્યાને જોઈને યાદ આવે છે.. કાકા મને કેહતા બેટા બે બૈરાવાળાને અને ઝાઝા ધંધાવાળા ને ભગવાનના મારે..એ એના ભારથી જ મરે..માટે એનાથી દુર રેહજે..!
એવી જ પણ એનાથી થોડી જુદી બીજી સંસ્કૃતમાં એક કેહવત યાદ આવી ગઈ.. અને વિચારો ચાલ્યા ..!!
स्त्रीयाणाम चरित्र पुरुषस्य भाग्य
न जानामि ब्रह्मा कुतो मनुष्य
પેહલો વિચાર એ આવ્યો શા માટે સ્ત્રી નું ચરિત્ર અને પુરુષનું ભાગ્ય બંને ને હમેશા નોન પ્રીડીક્ટેબલ જ માની લેવામાં આવ્યા છે..!
આવું કેમ?..! કેમ કોઈ જાણી ના શકે ?
આનાથી ઉલટું કેમ ના હોઈ શકે ?
પુરુષનું ચરિત્ર અને સ્ત્રીનું ભાગ્ય એવુ કેમ ના હોઈ શકે ?
સ્ત્રીને કર્મ કરીને ભાગ્ય ચમકાવવાનો હક્ક નથી ?શા માટે સ્ત્રીના ભાગ્યને પુરુષ જોડે જ જોડી દેવામાં આવ્યું છે.? સ્ત્રીનું પોતાનું એકલુ કોઈ ભાગ્ય ના હોઈ શકે ? પોતાનું ભાગ્ય કોઈ સ્ત્રી પોતે નિર્માણ ના કરી શકે ?
કે પછી એવું માની લેવામાં આવ્યુ છે કે પુરુષના ચરિત્રની અને સ્ત્રીના ભાગ્યની કોઈ કિમત જ નથી..
બંનેને ખાડે ગયેલા જ માની લેવામાં આવ્યા છે ? પેલો સલમાનનો એક પિક્ચરનો ડાયલોગ મર્દ તો કુત્તા હોતા હૈ કુત્તા..
ચારિત્રવાન પુરુષ શું પૃથ્વી પર રાજા રામચંદ્ર સિવાય કોઈ હોઈ જ ના શકે ? અને સ્ત્રી ખાલી બોલાવવા માટે જ ભાગ્યવાન ..?
છેલ્લા અડતાલીસ કલાકમાં મારી સાથે બનેલા બે ત્રણ કિસ્સા કહું..
બે છોકરાઓની વાત જેમની ઉમર ફક્ત બાવીસ વર્ષની છે ,અને બંને મારા રેગ્યુલર રીડર છે..
પેહલાનું નામ રાખુ વનરાજ ,અને વનરાજની અટક નથી લખતો..કોઈ જાતિને દુ:ખી કરવાનો ઈરાદો નથી માટે..
વનરાજ પોતે બીકોમ થયેલો છે એક નાનકડી નોકરી કરે છે ,બાવીસ વર્ષનો છે વનરાજ એના પપ્પા સરકારી કારકુન છે ,સંપૂર્ણ મધ્યમ વર્ગમાં જીવે છે આખો પરિવાર ,વનરાજનો જન્મ ગામડામાં થયો હતો અને આજે પણ એને અમદાવાદ કરતા ગામડુ વધારે ગમે છે..
વનરાજની સગાઈ ફક્ત અઢાર વર્ષની છોકરી સાથે થઇ ગઈ છે, અને એમના સમાજના નિયમ પ્રમાણે વનરાજે એ છોકરીને ફક્ત એક જ વાર જોઈ છે અને ત્રણ ચાર વાર ફોન પર વાત કરી છે ..
છેલ્લા થોડાક સમયથી વનરાજ દુઃખી રેહતો હતો ..મારી સાયકલ મીટીંગ વાર્તા એણે બહુ રસપૂર્વક વાચી છે અને એક દિવસ મારી પાસે આવ્યો અને બોલ્યો શૈશવભાઈ તમારી આ વાર્તાની શર્વરી મારી એક ફ્રેન્ડ હતી એ છે અને ઇશાન હું છું પ્લીઝ તમે ઇશાનને મારી ના નાખતા..
હું થોડો અચંબામાં પડયો મેં કીધું અલ્યા વનરાજ માંડીને વાત કર કઈ, શું પ્રોબ્લેમ છે તારે..ભઈ હું એક ટેલીફોન કંપનીમાં નોકરી કરતો હતો અને મારી એક બોસ હતી ,અમે બંને ખુબ બીજાને પ્રેમ કરતા હતા એ મારાથી ચાર વર્ષ મોટી હતી..અને પછી સીધો પ્રોબ્લેમ પર આવી ગયો..
મારે ફક્ત અને ફક્ત એ મારી પ્રેમિકા સાથે જ લગ્ન કરવા છે મારી સગાઇ હું છૂટી કરી દઈશ અને જે રૂપિયા સમાજમાં દંડ પેટે ભરવા પડે એ હું ભરીશ..
મેં કીધું અલ્યા ગાંડા તારાથી ચાર વર્ષ મોટી જોડે પરણીશ તો કહે હા મારે હવે એક ભવમાં બે ભવ નથી કરવા બસ જે છે આ જ..મેં કીધું ઓત્તારી ભલી થાય વનરાજ આ તો બૈરાઓની કેહવત છે અલ્યા..ના ભઈ હું તો એને જ પરણીશ..અને આજે એ હીરોએ એની સગાઇ તોડી નાખી..!! પેલી સાથે પરણવા માટે ..!!
બીજો હીરો બોડી બિલ્ડર છે ..રંગે રૂડો રૂપે પૂરો .. દીસંતો કોડીલો કોડામણો..નામ રાખુ તેજસ..તેજસને ફરવા અને રખડવા માટે એના પિતાશ્રીએ BMW અને એક મોંઘા માઇલી બાઈક આપી છે આપી છે.. તેજસનો સવાર સવારમાં ફોન આવ્યો ભૈયા મેરે કો બચાલો ..મેં કીધું શું થયું ? તમે અત્યારે ને અત્યારે મળો મને મેં કીધું ના સાંજે ચાર વાગ્યે મળીશ ..
સાંજે ચાર વાગ્યે તેજસ એના ૬૫૦ સીસીના બાઈક પર મારતા ઘોડે આવ્યો અને એનો મોબાઈલ એણે મારા હાથમાં મુક્યો ,એક વોટ્સ એપ ના કન્વરશેષન હતા એનાથી દસેક વર્ષ મોટી ઉમરની કોઈ પરિણીત સ્ત્રીએ જબરજસ્ત ગંદા મેસેજ તેજસને મુક્યા હતા ..
હું અટવાયો મેં કીધું આમાં હું તને શું બચાવું તેજસ ? તું ક્યાં ફસાયો જ છે ? તે એકપણ મેસેજના જવાબ તો આપ્યા નથી એને તો પછી તું શું કામ ટેન્શન કરે છે ? તેજસ બોલ્યો ..નહિ ભૈયા મેં અંદર સે હિલ ગયા હું મેરી ઈચ્છા હો ગઈ હૈ ઉસકો જવાબ દેને કી ,મેરે કો આપ દો ઝાપટ મારો તાકી મૈ ઉસકી તરફ ના જાઉં ..મેં કીધું અલ્યા તું કેહવા શું માંગે છે ? ભૈયા સીધી બાત બોલું..આઈ વોન્ટ ટુ ગીફ્ટ માય વર્જીનીટી ટુ માય વાઈફ .. મૈ શાદી સે પેહલે કોઈ ચક્કર નહિ ચાહતા હું ..
લાઉડ એન્ડ ક્લીયર મેસેજ .. મને રોકી લો ..અને હું બીજી કોઈની પાસે નહિ જાઉં..
શું ચરિત્રવાન પુરુષનું આ લક્ષણ નથી ?????
આ બંને છોકરા ચારિત્રવાન નથી ??
કર્મ અને ભાગ્યના જોરે આગળ આવેલી સ્ત્રીઓના કિસ્સા આજે ટીવી અને છાપામાં ઘણા આવ્યા પણ હું આજે વાત કરીશ એવી છોકરીની કે જેને ભાગ્યએ પણ એટલો જ સાથ આપ્યો છે..મારે ગઈકાલે જ અમેરિકાથી આવેલી રૂપલને મળવાનું થયું છે..
વાત આજથી પાંત્રીસ વર્ષ પેહલાની..ત્યારે નરોડા ખરેખર અમદાવાદનો છેડો ગણાતો , ત્યાં નરોડામાં અતિશય સાધારણ એવા એક કુટુંબમાં એક દીકરીનો જન્મ થયો..દીકરીનું નામ રાખ્યુ રૂપલ ..
રૂપલના પપ્પા એક બેકરીમાં નોકરી કરે, રૂપલ પછી પોતાની ગરીબીમાં વધારો કરવા એના માંબાપે બીજા બે ભાઈઓને જન્મ આપ્યો ..
રૂપલને મ્યુનીસીપલ સ્કુલમાં ભણવા મૂકી અને ત્યાના એક શિક્ષિકાને લાગ્યુ કે આ છોકરી ભણવામાં અસાધારણ છે, રૂપલને એમણે પોતાના ખર્ચે નરોડાની જ એક પ્રાઈવેટ સ્કુલમાં મૂકી અને પોતે રૂપલની ફી એ શિક્ષિકા વર્ષો સુધી ભરતા રહ્યા,
દસમાં ધોરણમાં આવેલી રૂપલની પ્રતિભા એના પપ્પાના શેઠના નજરે પડી અને થોડો ખર્ચો એમણે આપ્યો, અને રૂપલ મેડીકલ કોલેજ સુધી પોહચી ગઈ..
મેડીકલ કોલેજ ની ફી તો બેકરી ચલવતા પપ્પાના શેઠ આપતા પણ મેડીકલની મોંઘી દાટ ચોપડીઓ કોણ લાવી આપે ?જોડે બીજા નાના મોટા ખર્ચા પણ ખરા..
અંતે મેડીકલનું ભણતર પડતુ મુકવાનું વિચાર્યું અને ત્યારે જ સાથે ભણતી ખુબ જ ધનાઢ્ય કુટુંબની એક ક્લાસમેટ ને આખી વાતની ખબર પડી, પોતાની બધી જ ચોપડીઓ મૂકી ગઈ અને જોડે લખવા માટે પેનો અને કોરી નોટબુકોનો ઢગલો કરતી ગઈ , છેક એમ ડી થઇ રૂપલ ત્યાં સુધીનો ખર્ચો એ ક્લાસમેટના પપ્પાએ ઉપાડી લીધો..
સરકારી દવાખાનામાં રૂપલે નોકરી ચાલુ કરી, અને અમેરિકા ભણવા જવાની તૈયારી ચાલુ કરી,ભાઈઓને પણ એ પગારમાંથી ભણાવ્યા..વધતી ઉમરનો વિચાર બિલકુલ ના કર્યો પેહલા ભણીશ પછી જ પરણીશ ..!!
ત્રણ વર્ષ નોકરી કરી અને અમેરિકા ગઈ ખુભ ભણી આગળ અને ત્યા રૂપલના ગુણને ઓળખનારો મળી ગયો અને એ છોકરા સાથે પરણીને અમેરિકામાં સેટલ થઇ..
ગઈસાલ અમેરિકાથી આવી અને રૂપલે મમ્મી પપ્પાને નરોડાના છાપરાવાળા ઘરમાંથી બહાર કાઢ્યા , ત્યાજ નરોડામાં ત્રણ બેડરૂમ હોલ કિચનનો ફ્લેટ અપાવ્યો ,જેમાં એક ભાઈ અને એની પત્ની માબાપની સાથે રહે છે અને બીજા ભાઈ માટે પણ બે બેડરૂમ હોલ કિચનનો ફ્લેટ અપાવ્યો અને વર્ષે છ સાત લાખ રૂપિયા રૂપલ પોતાના માંબાપને હાથખર્ચી પેટે મોકલે છે..!!
કર્મ અને ભાગ્ય..!!
અથાક મેહનત અને ડગલે ને પગલે જ્યાં અટકતી લાગી રૂપલ ,ત્યાં જ એના ભાગ્યએ સાથ આપ્યો ,કોઈને કોઈ હાથ પકડનારું મળી ગયુ અને આજે અમેરિકામાં મોજ કરે છે ..!!
ઊંધું થઇ ગયું ને દોસ્તો ..
पुरुषाणाम चरित्र स्त्रीयस्य भाग्य
न जानामि ब्रह्मा कुतो मनुष्य
બાવીસ વર્ષના ફાટફાટ થતી જુવાનીમાં રમતા આજના જમાના ના છોકરાઓ,
એકને એક ભવમાં બીજો ભવ નથી કરવો અને બીજાને એની વર્જીનીટી એની વાઈફને આપવી છે..!! પુરુષને કુતરાની પૂછડી સમજતા લોકો માટે આ બે કિસ્સા ડોબરમેનની પૂછડી થઇ ગયા..!
અને બૈરાની બુદ્ધિ પગની પાનીએ..એવું સમજતા લોકો માટે ડોકટર રૂપલ ..નરોડા એક છાપરામાં રેહતી રૂપલને કર્મની જોડે ભાગ્ય સાથ આપતું ગયું ને પોતાની કેડી કંડારતી ગઈ અને દીકરાથી સવાઈ થઇને ઉભી રહી ગઈ..!!!
કશુ જ અશકય નથી આ દુનિયામાં ..!! બધી કેહવતો સાચી જ હોય એવું માનવુ નહિ..
સૃષ્ટિના સર્જનહારને પ્રણામ કરીને અહિયાં અટકુ છુ..!!
તા.ક. માલ્યા થવાનો કોઈ જ ઈચ્છા નથી માટે કાકાની વાતને (બે બૈરાવાળાને અને ઝાઝા ધંધાવાળાને ભગવાનના મારે..એ એના ભારથી જ મરે) પકડી રાખવાનો ચોક્કસ અને મક્કમ ઈરાદો ધરાવુ છું ..
શુભ રાત્રી
શૈશવ વોરા