ઉપર નો મેસેજ આવ્યો વોટ્સ એપ પર અને મારી છટકી …થોડી ભડાસ કાઢું છું
કેળાની લારી પર બારગેનના કરવા વિનંતી કરતો ,અને જોડે દલીલો એવી મૂકી છે કે તમે ડોમિનોઝમાં પિત્ઝા ખાવા જાવ છો તો બારગેન કરો છો ?
અરે ભાઈ અમે તો ડોમિનોઝ નહિ એના બાપ જોડે પણ બારગેન કરી લઈએ , ડોમિનોઝની ક્યાં માં પઈણે છે…!!
બોસ આપણે ભારતીયો હવે કન્ઝ્યુમર ઈકોનોમીમાં જીવતા લોકો છીએ ,
નહિ કે દયા,માયા,પ્રેમ,લાગણી,ભાવ,ભાવના …ભાવેશ … આ બધા શબ્દો જુના થઇ ગયા ..એ દિવસો ગયા ડાર્લિંગ …!!
અને મારા અમદાવાદ માટે તો બાર્ગેનીગ એ મારી સૌથી મોટી તાકાત છે ,અમારી સાથે બારગેન કરીને થાકેલો વેપારી જયારે એમ કહે કે ભાઈ મફત લઇ જા ..તો અમે એમ કહીએ કે એક નહિ બે આપીશ ..!!!!?
બારગેન તો અમે કરવાના,કરવાના અને કરવાના, એ કેળાની લારી હોય કે મેરીયટ ..હા થોડો ઘણો ફરક હોય બારગેન કરવાની રીતમાં બસ એટલું જ …
હવે એક તાજો જ દાખલો આપી દઉં , પરમદિવસે અમે ચેન્નાઈમાં હતા જોરદાર મેઘતાંડવ ચાલતું હતું તમિલનાડુમાં ..અમે પોંડીચેરીથી ચેન્નાઈ આવવા નીકળ્યા , ચારેબાજુ જળબંબાકાર હતું , સિક્સ લેન એક્સપ્રેસ હાઈવેની આજુબાજુના સર્વિસરોડની તમામ સાઈડ ,અને ગામડાઓ પાણીથી ભરેલી હતી ,અને મેઘલો મન મુકીને માથે સાંબેલાધાર વરસતો હતો ..બસો મીટરની પણ વિઝીબીલીટી માંડ હતી ..ભરબપોરે લાઈટો ચાલુ કરીને ગાડીઓ બંને બાજુ દોડતી હતી ..
અમારી પાસે ચેન્નાઈમાં હોટલ કન્ફર્મ નોહતી ,પણ એટલું નક્કી કર્યું કે પોંડીચેરીથી કોઈપણ ભોગે એક દિવસ વેહલા ચેન્નાઈ પોહચો જેથી ફ્લાઈટ ના ચુકી જવાય અને ઘર ભેગા થવાય …
એક સાદી સામાન્ય હોટલનું બુકિંગ લીધું ..મારી મમ્મી મને તરત જ એ ટોક્યો ..
સારી અને મોટી હોટલ લેજે અને એ પણ એરપોર્ટની નજીકની લોભ ના કરતો ,પારકા પરદેશમાં આ પૂરની પરિસ્થિતિમાં લાઈટ અને પાણી સૌથી પેહલા જાય અને મોટી હોટલો પાસે જનરેટર હોય અને પીવાના પાણીની પણ વ્યવસ્થા પૂરતી હોય ,એમના ફૂડના સ્ટોરેજ પણ ભરેલા હોય ..એટલે બે ચાર દિવસ એ મોટી હોટેલ આપણને આરામથી સર્વિસ પૂરી પાડે ..નાની હોટેલવાળાનો સ્ટાફ તો ક્યારનો ય એના ગામડે ભાગી ગયો હશે ..!!
અને મેં ગાડીમાં બેઠા બેઠા ગુગલ મહારાજની મદદથી એરપોર્ટની નજીકની બધી પાંચ સિતારાવાળી હોટલોમાં ફોન કરવાનું ચાલુ કર્યું અને દરેકે દરેક હોટલોવાળાએ મને જબરજસ્ત ડિસ્કાઉન્ટ ઓફર કર્યા , લગભગ પચાસ સાહીઠ ટકાથી પણ વધારે અને ખુબ સસ્તામાં અમે પાંચ સિતારામાં રહી જલસા કરીને ઘરભેગા થયા ..!!
એટલે ભાઈ માંગો તો ડોમિનોઝ નહિ બધા જ તમને ડિસ્કાઉન્ટ આપશે ,હા ડિસ્કાઉન્ટ આપવાની રીત જુદી હોઈ શકે , ડોમિનોઝમાં પણ ડિસ્કાઉન્ટમાં પિત્ઝા મળતા જ હોય છે એની પણ ઢગલાબંધ સ્કીમો ચાલતી હોય છે ..
એ ડોમિનોઝવાળો પેલા કેળાવાળાની જેમ વન ટુ વન બારગેન ના કરે જુદી રીતે ડિસ્કાઉન્ટ ઓફર કરે , આપણે બુદ્ધિને થોડી વધારે વાપરવાની …દે ધનાધન ટોપીંગ્સ નહિ નખાવવાના …!!
અને મુવી જોવાની વાત તો ભાઈ એમાં પણ આડા દિવસે બિચારા થીયેટરવાળા આવો આવો કરતા હોય છે ..
હવે થોડું કેળાની લારીવાળાનો માર્જીનની વાત કરું …કેળાની લારીવાળો કેટલું કમાય છે એની ખબર છે ..? ફેસબુકીયા અને વોટ્સ એપિયા તને ..? એક કેળાની લારીમાં કેટલો માલ ભર્યો હોય છે એની ખબર છે બકા તને ?
કેળા ખેતર કે વાડીમાં પાકેને એ કાચા કેળાને ખેડૂત કેળા પકવવાવાળો વેહપારી ૧૭૦ રૂપિયે મણ એટલે કે ૨૦ કિલો વેચે ,એમાંથી પત્તા ,થોડું કેળનું થડિયું કાપી અને કેળા પકાવી અને એ વેહપારી હોલસેલ માર્કેટમાં લગભગ ૨૫૦ રૂપિયે મણ વેચે ,અને આપણે ઘેર આવતો કેળાની લારીવાળા ને હોલસેલ માર્કેટનો વેહપારી ૩૩૦ થી ૩૫૦ રૂપિયે મણ વેચે ….
એટલે ૩૫૦ રૂપિયામાં લારીવાળો વીસ કિલો કેળા લાવે ,અને બે મણમાં એટલે કે ૭૦૦ રૂપિયામાં આખી લારી ભરાય એટલા કેળા આવે એક કેળાનું વજન સરેરાશ સીતેર થી સો ગ્રામ માંડ હોય છે, અને તને કેટલા રૂપિયે ડઝન કેળા આપે છે એ કેળાની લારીવાળો ?
હવે લે કેલ્યુલેટર હાથમાં અને ગણ કેળાની લારીવાળાનો નફો…!!
હજી બીજી વાત કરું …હોટેલમાં સબ્જી માટે બારગેન કરવાની..
એક મોટી ફાઈવ સ્ટાર હોટેલમાં ગયો સબ્જીના ભાવ તોડી નાખે એવા લગભગ ૮૦૦ રૂપિયાની એક સબ્જી , પેહલા તો જોઈ ને ચક્કર આવ્યા પણ હવે ઘુસ્યા એટલે પૂરું કરી ને આવો , મને એમ કે ભાવ વધારે છે તો સારી એવી ક્વોન્ટીટી આવશે એટલે છ જણા વચ્ચે બે જ સબ્જી મંગાવી અને આવ્યું છાલિયું ભરીને , તરત જ વેઈટરને કીધું તારા મેનેજરને બોલાવ ..
મેનેજર ઉંધી વિશ્રામની પોઝીશનમાં આવી અને મારી સામે ઉભો રહ્યો ( આપણે સ્કુલ માં સાવધાન અને વિશ્રામ કરતા એ વિશ્રામમાં હાથ પાછળ બંધાતા , આ ઉંધી વિશ્રામ એટલે હાથ આગળ બાંધી અને ટાંટિયા થોડા સંકોરીને ઉભા રેહવાનું )
મેં કીધું ભાઈ તમારી સબ્જીની ક્વોન્ટીટી આટલી જ હોય છે ? એણે કીધું યસ સર ..એટલે મેં એને પૂછ્યું ભાવ પણ તમારો આટલો જ હોય છે ? સામે જવાબ આવ્યો યસ સર … એટલે મેં પૂછ્યું ડોલર માં ગણ તો કેટલા ડોલર થાય ?એ મેનેજર થોથવાયો અને પછી જે ખખડાવ્યો છે મેં એને …
દુનિયા આખીમાં જયારે જયારે મેં આટલી મોંઘી સબ્જી ખાધી છે ત્યારે એ સબ્જી જોડે રાઈસની પ્લેટ મફત આવે છે ,અને એ મેનેજર સાહેબે મને રાઈસની બે મોટી મોટી પ્લેટ મફત મોકલી અને અમે છ જણા પેટ ભરી ને એ રાઈસ આરોગ્યા….
કેહવાનું તાત્પર્ય એટલું જ છે કે તમને જયારે જયારે કોઈ પણ ચીજ માટે એમ લાગે કે પ્રાઈઝ અને વેલ્યુ માં ફરક છે ત્યારે ત્યારે ચોક્કસ લડી લેવું અને બારગેન કરી લેવું તદ્દન બેશરમ થઇને ..
સામે ગરીબ છે કે અમીર એ બિલકુલ ના વિચારવું , ગરીબ છે અને એને મદદ કરાવી છે તો એના ઘેર જઈને રૂપિયા આપી આવજો ,પણ એ ધંધા પર બેઠો છે તો એને નહિ છોડતા ..
રહી વાત બંગલા બનવાની તો ભઈલા આવી રીતે દેરક ગરીબ પાસે તું બે બે કેળા છોડી દઈશ ને તો એનો બંગલો નહિ બને એ વવાત ચોક્કસ પણ જો તારો બંગલો હશેને તો વેચાઈ જશે ..
દુનિયામાં આપણી જાત કરતા તો ઘણા બધા ગરીબ હોય છે ,જયારે આપણે રાજાપાઠ માં હોઈએ ત્યારે દુનિયા ગરીબ લાગે અને રંકપાઠમાં હોઈએ ત્યારે દુનિયા આખી આપણા કરતા પૈસાદાર લાગે..
અને રાજાપાઠ અને રંકપાઠ બંને સમયાંતરે આવતા જતા રહે છે જીવનમાં, એટલે આવી રીતે ભાવનાબેન કે ભાવેશભાઈમાં તણાવાની કોઈ જ જરૂર મને નથી લાગતી ..
અને બાળકોમાં પણ બારગેન કરવાની ટેવ ચોક્કસ પાડો , અત્યરે દુનિયાની મોટી મોટી કંપનીઓ એમનો પેહલો નફો પરચેઝમાંથી કમાય છે ..!! એમને સમજણ પાડો કે આ વસ્તુની આટલી જ પ્રાઈઝ હોઈ શકે માટે લેવાય કે નહિ એ તું નક્કી કર ..
વેલ્યુ ગમે તેટલી હોય …
વેલ્યુ વધારે છે અને પ્રાઈઝ ઓછી તો આંખ બંધ કરીને ઉપાડી લે અને વેલ્યુ ઓછી છે પ્રાઈઝ વધારે લાગે તો બિન્દાસ્ત બારગેન કર અને તારી પ્રાઈઝ પર લે, નહિ તો એને છોડી દે અથવા રાહ જો .. તારી કિમતે એ વસ્તુ તને ચોક્કસ મળશે બેટા ..
હું તો પર્સનલી બારગેન માં ચોક્કસ માનું છું અને એ હોવું જોઈએ ,અને એવું કરવામાં ક્યાય ઈશ્વર ક્યાય વચ્ચે આવતો નથી …!!!
શુભ રાત્રી
શૈશવ વોરા