કૃષ્ણ વિષે લખવાનું કહે તો કેટલું લખાય ..?
આમ તો જેટલી બુદ્ધિ હોય એટલું તો પણ એમ કેહવાયું કે સાતેય દરિયાના પાણીની સ્યાહી અને ધરતીને સાત વાર લપેટો એટલો કાગળ પણ ઓછો પડે ..
હવે અમારા જેવા કે જે લખવા માટે કાગળ પેન વાપરતા જ ના હોય એમને માટે થોડી ટર્મિનોલોજી બદલાય ..કેટલા બાઈટ ની ફાઈલ થાય ? કે કિલો બાઈટની કે પછી મેગા બાઈટ ..ચાલો ગુગલયુ જ્ઞાન આપી દઉં .. સૌથી પેહલા Byte ,પછી આવે Kilo Byte,પછી Mega Byte,પછી Giga Byte,પછી Tera Byte પછી, Peta Byte, એના પછી Exa Byte પછી Zetta Byte અને છેલ્લે આવે Yotta Byte.. (ગુગલયુ જ્ઞાન છે..)
હવે આ યોટ્ટા બાઈટવાળી હાર્ડડિસ્ક પણ ઓછી પડે એટલું સાહિત્ય અને કૃષ્ણ માટેની સમજણ ભારત વર્ષના જન જનના હૈયે ધરબાયેલું પડ્યું છે ..
અને છતાં પણ ભારતમાં જન્મેલા , સિંધુ અને બ્રહ્મપુત્રની નિશ્રામાં ઉછરેલા પંથ એમ કહે છે કે કૃષ્ણ તો અત્યારે નર્કમાં છે અને અમુક આરા પછી અમારા તીર્થંકર તરીકે જન્મશે…!!
યાર શું કરવા ..?
હું પેહલા પણ લખી ચુક્યો છું કે મને અંતરથી ગમતો કોઈ ધર્મ કે પંથ છે તો એ જૈન છે ..
મનસા, વાચા, કર્મણા ..કોઇપણ રીતે હિંસા ના થવી જોઈએ , ચોક્કસ પ્રેક્ટીકલ જીવનમાં આ આદર્શ પાળવો અશક્ય છે ,છતાં પણ અનેક લોકો અહિંસાના આ સિધ્ધાંતને નજીક પોહચવા અનેક કષ્ટ વોહરી અને મોક્ષ ને પામવાનો પ્રયત્ન કરે છે..અત્યંત પ્રશંશનીય છે આ પ્રયત્નો..!
પણ અહિયાં મને સવાલ ત્યારે થાય છે કે શા માટે મન વચન અને કર્મથી અહિંસાને વરેલા લોકો આવું સ્ટેટમેન્ટ આપતા હશે..?
શું કૃષ્ણ અત્યારે નર્કમાં છે એવું કેહવાથી પણ કૃષ્ણના કરોડો ભક્તોની માનસિક હિંસા નથી થઇ રહી..?
કેટલા મન ને દુભાવો છો તમે..?
અને પછી એમ કેહવું કે ફલાણા `આરા` માં કૃષ્ણ તીર્થંકર થશે ..
તો આ વાત માથું કાપી ને પાઘડી પેહરાવવા બરાબર નથી ..?
પેહલા કૃષ્ણ જેવા વ્યક્તિત્વને નર્કમાં મોકલવા ,અને પછી તીર્થંકર થશે એમ કેહવું એનો મતલબ શું ?
ગઝવા એ હિન્દ ની અત્યારે ચાલી રહેલી થીયરીની સાથે આ વાત બંધબેસતી નથી લાગતી ..?
મારું એ જ શ્રેષ્ઠ અને બીજું બધું કનિષ્ઠ ..
કનિષ્ઠને મારો તો પાપ નહિ પુણ્ય –ગઝવા એ હિન્દ નો મતલબ આ છે ..
તારું એ કનિષ્ઠ, પણ મારી પાસે આવશે પછી એ શ્રેષ્ઠ થશે…
આનો મતલબ શું ?
શા માટે કૃષ્ણ અત્યારે નર્કમાં છે એમ કહી ને બહુમતી ને નીચું દેખાડવા નો હીન પ્રયાસ થઇ રહ્યો છે..???
જરૂર છે ખરી આવી બધી ચર્ચાઓ નો અને આવા “જ્ઞાન” ને પેઢી દર પેઢી પાસ ઓન કરવાની ..?
બહુ નાનપણથી ઘણા જૈન મિત્રોને મોઢે આવી વાત હું સાંભળતો આવ્યો છું, ત્યારે તો હું ગમ ખાઈને બેસી જતો પણ જ્યારથી આચાર્ય રજનીશને સાંભળ્યા ત્યારથી પછી જવાબો ઘણા મળી ગયા..
અહિયાં એ જવાબોનો ઉલ્લેખ નથી કરવો, આચાર્ય રજનીશે તો દુનિયાના એકેય ધર્મ ને છોડ્યા નથી અને કદાચ જૈન ધર્મની ટીકા સૌથી વધારે કરી છે..!!
આજે વાત ખાલી એટલી જ કરવી છે કે જૈન સમાજે હવે આગળ આવી અને રામ કે કૃષ્ણ જેવા મહાનાયકો વિશેની આવી ભ્રમણા ફેલાવવાનું બંધ કરવું જોઈએ..
આજે એકવીસમી સદીમાં જૈન ,વૈષ્ણવ ,શૈવ ,સ્વામીનારાયણ કે બીજા હિંધુ ધર્મના ઘણા બધા ફિરકાઓ વચ્ચે રોટી બેટી નો વ્યહવાર ચાલુ થઇ ગયો છે, અને સમસ્ત હિંદુ સમાજ જયારે સામાજિક સમરસતા તરફ આગળ વધી રહ્યો છે ત્યારે આવો આગ્રહ રાખવા નો કે કૃષ્ણ અત્યારે નર્કમાં છે ..!
ભારત જ નહિ પરંતુ દુનિયા આખી ને કર્મની થીયરી આપનાર ને એમ કહીને નર્કમાં “નાખવા”નો કે કૃષ્ણ એ ઘણા પાપકર્મ કર્યા હતા માટે તે અત્યારે નર્કમાં છે.. અને પછી ફલાણા આરા માં નર્કમાં રહી ને એમના પાપ ધોવાઈ જશે કે પાપની સજા પૂરી થશે પછી તીર્થંકર બનશે..
તદ્દન ખોટી વાત છે ..
જયારે આપણા જન્મ ,મરણ ને પરણના રીતરિવાજ એક જ છે, આપણી મોટાભાગની પરંપરાઓ એક જ છે તો પછી આવા વિચારોને આગળ વધારી અને મહત્વ આપી ને શું સાબિત કરશો ? શું પામવું છે ? કૃષ્ણ ને પેહલા નર્કમાં નાખી અને તીર્થંકર બનાવી ને ?
સીધા તીર્થંકર બનાવો ને .. નર્કમાં નાખવાની ક્યાં જરૂર છે ..!!
એક લીટી ને ભૂંસી ને બીજી લીટી ને મોટી કરવાની વાત ખોટી…!!
સમય છે મગ ચોખા ને ભેળવી ને વા`ના બનાવવા નો , નહિ કે ભળેલા મગ ચોખા ને જુદા કરી ને બની બનેલી વાનગી ને ચૂંથી નાખવા નો..!
આપણે સાથે જ ભારત માતાઓની બે ભુજાઓ સિંધુ અને બ્રહ્મપુત્ર ની વચ્ચે લાખ્ખો વર્ષથી ઉછરી અને અહી સુધી આવ્યા છીએ ,એક જ જીનેટીક્સ `કેરી` કરીએ છીએ તો પછી આવું બધું શા માટે..?
હું તો ચોક્કસ આહત છું , મિચ્છામી દુક્કડમ ની ભાવના નો આદર પણ માથું કાપી ને પાઘડી ની વાત નો અસ્વીકાર..!
હું પેહલા પણ કહી ચુક્યો છું કે સમસ્ત બ્રહ્માંડ સાપેક્ષ ભાવથી ચાલી રહ્યું છે , પૃથ્વી ની ગતિ હોય કે મારા તમારા મનની ગતિ બધું જ સાપેક્ષ છે , ત્યાં સુધી કે દુઃખ અને સુખ પણ સાપેક્ષ છે ..
પાડોશી કરતા વધારે સુખી તો જ આપણે સુખી ..નહિ તો દુ:ખી ..
એ જ રીતે કર્મ પણ સાપેક્ષ જ છે, કૃષ્ણ નું દરેક કર્મ જો સાપેક્ષ ભાવથી મૂલવો તો અનહદ પાપ અને અનહદ પુણ્ય બંને એક જ કર્મમાં જોવા મળશે ..
કૃષ્ણના કર્મ ની ચર્ચા પણ એના વિરાટ સ્વરૂપ ની જેમ અનંત છે,
એનો નથી આદિ કે નથી અંત ..!
પામર મનુષ્ય જીવ માટે તો એને સાપેક્ષ ભાવથી જોઇને છૂટી જ પડવું પડે..
એ મર્યાદા પુરષોત્તમ નોહતો એ પૂર્ણ પુરષોત્તમ હતો..પુરી સોળ કળા નો જીવ ,આત્મા ,… જે કહેવું હોય તે હતો નીલમણી..!!!
સ્વર્ગ અને નર્કથી `પર` છે ,
ચૌદે ભુવન જેના આધીન છે એને શું સ્વર્ગ અને શું નર્ક ?
મિત્ર દેવાંગ છાયાની વોલ પરથી માહિતી મળી કે કસ્સીની નામના ઉપગ્રહ એ ૨૦૧૩માં શનિના વલયો વચ્ચેથી ધરતીનો એક ફોટો મોકલ્યો હતો જેમાં ધરતી એક નાનકડા ટપકાથી વિશેષ નથી દેખાતી..
આ શનિ એટલે કોણ ખબર છે ? સૂર્યનો દીકરો તાપી અને યમુના અને યમ નો ભાઈ ..સૂર્ય દેવને ટોટલ દસ સંતાનો પણ યમી ઉર્ફે યમુના ના પતિપરમેશ્વર એટલે કૃષ્ણ ..
સાળા થાય શનિ મહારાજ કૃષ્ણના ..!!
આવી તો અનેકો અનેક કથાઓ છે ,પણ આપણા કેબી કિલો બાઈટ અહિયાં પુરા થાય છે..
લખી મુક્યું મન હળવું થઇ ગયું …!!
ચાલો આજે અહિયાં પૂરું કરું છું ,બહાર ફટાકડા ફૂટી રહ્યા છે કૃષ્ણ જન્મોત્સવના ..
નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી..!!
શુભ રાત્રી
શૈશવ વોરા
*(ચેતવણી :- આ બ્લોગને પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે , જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)*