ક્યારેક કોઈ એમ કહે કે જિંદગી બહુ હેરાન કરી ગઈ છે અને કેટલું હેરાન કરશે હજી એ ખબર નથી ..
પણ સાચી વાત કહું મને તો જીંદગી હમેશા કલ્પવૃક્ષ જેવી લાગે છે, જયારે જયારે જે કઈ જેન્યુઈન ડીમાંડ કરી છે ને એ ઉપરવાળાએ અને જીંદગી એ આપી છે,
જો એકલા બેઠા ખાલી જીવનમાં થયેલી હેરાનગતિનો વિચાર કરીને બેઠા રહીએ છીએને તો બધું જ લુંટાઈ જાય છે ,અને કઈ જ બચતું નથી ,એવું લાગે કે લાઈફમાં ટોટલ લોસમાં છીએ આપણે …
પણ જો એમ વિચાર કરીએ કે મને જે મળ્યું છે એનો હું ખરેખર હકદાર છું ? બસ પછી હિસાબ માંડીએ તો પ્રોફિટ જ પ્રોફિટ , હા પણ એમાં પેહલા એ નક્કી કરવું અને માનવું જરૂરી છે કે મને કઈક મળ્યું છે ,
મેં એવા લોકો જોયા છે જે હમેશા એમાં જ કેહતા હોય બસ મારી પાસે કઈ જ નથી અને છેવટે સાલો ખરેખર ભિખારી થઇ જાય ..
એક એવા ભિખારીની વાત કરું એશીના દાયકામાં એના બાપા ,સોરી એમના પરમ પૂજ્ય પિતાશ્રી પાસે “ફક્ત” પાંચ હજાર રિલાયન્સ હતા અને એટલા તાતા ઓર્ડીનરી અને બીજા સારી કંપનીઓ ના ઘણા કાગળિયાં હતા ,જેને આપણે બ્લુ ચીપ શેરો તરીકે ઓળખતા , જો કે રિલાયન્સ ત્યારે બ્લુ ચીપ નોહતો કેહવાતો …!!
ટૂંકમાં કહું તો સારું એવું રોકાણ શેરબજારનું અને થોડા ઘણા અંશે ગોલ્ડમાં પણ રોકાણ,લગભગ ત્રણ ચાર કિલો જેટલું ગોલ્ડ એની મમ્મી પાસે , મારાથી એ હીરો ઉંમરમાં છ વર્ષે મોટો ,પણ કાયમ નો તો રડતો ને રડતો ,કાયમ એક જ વાત હોય મારી પાસે તો ક્યાં કઈ છે ..!!!
અને મને હમેશા કેહતો તારા બાપા જેટલા રૂપિયા મારા બાપા જોડે હોય તો હું મર્સિડીઝ લઇ ને ફરું ,
હવે યાર એ જમાનામાં મને એટલી ખબર કે મર્સિડીઝ કામા મોટર્સમાં મળે અને એની બરાબર બાજુમાં રૂપાલી થીયેટર અને રૂપાલીને એકદમ અડીને બજાજનો શો રૂમ …હા એ જ હમારા બજાજ ..બુલંદ ભારત કી બુલંદ તસવીર …
મારા પપ્પા દર ત્રણ વર્ષે એમનું સ્કુટર બદલે અને નવું સ્કુટર લેવાનું હોય ત્યારે મને જોડે લઇ જાય અને હું જે કલર પાસ કરું તે કલરનું નવું સ્કુટર ઘેર આવે , હવે એકવાર મેં પાપાને પૂછી જ લીધું કે આ આપણી ફિયાટ કાઢી ને મર્સિડીઝ લો ને , પપ્પાએ કીધું મોટા થાવ કમાવ અને લો , મેં કીધું કેટલાની આવે ? પપ્પા એ જવાબ આપ્યો દસ લાખની .. મેં પૂછ્યું દસ લાખ નથી તમારી પાસે? પપ્પા કહે બેટા હાથી લેવાના પૈસા હોય તો ઘેર સફેદ હાથી લાવી ને ના બંધાય , રૂપિયા હોય તો પણ ના લેવાય…
પણ ત્યારનું ટાર્ગેટ હતું કે દસ લાખની ગાડી લેવી …આજે ઘણો આગળ જતો રહ્યો યાદ નથી કે કેટલા લાખ ગાડીઓમાં નાખ્યા , ભૂલથી પણ ટોટલ મારું અને પપ્પા આગળ બોલી જવાય તો ઘઘલાવી નાખે …
પાછો પેલા હીરા ઉપર આવું , આખી જિંદગીના એ રોતા ને જિંદગીએ ખરેખર રોતો કરી નાખ્યો , એની નેગેટીવ વાતો અને હમેશા એવું બોલવાનું કે મારી પાસે ક્યાં કંઈ છે આજે હવે ખરેખર કઈ નથી રહ્યું , દરેક માર્ચ મહિનામાં ઇન્સ્યોરન્સ પોલીસી માટે જીવ ખાય છે ..
મારું એવું માનવું છે કે જો નેગેટીવ વાતો ને પકડી રાખીએ છીએ તો વિચારો પણ નેગેટીવ જ આવે અને પેલા હીરા જેવી જ હાલત થાય, વારે વારે બોલ બોલ કરો કે મારી પાસે ક્યાં કઈ છે ,તો પછી વિચારો પણ એવાજ આવે મારી પાસે કઈ રેહવું જ ના જોઈએ ,અને અંતે પરિણામ પણ એ જ ..
અમુક લોકોને આવું ઉમરની બાબતમાં પણ થાય છે ,જાણી કરીને હોય એના કરતા વધારે ઘરડા થઇ જાય પિસ્તાળીસે પોહચે ત્યારે તો જાણે એના સાજ ખાપણ નો સમાન લેવા કોઈને મોકલી દીધો હોય ને એમ જીવતો હોય …..
અલ્યા ભાઈ શું છે યાર થોડો તો ખુશ રહે યાર ,ના ભાઈ ના આ ડાયાબીટીસ આવ્યો બ્લડ પ્રેશર આવ્યું , કોલેસ્ટ્રોલ વધી ગયો ..
એવો ડિપ્રેસ ફરે અને એના બૈરા છોકરાને પણ ડિપ્રેસ ફેરવે ,હોટલમાં જમવા જવાની બદલે રોજ દેરાસર કે મંદિર જતો થઇ જાય અને ધર્મ સંદેશ પેહલુ ખોલે..આત્માનું કલ્યાણ કરવાનું ચાલુ કરી દે ..
અને એની પ્રોડક્ટ પણ એવી થઇ જાય ,ગભરુ સાવ , આવા લોકોના છોકરા તમે જો જો સાવ નંખાયેલા હોય , બમ્બૈયા ભાષામાં એને “થકેલા” કે “થકેલી” કેહવાય, બિચારા એના છોકરા પણ નાનપણથી જ ડરવાવાળા થાય અને જીવનન શરૂઆતમાં જ એટલા બધા ડરતા ડરતા ફરે કે દુનિયા એની ઉપર ઘોડો કરીને ચડીને વ્યવસ્થિત દાવ લે અને પેલો જીવનભર ફિલ્ડીંગ ભરે ….
જો કે કલ્પવૃક્ષની નીચે બેસી અને અમુક એવા લોકો પણ હોય છે કે જેને જોઈએ છે બધું જ ,પણ એની નિયત અને નીતિ બંનેમાં ખોટ હોય ..
અને આવા લોકો ક્યારેક ટૂંકા સમયમાં જોરદાર સફળતા પામે પણ અંત બહુ બુરો આવે છે , નિયત અને નીતિ આ બે વાત જયારે છૂટે છે ને ત્યારે તાત્કાલિક ધોરણે ખુબ રાહત મળે , એમ થઇ જાય કે આ સિધ્ધાંતોના પુછાડા ખોટા ઝાલી રાખ્યા હતા ,પણ હકીકતે એ પૂછડું જ વૈતરણી પાર કરાવે છે…
મને તો આ દુનિયાના રંગો ને દુરથી જોવાની બહુ મજા આવે છે , દુર બેઠો બેઠો એનાલીસીસ કરું, ને ક્યારેક કોઈક ને જરુર લાગે તો થોડા નજીકથી મોનીટર કરું
પણ સંધ્યા ઉષાના રંગો જમીન પરથી કે હવામાંથી એરક્રાફ્ટમાં બેઠા બેઠા કે ક્યારેક દરિયાના કાંઠે કે હિમાલયની ટોચેથી જોવાની બહુ મજા આવે છે ક્યારેક એમ પણ થાય કે આ સુરજ તો બહુ પ્રતાપી હતો એ કેમ મધ્યાહને ડૂબ્યો ?
બસ ત્યારે નિયતિ આવે …જો નીતિ ચોખ્ખી હશે તો નિયતિને નીતિ કેહશે એમ કરવું જ પડશે .. નહિ તો નિયતિ અટલ છે …
શુભ રાત્રી
શૈશવ વોરા