બકરી ઈદની કુરબાની માટે લખો..બહુ સંદેશા આવ્યા..
શું લખવું ..?
હું ચોક્કસ માનું છું કે હિંસા તો સૃષ્ટિના કણ-કણ અને ક્ષણ-ક્ષણમાં વસે છે..
અહિંસા એ બહુ મોટો દંભ છે અને જન્મ્યો ત્યારથી એ દંભને હું પોષી રહ્યો છું ,
કદાચ મરીશ ત્યાં સુધી પોષતો પણ રહીશ..!!
સખ્ખત દ્વંદ ચાલે છે વર્ષોથી મારા ભીતરમાં ..
જીવો જીવસ્ય જીવનમ કે પછી અહિંસા પરમો ધર્મ..
બંને ને જસ્ટીફાય કરવાની કોશિશ કરતો રહું છું ..
સફેદ ટપકીવાળા ડેન્ગ્યુંના મચ્છરને જીવતું નથી મુકતો ,અને ઈંડા થી દૂર ભાગું છું..!
મારા જીવનને જોખમ દેખાય ત્યાં હિંસા ઉપર ઉતરી આવું છુ,પણ જેવી સેફટી મળી કે અહિંસક થઇ જાઉં છું..!
દુનિયામાં દરેક વ્યક્તિ ને એ જે કઈ કરી રહ્યો છે એ જ વાત સાચી લાગે અને પોતાનો પોઈન્ટ સાચો છે એવું પુરવાર કરવાની ભરપુર કોશિશ કરી લ્યે છે અને હું એમાંથી બાકાત નથી..
બકરી ઈદની કુરબાની હોય કે કલકત્તાના કાળી મંદિરમાં વધેરાતો પાડો બંને માટે નો મારો બિલકુલ વિરોધ છે..
બલીપ્રથા મધ્યયુગ ની દેન છે જયારે સામસામે આવી અને યુધ્ધો લડાતા હતા ,
આજ ના સમયમાં બિલકુલ બિનજરૂરી છે આ પ્રથા, આવી કુરીતિ સદીઓથી આપણા બાપદાદાઓ એ મનુષ્યમાં રહેલી હિંસક વૃત્તિ નું શમન કરવા કરેલી બધ્ધી મેહનત ઉપર પાણી ફેરવી દે છે..
એક નાના બાળકની સામે કોઈ બલી અપાય છે ત્યારે એના મનમાં હિંસા પ્રત્યેની જે ઘૃણા હોવી જોઈએ એ બિલકુલ પેદા જ નથી થતી ..
હું બહુ જ નાનપણથી લોહીની ધારો જોતો જોતો મોટો થયો છું એ પણ મનુષ્યના લોહીની..
મમ્મી પપ્પા ડોકટર હોવાને લીધે એકસીડન્ટ કે બીજા કોઈપણ કેસમાં ઘાયલ કઈ કેટલાય લોકો એક ફૂટ લાંબા અને છ-છ ઇંચ ઊંડા ઘા લઈને લોહી નીતરતાં અમારે ઘેર ચોવીસ કલાકમાં ગમે તે સમયે આવી જતા ,
એ જમાનામાં આવો કોઈપણ બનાવ બને એટલે તરત જ વાડીલાલ લઇ જાવ એવું બોલાતું અથવા નજીકમાં ડોક્ટર હોય તો ત્યાં..
પેશન્ટ જો અમારું કાયમી હોય તો તરત જ મમ્મી ટાંકા લેવા માટે ઘરના ગેસ ઉપર બધું સ્ટરીલાઈઝ કરવા મુકે અને પપ્પા ઘા ને સાફ કરવાનો શરુ કરે..
મારા ભાગે પપ્પા ને આસિસ્ટ કરવાનું આવતું ..લગભગ ફાટી ગયેલા માથામાંથી લોહીની ધાર થતી હોય અને ક્યારેક એક થી વધારે ઘા હોય તો એકાદો ઘા નું બ્લીડીંગ રોકવા માટે હું જોરથી દબાવી પણ દેતો..
આવા સમયે ટોળું ભેગું થાય એ સ્વભાવિક છે..એમાં ઘણીવાર એવું થતું હોય કે ઘાયલની જોડે આવેલો લોહી જોઇને ચક્કર ખાઈને પડે અને એનું માથું ફૂટે ..એવા સમયે એક ની ભેગા બે ની ટ્રીટમેન્ટ કરવાની આવતી..!!
કેહવાનું તાત્પર્ય એટલું જ છે કે નાનપણથી નીતરતા લોહી જોઇ ને હું પોતે આજે ગમ્મે તેટલું અને ગમ્મે તેનું લોહી ઉડતું હોય તો મને કોઈ જ ફર્ક પડતો નથી..
પણ બીજો એક ફર્ક ચોક્કસ આવે..
હું જે નીતરતા લોહી જોઇને મોટો થયો છું એ લોહી ને શરીરમાંથી નીકળતું બંધ કરવાની અને એ પણ ઓછા માં ઓછા સમયમાં કરવાનું હતું..
પછી પાછળના ફોલોઅપ ના ડ્રેસિંગમાં એ વાગેલા ઘા ને રુઝાતો અને માણસ ને સાજો થતો જોવાનો અનેરો આંનદ પણ મળતો..
જયારે બલીપ્રથામાં એક સાજા-સમા જીવ ને કોઇપણ કારણ વિના ઘાયલ કરી અને એનું બધ્ધું લોહી નીતારી અને એને તરફડતા તરફડતા મરતા જોવા નો ક્રૂર આંનદ લેવામાં આવે છે..!!
કેટલો ફર્ક છે ..!!?
મને લોહીની બીક નથી,
પણ કોઈને મારી અને મને નીતરતા લોહી જોવાની ઈચ્છા પણ નથી થતી..!!
આજ ના જમાનામાં યુધ્ધો હવે આયુધોથી લડાતા થઇ ગયા છે, હવે દુશ્મનને સામી છાતીએ જઈને મારવાનો હરગીઝ નથી, દુશ્મન દેખાતો પણ ના હોય એવી જગ્યાએથી શોધી અને બંધુકની ગોળી, તોપ ના ગોળે કે પછી મિસાઈલથી જ મારી ને પતાવી દેવાનો હોય છે ત્યારે બલી આપી ને સામાન્ય જન સાધારણના મનમાં હિંસા ઘાલી ને શું કામ છે ?
અત્યારે તો યુદ્ધ લડવા જીગર પેદા કરવાનું છે..અમેરિકા એ અણુબોમ્બ ફેંક્યા લાખ્ખો માણસો માર્યા ગયા , લીટલ બોય ફેંકનાર ને ફેંકતી વખતે તો ગજબનું એકસાઈટમેન્ટ હતું કે હું બોમ્બ નાખીશ તો વિશ્વયુદ્ધ સમાપ્ત થઇ જશે ..પછી પાછળથી એની જિંદગી ઝેર થઇ ગઈ પણ એકવાર તો એણે એનું કામ પૂરું કર્યું..! જીગર દેખાડી દીધું..
બોમ્બે હાઈકોર્ટે હુકમ કરી દીધો કે ઘરમાં બકરા નહિ કપાય ,ઘર એ બુચડખાનું નથી..
બરાબર છે નામદાર કોર્ટ ..
કોઇપણ હિસાબે હિંસા કરવી જ છે તો પછી એના માટે નોટીફાઈ કરેલી જગ્યાએ જઈને કરો..
ગલીઓ અને મોહલ્લા ભરી મુકવાની જરૂર નથી..!
એક વોટ્સ એપ મેસેજ બહુ ફર્યો ..હોળીમાં પાણી નહિ ,ઉતરાયણમાં પક્ષી મરે, નવરાત્રીમાં ધ્વની પ્રદુષણ તો પછી આજ નું શું ?
બધા એનજીઓ અને પર્યાવરણવાદીઓ ના મોઢા બંધ રહ્યા..!
સરકારો પણ મૂંગી મન્તર થઇ ગઈ..જે છાપા મોટી મોટી ઝુંબેશ ચલાવે છે અને દુનિયાભરના ડહાપણ ઠોકે છે એમાં ખૂણેખાંચરે પણ કોઈ જ ઉલ્લેખ નહિ..!!
એક મિત્ર એ લખ્યું જે સમજદાર હોય એને બધા કહે ..
મારે નાછૂટકે કેહવું પડ્યું ભાઈ અણસમજુ ૧૮ કરોડ ભારતની પશ્ચિમે અને ૬ કરોડ પૂર્વમાં છે,
એમના બાપદાદા પણ તમારા જેવા સમજુ જ હતા..
અહિયાં રેફરન્સ એમ કે ગાંધી નો મુકું છું ..
અખંડ ભારતના મુસલમાન માટે એમણે કીધું છે “આજ નો મુસલમાન એ ગઈકાલ નો કાયર હિંદુ છે અને આજ નો કાયર હિંદુ એ આવતીકાલનો મુસલમાન છે”
તેહવારો ઉપર કાપ મુકવા છે અને પરંપરાઓ નો નાશ કરવો જ છે તો તમામ ધર્મો ની પરમ્પરાઓ નો નાશ કરો ..
એકલા હિંદુ ને સમજદાર છો ભાઈ તમે તો એમ કહીને છાપરે ચડાવી ને પરમ્પરા ને તોડો નહિ..
આ દેશ તેહવારો અને ઉત્સવો નો દેશ છે, સદીઓથી ઋતુ અનુસાર તેહવારો આપણા પૂર્વજો ગોઠવીને ગયા છે બંને મોટી નવરાત્રીના વાતાવરણ ખરેખર રાત્રે ઘરની બાહર નીકળીને માણવા જેવા હોય છે..
પ્રજ્ઞાચક્ષુ પંડિત સુખલાલજી કેહતા કે બુદ્ધ પૂર્ણિમા એટલે કે વૈશાખી પૂર્ણિમા ની રાત્રીનું વાતવરણ જ કઈ ઓર હોય છે ,તમે ફક્ત અનુભવી ને જ કહી શકો કે આજે વૈશાખી પૂર્ણિમા છે..!
લગભગ ભારત વર્ષના તમામ તેહવારો કોઈ ને કોઈ રીતે પ્રકૃતિ ,કુદરત સાથે જોડાયેલા છે ..
પણ અફસોસ એ છે કે જે લોકો ને ભારતની મૂળભૂત સંસ્કૃતિને તોડી નાખવી છે એ લોકો આજે મોટા બની ને બેઠા છે, સરકારો અને અદાલતો એમનું જ સાંભળે છે એટલે નાં જોઈતા પ્રતિબંધો હિંદુ તેહવારો ઉપર આવે છે..
હિંદુ બહુમતી ધરાવતી સ્કુલમાં ક્રિસમસના વેકેશન આપી ને કામ શું છે ?
શું એ પાંચ દિવસ હિંદુ છોકરું ચર્ચમાં જવાનું છે ?
અને એની સામે નવરાત્રીનું પાંચ દિવસનું વેકેશન આપો તો બે શનિરવિ એમ સાતઆઠ દિવસ કેવી મોજ કરે બાળકો અને જોડે એમના મમ્મી પપ્પા..!
પણ ના નવરાત્રીમાં ભણવાનું બગડે અને ક્રિસમસમાં નહિ..!
ક્રિસમસમાં તો માસ્તરો ઘેર ઘેર જઈને ભણાવી આવે છે ભાઈ..!
બહુ તકલીફ છે ,સમજુ લોકો ખરા ને ..
આ વધારે પડતા સમજુ લોકો ને કાયર તો ના કેહવાય નહિ ..?
ખાલી પૂછું છું હો ..
ખોટા ચડી ના વાગશો ..
ઋતત્કાલીન તેહવારો ને પ્રાધાન્ય આપી અને મૂળિયાં તરફ પાછા જવાની જરૂર છે , સામ્યવાદી ચીનમાં પણ ચાઇનીઝ નવું વર્ષ હોય ત્યારે વેકેશન આપવામાં આવે છે અને એ દિવસોમાં હરામ છે જો એકપણ ચીનો કામે ચડે..!
સંસ્કૃતિ ને જીવતી રાખવી હોય તો તેહવારોને બચાવવા જ રહ્યા ,તેહવારો બચશે તો જ રીતરીવાજ બચશે , રીતરીવાજ થી પરંપરા અને પરંપરા થી સંસ્કાર ..!!
બાકી તો૩૧મી રાત્રે દારૂબંધી હોવા છતાં પણ દારુની નદીઓ વેહશે અને એમાં બધુય ડૂબશે..!!
જય હો ..!!
નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ
શુભ રાત્રી
શૈશવ વોરા
*(ચેતવણી :- આ બ્લોગને પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે , જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)*