એક સવાલ ચારેબાજુ પુછાઈ રહ્યો છે અને હવે એ સવાલમાં થોડી ચિંતા ભળી છે..!
શું થશે..? કેટલી આવશે..?
બહુ અઘરું છે આ સવાલનો સચોટ જવાબ આપવો..
સેફોલોજીસ્ટ નામની જમાત પણ એકદમ સેહમાઈ ગઈ છે..!
આજની રાત છેલ્લી રાત છે, ઓપીનીયન પોલ એક પછી એક આવી રહ્યા છે.. ભાજપની સરકાર દરેક જણ નક્કી માની રહ્યા છે,પણ અંદરથી એક બીક લાગી રહી છે કે ભાજપ નહિ આવે તો શું ??
ભલભલા પત્રકારો અને મીડ્યાકર્મી મગ નું નામ મરી પાડવા તૈયાર નથી..
ઓપિનિયન પોલ ૨૦૧૨ના હવાલા આપી રહ્યા છે,અને સર્વે ચલાવી રહ્યા છે,
અરે ભાઈ ૨૦૧૪ની વાર્તા કરો ને ૨૬ એ ૨૬ સીટ ગુજરાતે આપી છે ભાજપને ..!
એક વાત દરેક વ્યક્તિ માની રહ્યા છે કે એક લપડાક જરૂરી છે, પણ લપડાક પછી મોટાભાગના લોકો ભાજપની સરકાર ઈચ્છે છે..!!
કારણ એક જ કે સેન્ટરમાં બીજેપી છે..!
શું થશે ? એમાં આપણે વધારે બુદ્ધિ ના વાપરીએ અને સાદી બુદ્ધિથી વિચાર કરીએ તો લગભગ ૭૦-૭૦ સીટો બંને પક્ષોના પરંપરાગત મતદારો ચોક્કસ આપશે, હવે રહી વાત બીજી ૪૨ સીટોની વાર્તા તો એમાં જ્યાં ગઈ ચૂંટણીમાં જ્યાં પાંચ-સાત હજાર વોટોના માર્જીનથી ૨૦૧૨માં હારજીત થઇ છે ત્યાં જ ખરાખરીનો ખેલ મંડાયો છે..!
હવે કોઈ એમ બોલે કે અમદાવાદમાં મણીનગર પર કોંગ્રસ આવશે તો એ ભૂલ છે, પણ જો ખરેખર કોંગ્રેસ આવે તો નરેન્દ્ર મોદીએ પ્રધાનમંત્રી પદ છોડવાની તૈયારી કરી લેવી જોઈએ..! એ જ રીતે શૈલેશ પરમાર હારી જશે અને ત્યાંથી બીજેપી આવશે તો એ પણ અશક્ય વાત છે..!!
આવી લગભગ બન્ને પક્ષો પાસે પોતાની કહી શકાય એવી સિત્તેર સિત્તેર સીટો છે, એટલે જે ખેલ છે એ “જોખમી” સીટો ઉપર જ છે..!
હવે આ “જોખમી” સીટોની વાત કરીએ તો એમાં વોટીંગ કેટલા ટકા થાય એની ઉપર આખી વાત જાય.. જો ૬૫% થી વધારે મતદાન થાય તો બધી “જોખમી” સીટો ભાજપના ખિસ્સામાં જાય અને ઓછું તો પછી કોંગ્રેસ..!
એટલે ભાજપને આ “જોખમી” સીટો ઉપર જીત પાક્કી કરાવી હોય તો એના કાર્યકર્તા ઉપર મદાર રાખવો પડે, પણ કાર્યકર્તા તો અત્યારે લોકોની ગાળો ખાઈ ખાઈને અડધા થઇ ગયા છે, હવે છેલ્લી તાકાત ભાજપના કાર્યકર્તા કરે તો પણ લોકો એમનું સાંભળે એ વાતમાં માલ નથી..!
તો બીજો રસ્તો શું ??
સંઘમ શરણમ ગચ્છામી..!!
સંઘનો રોજ શાખામાં જતો માણસ જો મતદાનના દિવસે બહાર નીકળ્યો અને જનતાને મતદાન મથક સુધી લઇ ગયો તો જ ભાજપ જીતશે..!
આમ તો સંઘનો એક એક વય્ક્તિ હંમેશા દાવો કરતો હોય છે કે અમે ભાજપ નથી, બહુ જ સાચવી અને પોતાની જાતને ભાજપથી દુર રાખવાનો પ્રયત્ન દરેક મોકા ઉપર કરતો હોય છે અને હવે એ જ “પ્રયત્ન” કામ લાગશે..!!
અફસોસ કોંગ્રેસ પાસે આવી કોઈ બીજી ઓલ્ટરનેટીવ સીસ્ટમ નથી..
અને આમપણ છેલ્લા ચાલીસેક વર્ષથી સંઘ જેનું સમર્થન કરે સત્તા એની નજીક જઈને પડે છે..! એટલે ખાખી ચડ્ડીમાંથી પુરા પેન્ટમાં આવેલા ગણવેશધારી લોકો જો ખરેખર ઈચ્છશે અને હ્રદયપૂર્વક ભાજપની માટે મતદાન કરાવશે તો દોઢસોની નજીક પણ જતા રહે તો નવાઈ નહિ..!
રહી વાત પટેલ,ઠાકોર,દલિત,સવર્ણ ..વગેરે વગેરે ફેક્ટરમાંથી તો કદાચ ગુજરાત પોતાની જાતને વર્ષો પેહલાથી આ બધાની બહાર કાઢી ચુક્યું છે..!
આજે ભણેલો ગણેલો મધ્યમવર્ગ અને ઉચ્ચમધ્યમવર્ગ નો ગુજરાતી સમાજ લગભગ એક થઇ ગયો છે, દરેક સવર્ણ ઘરમાં ઓબીસી વહુ છે કે દીકરી ઓબીસી ઘરમાં ગઈ છે અને એ જ રીતે પટેલના ઘરમાં વાણીયા,બ્રાહમણ કે ઓબીસી દીકરી કે વહુ છે..!અને આ પ્રકારના સામાજિક સમીકરણ ગોઠવવા પાછળ ક્યાંક કન્યાભ્રૂણહત્યા પણ જવાબદાર છે..
અઘરું છે હવે આ નવા સામાજિક સમીકરણ તોડવાનું કોઈ ના પણ માટે..! અત્યારસુધી ના અનામતના થયેલા બધા જ આંદોલનોમાં પટેલ સવર્ણની જોડે રહીને લડ્યા છે..
હવે કોઈને એમ થાય કે તો પછી પેલા ભાઈની સભામાં આટલું માણસ કેમ ? તો એના જવાબમાં એવું કૈક આવે કે લોકો છેલ્લા બે ત્રણ વર્ષમાં સાહેબના ભાષણો સાંભળી સાંભળી ને ઉબાઈ ગયા છે..
એક નિયમ એવો છે કે કોઈપણ રાજકારણીની કોમેડીયનો મશ્કરી કરતા થાય અને મેહફીલોમાં એના ઉપર તાળીઓ જ તાળીઓ પડે એટલે સમજવું કે એમના દિવસો પુરા થયા છે..! અને હા જોરજુલમ કે દબાણથી પોતાની મશકરી ના થવા દેવામાં આવે તો એને શાહમૃગ વૃત્તિ જ ગણાય,એનો મતલબ એમાં ના થાય કે પ્રજા તમને પ્રેમ કરે છે..!
પ્રજાનો પ્રેમ એ બહુ જ અઘરી વાત છે,
પ્રજા સંતાનોની જેમ હમેશા “બેગૈરત” હોય છે, માતાપિતા એ શું આપ્યું એ સંતાનને ક્યારેય દેખાતું નથી, જ્યાં સુધી સંતાન પોતે માંબાપ ના બને ત્યાં સુધી એમ પ્રજાને રાજકારણીએ શું આપ્યું એ ક્ય્યારેય દેખાતું નથી…
અને દરેક રાજકારણી આ વાતને સુપેરે સમજતો હોય છે માટે પ્રજાને એહસાસ કરાવવા માટે દરેક યોજનાઓ સાથે રાજકારણીઓ પોતાના નામ જોડે છે..
પણ અફસોસ ક્યારેક એ નામનો અતિરેક પણ થાય છે અને છેવટે પ્રજા એમના શાસનને ફગાવી દે છે..સારો સેનાપતિ એને જ કેહવાય કે જે પોતાના મર્યા પછીની કલ્પના કરી અને મજબુત સેકન્ડ લાઈન તૈયાર રાખે..પણ આજે બંને પક્ષોમાંથી એકપણ પાસે સેકન્ડ લાઈન નથી, અને જેનો અનુભવ નરેન્દ્ર મોદીના પ્રધાનમંત્રી થયા બાદ ગુજરાતમાં ઉભા થયેલા બે-ચાર પાવર સેન્ટરનો ગુજરાતે કર્યો..
રહી વાત માધવસિંહ સોલંકીની “ખામ” થીયરી ની ,તો સોશિઅલ મોડીયાના જમાનામાં એ બધું અપ્રસ્તુત છે..
૧૯૮૫ પછી સાબરમતીમાં નર્મદાના ઘણા પાણી વહી ગયા છે..!!!
“ખાલી” પોણા બાર લાખ ટેણીયા આ વર્ષે પેહલીવાર મતદાન કરી રહ્યા છે.. ખામ થીયરીવાળા લોકો ને તો ઘણું ઘડપણ ચડી ગયું છે હવે..!
ફરી એકવાર શું થશે ? ૬૫% ઉપરનું મતદાન તો સો ટકા ભાજપ અને આટલું ઊંચું મતદાન કોણ કરાવે તો ..
સંઘમ શરણમ ગચ્છામી..!!
શુભ રાત્રી
શૈશવ વોરા