શ્રાવણ પત્યો અને ભાદરવો આવ્યો..ભક્તિના ઘોડાપૂર લગભગ ઓસરી જવામાં છે,ભગવાનને થોડી નવરાશ છે હવે..!!
જો કે પર્યુષણ ચાલુ છે એટલે હોટલો અને કલબો હજી આ એક રવિવાર પૂરતા ખાલી મળશે..!
આવતા શનિ-રવિથી મેહફીલોનો દોર પાછો ચાલુ થશે..
સંવત્સરી અને ગણેશ ઉત્સવ પછી શ્રાદ્ધ અને નોરતા, દિવાળી લગભગ માથે આવીને ઉભી રહી ગઈ છે..
આ વર્ષે તેહવારો રૂટીનમાં જઈ રહ્યા છે, ક્યાય કોઈ નવું ગતકડું જોવા મળ્યું નથી..એક ખાલી મિચ્છામી દુક્કડમ કેહવામાં પ્રજા વોટ્સ એપ પર ઉતાવળી થઇ ગઈ હતી..!
પર્યુષણ પર્વ શરુ થાય એ પેહલા ઉત્સાહી જીવોએ મિચ્છામી દુક્કડમ કરવાનું ચાલુ કરી દીધું હતું..!
એક જમાનામાં છેલ્લું મોટું પ્રતિકમણ પતે પછી જ મિચ્છામી દુકડમ કેહવાનો રીવાજ હતો, પણ હવે બધું વેહલુ વેહલુ ચાલુ થઇ જાય છે..!
માફી માંગવામાં પણ ઉતાવળ આવી ગઈ હતી..!
એક પછી એક હું રહી ગયો એવી રીતે ચાલ્યુ હતુ..
કોઈકને થશે કે આને તો બધે વાંકુ જ પડે છે..પણ સાચી વાત કહું તો એક વખત માફી માંગ્યા પછી એ કામ ફરીવાર ચોક્કસના થવું જોઈએ,પણ મજાક મસ્તીમાં આપણે હમેશા સંભાળીએ છીએ કે ચાલો અત્યાર સુધીનું બધું માફ કાલથી નવું શરુ..!
હવે આવી માફી માંગવાનો કોઈ જ મતલબ નથી..!
એક વોટ્સ એપ મેસેજ એવો પણ ચાલ્યો કે પત્ની તો જૈન હોવી જોઈએ વર્ષમાં એક વાર તો માફી માંગે..!આવી ઘણી મજાક ચાલી,
પણ માફી માંગવાનો હેતુ જ્યાં સુધી ક્લીયર ના હોય ત્યાં સુધી બધું જ નક્કામુ..!
“મિચ્છામી દુક્કડમ” એ “સાલ મુબારક” જેવું થઇ જાય છે..!
જો કે આજકાલ આવા ઘણા જેને એકદમ નોનસેન્સ કેહવાય એવા મેસેજ ફરતા હોય છે. અને ઉપરથી પાછુ છેલ્લે લખે કે “સમજાય તેને વંદન અને ના સમજાય તેને અભિનંદન..!”
અલ્યા પણ શું લવારી છે આ..?
એક મેસેજ એવો જ હતો..
“ જેને શનિ નડતો હોય તે હનુમાન ચાલીસા મોઢે કરે છે, અફસોસ છે એ વાતનો કે મહાવીર કોઈ ને નડતા નથી નહિતર ૧૦૦% આગમ જરૂર મોઢે હોત”
કેવું ખતરનાક અને ફાલતું સ્ટેટમેન્ટ..!
હવે વિચારીએ તો એવું લાગે કે આ સ્ટેટમેન્ટ આપનારો હાફીઝ સઈદ તાલેબાન ખરો દિલથી દુઃખી હશે.. જેને ગમે તે ભોગે લોકો પાસે આગમ ને મોઢે કરાવવું છે,અને એના માટે આ તાલેબાન ગમે તેની ટીકા કરવા તૈયાર થઇ જાય છે..!
આગમ અને હનુમાન ચાલીસાને શું કનેક્શન..?
શનિ અને મહાવીરની સરખામણી કેમ..?
જરૂરી છે ..?
ના નથી, પણ જેને દુકાન ચલાવવી છે એને એનો ઘરાક બીજે જતો દેખાય એટલે આવા ફાલતું સ્ટેટમેન્ટ ઠોકે..!
હું પેહલા પણ કહી ગયો છું દરેક ધાર્મિક ટ્રસ્ટોની જે કઈ આવક છે એ સરકારી તિજોરીમાં લઇ લો દસ વર્ષ માટે, વ્યાજ નહિ આપવાનું અને દસ વર્ષે એ આવક પાછી આપવાની, જા કર વિકાસ તારા ધર્મસ્થળનો દસ વર્ષ પછી..
કોઈ જ બાકી રેહવુ જોઈએ નહિ લઘુમતી બહુમતી બધું જ અંદર આવી જાય..!
એશી ટકા દુકાનો બંધ થઇ જાય અને ૯૯ ટકા ભારતના પ્રોબ્લેમ સોલ્વ થઇ જાય..!
અને ઈકોનોમીને બુસ્ટઅપ મળે એ નફાનુ..!
એકવાર કોલેજના જમાનામાં સાંજ પડ્યે ઘેર એકલો હતો,ખાવાનું હાથમાં લઈ અને રીમોટથી ટીવીની ચેનલ ફેરવતો હતો,
ત્યાં એક બાપજી આવ્યા વચ્ચે ચેનલમાં, હાલમાં એ બાપજી સેક્સ સ્કેન્ડલમાં રાજસ્થાન જેલમાં એમનો નિવાસ કરી રહ્યા છે..!
હવે ચેનલ ફેરવતા ફેરવતા ઉભો તો રહી ગયો અને જોયું તો બાપુ દસેક હજાર “દેશી બૈરા” અને ત્રણ ચાર હજાર “અજ્ઞાની” ને જ્ઞાન આપતા હતા,(સમજાય તેને વંદન અને ના સમજાય તેને અભિનંદન) અને એમાં એકદમ જ બાપુ ઉવાચ્યા “બેહનો આ પીઝા તો બાળકો ને ખાવા જ ના દેશો એનાથી મન ,વચન ,અને કર્મ ત્રણે બગડે છે” અને મારા હાથમાં પીઝા જ હતો હું મોઢામાં મુકતો અટકી ગયો..
મને થયું આ બાપુ સાચું કહે છે..?
તો તો હમણા જ લો ગાર્ડન જઈને ચાર પીઝા બીજા ખાઈ આવુ ..યાર પીઝા ખાવાથી મન,વચનઅને કર્મ બગડતા હોય તો એના જેવુ રૂડુ બીજુ શુ..? કોલેજમાં જેટલી વાર મન બગાડી અને વચનો બોલ્યો ત્યારે કોઈ ને કોઈ આવી ને ટપારે .. એ ડોક્ટરના છોકારાથી આવી ભાષાના બોલાય, અને કર્મ બગાડવાની કોશિશ કરું ત્યાં તો કોઈને કોઈ ઘેર ચાડી કરી આવતુ “ દાકતર તમારો છોકરો જીમખાનાની ગલીમાં ત્રણ ત્રણ છોકરીઓ જોડે ઉભો છે”
કશું બગાડવુ હોય તો પણ બગડે એવી પરિસ્થિતિ જ નોહતી અને પેલો બાપજી પીઝાને વચમાં ઘાલે..!
આપણા કેહવાતા ઘણા ધર્મગુરુઓ આવા આવા સ્ટેટમેન્ટ આપે છે એક બીજું વીયર્ડ સ્ટેટમેન્ટ હતું..
“આજકાલના માંબાપ ફૂલ ઝાડ ઉછેરતા શીખી ગયા,પણ છોકરા ઉછેરતા ક્યારે શીખશે..?” બાપજી અડધી રાતે ઉઠી ઉઠીને બાળોતિયા કે ડાયપર કોને બદલ્યા છે ?
બાપજી કોણે રાતે ઉઠીને દવાઓ પીવડાવી છે એ બાળકને..? વેક્સીન્સ કોણે અપાવ્યા..? અરે સ્કુલની મોંઘી ફી કોણે ભરી..?
તમારે તો બસ એક જ વાક્યમાં આજકાલના માંબાપને ઉતારી પાડવાના..
કેહવાનું મન થઇ જાય કે યાર તમારા ઘડપણ ના ફ્ર્સ્ટરેશન અમારી ઉપર નાં નાખો ને યાર…!
બીજું કઈક આવું સ્ટેટમેન્ટ હતુ
પ્રેમ કરુણાને ચાહે છે કરુણા અંનતને ચાહે છે..!
બે યાર લવ ટ્રાયો હતો કે શું..?
ગજબ અકળામણ થઇ જાય આવા સ્ટેટમેન્ટ આવે ત્યારે એવું થાય કે લાવ ને આ કરુણાનું ફેસબુક આઈડી મારા જીમનો કોઈ ત્રીજો જ એને લઇ જશે..!
ત્યારે શું ..?
હું શ્રાવણ ના છેલ્લા દિવસોમાં સોમનાથ હતો..બહાર ઉભેલા રેંકડીવાળા ..આવો .. આવો કરતા હતા,ભાવ પણ કરતા હતા મેં મારી ટેવ પ્રમાણે સ્વભાવિક પૂછ્યું કાં ભાઈ ધંધો મંદો હે..? મને જવાબ આવ્યો .. જાવા દ્યો ને ભાઈ આખી સીઝન જ ફેલ છે પચીહ ટકા માણહ આયવું નથ..આ શ્રાવણમાં..! મેં કીધું આ લે લે બહુ કરી તો તો..મેં બાર્ગેન કરવાનું માંડી વાળ્યું કીધા એટલા રૂપિયા દઈ દીધા..જોડે ભાઈબંધ હતો..મને કહે તને મૂરખ બનાવી ગયો..અમે આગળ ગયા મંદિરમાં ચોકીદારને પૂછ્યું કેવી સીઝન..? સાહેબ પચ્ચી ટકા માણહ નથી આયવું..મિત્રને મેં કીધું દોસ્ત જીભ જુઠ્ઠુ બોલે આંખો નહિ..!
પેલા રેંકડીવાળાની આંખ જોઈને મેં રૂપિયા આપ્યા હતા..!!
આ વખતે જો મોકો મળે તો સામેવાળાની આંખમાં આંખ નાખી ને મિચ્છામી દુક્કડમ કરી લેજો એકની એક ભૂલ ફરી ચોક્કસ રીપીટ નહિ થાય..!!
અને ખરા દિલથી ગમે તે ધર્મ ગ્રન્થની એકાદ લાઈન વાંચી લેજો..!
આપની સાંજ શુભ રહે..
તાજો જ મેસેજ આવ્યો છે
ગયો શ્રાવણ
થઇ જાવ હવે
રાવણ ..
સત્યનાશ..!
કઈ કેહવા જેવું નથી
-શૈશવ વોરા