કુદરત ને દેશવટો ..ઘરવટો ..!
છેલ્લા ત્રણેક દિવસથી અમદાવાદ ની પેરીફરીમાં નવા નવા બનેલા ફ્લેટ્સ અને બંગલાઓ ના સેમ્પલ હાઉસ જોવા જવાનો એક બે મિત્ર સાથે મોકો મળ્યો..!
કોરોના કાળ પેહલા પરદેસ જતો ત્યારે ઊંચા ઊંચા બિલ્ડીંગ ની નીચે ઉભો રહી અને ઉપરની તરફ ડોકા તાણતો અને બળતરા કરતો કે આવા ઊંચા બિલ્ડીંગ મારે ત્યાં ક્યારે થશે..??!!
સત્તરમાં માળે જઈને ઉભો રહ્યો..ગઈકાલે..!!
આખ્ખો ખાલી ફ્લેટ ,ગમ્યું …ચારે બાજુથી સુસવાટા મારતો પવન અને ખુલ્લું આકાશ ,અમદાવાદની પેલે પાર ક્ષિતિજ દેખાણી,
મન ભરાઈ ગયું..!!
પછી વારો હતો પેહલે માળે આવેલા સેમ્પલ ફ્લેટ જોવાનો..!!
દર્દ થી ચિત્કારી ઉઠ્યો મારી અંદર નો શૈશવ..ઝટ બાહર નીકળ અહીંથી ,આમાં ના રેહવાય , કોવીડ ચોંટી જાય..!!!
મસ્ત ઇન્ટીરીયર ના નામે કુદરત ને બિલકુલ કાઢી મૂકી હતી સેમ્પલ ફ્લેટમાંથી..!!
આખ્ખો સેન્ટ્રલી એસી ફ્લેટ ,બાલ્કની ને નામે રીતસર દાવ સાવ નાનકડી બાલ્કની ,અને એક ખૂણો તો ફ્લેટ નો એવો પડે કે જેમાં ધોળે દિવસે પણ લાઈટ કરવી પડે ..!!
બંગલાઓ જોયા ,એમીનીટીઝ એમાં પણ જોરદાર ,પણ ઇન્ટીરીયરના નામે કુદરત ને દેશવટો ..
બળ્યું સારા દેખાવના નામે દરેક નવી સ્કીમોમાં એવા એવા ઝાડ પાન નાખવામાં આવે છે કે જેમાં ના ફળ લાગે ના ફૂલ..!!
આંબો,લીમડો,બોરસલ્લી ,આસોપાલવ ,ગુલમોહર , પીપળો ,વડ જેવા ઝાડ તો જાણે ચીન દેશથી આયાત કરેલા હોય એમ ચોખ્ખો બહિષ્કાર કરેલો દેખાય..!
ચીકુડી ,જામફળી ,દાડમડી ,સીતાફળી , જાંબુડો , સરગવો ,ગરમાળો , લીંબુડી, કશુય ભૂલથી ના મળે..!!
કોણ જાણે આ બિલ્ડરો ને શું થયું છે કે લેન્ડ સ્કેપિંગના નામે આપણા દેશી ઝાડ ને તો ભૂલથી નથી લગાડતા,ચારેબાજુ પેલા ખજુરી જેવા પામ ના જ ઝાડ લાગેલા હોય..!
ખજુર માટે તો આપણે પેહલા એમ કેહત ..
મૂરખ બોયે પેડ ખજુર ,છાંવ મિલે ના ફલ લાગે અતિદૂર….!!
પણ આ પામમાં તો ફળ નામે ના લાગે..!!
તો શું ગણવું ? ?મૂરખ નો સરદાર..?!!!!
એવું કેહવાય છે કે જે ઘરો ઓફીસ કે કારખાનામાં હવા નો આવરો જાવરો હોય છે ત્યાં કોવીડ થવાની શક્યતા ઓછી છે, કોવીડ તો છોડો બીજા રોગ પણ ઓછા થાય ..
હવા ના આવરા જાવરા માટે હજી બે દસકા પેહલા ભલે નામના તો નામના પણ દરેક ફ્લેટમાં ચોક રેહતા..બંગલામાં ત્રણ દસકા પેહલા ચોક રેહતા અને જ્યારથી રો હાઉસના કન્સેપ્ટ આવ્યા ત્યારથી ચોક ગયા , ને ચોકડી રહી ગઈ..!!
કોવીડના રેફરન્સમાં વાત કરું તો ગામડાઓમાં કોવીડ એ એટલો હાહાકાર નથી મચાવ્યો આજે છ મહિના થયા પછી પણ ,જયારે શેહરોમાં અને ખાસ કરી ને ઉભી ચાલીઓમાં ને ઉભા કબુતરખાનામાં (વેન્ટિલેશન વિના ના ફ્લેટો ને ઉભી ચાલી જ કેહવાય અને વેન્ટિલેશન વિનાના કોમર્શિયલ કોમ્લેક્સ ને કબુતરખાનું ..) કોવીડ ને મજા પડી છે ..!
કદાચ જે ઘરોમાં કુદરત વસેલી છે ત્યાં કોવીડ અને બીજા રોગો દૂર ભાગે છે.!!
શું પ્રોબ્લેમ છે ચોક જોડે આજ ના બિલ્ડર અને લોકો ને એ મને હજી સમજાતું નથી..!
ચોક ને કારણે દરેક ઘરમાં ચોખ્ખી હવા આવતી જતી અને અજવાળું સૂર્ય ઉગે ત્યારથી રેહતું તે છેક આથમે ત્યાં સુધી , જુના જમાનામાં મોટા ઘરોમાં ચોક ઓસરી ,ફળિયું ,વરંડો કેટ કેટલી ખુલ્લી જગ્યાઓ રેહતી..!!
આજે તો સેન્ટ્રલી એસી ના નામે ઘરની બારી સુધ્ધા ખુલતી નથી..!!
જો કે હું પણ હજી કોવીડ કાળ પેહલા હોશિયારી મારતો ને મારા ડ્રાઈવર ને પણ સુચના આપતો કે તું એકલો પણ ક્યાંય ગાડી લઈને જાય તો ગાડી નો કાચ ખોલવાનો નહિ ,ડેશબોર્ડ ઉપર ધૂળ જામે છે ..!!
અને હવે કોવીડ કાળ આવ્યા પછી સતત ગાડીની બારીઓ ખોલબંધ કરું છું..!
રીતસર ફ્રેશ હવા માટે ઝાંવા મારું છું..!!
એક બીજી વાત ..નવા જોયેલા એકપણ ફ્લેટમાં કે બંગલામાં તુલસીક્યારો ના જોયો..!!
મારે તો તુલસીજી વૈષ્ણવનું ઘર છે એટલે હોય જ ,પણ ખબર નહિ કોવીડ કાળ પછી મને અનેરો ભાવ જાગે છે તુલસી માટે, રોજ પાંચ પત્તા તોડી અને અજમો ,આદુ ,લવિંગ વગેરે વગેરે નાખી ને નાસ આખું ઘર લઈએ છીએ અને પછી એ પાણી પી જઈએ છીએ..
જો કે પપ્પા ને તો રોજ ઘરની બાહર જતા પેહલા બે પાન તુલસીના તોડી ને મોઢામાં મુકવાની ટેવ અને એ ટેવ મને પણ વારસામાં ખરી , બીજે ક્યાય બાહર જાઉં અને જો સારી તુલસી ઉછરેલી દેખાય , પછી એ રામ હોય કે શ્યામ તો બે પાંદડા તોડી આંખે લગાડી ને મોઢામાં જતા રહે..!!
પણ આ નવા ફ્લેટોમાં કે બંગલામાં તુલસી ક્યારો નથી દેખાતો ,
સંસ્કાર આગલી પેઢીમાં જશે કેમના …????
આવનારી પેઢી ને તુલસી ને ડમરા નો ફર્ક ચોપડીમાં કે યુટ્યુબ ઉપર શીખવાડશો ???
મારા જ સંતાનો હજી ગુલમોહર અને ગરમાળો માંડ જુદા પાડતા થયા, રીતસર ક્લાસ લેવા પડે છે રસ્તા ઉપર નીકળીએ ત્યારે ,આંબો અને આસોપાલવ સરખા લાગે તો ગુસ્સો કરી ને સમજાવવા પડે અને સામી દલીલ આવે તો બે પાંદડા તોડી અને એમાંથી આવતી જુદી જુદી વાસ પણ એમના નાકમાં ઉતારવી પડે છે..!
બે દસકા પેહલા કુદરત ને ઘરની બહાર કાઢી છે ,હવે બિલ્ડરો સોસાયટીની બાહર પણ કાઢી રહ્યા છે ,અને સરકાર પણ એવા જ રવાડે ચડી હોય એમ લાગે છે , ચારે બાજુ પલટુ ફાર્મ પેલા પીળા ફૂલ વાળા ઝાડ અને પીળી કરેણ બહુ થયું તો બોગનવેલ બીજું કશું જ ઉગાડતી જોવા મળતી નથી ,ક્યાંક નામે ગરમાળો હાઈવે ઉપર મળે..!!!
કોવીડ જયારે ફેબ્રુઆરીમાં ભારતમાં પા પા પગલીઓ ભરી રહ્યો હતો ત્યારે હું દલીલ કરતો હતો કે ભારતમાં કોવીડ એટલો હાહાકાર નહિ મચાવી શકે કારણકે આપણા તો ફ્લોરા અને ફોના પણ વાઈરસ ની સામે લડે છે ,
કેહવાનું તાત્પર્ય એટલું જ હતું કે ભારત ભૂમિ ના ઝાડ ,પાન ,પશુ , પક્ષી, મનુષ્ય ..બધાય એની ઉપર આવેલા વાઈરસ કે બેક્ટેરિયાના હુમલાની સામે સદીઓ થી ભેગા થઇ ને લડે છે અને આપણે ભેગા થઇ ની આ બધા વિષાણુઓ સામે જીતતા આવ્યા છીએ..!!
૧૩૦ કરોડ ની વસ્તી હોવા છતાં અમેરિકા કે યુરોપ જેટલો કોવીડ હાહાકાર નથી મચાવી શક્યો .. ક્યાંક તો આપણે આપણી કુદરત નો આભાર માનવો રહ્યો અને જો ઈચ્છા થાય તો તુલસી ના બે કુંડા તો બે ,પણ ઉછેરજો ..!
બની ગયેલા ઘરમાં તો કાણા પાડી ને ચોક નહિ થાય પણ બારી બારણા ખુલ્લા રાખી ને કુદરત ને ઘરમાં આવવા જવા દેજો..!!
કોવીડ ને દૂર રાખવામાં ચોક્કસ મદદગાર સાબિત થશે..!
ભારત ભૂમિ ના ઝાડ ,પાન ,પશુ ,પક્ષી બધાયમાં આવા કૈક કોગળિયા ને મારી હટાવવાની તાકાત છે , માટે જ બાપદાદાઓ એ પૂજા કરતા શીખવાડ્યું છે..!
અને હા નવું ઘર જીવનમાં લેવાનું થાય તો ચોક નો આગ્રહ ચોક્કસ રાખજો અને થાય તો આંબો લીમડો કે બીજા આપણા દેશી ઝાડ સોસાયટીમાં ઉછેરજો બાપલિયા..!!
વિચારજો ..
શુભ રાત્રી
શૈશવ વોરા
(ચેતવણી :- આ બ્લોગને પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે , જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)