મુની તરુણ સાગરજીએ હરિયાણા વિધાનસભામાં પ્રવચન આપ્યું..!
ઘણો હોબાળો થયો, કામનો અને વગર કામનો..કોઈકને એમની દિગંબર અવસ્થા ખટકી અને કોઈકને ધર્મની સામે વાંધો પડ્યો..મને પણ વાંધો છે..!
મુનીશ્રીએ કીધું “રાજ્યસત્તા” ઉપર “ધર્મસત્તા”ની લગામ જરૂરી છે..!
“ધર્મસત્તા”..? શબ્દ જ ક્યાંક ખોટો છે..ધર્મ જોડે સત્તા જોડાઈ અને પછીનો ઈતિહાસ શું કહે છે..? સૌથી વધારે નુકસાન ધર્મને થયું..!
સોમનાથના રસ્તે છું, અને બહુ દુર સુધી પાછળના ઈતિહાસમાં નહિ જાઉં પણ થોડોક પાછળ જાઉં તો સોમનાથ મંદિરનો જીર્ણોધ્ધાર કર્યો પાટણના રાજાધીરાજ સિધ્ધરાજ જયસિંહએ, અને જે દિવસે સોમનાથના મંદિર પર ધજા ચડી એ દિવસે સિધ્ધરાજ જયસિંહએ એમના તાબામાં આવેલા તમામ મંદિરો અને દેરાસરની ધજાઓ ઉતારવી લીધી હતી, અને કલિકાલસર્વજ્ઞ આચાર્ય હેમચંદ્રસૂરી સહીત બધા જ ધર્મગુરુઓ પાસે મને કે ક-મને ભગવાન સોમનાથની પ્રભુસત્તાનો સ્વીકાર કરાવ્યો હતો..!!
સોમનાથ ત્યારે કાઠીયાવાડથી લઈને છેક માળવા,અજમેર,ઘોઘા અને દખ્ખણમાં ખાનદેશ સુધીના પ્રદેશોની રાજનીતિનું મુખ્ય કેન્દ્ર હતું,રાજા રજવાડાના આંતરિક ઝઘડા ભગવાન સોમનાથની સાક્ષીએ પુરા થતા અને જન્મ લેતા..!`
અને એ જ રાજા રજવાડાના ઝઘડાઓએ જ સોમનાથનું પતન નોતર્યું..!
વર્તમાન રાજનીતિમાં આઝાદી આવી એ પછી હિંદુ ધર્મની ચાર શંકરાચાર્ય પીઠ રામાનુજ ગાદી,વૈષ્ણવ આચાર્યો,શીખ પંચપ્યારે, અકાલ તખ્ત,જૈન ગચ્છાધીપતિ, જેવા બીજા કેટલાય ધર્મસત્તાના કેન્દ્રો છે, અને એમાં ભાગ પડાવે છે બાબા રામદેવ, સ્વામીનારાયણના સંતો અને શ્રીશ્રી જેવા સંતો, કે જે એક પેરેલલ ધરી ચલાવે છે..
ઇસ્લામમાં શાહી ઈમામથી લઈને ગણ્યા ગણાય નહિ એટલા મૌલવીઓ,ઉલેમાઓ અને ક્રિશ્ચિયાનીટીમાં ચર્ચ..!
ઓવરઓલ ગણો તો ભારતમાં રાજયસત્તા કરતા ધર્મસત્તાના કેન્દ્રો વધી જાય છે..!
પણ એ સારું છે કે ધર્મસત્તાના પાવરસેન્ટર ડિવાઈડેડ છે, કેમકે જયારે જયારે ધર્મસત્તા એક જ સેન્ટરમાં કેન્દ્રિત થાય છે ત્યારે ત્યારે એ રાજ્યસત્તાનો વિનાશ નોતરે છે, અને છેવટે આખી રાજ્યવ્યવસ્થા જ ખતરામાં આવી જાય છે..!
ભારત અને પાકિસ્તાન બંને એક જ દિવસના ફેરમાં છુટા પડ્યા, પાકિસ્તાને ઇસ્લામ અને ઉલેમાઓ અને મૌલવીની ધર્મસત્તાનો સ્વીકાર કર્યો, ઇસ્લામિક સ્ટેટ ડીકલેર કર્યું પરિણામ..?
પાકિસ્તાન આજે સો એ સો ટકા ફેઈલીયર સ્ટેટ છે, પાકિસ્તાનમાં અત્યારે જે રીતની અંધાધુંધી છે એ જોતા પાકિસ્તાન એક સ્ટેટ તરીકે હવે બહુ લાંબુ ખેંચે એવી હાલત જ નથી.. કદાચ “જશ” નરેન્દ્ર મોદીના નસીબમાં લખ્યો છે..!
જયારે ભારત એક ક્ન્સીડરેબલ માઈલેજથી આગળ વધી રહ્યું છે અને એનું મોટુ કારણ ભારતમાં ધર્મસત્તા રાજ્યસત્તા પર હાવી થઇ નથી..!
સેક્યુલર રેહવાના ગેરફાયદા હિંદુઓને ઘણા થયા છે, પણ નહિ દેખાતા ફાયદા પણ પુષ્કળ છે..!
હરિયાણા વિધાનસભામાં મુની તરુણ સાગરજી આવ્યા..મને મુની તરુણસાગરજી સામે વાંધો નથી, પણ એક સ્પેશિઅલ ઇન્વાઇટી તરીકે આવ્યા..એવું લાગ્યું કે કોઈ જુના રાજા રજવાડાની સભામાં રાજગુરુ ને બેસાડવામાં આવ્યા હતા..!
હવે આ હરિયાણા વિધાનસભાનું અનુકરણ કરીને કેરલાની વિધાનસભા શાહી ઈમામને ભાષણ આપવા નોતરે અને ત્યાં “ના જોઈતું” કોઈક “નાટક” થયું તો..?
બસ તકલીફ અહિયાં જ છે..રાજ્યસત્તાને જ્યારે જયારે જરૂર પડે છે ત્યારે એ ધર્મસત્તાને પ્રેક્ટીકલી “વાપરી” લે છે અને ધર્મસત્તાથી એ બધું સહન થતું નથી પણ બંનેને એકબીજા વિના ચાલતું પણ નથી..!
હમણાં ૩૧મી ઓગસ્ટે લેડી ડાયેનાની મરણતિથી ગઈ..! એવું કેહવાય છે કે એમના મરણ માટે ઇસ્લામ અને ક્રિશ્ચિયાનીટીનો ઝઘડો જવાબદાર હતો..! ધર્મસત્તા અને રાજ્યસત્તા જયારે જયારે એકબીજાની ખુબ નજીક આવે ત્યારે પછી એ એકબીજાને જ ખાઈ જવાનો પ્રયત્ન કરે છે અને આવા મોટાપાયાના ષડયંત્રો સર્જાય છે.
સામાન્ય માણસના વિચારશક્તિની બહારનો વિષય છે આ બે સત્તાઓ, પણ સામાન્ય માણસને સૌથી વધુ સ્પર્શતો વિષય પણ આ બે જ છે..!
રાજ્યસત્તા નક્કી કરે છે કે સામાન્ય માણસે કેવી રીતે જીવવાનું,વર્તવાનું અને ધર્મસત્તા નક્કી કરે છે કે તારે કેમ મરવાનું..!
થોડું ઝૂમ કરું આ સ્ટેટમેન્ટ.. ભારતની આઈપીસી( ઇન્ડિયન પીનલ કોડ) ૧ થી લઈને ૪૦૦ અને એની અધધધ પેટા કલમો..આ બધી કલમોનું પાલન કરતો કરતો ભારતવાસી જીવે..એક વણલખ્યો નિયમ લઈએ કે વાહન ડાબી બાજુએ જ આખા ભારતવર્ષમાં ચલાવવાનું છે અને એનું પાલન કરાવશે રાજ્યસત્તા પણ પણ પણ..રસ્તાની વચ્ચે જો ગણપતીનો કે દુર્ગા પંડાલ આવે અથવા મહા નમાજ હોય તો વાહન જમણી બાજુ પણ ચાલવી શકાય..!!
બસ આવી જ વાત છે .. રાજ્યસત્તા ના પોતાના કાયદા છે જેને લીધે શાસન સુચારુ રૂપથી ચાલે, અને ધર્મસત્તા એની ઉપર હમેશા હાવી થાય..ત્યારે વાહન જમણી બાજુ ચાલવવું પડે…!
કોઈપણ મોટો મુદ્દો લઇ લ્યો દરેક મુદ્દામાં આવી કૈક એક જ વાત આવશે…આખા દેશના ભાગલા પણ આવી બધી વાતો ઉપર જ પડ્યા…!
અત્યારે એક વિવાદ ચાલ્યો છે મધર ટેરેસાનો .. હું સાતેક વર્ષનો હતો ત્યારથી છાપું વાંચું છું સેહજે ચાલીસ વર્ષ થયા છાપા વાંચતા..!
નોબેલ પ્રાઈઝ આવ્યું ,ભારત રત્ન આપ્યો ..ઘણા બધા એવોર્ડ આપ્યા પણ અત્યારે ચાલ્યો છે એવો વિવાદ ક્યારેય થયો નથી..! બે ધર્મસત્તા બાખડી છે અને વિવાદ લાંબો ચાલ્યો તો વગર વાંકની રાજ્યસત્તા નો ખો નીકળી જશે..
હવે પેલા વાક્યનો બીજો ભાગ..મોટેભાગે માણસ ને બે સમયે ધર્મસત્તા વધારે પ્રભાવિત કરતી હોય છે એક પેહલા જયારે ટીનેજર હોય ત્યારે નવું નવું શીખવાની વૃત્તિ હોય અને ત્યારે કોઈ “બાપજી”માં આવી ગયો એટલે પછી એના દિમાગમાં જીવનભર દ્વંદ્વ ચાલ્યા જ કરે છે,કોણ સાચું અને કોણ ખોટું..! અને બીજું જયારે જીવનના છેલ્લા વર્ષોમાં આવે ત્યારે તો લગભગ ધર્મસત્તાની પ્રભુસત્તાનો સ્વીકાર કરતો હોય છે..અને એને ત્યારે “બાપજી” વધારે સાચા આને સારા લાગે..અને મોટાભાગના “ધર્માધિકારી” મર્યા પછીની વાત વધારે કરતા હોય છે..!
એક વાક્ય મુનિશ્રી બોલ્યા રાજ્યસત્તા ઉપર ધર્મસત્તાની “લગામ” જરૂરી છે..
“લગામ” ની બદલે બીજો શબ્દ વાપરી શકીએ બ્રેક..!
પણ આ બ્રેક કે લગામ ત્યારે વધારે જરૂરી હતી કે રાજા મનસ્વી થઇ જાય, અહિયાં તો દર પાંચ વર્ષે નવો “રાજા” આવે છે એટલે પાંચ વર્ષે નવા નવા આવતા “રાજા” ને મનસ્વી થવાની બહુ જરૂર નથી પડતી, “રાજા”ના પોતાના ખિસ્સા ભરાય ત્યાં સુધીમાં તો ઘેર બેસવાનો સમય આવી જાય..
અને એની સામે એકવાર “બાપજી” થઇ ગયા એટલે જિંદગી આખીના “બાપજી”,ઘરબાર છોડીને બાપજી થયા હોય એટલે પાછા ઘેર જવાનો સવાલ નથી રેહતો..
એટલે જેવી રાજ્યસત્તા ધર્મસત્તાનો લગામ તરીકેનો સ્વીકાર કરે કે થાય એવું કે બ્રેક છોડો એટલે ગાડી એની મેળે ચાલવા જ માંડે..!
જે જમાનાનું આ સ્ટેટમેન્ટ છે એ જમાનામાં લગભગ તમામ નવા નવા અસ્ત્ર અને શસ્ત્ર ધર્મસત્તા બનાવી બનાવીને રાજયસત્તાને સોપતી હતી ,જેને આપણે રીસર્ચ અને ડેવલપમેન્ટ કહીએ છીએ એ તમામ કામ ધર્મસત્તા કરતી અને રાજ્યસત્તાને હેન્ડઓવર કરતી હતી..
અત્યારે તો ખાલી ખાલી વાતો ના પડારા થાય છે, એકબીજાને વટલાવવા સિવાયનું બીજું કોઈ જ કામ ધર્મસત્તા પાસે રહ્યું નથી માટે આવી નમાલી ધર્મસત્તાની લગામ કે બ્રેક કશું જ ના રખાય..
જરૂર છે બધી જ ધર્મસત્તાને વિખેરી નાખી અને એક પ્રોપર ધર્મ વ્યવસ્થા ઉભી કરવાની નહિ કે ધર્મસત્તા ઉભી કરવાની..
આ ઘોર કલિયુગમાં “સત્તા” શબ્દ જ કૌભાંડોને જન્મ આપે છે એક જમાનામાં ધર્મ કેવી રીતે જીવન વ્યતીત કરવાનું એનું ગાઇડન્સ કરતો હતો પણ છેલ્લા સો વર્ષમાં બળદગાડા થી બોઇંગ સુધી પોહ્ચેલા માણસને બે હજાર વર્ષ પેહલા લખેલી કે પરંપરાગત રીતે વંશવારસાગત રીતે આગે સે ચાલી આતી હૈ એવી જીવનશૈલી જોડે જીવવાની પરમીશન નથી આપતો..
કદાચ એવું પણ બને કે આવનારા બસ્સો પાંચસો વર્ષમાં માણસ જો આ જ સ્પીડમાં આગળ વધતો ગયો તો નવી પેઢીની રાજયસત્તા ધર્મસત્તાને બહુ ગાંઠશે નહિ..!
રાજ્યસતા પોતાની રીતે પોતાના ચેક્સ એન્ડ બેલેન્સ ગોઠવશે..!
સોરી મુનિશ્રી પણ હકીકત આ જ છે..!
બાબા રામદેવ બરાબર રસ્તે છે, કોર્પોરેટ જાયન્ટ જ બનવું જ પડે “સત્તા” ટકાવવી હોય તો..!
આપનો દિવસ શુભ રહે
શૈશવ વોરા