સુખ દુઃખ ના દોરડે બંધાયેલી જિંદગી ઝૂલા ઝૂલી રહી છે અને ઝૂલા ખવડાવી રહી છે..!!
ફક્ત અને ફક્ત સુખ ને ઝંખતું મન દુઃખ ને દૂર મારી હટાવવા સતત મથતું રહે છે..ને મનની જોડે શરીર પણ એ જ પ્રયત્નમાં લાગેલું રહે છે ,
ક્યાંથી કયું સુખ મળે..!!?
જિંદગીના ઝૂલાની એક કમબખ્તી છે કે તમારે સતત ઠેસ મારીને એને ચાલતો રાખવો પડે, જો સેહજ ધીમા પડ્યા કે ઢીલું મુક્યું એ ભેગો ઈસીજી સીધી લીટી નો થઇ જાય એટલે સતત ઠેસ મારીને ઝૂલો ઝૂલાવતું જ રેહવું પડે
ઝૂલી ને ઝુલાવવા એક હાથે સુખ નું અને બીજા હાથે દુઃખ નું દોરડું બેલેન્સ જાળવવા ઝાલવું જ પડે છે..!!
પણ કુદરતની કરામત કેવી છે ..??!!
સુખ નું દોરડું જેટલું જોરથી ઝાલાવા જઈએ એટલું ઝટ છૂટે ,ને દુઃખ નું દોરડું જેટલું છોડવા જઈએ એટલું ઝટ વળગે ..!!
એકાદ અઠવાડિયા પેહલા મારાથી ચારેક વર્ષ નાના એક મિત્ર ને સ્ટેન્ટ મુકવા નો આવ્યો, અચાનક બ્લડ પ્રેશર ફોલ થઇ ગયું પણ તાત્કાલિક સારવાર મળી ગઈ એટલે જીવન બચી ગયું..!!
હું પેહલા પણ કહી ગયો છું કે મિત્રોની બાબતમાં હું નસીબવાળો રહ્યો છું મારા જ્યાં પગ પડે છે ત્યાં મિત્રો હાથ મુકે છે, પણ નાલાયકો મને કાંટો નથી વાગવા દેતા..!!
એટલે આવું કૈક થાય ત્યારે મારું મન સતત વિચારે ચડે ..
સાલું આ તો જરાય જાડિયો નથી તો પણ આને કેમ આટલી જલ્દી સ્ટેન્ટ મુકવાનો વારો આવ્યો ? બિલકુલ સપ્રમાણ શરીર છે અને એક સામાન્ય કહી શકાય તેવી જિંદગી છતાંય સ્ટેન્ટ ..?
બહુ વિચાર્યું ત્યારે એક કારણ મળ્યું ..એના ઘેર પેલો ફૂડ ડીલીવરી વાળો લગભગ રોજ આવે, જીભ નો ચટાકો પુષ્કળ, અઠવાડીયામાં બે થી ત્રણ દિવસ કોઈને કોઈ ની સાથે બહાર જમવાનું હોય અને એ ના હોય તો બહારથી ઓર્ડર કરેલું આવે ,ઓફીસમાં પણ કઈ નું કઈ ચાલુ જ હોય ..
એટલે એ મિત્રના પત્ની ને હું જયારે મળું ત્યારે રીતસર ખખડાવું અલ્યા *ઝેર ખાવ પણ ઘેર ના ખાવ તમે એવું ને ..? કોઈક દાડો તો ઘરનું રાંધેલું ખાવ..!!* હવે મિત્ર છે અને એની જિંદગીમાં આટલી મોટી ઘટના ઘટે, લગભગ ઉપર અડી ને પાછો આવી ગયો એટલે શૈશવથી રેહ્વાય તો નહિ જ .. ખખડાવી નાખવા માટે તૈયાર જ બેઠો હોય ,અને કારણ તો મળી ચુક્યું હતું એક વારતેહવારે થતું વ્યસન અને બીજું ઝેર ખાવું પણ ઘેર નહિ.. અને ઘેર ખાવું તો બાહરથી ઝેર લાવી ને ઘેર ખાવું..!! આદત પ્રમાણે ઝાટકી તો નાખ્યો જ આઈસીયુમાં જઈ ને , હતું એટલું જ્ઞાન ઠાલવી નાખ્યું ..ત્રીજું પણ કોઈ કારણ ખરું ? ઈમાનદારીથી હું વિચારવા બેઠો કે યાર કેમ આવું થાય છે ? પિસ્તાલીસ થી પંચાવન ની વચ્ચે રહેલો લગભગ મારો દર બીજો મિત્ર કોઈ ને કોઈ બીમારીથી પીડાઈ રહ્યો છે, અત્યંત તણાવ પૂર્ણ કહી શકાય એવી જીંદગી જીવી રહ્યો છે અને આવા સમયે ફક્ત અને ફક્ત જીભ નો ચટાકો એને સંતોષ આપી રહ્યો છે..!! છતાંય સ્ટ્રેસ કેમ આટલો બધો ? શું અમારી પેઢીની જિંદગી પાસેથી અપેક્ષા વધી ગઈ છે ? કે પછી સાપેક્ષ જીવાતી જિંદગી પીડા આપી રહી છે ? નાની નાની વાત નો આનંદ લેવાનો જિંદગી ભૂલી ચુકી છે ? કે પછી એવો આનંદ રહ્યો જ નથી ? વધતા ખર્ચા અને જવાબદારીના બોજ પીડા આપી રહ્યા છે કે પછી અપેક્ષાઓ ? જીવનનો પિસ્તાલીસથી પંચાવનનો ગાળો એટલો ખતરનાક છે કે એક બાજુ પેલું ગીત કાન માં વાગે કાંટો ખીંચ કે એ આંચલ ..તોડ કે બંધન બાંધુ પાયલ હો હો હો .. અને બીજી બાજુ ઝીંદગી કૈસી એ પહેલી હાયે ..કભી તો હંસાયે ..!!! કઈ બાજુ જવું એ જ સમજાય નહિ ..!! સેહજ વાંકો વાળીને પાયલ બાંધવા જાય એ ભેગો કેડમાં કડાકો બોલે અને પગ સુધી હાથ જ ના પોહચે ..!! છતાંય ક્યાંક તો રસ્તો કાઢવો રહ્યો ને.. છે રસ્તો .. નાની નાની વાતો નો આનંદ લ્યો બસ ..!! પારકી પંચાત થાય એટલી કરો , નિંદા અને કુથલી નો પણ ઉપયોગ કરો ,બહુ વધારે પડતા પોઝીટીવ અને સારું સારું બોલવામાં ક્યારેક મન ઉપર ના જોઇતો ભાર આવતો હોય છે, અને પરિસ્થિતિ ગમ્મે તે હોય એકવાર એનો સ્વીકાર કરી અને પછી લડત માંડો .. જાત અનુભવ લખું છું આ ..!! ખોટા વૈષ્ણવ જન બની જવા નો પ્રેક્ટીકલ લાઈફ માં મતલબ નથી , નિંદા ન કરે કેની રે .. એ બધું આદર્શ લોકો માટે છે આપણે બિન્દાસ્ત કુથલી લઈને સાંજ નો સમીર આજ વનેવન ઘૂમ્યો ..પંચાતો , કુથલી ,નિંદા કરી જ લેવી .. કોઈ ના મળે તો રાજકારણીઓ ની કરવી ,પણ મનના ભાર કુથલી સોલ્લીડ હલકા કરી આપે..!! અને પછી નાની નાની વાત નો આનંદ લેવો .. આજે દિમાગ ખરાબ હતું કામ નો સ્ટ્રેસ પણ હતો, જીમમાં એકસરસાઈઝ કરતા પેહલા સખ્ખત ઊંઘ ચડતી હતી , મહાપરાણે એકસરસાઈઝ કરી પછી ચેન્જીંગ રૂમમાં ગયો, બધા પઠ્ઠા અડધા ઉઘાડા ફરતા હતા અને મને શું સળી સુઝી કે એક પઠ્ઠા ની ઉપર આ ઠંડીનું ડબલું ભરીને પાણી નાખ્યું પેલા એ સામું નાખ્યું .. રીતસરની હોળી રમ્યા પાણી ની સામસામે ,અને બુમાબુમ ..બધ્ધો સ્ટ્રેસ નીકળી ગયો .. જીમ મેનેજર છોકરો કહે શું કરો છો
કાકાઆ તમે ? કોઈ કહે કે તમે પચાસ વર્ષના છો ? આપણે તરત જ બાજુમાં ઉભેલા ને ખો આપી તને કહે છે લ્યા પચાસ નો છે તું શરમ રાખ થોડી આવું ના કરાય.. પછી આંખ મારી ને હસતા હસતા બાહર નીકળી ગયો.. સફાઈનું કામ વધારી મુક્યું હતું મેં..પણ બધા ટેણીયા ખુશ ,જોડે
કાકા` પણ ખુશ ,ખર્ચો કેટલો ? તો કહે કઈ જ નહિ..!
જીવવું જરૂરી છે સુખે કે દુ:ખે ..
તો પછી સુખે કેમ નહિ ?
અને ટેન્શન તો દેને કી ચીજ હૈ ભાઈ લોગ ,લેને કી થોડી ના હૈ..
ઇસ કી માં કા સાકીનાકા ..!!!
હેંડો ત્યારે ઉઠાડો મારા ભાભી ને અને કુટી ઘાલો કોઈની ચટણી , જો જો હો પણ તમારા સાસરિયા સિવાય ની કરજો બાકી તો કોઈની ચટણી કુટવા જતા તમારી કુટાઈ જશે ..
એ ભાઈ કોઈને વાગે કરે લોહી નું ટીપું હો ..આપણે તો અડી અડી ને છુટ્ટા !!!
શુભ રાત્રી
શૈશવ વોરા