હિમાળો લાલ થયો છે ૪૫ વર્ષ પછી ફરી એક વાર..!
કોણ રમી રહ્યું છે ? શું રમી રહ્યું છે ? અને એમાં આપણું પલડું કેટલું ભારે ?
આ ત્રણ સવાલ દરેકના મનમાં ફરી રહ્યા છે ,
પછી ની વાત એવી છે કે આપણે હવે ચીન દેશ ની વસ્તુ નહિ જોઈએ..!!
મોહનબાપા ક્યારના કહી ને ગયા હતા કે સ્વદેશી બનો, પણ કીધું કાઈ ને કર્યું કશું આંખનું કાજળ ગાલે ઘસ્યું ..!
ખાદી એકલી ઝાલી રાખી ને સિત્તેર વર્ષ સુધી સ્કુટરો અને ટેમ્પા માથે માર્યે રાખ્યા,
કોઈ જ ટેકનોલોજી અપગ્રેડેશન ને સંશોધન બાજુ વિચાર્યું જ નહિ , ભલું થાજો ડો.વિક્રમ સારાભાઈ નું અને ડો. હોમીભાભા નું કે રોકેટો અને અણુબોમ્બ સુધી પોહ્ચ્યા ..!
બાકી તો આજે પણ એવું જ બોલવું પડતે કે ઘાસનું તણખલું નથી ઉગતું એવી જમીન ગઈ તો શું ?
બીજા વિશ્વયુદ્ધ પછી સંસ્થાનવાદનું પતન થયું એવું બોલાય છે, પણ ખોટી વાત છે, સંસ્થાનવાદ એ રૂપ બદલ્યું અને આર્થિક રીતે દુનિયાને સકંજામાં લીધી..!
દુનિયાભરની સ્થાપિત સંસ્કૃતિઓ નો વિનાશ વેર્યો એ પછી બગદાદ ,મિસ્ર હોય કે ચાઇનીઝ..
ભારતીય સંસ્કૃતિ નો વિનાશ તો બહુ પેહલા ચૌદસો વર્ષ પેહલા વેરાઈ ચુક્યો હતો..!!
તમે અને હું ધોતિયા છોડી ચુક્યા છીએ અને યુનિવર્સીટીમાં ભણવા જઈએ છીએ..!
જે લોકો એ પોતે પોતાના હાથે જ પોતાની સંસ્કૃતિ નો નાશ કર્યો ત્યાં શાંતિ છવાઈ રહી અને જે લોકો સામા થયા ત્યાં રણભૂમિ નું સર્જન થયું..!!
પશ્ચિમ આજે પણ કઠપુતળી ના ખેલ કરી રહ્યું છે,
પણ અત્યારે ચીન નામ ની કઠપૂતળીમાં કોણ જાણે ક્યાંથી પ્રાણ આવ્યા છે અને આજે એ કઠપુતળી કીધું બહુ કરતી નથી..!
જો કે એ કઠપુતળી એ પોતે જ પોતાની સંસ્કૃતિ નો નાશ કર્યો એટલે એમાં પશ્ચિમે થોડો પ્રાણ રેહવા દીધો હતો ,ત્યારે સ્વાર્થ એટલો જ કે પ્રાણ હશે તો એના કામ એ કરશે..એની સુવાવડો આપણે કરવા ના જવું પડે..!!
ટ્રમ્પકાકા ઓસ્ટ્રેલીયા ને કાખમાં રાખી ને ચીન દેશ ને બરાબર દબાવી રહ્યા છે , અમેરિકા ના મોટ્ટા જહાજી બેડા પેસિફિક અને હિંદ મહાસાગરમાં ઝળુંબી રહ્યા છે, ઘડીકમાં જાપાન ના બારામાં લાંગરે તો ઘડીકમાં ફિલીપાઈન્સમાં લંગર નાખે..!
એક એક જહાજી બેડામાં સાહીઠ થી વધારે ફાઈટર પ્લેન લાગેલા છે અને એમની આજુબાજુ ફરતા સમુદ્રના પેટાળમાં ઉતરી ગયેલા સબમરીનો અલગ..!!
સામી તરફે ચીન દેશ પણ સામે ઘેરા ઘાલે છે, આર્થિક અને સૈન્ય ..!
ઉત્તર કોરિયા માટે લાલ લાલ જાજમ બિછાવે અને ઉત્તર કોરિયા મિસાઈલ ઉડાડે એ આખું જાપાન ક્રોસ કરી ને દરિયામાં પડે ..! બિલકુલ ઉત્તર કોરિયાના ખભે મૂકી ને પશ્ચિમની સામે રમે..!
આવું કૈક મિસાઈલ ઉડે એટલે જાપાન, દક્ષીણ કોરિયા ,તાઈવાનથી લઈને છેક સીલીકોન વેલી સુધી પેટમાં તેલ રેડાય..!!
આ બધી રમતોમાં આખા ય ભારતીય ઉપમહાદ્વીપ તો પોતાની વસ્તી વધારવા ઉપર જ ધ્યાન કેન્દ્રિત કરી ને બેઠો છે..!
દુનિયાના બે મોટ્ટા શેઠિયા લડતા હોય તો ભિખારી
ઓ એ કોણ કેટલા વધારે રૂપિયા ઉડાડે એમાં જ રસ હોય..!
ભારતીય ઉપમહાદ્વીપ ના નાના નાના દેશોની દુ:ખતી રગ રૂપિયા છે એ દુનિયા આખી ને ખબર છે..!
વટ ના કટકા હવે ભારતીય ઉપમહાદ્વીપમાં બહુ બચ્યા નથી..!
છેલ્લા ઘણા સમયથી આપણે અમેરિકા તરફી મોરો ઘુમાવેલો છે અને બધુય ભૂલી ને આપણે આગળ જવું છે , મુંબઈ ને શાંઘાઈ અને ગીફ્ટ સીટી ને “વ્યસન વિના”નું લોસ એન્જલીસ બનાવવું છે..!
આપણી વાતો બહુ જ આદર્શ હોય છે, એટલે દુનિયાને સાંભળવી ગમે, વાત બધા સાંભળી પણ લ્યે પણ પછી દક્ષિણા જ મળે વધારે કઈ કોઈ ખટવે નહિ..!!
ક્યારેક બુલેટ ટ્રેઈન જેવો મેગા પ્રોજેક્ટ મળે તો એ આંતરિક રાજકારણ એને સમય મર્યાદામાંથી (ટાઈમ લાઈન ) બાહર કાઢી ને મૂકી દે એટલે આખા પ્રોજેક્ટ નો મૂળ હેતુ માર્યો જાય..!!
૨૦૧૪ પછીના સ્થિર શાસને બુલેટ ટ્રેઈન જેવા પ્રોજેક્ટ ને આગળ વધારી શકાશે એવી આશા જગાડી કે અને આપણે કટોરો લઈને આપણે ફરવું નહિ પડે, અને લગભગ એ પ્રક્રિયા બંધ છે , યાદ કરજો એક જમાનામાં રોજિંદુ ગાડું ગબડાવવા સોનું ગીરવે મુક્યું હતું અને આજે ફોરેન રીઝર્વ હાઈએસ્ટ છે આપણી પાસે..! સારા અને મોટ્ટા પ્રોજેક્ટ્સ માટે લોનો લેવી અને જુનું દેવું ચુકવવા લોન લેવી એમાં બહુ ફર્ક છે..!!
આજે ભારતીય ઉપમહાદ્વીપના આપણા પડોશીઓ દેવું ચૂકતે કરવા લોનો લ્યે છે..! આપણી આજુબાજુમાં રહેલા નાના નાના “ભિક્ષુકો” ની નીતિ રીતી ચીન દેશને સમજવા માટે કઈ બહુ બુદ્ધિ વાપરવાની જરૂર નથી પડી , રૂપિયા ફેંકે એટલે “મુજરો” ચાલુ અને ભારત ને કનડે..!!
ભૂતકાળમાં જઈએ તો લોર્ડ માઉન્ટ બેટન જો ઈચ્છતા તો કશ્મીર ને સુલટાવી ને જઈ શકતા હતા પણ એમણે તાપણું
ચાલુ રાખ્યું જેના પ્રતાપે ભારત પાકિસ્તાન બંને બરબાદ થયા..!
છેલ્લા બે દિવસથી ચીન દેશ સામે નો રોષ આપણા દેશમાં ચરમસીમાએ છે, બહિષ્કાર ની બુમો સંભળાય છે પણ હવે બુમો સાંભળી ને કાન પાકી ગયા છે,ખરો બહિષ્કાર થતો બહુ ઓછો દેખાય રહ્યો છે..!
પ્રજા જાત્તે જ સમજી ને પોતાની જરૂરિયાત ને.. ,કદાચ જરૂરીયાત શબ્દ ખોટો છે .. પોતાની સગવડ ને ઓછી નહિ કરે ત્યાં સુધી બધું નક્કામું છે..!
ફરી એકવાર ઈતિહાસ જોઈએ તો એકલા બહિષ્કારથી પણ કામ નહિ ચાલે ,આવિષ્કાર પણ જોઇશે..!
વોટ્સ એપ યુનિવર્સીટીમાં એક કલીપ આવી હતી એ એવું બોલતી હતી કે બાબરની સામે આપણે નોહતા હાર્યા પણ બાબરની તોપો જીતી ગઈ હતી..!
શસ્ત્ર એ બહુ મોટું સાધન છે સ્વમાન જાળવી ને શાંતિ મેળવવા માટે નું ..!!
નવા શસ્ત્રોના આવિષ્કાર કરવા રહ્યા, થોડાક મિસાઈલ્સ આપણે પણ ઉડાડવા રહ્યા અને દુનિયા ને તાકાત નો પરચો આપવો તો રહ્યો..!
ઇન્ટરકોન્ટીનેન્ટલ બેલેસ્ટિક મિસાઈલ્સના પરીક્ષણ વધારવા રહ્યા બાકી તો સરકાર મજબૂતીથી જવાબ આપી રહી છે..!
જો દરેક વ્યક્તિ પોતાના ફિલ્ડમાં ક્યાંથી કઈ વસ્તુ ઈમ્પોર્ટ થઇ રહી છે એ શોધે,
હા શોધવું પડે તેમ છે કેમકે આપણ ને લાગે કે આપણે તો કશું જ ઈમ્પોર્ટેડ નથી વાપરતા એવું માની લઇ એ છીએ ,પણ એવું નથી સીધી નહિ તો પરોક્ષ રીતે કૈક તો ઈમ્પોર્ટ કરેલા વાપરીએ જ છીએ,
એ ઓછું અને બને તો બંધ નહિ થાય ત્યાં સુધી બધું ખોટું છે..!
ઈમ્પોર્ટ ઘટાડવાના બે જ રસ્તા છે એક જરૂરિયાત ઘટાડો અને બીજી જેની જરૂર છે એ ઘરમાં બનાવો..!
બીજો રસ્તો વધારે યોગ્ય છે..!
આવિષ્કાર તલવાર છે અને બહિષ્કાર ઢાલ..!!
તલવાર એવી ચમચમાતી કરી મુકો કે ઢાલ ને આગળ લાવવાની જરૂર જ ના પડે..!
યુદ્ધ તલવાર જીતી આપે ઢાલ ફક્ત બચાવ કરે..!!
આક્રમકતા હવે જરૂરી છે..!
અશ્રુભરી શ્રદ્ધાંજલિ વીરો ને..!!
એક ને દસ કો મારા..!!
જય હિન્દ ..જય હિન્દ કી સેના ..!
શૈશવ વોરા
(ચેતવણી :- આ બ્લોગને પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે , જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)