સત્તા નું હસ્તાંતરણ ..!!
અમેરિકાની ચૂંટણી દુનિયાભરમાં ગાજી રહી છે , એકપણ આંતરરાષ્ટ્રીય મેગેઝીન કે છાપા ઓનલાઈન ખોલો એટલે અમેરિકાની ચૂંટણી જ દેખાય ..!
છેલ્લા લેટેસ્ટ ટોક શો જોયા એમાં તો અત્યારથી અપીલો થવા માંડી છે કે ઈલેકશનના રીઝલ્ટ જે આવે તે , પણ શાંતિ રાખજો ..!
જે અમેરિકા માટે પોતાના દેશ છોડી છોડી ને દોડ્યા અને લોહી પાણી એક કર્યા , અહિયાં આવી ને પોતના સગ્ગા ભાઈ ભાંડું ને કોસ્યા કે અમારે ત્યાં તો આમ અને આમરે ત્યાં તો તેમ , અને એ અમેરિકામાં ચૂંટણી પછી તોફાનો ફાટી ના નીકળે એવી અપીલ કરવી પડે ..??!!!
હજી કેટલા નીચા દિવસો જોવાના આવશે અમેરિકન સમાજ ને ?
એક ડાઉટ એવો છે કે ટ્રમ્પકાકા જીત્યા તો ઠીક પણ હાર્યા તો સત્તા એમ ઝટ છોડશે નહિ, ફરી એકવાર મત ગણતરી કરો ,એમાં પણ હાર્યા તો ફરી એકવાર …!
શંકા કુશંકા અનેક થઇ રહી છે અમેરિકન ચૂંટણી માટે અને સત્તા ના હસ્તાંતરણ બાબતે..!
કોઈપણ આવે આપણને શું ફર્ક પડે ?
ઘણો બધો ..
ચીન અને પાકિસ્તાનની આજુબાજુ ફરી રહેલી આપણી વિદેશનીતિ ની અસલી ચાવી ધવલ મહાલયમાં પડેલી છે..!!
ટ્રમ્પ કાકાએ પાકિસ્તાન ને ડોલર પરખાવ્યા નહિ એટલે પાકિસ્તાન લગભગ ભિક્ષાવૃત્તિ ઉપર ગુજારો કરી રહ્યું છે અને ચીન દેશ ને સરહદે દશે દિશાએ ઘેર્યું એમાં આપણામાં હિંમત આવી કે જરાક નખે થી આંગળી દબાવો તો રાડ ફાટી જાય..!!
ખુલ્લા હાથની મારામારી કરવી એના કરતા નખ ખેંચી લેવો આગળ પડે પીડા પુષ્કળ થાય અને કોઈ ને કહી શકે નહિ..!!
આપણે ઘણી બધી જગ્યાએ ચોર ને વાદે ચણા ઉપાડ્યા છે , ઈરાન જોડે બગાડી ને બેઠા છીએ ,રશિયન કે બ્રતાનીયા ને બદલે ફ્રાન્સીસી લડાકુ જહાજો ખરીદ્યા અને છેલ્લી બબાલોમાં ફ્રાન્સીસી સરકાર ને પડખે જઈને ઉભા રહી ગયા..!
એકંદરે “સવાઈ સેક્યુલર” નું પદ ભારતે હાલ પુરુતુ ત્યજ્યું છે એવું દેખાઈ રહ્યું છે..!!
આપણે વિવિધતામાં એકતા પકડી ને ચાલ્યા છીએ પણ ગ્લોબલ ગામડામાં વધુ પડતી વિવિધતા ને સ્થાન નથી એટલે વિવિધતાઓ ને માપમાં રાખી ને એકતા રેહતી હોય તો રાખવી બાકી પશ્ચિમ ની દુનિયા એ સ્પષ્ટ રસ્તો પકડ્યો છે ખોટા “નાટક” નહિ ચલાવવાના ..!!
છેલ્લા ચાર વર્ષમાં અમેરિકામાં ટ્રમ્પ કાકા માટે અનેકો અનેક વખત કેહવાયું કે જુઠ્ઠું બોલે છે ,બોલ્યા પછી ફરી જાય છે ,અભી બોલા અભી ફોક જેવી વાતો થાય છે..!
ટ્રમ્પ કાકા ના વિરોધી એ આ બાબત બહુ ચગાવી અને ટીવી ઉપર ના ડીબેટ કરતા તજજ્ઞો એમ કહે છે કે અમેરિકાના ઈતિહાસમાં આવા જુઠ્ઠા અને બે મોઢાળા પ્રમુખ જોયા નથી ..!!
મને લાગે છે કે અમેરિકાના પૂર્વ પ્રમુખો કદાચ પોતે સત્યવક્તા હશે પણ એમણે બીજા વિશ્વયુદ્ધ પછી જે દસ મોઢાળી દુનિયાનું સર્જન કર્યું એને પુરા પડવા બે મોઢાળુ થવું જ પડે..!!
૨૦૨૦ના આગમન ની જોડે જોડે કોરોના આવ્યો અને એક અલગ જ દુનિયાનું નિર્માણ થયું , બે ચાર મામલામાં આપણને ખાર ચડે એવી રીતે નાક દબાવ્યું , એક હાર્લી ડેવિડસન અને બીજું હાઈડ્રો ક્લોરોક્વીન,
ધાર્યું કરાવડાવ્યું ..!!
મોટા મોટા માણસો જોડે વાત કરી ,અમેરિકામાં વસતા ભારતીયો જોડે તો એવી સમજણ આપી એ લોકો એ કે દરેક સમસ્યા નો ઉકેલ હોય છે ,રાજકીય માણસ રાજકીય રીતે ઉકેલ લાવે અને ધંધાદારી માણસ ધંધાદારી રીતે..!
ટ્રમ્પકાકા રાજકીય ઉકેલ લાવી શકે તેમ નથી કેમ કે એ ધંધાદારી માણસ છે એટલે રાજકીય સમસ્યાઓ નો પણ ધંધાદારી રીતે જ ઉકેલ લાવે છે..!!
સેહજ વિચાર માંગી લે એવી વાત હતી આ ..!
ભારત માટે પણ લાગુ પડે કેમકે ૨૦૧૪થી સુકાની બદલાયા છે તો સમસ્યાના ઉકેલ માટે રસ્તા પણ બદલાયા છે , અને એનું લેટેસ્ટ ઉદાહરણ નીનીત ગડકરી સાહેબે જે રીતે લમધાર્યા છે એમના પૂર્વ ઓફિસર્સ ને એ બહુ મોટો મેસેજ હતો તમામ સરકારી બાબુઓ માટે , અને જો આ રીતે બધા જ મંત્રીઓ અધિકારીઓ ને લબડધક્કે લેતા થઇ જાય અને ગડકરી સાહેબ ભલે કટાક્ષમાં બોલ્યા હોય કે પૂર્વ અધિકારીઓના ફોટા લગાડો અહિયાં પણ કમ સે કમ નામ લખવાની પ્રથા પણ ચાલુ થાય તો તંત્ર ની લેથાર્જી
ઉડે .!!
દુનિયાભરમાં જન સાધારણની અંદર અત્યારે શું ચાલી રહ્યું છે અને શું થશે એની એક બહુ મોટી ધાસ્તી પેસી ગઈ છે, અનપ્રીડીકટેબલ થઇ ગયું છે બધું ..!!
આપણે માસ્ક પેહરો પેહરો કહીએ છીએ અને ટ્રમ્પકાકા ગાંઠતા જ નથી , લાખોમાં મરણ નો આંકડો એમને ત્યાં પણ પોહચ્યો પણ જાણે કઈ થયું જ નથી , ધવલ મહાલયમાં પોતાના ફેમીલી ને ગોઠવી દીધું બાપીકી પેઢી હોય તેમ , બીજા પણ કૈક શ્વેત અશ્વેત ના ઝઘડામાં આરોપો લાગ્યા છે ,પણ રેલીઓ ઘણી કરી અને બધી ફુલ્લ ગઈ ને સામે પક્ષે પણ એડી ચોટી નું જોર લાગ્યું , બિડેન પૂર્વ પ્રમુખ ઓબામાં ને લઈને ફર્યા જો કે એમાં પણ ઘણી ટીકાઓ થઇ પણ ઓવર ઓલ આ ચૂંટણીમાં જે અમેરિકન એમ બોલતા હતા કે “માય મોરલ ઈઝ હાયર ધેન યોર્સ ..!!”
તારા કરતા મારી મોરલ વેલ્યુ ઉંચી છે એ બધું માળીયે ચડી ગયું હોય એવું લાગ્યું, અને જે પાણીએ ચડે એ પાણીએ મગ ચડાવી દેવાશે..!!
આપણી જેમ આયારામ ગયારામ ની પરંપરા આવનારા વર્ષોમાં જોવા મળે તો નવાઈ નહિ ,આપણે ત્યાં તો હમણાં જ એક રંગ બદલેલા નેતાજી એ ભૂલ ભૂલમાં પોતના જુના પક્ષ ને મત આપવા ની અપીલ કરી મૂકી હતી…!!
તમને અને મને શું ફેર પડે ?
પડે ,ઘણો બધો ફેર પડે , અમેરિકાના ધવલ મહાલયમાં બિરાજતા કાકા ને અંકલ સામ કેહવાય , આવનારા કાકા સામ ઉર્ફે સેમ ચીન દેશ જોડે વધારે ખાંડા ખખડાવે તો બે ની લડાઈમાં ત્રીજો થોડોક ફાવે અને જો ચાર વર્ષ પેહલાના ધવલ મહાલયમાં વસતા કાકાઓ એ એમના જન્મારા મધ્ય પૂર્વમાં બાઝવામાં કાઢ્યા એમ કાઢે અને પાકિસ્તાન ને ઊંચું કરે તો આપણે ત્યાં થોડોક કાબુમાં આવેલો આતંકવાદ ફરી માથું ઊંચકે અને પછી ની પરિસ્થિતિ આપણે જોયેલી છે..!
ઓવર ઓલ જો ટ્રમ્પ સાહેબ કાકા બનશે તો ન જાણ્યું જાનકી નાથે કાલે સવારે ..
અને જો બિડેન સાહેબ કાકા બનશે તો આજ નો લાહવો લીજીએ રે કાલ કોણે દીઠી છે ..!!
છેલ્લે એક વાત ,
કાકા મારે અને બાપા મારે એમાં ફેર હોય ..
“બાપા મારે તો વાગે ઓછુ અને અવાજ વધારે આવે, અને કાકા મારે ને તો વાગે વધારે અને અવાજ ઓછો આવે..!!”
બાપા કોણ એ નક્કી તમારે કરવાનું ..!!!
આપનો દિન શુભ રહે
શૈશવ વોરા
(ચેતવણી :- આ બ્લોગને પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે , જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)