“પપ્પા તમારા માટે હું શું લઈને આવું ? મમ્મી તમે કહો ને ? શું લાવું તમારા માટે મને કશી સમજણ નથી પડતી ?”
“અમે તો એટલા પ્રેમથી પૂછીએ પણ કોઈ દિવસ મમ્મી પપ્પા મોઢામાંથી બોલે જ નહિ કે શું લઇ જઈએ એમના માટે પછી આપણે શું લઇ જવું એનો હંમેશા પ્રોબ્લેમ રહે ..!!”
છત્તે છોકરે વાંઝીયા મેહણા ભોગવતા ડોસા-ડોસીઓના ઘરનો કાયમનો આ ડાયલોગ..!!
*જીવતરમાં ધૂળ પડી એના કે જેને પોતાને જણનારા માંબાપને પૂછવું પડે કે હું તમારા માટે શું લાવું ..!!*
*એ સંતાનો નક્કી જાણજો કે તમારું ઘડપણ ઘરડાં ઘરમાં જ છે, ડિમેન્શિયા થશે ત્યારે તમને નકલી ઢીંગલા ઢીંગલી રમવા મળશે નહિ કે તમારા પૌત્રો પૌત્રી..!*
*માતાપિતાથી જુદા રેહતા સંતાનો એટલા બધા જુદા થઇ જાય છે કે એમને પોતાના માંબાપને પૂછવું પડે છે કે અમે તમારા માટે શું લાવીએ ..!!!*
ધરા ગુર્જરીની આ સૌથી મોટી અને કડવી વાસ્તવિકતા અને સમસ્યા જેની તરફ દરેક ગુજરાતી જોવા સુધ્ધાં નથી માંગતો..!!
માતાપિતાની જરૂરીયાત અને એમના શોખ એમની ઈચ્છાઓ જ્યારે સંતાન જાણતું નાં હોય એટલે સમજવું કે બહુ દૂ ..ઊઊઊઊઉ..રરર… ચાલ્યા ગયા છો તમે જીવનમાં..!!!
મારા એક નજીકના સગાંનું મૃત્યુ થયું..
પછી તેઓ જે સંતાનના ઘરે તેઓ રેહતા હતા એ સંતાને એના બીજા ત્રણે ભાઈબેહનને તેરમાંની ક્રિયા પૂરી થઇ એટલે મૃતકના રૂમમાં લઇ ગયા અને એમના મમ્મી અને પપ્પાના કબાટો ખુલ્લા મુક્યા અને કહ્યું .. “તમે લોકો એ મમ્મી પપ્પાને જે કોઈ ગીફ્ટ આપી છે કે મમ્મી પપ્પા માટે તમે જે કોઈ વસ્તુ લાવ્યા છો તે બદ્ધી તમે લોકો એમના આશીર્વાદ-પ્રસાદરૂપે પાછી લઇ જાવ ..!!!!”
આ..હા ..હા .. કેવું એ આલ્હાદક દ્રશ્ય હતું ચાર સંતાનો અને તેમના જીવનસાથી ,એમના પણ સંતાનો પણ દાદા-દાદી માટે જે કંઈ વસ્તુ લાવ્યા હતા અને દાદા-દાદીએ વાપરી અને સાચવી રાખી હતી એ બદ્ધું યાદ કરતા ગયા અને લેતા ગયા..
આ સાડી તો મમ્મી માટે હું એમની ત્રીસમી એનીવર્સરી ઉપર લાવેલી… ,બહેન તમે પપ્પાજી માટે ઘડિયાળ લાવેલા જુવો આ રહી…, મોટાભાઈ આ પપ્પા માટે તમે કેવી મસ્ત લાકડી લાવ્યા હતા .. એ પેલી પપ્પાની પ્યોર સિલ્કની કોટી હું લાવ્યો હતો એ ક્યાં છે ? આ રહી ..
અરે મમ્મીને પેલા પાટલા કરાવી આપ્યા હતા .. આ રહ્યા લ્યો .. ભાઈ અમે મમ્મી પપ્પા સાથે ચાર ધામ ગયા હતા ત્યારે પપ્પા માટે કેમેરો લાવ્યા હતા .. આ રહ્યો ને અને તમારા ફોટોગ્રાફ્સ પણ છે ..
પેલી કાંજીવરમની સાડી મમ્મી માટે લીધી હતી મોટી બેબીના લગ્ન ઉપર .. બેહન મમ્મીની આ સાડી તમે રાખો મારી પાસે આવી સેઈમ સાડી છે ..!!
ત્રણ કબાટો ખાલી કરતા ચાર-પાંચ કલાકો લાગ્યા અને બધા હોંશભેર યાદી સ્વરૂપે પોતાની આપેલી વસ્તુઓ એમના ઘેર લઇ ગયા ..!!!
કેવું ભાવવિભોર દ્રશ્ય હોય ..
પણ અભાગિયાઓ ને નસીબમાં ના હોય …!!
છત્તે છોકરે વાંઝીયા થઇ ગયા હોય એમના છોકરાના નસીબમાં ના હોય ..મર્યા માંબાપના કપડા આપવા ઘરડાઘરમાં જાય તો ઘરડા ઘરવાળા પણ ના પડી દે કે આવા ગાભા જેવા કપડા અમારે ત્યાં કોઈ પેહરતું નથી ..છેવટે નોકરને આપી ને કહી દેવું પડે કે તું આનો વહીવટ કરી નાખજે ..!
અને ઘરનો નોકર પણ એને પચીસ પચાસ રૂપિયામાં વેચી આવે ..!!
એકવાર એક લગ્ન પ્રસંગ પેહલાની બેઠકોમાં ગયા હતા સપરિવાર..
હવે પેહલા વાત મારા ઘરની નજીકનો પ્રસંગ હતો એટલે મારા જ ઘરમાંથી ડીમાન્ડ આવી કે બધાને એક એક જોડ કપડા નવા જોઇશે ..!
પપ્પાનો ડાયલોગ મારા મોઢામાંથી નીકળ્યો .. “બેગાની શાદીમેં અબ્દુલ્લા દિવાના ?”
મમ્મીએ જોર માર્યું ..એવું નહિ ચાલે બે દિકરીઓના તો કમ સે કમ લેવા જ પડે ..
મેં કીધું સારું હું તમને દુકાનમાં ઉતારું છું પછી જીમમાં કલાક વર્ક આઉટ કરીને આવું ત્યાં સુધી સિલેક્ટ કરી રાખો ..
દાદી અને બંને દિકરીઓને દુકાનમાં ઉતારીને હું ગયો .. પાછો આવ્યો ત્યારે બધું ફાઈનલ લીસ્ટ અને બીલ તૈયાર હતું ..
બે દિકરીઓના ચણીયાચોળીને બદલે બે ચણીયાચોળી અને બે સાડીઓ નું બીલ તૈયાર હતું ..
મેં કીધું બે જ જોડ લેવાની વાત હતી ને .. એક અવાજમાં દિકરીઓ બોલી “મમ્મા અને બા નું નહિ લ્યો તો અમારે નથી લેવાનું ..”
મેં દુકાનદારની સામે જોયું ..
એ બોલ્યા ..“શૈશવભાઈ પેહલી સાડી દાદીની કઢાવી છે છોકરીઓ એ પછી ભાભીની અને પછી ચણીયાચોળી નક્કી કર્યા છે .. તમારું આમાં કંઈ નહિ ચાલે..”
મમ્મીની દલીલ હતી કે ..મારે કબાટ ભર્યો છે ..સામે જવાબ હતો કે અમારે તો કબાટની બાહર પડ્યા છે કપડા ..
મારા માટે આનંદનો અવસર હતો કે દિકરીઓને સમજણ આવી ગઈ હતી કે આપણું જે કંઈ લઈએ તે જ સમયે બા-દાદાનું પણ લેવાનું જ હોય ..!!!
સોળે સાન આવી ગઈ બંને દિકરીઓમાં ..!!
હવે જેમને ત્યાં પ્રસંગમાં અમે ગયા હતા એમને ત્યાં હોંશે હોંશે એ નવા થનાર સાસુ સસરા , દિકરો-દીકરી એ ચારના અને વહુની છાબ-ઘરેણા, દરેક પ્રસંગમાં પેહરવાના જુદા જુદા કપડા પ્રેમથી બતાડવામાં આવ્યા..!
નવા થનારા વડ-સાસુ એમના જેઠના ઘેર રહે ..
મને અદક-પાંસળી શું થઇ કે મારા મોઢામાંથી નીકળી ગયું કે ..બા ક્યા કપડા પેહરવાના છે..??
મસ્ત છણકો આવ્યો … એમને શું છે આ ઉંમરે ? ઘણીએ સાડીઓ છે, પેહરી લેશે..!!
બને, કદાચ ભૂતકાળમાં સાસુએ વહુને મૂકીને સાડીઓ ભેગી કરી લીધી હોય ,એટલે વહુ હવે એના દિવસો આવ્યા છે તો એ જોર મારી લ્યે .. એવું પણ બને ..!!
પણ એટલું તો નક્કી કે અન્ન જુદા એના મન જુદા ..!!!
ઘરડાને છોડવું ના હોય તો પણ છોડાવવામાં આવે છે ..!
ધીરી બાપુડીયા મુજ વીતી તુજ વીતશે ..!!
ફોન કરવો પડે છે કે શું લાવું તમારા માટે ?
ફટ છે તારા જીવતર ઉપર .. ધાવણ લજ્વ્યા ભૂંડા તે તો ..!!
જીવતા હોય તો બીજું કશું નહિ તો પાંચસો ગ્રામ ગાંઠિયા કે પાપડી લઈને જજે આજે ભૂંડા ,જરાક ઘરડા હ્રદયને શાતા વળશે..!!
શૈશવ વોરા
(કરો ફોરવર્ડ ..કોઈક નો માંહ્યલો જાગે તો ..)
*(ચેતવણી :- આ બ્લોગને તમે ફોરવર્ડ ચોક્કસ કરી શકો છો, પરંતુ પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે, જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)*