ગઈકાલની ઘટેલી ઘટના પછી આજે એક નવો ટ્રેન્ડ ચાલ્યો પ્રવીણભાઈ તોગડીયાને ખુલ્લો પત્ર લખવાનો..
મારું બેટું લોકો એ એમને જયચંદ રાઠોડ કોણ હતો, કેવો હતો, એ બધું જાણે એમણે પોત્તે જયચંદ રાઠોડનો ઈન્ટરવ્યું ના કર્યો હોય એમ આખો જયચંદ રાઠોડનો ચિતાર આપી દીધો..
હિંદુ એકતાની વાર્તાઓ લખાઈ ગઈ..
ગુજરાત ઈલેક્શન પછી “હિંદુ એકતા” પણ હોટ થઇ ગઈ છે..
પણ આ બધામાં મારા જેવા જનસાધારણ કાલે અટવાઈ ગયા..અલ્યા શું ચાલી રહ્યુ છે..??
પ્રવીણભાઈ તોગડીયા ગાયબ ..? વિશ્વ હિંદુ પરિષદના અધ્યક્ષ ગાયબ એમ ?
એકવાર તો ગુગલ કરી લીધું કે દિલ્લીમાં કઈ આસમાની સુલાતાની થઇ અને રાજ બદલાઈ ગયું કે શું ?
પેહલા એવું થતું હો જયચંદ રાઠોડના જમાનામાં ..
આપણે તો વાંચ્યું છે ભઈ હો..ઈન્ટરવ્યુ નથી કર્યો..
પેહલા એવું થતું કે દિલ્લીમાં રાજ બદલાય ત્યારે છેક બે ત્રણ દિવસે ગર્દાબાદમાં ખબર પડે કે દિલ્લીના સુલતાન ને એના છોકરાએ પતાવી દીધા છે અને હવે આપણે નવા સુલતાનના રાજમાં આવી ગયા..!!
અને પછી જુના વફાદારો ગર્દાબાદમાં નવી સત્તાને કબુલે તો જીવતા રહે અને ના કબુલે તો ગાયબ..!! પણ ગર્દાબાદી “લોટાઓ” ને પૂરો ટાઈમ મળતો બધું આઘુપાછું અને સમજી લેવાનો કે આપણે કઈ બાજુ પડવાનું છે..!
કેવી કમબખ્તી છે નહિ પણ હિંદુ ઉપર..!!!
ઉપરથી નીચે છેકે છેક સુધી હિંદુ જ હિંદુ, અને તો ય મારો રામ લલ્લા ઝુંપડીમાં..!!
બોલો હવે તમે જ કહો કોને શું કેહવું ??
જય સરદારના નારા લાગવનારા ખરેખર એકાદ પણ સરદારના વંશજ હોત તો મારા સોમનાથની મહાદેવની જેમ રામ લલ્લા પણ સોના ના પારણે ઝુલતા થઇ ગયા હોત અને બનારસના પંડિતો અયોધ્યામાં બેઠા બેઠા રાગ જયજયવંતીમાં ગાતા હોત, રે.ગ..રે..સા નીસા ધની રે..પાલના ઘડ્લાવો..રે..એ ..!!
અને કાશી મથુરા અન્ડર કન્સ્ટ્રકશન હોત..!!
ભારતના સપના ના સૌદાગરો પોતાને યુગપુરુષ અને ભારતને વિશ્વ ગુરુ બનાવવા નીકળ્યા છે, અને એકબીજાને જયચંદ કહી રહ્યા છે..પણ ખરા અર્થમાં તો આ બધા તાલેબાની છે.. હું કહું એ તું કર નહિ તો હું મરું કે તને મારું..!!!
માઈન્ડ વેલ મૃત્યુ ફક્ત શરીરનું જ થાય છે એવું નથી આપણને હિંદુઓ એ એકબીજાને જીવતે જીવ મરવાના અને મારવાના ઘણા રસ્તા શોધેલા છે..
રેફરન્સ દ્રૌપદીના વસ્ત્રાહરણથી લઈને..ફિલ્મ શોલે “જબ તક તેરે પાંવ ચલેંગે બસંતી તબ તક ઇસકી સાંસ.” બિચારી બંસતી નાચે અને ગાય ..”હો જબ તક હૈ જાં જાને જહાં મૈ નાચુન્ગી..ઈ ઈ ઈ ઈ..“ અને ઓડીયન્સ સીટીઓ મારે..!!
ગુજરાતનું ઓડીયન્સ તો કાલ બપોરનું સીટીઓ મારતું થઇ ગયું હતું પણ દિલ્લીના ઓડીયન્સને છેક રાત પછી સીટીઓ મારવાની પરમીશન મળી..!!
આજે કોંગ્રેસ હિંદુ બની રહી છે અને ભાજપ સેક્યુલર..!!
આપણા જેવા અટવાય કે હે રામ આ શું ?
કેવા કેવા સપના હતા…!!
અખંડ ભારત..
સિંધુ અને બ્રહ્મપુત્ર માં ભારતી ની ભુજાઓ અને ભારતની સેનાઓ છેક ખૈબર ઉભી ઉભી તુર્કી સુધી દૂરબીન ઘુમાવતી હોય, આ છેડે લાહ્સાની બાજુમાં નવી કુબેરની અલકાપુરીનું નિર્માણ થતું હોય અને હિન્દમહાસાગરમાં દસ દસ વિમાનવાહક જહાજી બેડા ઘૂમતા હોય અને એની આણ જાવા કામરૂપ, સુમાત્રા, બાલી થઈ ને છેક ઉગતા સુરજના દેશ સુધી વર્તાતી હોય..!!
આ હા હા હા..
અને હકીકતે શું ? તો કહે પેલા વિક્રાંતના ટુકડા કરીને બજાજવાળાએ બાઈક બનાવી કાઢ્યા..!!
સાહીઠની એવરેજ આપે છે હો બહુ “સકસેસફૂલ” બાઈક છે..!!!!!
મારી હન્ગાથે ઉપર થી નીચે બધું ય નવા નવા લૂગડાં પે`રી પે`રી ને ફોટા પડાવી, અને ફેસબુક,ટ્વીટર અને ઈંસ્ટાગ્રામ પર મુકવામાંથી નવરું નથી પડતું, ને વળી ફોટામાં ય કેવું કોઈ મોઢા વાંકા કરે અને કોઈ આંખો થી ભાવ આપે..
અને કોઈ ને પાછુ એમ થાય કે હું રહી ગયો તે પછી ખેલ પાડી દયે..!
ઝેડ પ્લસ સિક્યુરીટીવાળા લોકો ગાયબ થાય તો મારા તમારા જેવા તો ગટર ભેગા થઈને સીધા પીરાણા સુએઝ ફાર્મ ટ્રીટ થઈને જાય ખંભાતના અખાતે.. રો રો ફેરીમાંથી નીકળતા બાથરૂમના પાણી ભેગા ભળવા…!!
આપડો તો ક્યાં ગજ વાગે..?
સો વાતની એક વાત,
એક તરફ હિંદુ સમાજને ભેગો રાખવો છે અને બીજી તરફ તમારી ઉભી કરેલી અને તમારી જ ભગીની સંસ્થા જેણે હિંદુ એકતા માટે અથાગ પરિશ્રમ કર્યો છે એના નવા કલેવર ધરવાના નામે જુના લોકો ને કાઢવા કારસા થાય એ બરાબર નહી..
આજે અમારા જેવા જનસાધારણ માટે વીએચપી એટલે પ્રવીણભાઈ તોગડીયા, અશોક સિંઘલ અને સાધ્વી ઋતંભરાજી.. એમાંથી અશોક સિંઘલજી તો રહ્યા નહિ..
નવું લોહી અને પાણી બંને શરીરના જીવવા માટે જરૂરી છે પણ જુનું હોય ત્યારે નવું બને અને જુનું તૂટે એ યોગ્ય છે ..
વીએચપીની પાસે રામ મંદિર થી લઈને બીજી ઘણી અપેક્ષા છે, ભાજપ એ સંપૂર્ણ રાજનૈતિક પક્ષ છે ક્યારેક સત્તા પર હશે પણ ખરો અને ક્યારેક નહિ પણ હોય, અને માટે જ વીએચપી જેવી સંસ્થાની જરૂરીયાત છે કે જે તમામ હિંદુને સંગઠિત રાખે અને હિંદુ સમાજનું જે તે સમયે જે કોઈ સરકાર હોય તેમાં પ્રતિનિધિત્વ કરે..
નબળી વીએચપી કે એના નબળા અધ્યક્ષ રામ મંદિરને હજી પણ એક સદી દુર લઇ જઈ શકે છે..
જો ખરેખર પ્રવીણભાઈ તોગડીયાને હૈયે રામ મંદિર હોય તો જરૂર છે વીએચપી દ્વારા એક વધુ કારસેવા ગોઠવી અને રામમંદિર ઉભું કરી દેવાની શરૂઆત કરી દેવી જોઈએ…અબ તો સૈયા ભયે કોતવાલ તો ડર કાહે કા..!
અંદર અંદર લડવું અને એકબીજાને જયચંદ અમીચંદ કેહવા એના કરતા ફરી એકવાર પોતાની જાતને ખપાવીને ઉદ્દેશ્ય ની પૂર્તિ થાય એ વધુ યોગ્ય છે..
બાકી તો નાટકો જેટલા કરવા હોય એટલા થાય..
રોક્કળ કરવી હોય એટલી થાય
એવું સાંભળ્યું હતું કે ગુજરાત ઈલેક્શન વખતે ગુજરાતી સટોડિયાઓ નરેન્દ્રભાઈ ગુજરાતમાં કેટલી વખત રડશે એની ઉપર પણ સટ્ટો લેતા હતા..
પ્રજા તો તમે રાજનેતાઓ અને લોક્નેતાઓ જે કઈ કરશો એમાંથી પોતાના આનંદ, એક્સાઈટમેન્ટ, અને રૂપિયા શોધી લેશે..
રાજનેતા અને લોકનેતા બંને ભેગા થઇ ને કામ કરે તો સોનામાં સુગંધ અને સામસામે કામ કરે તો પ્રજાને ભાગે બાવળિયા..
શુભ રાત્રી
શૈશવ વોરા