હજયાત્રા સબસીડી વિરુદ્ધ કુંભ ના ખર્ચા..
કેમ કોઈ કાઉન્ટર જ નથી કરતુ..!!???
સરખામણી થાય જ કેવી રીતે ..?
કેટલાક “ચોક્કસ તત્વો” કુંભમેળો અને હજયાત્રાની સબસીડી ની સરખામણી કરી રહ્યા છે અને ભક્તો ભગવાન કૈક ઉવાચે એની રાહ જોઈ રહ્યા છે..!!
અલ્યા ભગવાન સેક્યુલર થઇ ગયા છે..,એ નહિ બોલે….!!!
પેહલો સવાલ તો એ છે કે કુંભમેળો સરકાર યોજે છે ?
ના ..
તો પછી એમાં સરકાર ક્યાં રૂપિયા આપે છે ???
કુંભમેળો એ ખગોળીય ગ્રહોની ગણના આધારિત જનતા દ્વારા થતી દર ચાર વર્ષે થતી સ્વયંભુ ઘટના છે, અને એ જે તે ચોક્કસ સમયે જનતા સ્વયંભુ પોતાની રીતે અને પોતાની જાતે જે તે ચોક્કસ જગ્યાએ પોહચી જાય છે..અને સ્નાન કરે છે..!
હવે હિન્દુસ્તાનમાં કોઈપણ સરકાર હોય એની ૧૦૦ ટકા જવાબદારી બને છે કે હિન્દુસ્તાનની ધરતી ઉપર કોઈ એક જગ્યાએ કોઈપણ કારણસર ભેગી થતી જનતા જનાર્દનની સુરક્ષા અને સગવડનું ધ્યાન રાખવાની..
એ કુંભમેળો હોય કે અજમેર નો ઉર્સ કે પછી જીએમડીસી ગ્રાઉન્ડ પર ની હાર્દિક પટેલની સભા..અને આ કામ દુનિયાભરની દરેક સરકારો કરતી આવી છે,શું હજ દરમ્યાન સાઉદીની સરકાર આ બધા કામ નથી કરતી ..??
કેવી કેવી ફાલતું વસ્તુઓની સરખામણી કરવામાં આવે છે..તદ્દન મો-માંથા વિનાની વાત અને એને કોઈ કાઉન્ટર નથી કરતુ..!!
એની વે પણ બીજો પણ એક પોઈન્ટ છે .. જો કોઈ સરકાર કુંભમેળા માટે વધારા નો ખર્ચો કરતી હોય તો કેમ કરવો જોઈએ.??.
પેહલા તો જેમ અનામત આજે પણ ચાલુ રાખી છે એનું કારણ એમ આપીએ છીએ છે કે ભૂતકાળમાં દલિત સમાજ ઉપર બહુ જુલ્મો થયા હતા .. કબુલ
તો ભાઈ સમસ્ત હિંદુ સમાજે સદીઓ સુધી “જજીયા વેરો” ભર્યો હતો અને આજે પણ શ્રી નરેન્દ્ર મોદી અને ગ્વાલિયરના રાજમાતા વિજયા રાજે સિંધિયાના પુત્રી અને ધોલપુરના મહારાણી વસુંધરા રાજે ના રાજય માં આજે પણ આપણે “જજિયા વેરો” ભરી રહ્યા છીએ..!
(જે લોકો ઈતિહાસ ભૂલી ગયા છે મને યાદ કરાવું કે ઇસ્લામિક શાસકો દ્વારા હિંદુ યાત્રિકો ઉપર યાત્રાધામ માં એન્ટર થવા માટે ટેક્ષ લેવામાં આવતો અને જેનું નામ જજિયા વેરો હતું..)
તમે યાદ કરો નાથદ્વારામાં જેવા એન્ટર થાવ એટલે પેલો નગરપાલિકા વાળો તમારી પાસે “એન્ટ્રી ટેક્ષ” લેવા આવે છે કે નથી આવતો ..??
“જજિયા વેરા” નું નામ બદલીને “એન્ટ્રી ટેક્ષ” કરવાથી શું “જજિયા વેરો” જતો રહે..?
શું અમદાવાદમાં એન્ટર થવા માટે તમારે કે મારે કોઈ દિવસ ટેક્ષ આપવો પડ્યો છે ?
ડાકોરમાં એન્ટર થવા માટે પણ એક જમાના અમે એન્ટ્રી ટેક્ષ ઉર્ફે જજિયા વેરો ભર્યો છે..
શું હજી પણ આ જમાનામાં આપણે “જજિયા વેરો” ભરવો યોગ્ય છે ??
નાથદ્વારા દર્શને જતા વૈષ્ણવ ને તો એ “જજિયા વેરા”ની લગભગ પડી જ નથી હોતી, કારણકે એને તો આંખ સામે એનો “નાથ” દેખાતો હોય છે, અને મેવાડના મહારાણાને આપેલા વચન પ્રમાણે ઠાકોરજી મેવાડનું પાણી અને કોળું જ આરોગે છે, બાકી બધું તો એમની આજ્ઞાથી એમના વૈષણવો મેવાડ પોહચાડી દયે છે એટલે નાથદ્વારા આવતો વૈષ્ણવ તો એના ઠાકોરજીના હુકમને માન દેવા આવ્યો હોય છે ત્યાં દસ વીસ કે સો રૂપિયા ના “જજિયા વેરા” ને ક્યાં પડી હોય ..?
પણ સૈદ્ધાંતિક રીતે મહારાણીના રાજમાં લેવાઈ રહેલો “જજિયા વેરો” એ ખોટી વાત છે..!! નામ ગમે તે હોય..
હવે જેમ અનામત ને જસ્ટીફાય કરવામાં અવી રહી છે એમ જ સદીઓ સુધી જજિયા વેરા ભર્યા પછી હિંદુ યાત્રાધામ માટે બે પૈસા નો ખર્ચો થાય એમાં કઈ ખોટું નથી..!!
વાત કરીએ કુંભમેળામાં થતા ટેમ્પરરી ખર્ચાની..તો એમાં વાંક તંત્રનો છે .. તમને ખબર જ છે કે દર બાર વર્ષે જનતા વગર આમંત્રણે આવવાની જ છે તો પછી હંગામી ધોરણે વ્યવસ્થા દર વખતે કરવી એની કરતા કોઈ કાયમી વ્યવસ્થા કેમ ઉભી નથી કરાતી..??
આ તો બિલકુલ એવી વાત થઇ કે પેહલા ચાઇનીઝ પ્રીમિયર અમદાવાદ આવ્યા પછી જાપાનીઝ અને પછી ઇઝરાયલી..!!
આ બધા આવ્યા ત્યારે રીવરફ્રન્ટને હંગામી ધોરણે ઝગારા મારતો કરવા જે ખર્ચો કર્યો એટલા ખર્ચામાં તો કાયમી ધોરણે બારેય મહિના રીવર ફ્રન્ટ ઝગારા મારતો થઇ ગયો હોત..
કુંભમેળો હોય કે રીવરફ્રન્ટ આ બધામાં કમાય છે પેલા ફરાસખાના વાળા..!!
ઘેર આપણે વર્ષમાં ત્રણ વાર ફરાસખાના વાળા પાસેથી ખુરશી ભાડે લાવવાની હોય તો આપણે શું કરીએ ? કાયમી ધોરણે જ વસાવી લઈએ ભાઈ, ત્રણ ત્રણ વાર ભાડા ભરવા એના કરતા તો એટલા રૂપિયામાં વસ્તુ પોતાની થઇ જાય..!!
સાદું લોજીક છે પણ આપણે તો આગુ સે ચલી આતી હૈ તો પછી હેંડાડો..!!
આ ત્રણ “મહાત્મા” ને ગુજરાત સુધી લાવ્યા અને એમની પાછળ જે ટેમ્પરરી ખર્ચા કર્યા એમાં તો પરમેનેન્ટ સેટ અપ ઉભો થઇ ગયો હોત..!
હજી પણ મોડું નથી થયું જગ્યા ત્યાંથી સવાર..!
એક વાત સારી થઇ છે કે પ્રજા સરકારના રૂપિયા ક્યાં ખર્ચે છે એનો હિસાબ ગણતી થઇ ગઈ છે, પણ આ તો બધી પાશેરા ની પેહલી પૂણી છે.. ખાળે ડૂચા મારવાની વાત છે..!
સરકારના બહુ મોટા રૂપિયા એના પગારો અને પેન્શનમાં જાય છે, અને આજ ના જમાનામાં લાઈફ એક્સપેટન્સી બહુ વધી ગઈ છે લગભગ એવરેજ માણસ એશી પંચ્યાસી વર્ષ સુધી આરામથી જીવી લ્યે છે, એટલે સાહીઠ વર્ષે રીટાયર્ડ થઈને પચ્ચીસ વર્ષ પેન્શન ખાય છે..ચાલીસ વર્ષની નોકરી નો પગાર અને પચ્ચીસ વર્ષ પેન્શન..
લગભગ સાલિયાણું જ કેહવાય..
રીટાયર્ડમેન્ટની ઉંમર આગળ લઇ જવાની જરૂર છે અથવા તો સાહીઠ વર્ષ પછી પગાર ૭૫ ટકા અને કામ કરતા રહો અને પાંસઠ વર્ષે રીટાયર્ડ, આવું કૈક કે બીજી ફોર્મ્યુલા ગોઠવવી જોઈએ તો પગારનું ભારણ ઓછુ થાય..
બાકી તો મોગલ ગઈ તગારે અને સરકાર જશે પગારે..!!
(મોગલો એ મોટી મોટી ઈમારત બાંધી એમાં ખજાના ખાલી થઇ ગયા એટલે મોગલ ગઈ તગારે..અને આમને આમ જો સરકાર પગાર વત્તા પેન્શન આપશે તો સરકારના ખજાના પગારમાં ખાલી થશે..)
આપનો દિન શુભ રહે
શૈશવ વોરા