કતલની રાત..!!
અમદાવાદી હોય અને જેણે મોબાઈલ વિના પોતાનું બાળપણ કાઢ્યું હોય એને કતલની રાત કોને કેહવાય એ શીખવાડવુ ના પડે..!
નવા નવા,નાના છોકરાઓ ને કતલની રાત કહીએ તો ફાટી પડે,એમને એમ થઇ જાય કે કૈક બકરા ઈદની પેહલાની રાત હોવી જોઈએ અને બીજે દિવસે કત્લેઆમ થતી હશે..!
તું સાચો છે..બટ..ડુડ..ઉતરાયણની આગલી રાતને પણ અમે કતલની રાત કહીએ..!
ઉતરાયણની આગલી રાત આખી લગભગ અમે ઊંઘતા નહિ, કાલુપુર ટંકશાળથી પતંગ ખરીદવાની,અને દોરી ઘસાવાની પછી કિન્ના બાંધવાની, અને મોડી રાતે ઊંઘવાનું પછી વેહલી સવારે પેહલો પતંગ કોણે ચડાવ્યો અને કોણે પેહલો પતંગ કાપ્યો એની ચડસાચડસી થતી..!
કતલ ની રાતનું ગજબ એક્સાઈટમેન્ટ રેહતુ..
લગભગ કોટ વિસ્તાર આખો જાગતો.અમુક પોળોમાં તો છાપરે કે ધા`બે ઈંટાક`ડા પણ ચડાવવા પડતા “સામેથી” ઢેખારો આવે તો ઈંટાકડો મારી દેવો પડે…!
ઢેખારા ને ઈંટાકડા તો ધાબે રાખવા જ પડે..,ક્યારેક ફત્તરબાજી (પત્થરબાજી) થાય તો હા`મે જબા`બ (જવાબ) આલતા ફા`વ (ફાવે) ..
તમામ પ્રકારની બધી જ તૈયારીઓ થતી..મમ્મીઓ તલની, મમરા અને સીગ બધાની ચીકીઓ બનાવતી, શેરડીના સાંઠા,બો`રાં (બોર) પાણીના માટલા ઉપર ધાબે ચડાવતી, અને આખી રાત પોળના બૈરા ઊંધિયાના શાક ફોલે,જેને પોતાનું ફોલાયું (ફોલાઈ ગયું) હોય એ બીજાને ફોલાવે..
પપ્પાઓ ધાબે કે છાપરે બધી રેલીંગ અને “સેફટી” ની તૈયારીઓ કરે અને જલેબી કેટલી અને ક્યાંથી ઓર્ડર આપવા આઘાપાછા થતા હોય..
છોકરાઓ છેલ્લા બે દિવસની હવા કઈ બાજુ છે એની ઉપરથી બાજુની પોળનો વારો કેમનો પાડવો એની તૈયારી અને ડિસ્કશન કરતા હોય..!
ટૂંકમાં ચારે બાજુ જમાવટ હોય અને ધમધમાટ હોય..!
આજે ખરેખર એવો માહોલ છે..
પાડી જ દો..!!
કોંગ્રેસ બેઠી ના થવી જોઈએ..
આ ભાજપિયાને અહીંથી કાઢો હવે..!
એકબીજા માટે મા`બેણ ની ગાળો કાઢવાની બાકી રાખી છે.. માંબેન નહિ હો મા`બેણ..!
ઉતરાયણની આગલી રાતે અમે ચર્ચા કરતા કે ગઈસાલ તો ત્રીસ તુક્કલ ચડી હતી આ ફેર જો પવન હોય ને તો ચાલીસ તો ચડાવવી છે આપડો “રેકોર્ડ” આપડે તોડવાનો જ છે..!
બસ એમ જ રેકોર્ડ તોડવાની વાતો ચાલી રહી છે..પણ અંદરથી પોતાની સીટ બચાવવાના વાંધા છે..!
૧૮૨ ગુણ્યા ૨ કરો એ બધાને એમ છે કે હાર્દિક કે નરેન્દ્ર મોદી મારે ત્યાં સભા કરી જાય..!
રેકોર્ડ તો હાર્દિક પટેલે ફેસબુક લાઈવમાં કરી નાખ્યો ૧.૧ મિલિયન વ્યુ..!
ગજબ..!!
પોપટિયાવાડમાંથી પચાસ તુક્કલ ચડી,અને મામુનાયકમાંથી વીસ ફૂટની ધા`જ ચડી..!!
આ બાજુ ટ્વીટર પર મોદી સાહેબે રેકોર્ડ કર્યો..!
એક બાજુ તુક્કલો ચડે છે અને બીજી બાજુ ધા`જ..(ખુબ મોટા પતંગ ને ધા`જ કેહવાય બ્રો..)
અને આખા ગુજરાતના પત્રકારોની હાલત કેવી ખબર છે..? (પત્રકાર મિત્રો વાગે કરે લોહીનું ટીપું હો..ખરાબના લગાડતા અને લાગે તો` ય..એક,બે ને હા`ડા,તઈ…) પત્રકારોની હાલત નીચે રોડ પર ઝંડા લઈને પતંગ પકડાતા હોય છે ને એમના જેવી છે..અને હવે એમની આવી હાલત કરવા પાછળ સોશિઅલ મીડિયા જવાબદાર છે..!
જેમ કોઈ`ક ઉતરાયણ પર વેહલી સવારનો જોરદાર પવન નીકળે અને મંગુકાકી ના બકુલિયાની ચોથા ધોરણમાં ભણતી બકુડી પણ સેહજ ઠમકો મારે, અને પતંગ હવામાં આવી જાય, એવો જોરદાર પવન ફૂંકાતો હોય ત્યારે આખે આખી પોળ ની પોળ જે ધાબેથી જ્યાં જગ્યા મળે ત્યાંથી હ`વાર, હ`વારમાં (સવાર,સવારમાં) ફીરકી લઈને મચી પડે..અને પછી નીચે પેલા ઝંડાધારીઓ ક્યાં કઈ વેરાયટી ચગી અને કપાઈ એ શોધવા આમથી આમ અને તેમ દોડાદોડી કરે એવી હાલત પત્રકારોની છે..!
એક મિનીટમાં દિલ્લીથી કોઈક ગાળ કાઢે,અને બીજી મીનીટે ભુજથી..!
મારું હા`હરું ચ`ઈ હ`મજાય એવું જ ન`હિ…!!! (કઈ સમજાય એવું નથી)
જો કે આ વખતે તો પણ “મંગુકાકી” ના “બકુલીયા” ની ચોથા ધોરણમાં ભણતી “બકુડી”ને પણ મોટાભ`ઈ એ ઘઘલાવામાં બાકી નથી રાખી, હરખી ફીરકી ઝા`લજે હો બકુડી નહિ તો હ`વાર હ`વારમાં “બે” મે`લે,આપડું ફૂદું ય કપાવું ના જોયે..!
હવે પાત્ર સૂચીમાં મંગુકાકીના બકુલ્યા ની બકુડી એટલે તમારા વિસ્તારનો કોર્પોરેટર..!
એનો બાપ બકુલીયો કોણ તો એ મારે કેહવું પડે ખરું ..?
અને મંગુકાકી તો પછી…!
યાર તમે બધા હવે સખત સ્માર્ટ થઇ ગયા છો..!
મંગુકાકીનો પણ એક જમાનો હતો..સુ બા`ઝે સુ બા`ઝે..! ત્રણ ત્રણ પોળ સુધી કાકીની ધા`ક, અને એકે ય શાકવાળો કાકી શાક લે, ના લે ,કોથમ`રી(કોથમીર) મરચા હા`મેથી એમનેમ આલી દે..
એકવાર તો ભૂલ ભૂલમાં પેલી બાજુની પોળવાળા શ`નાકાકા એ સેહજ કાકીની મશ્કરી કરી પછી તો કાકીએ શ`ના કાકાના બાપા, બાપાની બા, અને બા ના`..ય બાપા, અને એના બાપા…અરે શ`ના કાકાની તો હા`તેય પેઢી નો વા`રો પાડ્યો કાકીએ..!નહિ નહિ તો ય ત`ઈણ (ત્રણ) કલાક મંગુકાકીએ બબાલ હેંડા`ડી`તી…!
પણ તા`ર (ત્યાર) ની આખી પોળ અને વિસ્તાર કોઈ મંગુકાકીનું નામ ના લે..!
પણ હા`હારુ આ ફેર તો લાગ છ કે મંગુકાકીને છ હા`ત કલાક જમાબ`બી પડશે..!
બકુલીયાની પેલી કોલેજ જાય `છ `ન , એ મોટી છો`ડીને પેલો કિસો કરતો તો ને કાકી જોઈ જ્યાં સ..,તે કાકી બરાબરની વિફરી છે..કાકી લાગ જ હો`ધી રહી છ..! કાલની ઉત્રાણ ને પરમ દિવસની વાસી ઉતરાણ આ બે દા`ડા હરખા જાય તો હારું..
જો ક`ઈ મો`હટી બબાલ થઇને તો બચારા નવાણીયા કુટાઈ જહે..ને બધું ઠરતાં પાછું મહિનો બે મહિના થાય..અ`ન આપડે અમદાવાદમાં તો ભઈ કેવું કે ઝઘડો બે પોળ નો હોય, અ`ન એમાં મિયાંભઈ ના સો`કરા આવે તો પ`છ કોમી થતા વારના લાગે..
ક્યાંક નો પલીતો ચ્યાક બીજે ચંપાઈ જાય..!
હું કહું માં ભદ`રકાળી મે`હર કરે ન બધું હરખું ઉ`તરે ને તે`વાર ઉજવાઈ જાય..
મ`ન તો આ એક મંગુ ડોશીની જ બ્હિક છે..!
એની જીભ વશમાં રઆ`ખે તો બશ ભગવાન..!
લોકતંત્રનું પવિત્ર પર્વ ચૂંટણી , ૯ મી અને ૧૪મી જાળવી જજો વહાલા..જીદ જરૂર રાખજો,ઝનુન નહિ..!! અને એક પેલો એસએમએસ ફરતો હતો એ ખરેખર યાદ રાખવા જેવો છે..
ભાજપ કે કોંગ્રેસ, જે આવે તે પણ ખોટી ખોટી ચર્ચામાં ઉતરી અને કોઈની જોડે સબંધના બગાડી બેસતાં, અને હા આવતીકાલે વોટ્સ એપ અને ફેસબુક પર કોઈપણ ફોટા કે સમાચાર શેર કરતા પેહલા એની સત્યતા ચોક્કસ જાણજો પછી જ ફોરવર્ડ કરજો..
બિહાર કે ઝારખંડમાં ભૂતકાળમાં થયેલા બુથકેપ્ચરીંગના જુના વિડીઓ કોઈ મોકલે તો એને ગુજરાતના માની ને ફોરવર્ડ કરવા ના મચી પડશો..
તમારી આજુબાજુ કોઈ મંગુકાકી “લાગ” શોધતી હોય તો પ્રેમથી એને “ઠંડી” પાડજો, અને ઝઘડો ના થવા દેશો..
ઈશ્વર સહુ નું કલ્યાણ કરે..!
શુભ રાત્રી
શૈશવ વોરા