ખોવાઈ જઈશ .. રેહવા દે …!
બહુ કાઠા શબ્દો છે આ બે `ખોવાઈ` અને `રેહવા`..
ઘણી બધી વખત આવી ચેતવણીઓ સાંભળી અને આપી પણ ખરી , જો કે આવી ચેતવણી મળે ત્યારે મારા જેવો પેહલા એનાલીસીસ કરવા મંડી પડે કે સાચું શું ?
કેમ આવી ચેતવણી આપી સામેવાળાએ અને પછી નક્કી કરું કે ચેતવણી હતી કે ધમકી હતી કે પોકળ ધમકી કે પછી લુખ્ખી ઊલ ..
બાહર નીકળવું જરૂરી પેહલા તો ખોવાઈ જવા માટે, મોટેભાગે બાહર નીકળતા પેહલા ખોવાઈ જવાનો ડર જબ્બર સતાવતો હોય છે વસ્તીને, પણ પછી જખ મારીને બાહર નીકળવું પડે તો પછી ક્યાં..ક જવું , એ પણ ભીડમાં રેહવું ,ટોળામાં રહીને કોઈકના હાથ ઝાલી રાખે , સિક્યોર જિંદગી કરી મુકે અને પછી પણ પાછી ખોવાઈ જવાની બીહ્ક ..
એંશી ટકા, કદાચ નવ્વાણું ટકા નોકરીયાત ખોવાઈ જવાની બીકે ધંધા નથી કરતા ..!
જિંદગીના અલગ અલગ રંગો છે અને એમાંનો એક બહુ સરસ રંગ એટલે ખોવાઈ જવું..
આ ખોવાઈ જવાની પ્રક્રિયા એટલે જીવન રસનો આનંદ , છુટું તો પડવું જ પડે તો જ ખોવાઈ જવાય અને ભટકીને પાછા અવાય , પાછા આવવામાં શરમ ના હોવી જોઈએ એ પણ સબ્જેક્ટ ટુ ..!
આપણી અંદરની કુતુહલ વૃત્તિ જો જીવતી હશેને તો જ ખોવાઈ જવાનો ચાન્સ મળશે કે મોકો મળશે બાકી તો હરિ હરી ..!
એકવાર એક દૂર નો ત્રીજી પેઢીનો (મિત્ર ના મિત્ર નો મિત્ર ) મિત્ર મારી પાસે આવ્યો મને કહે શૈશવ્યા ખોવાઈ જવું છે .. એક બે સેકન્ડ માટે તો મેં એની આંખમાં આંખ નાખી ને જોયું અને પછી કીધું જા નીકળ .. હવે એ આઈટમ એટલી શાર્પ કે તરત જ સામો સવાલ નાખ્યો કેમ બીજું આડુંઅવળું બોલ્યો નહિ ? અને શું માપી લીધું ? તારા સ્કેનરમાં સ્કેન કર્યું તો રીપોર્ટ તો આપ ..
હું સેહજ હસ્યો અને કીધું રીપોર્ટ એવું કહે છે કે તારામાં ખોવાઈ જઈને પાછા આવવાની તાકાત છે એટલે જા ઉપડ રખડી ખા ..
સાલો મને પૂછે પાક્કું પાછો આવીશને ?
મેં કીધું તું કેમ શંકા હતી ?
મને કહે ..ના પણ , તો પણ .. કઈ નહિ તે કીધું એટલે પત્યું ..
મેં પૂછ્યું ખોવાઈ જવા ક્યાં સવારી ઉપડવાની છે ?
પાર્ટી છેક લેટીન અમેરિકાના એક દેશનું નામ બોલી અને બોલ્યો રીટર્ન ટીકીટ નથી કાઢી..
હું સમજી ગયો હતો કે આ હિપ્પીની જેમ ભટકવા જઈ રહ્યો છે અને છેલ્લે જાંગીયો સુધ્ધા વેચીને ત્યાંની ઇન્ડિયન એમ્બેસીને માથે પડશે નોટ કે મને ઘર ભેગો કરો હવે ..!
મેં હસીને કીધું ઉપડો પણ પાછા અવાય એવું રાખજો અને સમય સમય પર તમારી એચઆઈવી અવસ્થા જાણતા રેહજો ..!!
એ પછી કોઈ જ અપ ડેટ નહિ એની ના સોશિઅલ મીડિયા કે ના ફોન કોલ કે ના બીજું કશું પણ એક દોઢ વર્ષ પછી જંગલી ફરી પાછો મને આઈઆઈએમની કીટલીએ ભટકાયો..
પેહલા તો કશું બોલ્યા વિના ફૂંકતો રહ્યો અને ડોળા તગતગાવીને મારી સામે જોતો રહ્યો , મેં સ્કેનર ચાલુ કર્યું .. ફાંદ બાહર આવી ગઈ હતી વજન સારું એવું વધ્યું હતું અને આંખે કુંડાળા વધ્યા હતા પણ સ્ટાઈલ પકડાઈ ગઈ હતી , શુઝ કપડા બ્રાન્ડેડ હતા ,સિગારેટ મોંઘી ..
પછી પાર્ટી બોલી …સ્કેન થઇ ગયો ? રીપોર્ટ તૈયાર રાખજે હેન્ડ તારે હું તને રાતે ઉપાડું ..
મારી રાત ગઈ ..
મસ્ત મજાની જૂની સેકન્ડ હેન્ડ સિમ્બોલવાળી ગાડી લઇને રાજકુમાર આવ્યા અને અમને સીધા પાંચ સિતારામાં લઈને અમારા માટે મસ્ત અમેરિકાનો બ્લેક ડબલ શોટ અને પોતાના માટે સિંગલ શોટ .. પછી મંચીગમાં બીજું થોડુક ટૂંકમાં પાંચ સાત હજારની પરણી ..!
મને કહે બોલ હવે શું રીપોર્ટ .. મેં કીધું ફળ્યું છે તને `ખોવાઈ જવા`નું અને જ્યાં કોઈ નાં ખોવાઈ જતું હોય ત્યાં ખોવાઈ જાવ ,પછી ટકી જાવ, અને પછી પાછા આવો એટલે અહિયાં આવો પછી તો જલસા જ હોય .. બોલો હવે તમે “નાનજી કાલીદાસ મેહતા” કે “ધીરજલાલ હીરાચંદ અંબાણી” શું દરિયો ખેડીને કાઢી લાવ્યા ..?
શૈશવ્યા શું કહું તને આખા ગામે મને એટલો બધો ડીસએપોઇન્ટ કર્યો હતો કે આવા કામ ના કરાય ખોવાઈ જઈશ રેહવા દે તેં એક એ જ મને કીધું કે ઉપડો અને તું નહિ માને પૂરા સાડા પાંચ મહિના ત્યાં રહ્યો , પેહલા બે મહિનામાં લઇ ગયો હતો એટલા રૂપિયા ઉડાડી મુક્યા ઇન્ડિયન એમ્બેસીને ફોન જ કરવાનો હતો પણ નસીબના જોરે એક ભાઈબંધ અને બેહનપણી મળી ગઈ ..
મેં સેહજ મારા મોઢા ઉપર પ્રશ્નાર્થ મુક્યો ..
ત્યાં બધા પરણ્યા વિના જોડે જ રેહતા હોય ખાલી છોકરા લાવવા હોય ત્યારે જ પરણે , હવે મૂળ વાત સાંભળ, એ લોકો ટ્રાવેલનું કરતા હતા અને પછી તો મેં એને ત્યાં બેઠા બેઠા અહિયાંના ટ્રાવેલ એજન્ટના કોન્ટેક્ટ કરાવી આપ્યા અને સાલો ધંધો હેન્ડી નીકળ્યો.. આ ગાડીને બધા અમન ચમન જે તું જોવે છે એ આ સાડા પાંચ મહિના “ખોવાઈ જવા”ના છે હું તો સોફ્ટવેરવાળો જિંદગીમાં ટ્રાવેલનું જોયું નોહ્તું અને અત્યારે જલો જલો છે ..!!
આખું ગામ કેહતું કે `ખોવાઈ જઈશ રેહવા દે` … સાલું જિંદગી તો એની આગળ જ શરુ થાય છે , અને હા એચઆઈવી નેગેટીવ .. લે જોઈ લે ..એમ કરીને લેટેસ્ટ રીપોર્ટ મોબાઈલમાં મારી સામે ધર્યો ..!!
પછી તો ઘણું ચાલ્યું , કાંટીયુ માથેથી નમી ગયું ત્યાં સુધી વાતો ચાલી ..
મનમાં ગાંઠ મારી કે જ્યારે `ખોવાઈ જઈશ, રેહવા દે` આવું કૈક આવે ને ત્યારે જ ત્યાં પેહલા નાક ખોસવું અને પછી આખ્ખે આખા ઘુસી જવું ને બાહર નીકળવું..!!
શૈશવ વોરા
*(ચેતવણી :- આ બ્લોગને તમે ફોરવર્ડ ચોક્કસ કરી શકો છો, પરંતુ પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે, જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)*