ગઈકાલે પશ્ચિમના છાપાઓ એ બહુ લખ્યું..
લ` બ્રોમાન્સ…!!
પેહલા તો લ` એટલું લખેલું આવે એટલે મારા જેવા કેમેસ્ટ્રીવાળાને લ`શેટેલીયર યાદ આવે..
ફ્રાંસના આ લ`શેટેલીયર ભાઈએ મારું બહુ લોહી પીધું છે ભૂતકાળમાં..
લ`શેટેલીયર નો સિધ્ધાંત પેહલા તો મારા એક જંગલી માસ્તર મને રટ્ટો મરાવતા, અને જંગલી માસ્તરની સામે આપણે ડબલ જંગલિયત દેખાડી અને લડી લેતા, પણ પછી એક આપડા ફેવરીટ મેડમે લ`શેટેલીયર પ્રેમથી સમજાવ્યો..
બેટા શૈશવ, કશું નથી આમાં ..ઇકવીલીબ્રીયમની વાર્તા છે..
કોઈપણ સીસ્ટમ (સીસ્ટમનું ગુજરાતી “પ્રણાલી” થાય) ને વધારે પડતા સમય માટે ફેરવવામાં આવે એટલે કે તાપમાન, કોન્સ્ન્ટ્રેશન(સાન્દ્રણ) , વોલ્યુમ(કદ) કે પ્રેશર તો જે તે પ્રણાલી તેનું જુનું ઇકવીલીબ્રીયમ છોડી અને નવું ઇકવીલીબ્રીયમ પેદા કરે છે..
પછી બે- ચાર એકઝામ્પલ આપ્યા,અને આખો લ`શેટેલીયર ક્લીયર થઇ ગયો..!!
આજકાલ આ “બ્રોમાન્સ” શબ્દ પણ બહુ ચાલ્યો છે,અને એમાં કાલે અમેરિકન પ્રમુખ અંકલ સામ અને ફ્રેંચ પ્રમુખ મેક્રોન વચ્ચે કૈક જોરદાર સેટિંગ પકડાઈ ગયું અને પશ્ચિમના મીડિયા એ બંને પ્રમુખોના બ્રોમાન્સની આગળ લ` શબ્દ ઘાલી દીધો..અને થયું લ` બ્રોમાન્સ..
ફરી પાછું ફ્રેંચ આવે એટલે આપણે તો પત્નીજી શરણં ગચ્છામી..કર્યા સિવાય છૂટકો જ નથી..!!
એમને ફ્રેંચમાં ફૂટર ફૂટર બોલી અને લમણા લેતા સારા ફાવે, આપણે રહ્યા દેશી માણસ મગન માધ્યમવાળા..
આપણે પત્નીજીને પૂછ્યું કે આ લ` બ્રોમાન્સ શું છે ?
પત્નીજી ના જણાવ્યા અનુસાર લ` શબ્દનો મતલબ અંગ્રેજીમાં જેમ આપણે ધ આગળ લગાડીએ એમ જ થાય અને બાકી “બ્રોમાન્સ” એટલે મારે તને એનો મતલબ શીખવાડવો પડે..?
ખેંચીને મેહણારૂપી એક ઝાપટ આવી કોઈ કારણ વિનાની..!!
ખબર નહિ પણ લગન થઇ ગયા પછી થોડાક જ સમયમાં આ બૈરાઓને (“બૈરી” ના બદલે “બૈરા” શબ્દ વાપર્યો છે, એ માનાર્થે બહુવચન છે,માટે ખોટું અર્થઘટન કરવું નહિ) આપણા મિત્રો કેમ “આંખના કણા”ની જેમ ખટકતા હોય છે ????
લ` બ્રોમાન્સ એટલે પત્નીજીના “આંખના કણા” ની જોડે આપણો જે સબંધ હોય એ, અને પત્નીજીના “આંખ ના કણા” ની સાથે આપણે લગ્ન પેહલા અને પછી પણ જે કોઈ પ્રવૃત્તિ કરતા હોઈએ એ પ્રવૃત્તિને લ` બ્રોમાન્સ કેહવાય…!!
અમે મિત્રોની બાબતે થોડા નહિ, ઘણા “રીચ” છીએ અને બ્રોમાન્સ અમે ભરપુર કર્યો છે અને હજી પણ જીમમાં કે સંગીતના મિત્રો કે પછી બીજા બધા મિત્રો જોડે બ્રોમાન્સ ચાલુ જ છે..
હું માનું છું કે બ્રોમાન્સ એટલે પેલો વોટ્સ એપ પર ફરેલો જોક ..
કોઇપણ એક મિત્ર રસ્તે જતો હોય અને બીજો ના દેખાય ત્યારે ત્રીજો જણ હમેશા પૂછે કે અલ્યા તારો પેલો બીજો ક્યાં ગયો..
બસ “આવા સબંધ” જેની સાથે થાય એને બ્રોમાન્સ કેહવાય..
મારો એક એક્સ્પીરીયન્સ શેર કરું છું..
લગભગ સાલ ૨૦૦૫ ની આજુબાજુનો સમય..
ભારતવર્ષમાંથી અમારી ઇન્ડસ્ટ્રીઝનું પેહલું ડેલીગેશન ચીન દેશે શાંઘાઈ જવા રવાના થયું..લગભગ ચાલીસેક જણનું ડેલીગેશન, આપણી પેહલી ચીન દેશની યાત્રા..
ટ્રાવેલ એજન્ટે બેવકુફે અમદાવાદ,બોમ્બે,દિલ્લી અને શાંઘાઈની ટીકીટ કરી..એટલે આપણે અમદાવાદથી બેઠા સાઉથ નું ધાડું મુંબઈથી એરક્રાફ્ટમાં ભરાયું, પછી નોર્થ નું ધાડ્યું બધું દિલ્લીથી..
હું એ બધામાં શોધું કે યાર આપડા જેટલું કોઈ જ નથી, બધા ડોસાડગરા જ છે..
ભરાયો શૈશવ બાકી તું..ભરાયો , દસ-દસ દિવસ તારે આ કાકાઓ જોડે કાઢવાના આવ્યા..
રાતના આઠેક વાગે શાંઘાઈ ઉતર્યા..બે બસ ભરાઇ અને અમારું રાવણું બસોમાં ગોઠવાયું..
હોટેલ પોહ્ચ્યા, દેશી જમણ જમ્યા સાડા નવ જેવું થયું..મનમાં શાંઘાઈની ઠંડી માઈનસ છ ડીગ્રીની હવા ભરાઈ હતી, અને જીવડો હોટેલની બહાર શાંઘાઈ રખડવા ઉંચો નીચો થઇ રહ્યો હતો..
પણ બધા જ “કાકાઓ” થાકીને ઠૂસ થઇ ગયા હતા..ત્યાં એક ચેહરો દેખાયો મારાંથી પાંચ સાત વર્ષ નાનો છવ્વીસએક વર્ષનો..
સાલો મને દુરથી આંખનો ઈશારો કરે..અને નજીક બોલાવે..
હું ધીમેકથી એ ટેણીયા પાસે ગયો..
“ટેણીયો” આંખો નચાવીને બોલ્યો ઇન સબ બુઢ્ઢો કે સાથ રાત “ખરાબ” કરેગા ? મેં પૂછ્યું મતલબ ?
રાત કો બહાર ઘુમેગા ? શાંઘાઈ હૈ..યે..!!
આપણને તો જે શોધતા હતા એ જ મળ્યું..મેં માથું ધુણાવ્યું..અને હા પાડી..
પેલો મને કહે ધીરે સે ચુપચાપ નીકલ નીચે મેઈન ગેટ કે બાહર લેફ્ટ મેં ખડા રહે કિસી બુધ્ઢે કો બતાના મત..વરના પીછે પડેગા..!!
હું ચુપચાપ બધા કાકાઓની વચ્ચેથી સરક્યો..
નીચે હોટેલની બહાર ઉભો રહ્યો..પેલો દોસ્ત આવી ગયો, હાથ કરીને ટેક્ષી ઉભી રાખી અમે બંને ઘુસી ગયા અંદર મેં પૂછ્યું કહાં જાના હૈ..એન્જોય કરને, દારુ પીતા હૈ ? આપડે ડોકી ધુણાવી ના પાડી.. લડકી ? મેં કીધું ભાઈ શાદીશુદા હું યાર..ટેણીયો બોલ્યો ડોન્ટ વરી મૈ ભઈ કમિટેડ હું .. અચ્છા સુન ડિસ્ક મેં જાયેંગે ઉસમેં કવર ચાર્જ પે કરની પડેગી, ઉસમેં દારુ ફ્રી હોતી હૈ તું લે લેના મૈ પી લુંગા..
આખી રાત શાંઘાઈના જુદા જુદા ડિસ્કમાં રખડ્યા..ત્રણ વાગ્યે હોટેલ પર આવ્યા બધાને સિંગલ રૂમ એલોટ થયેલી હતી,હજી દસ મિનીટ થઇ નહિ અને ત્યાં મારા રૂમની બેલ વાગી ..યાર મેરી રૂમ કા હીટર નહિ ચલ રહા હૈ..બહાર માઈનસ આઠ ડીગ્રી મેં કીધું આવી જા, સાલો મારા ગોદડામાં ભરાયો..
બીજા દિવસે સવારે સાત વાગ્યે ઉઠી અને દોડીને ધંધે લાગ્યા.. ફરી વાર રાત્રે રખડવા નીકળ્યા ..
બહુ બધી વાતો કરી અને મજા કરી, એ જ ટાઈમે મોડી રાત્રે પાછા આવ્યા..
એ રાત્રે એનું હીટર ચાલુ થયું હતું તો પણ મારા રૂમની બેલ વાગી..મેં કીધું આવી જા..
તો કહે નાં યાર..હીટર તો ચાલુ હૈ લેકિન યારા તેરા નામ તો બતા..!!
બે રાત રખડ્યા પછી..!! ??
મેં કીધું શૈશવ ઔર તું..? રિષભ (કાલ્પનિક નામ)..
હસતા હસતા અમે ફોયરમાં ભેટી પડ્યા..
ત્રીજા દિવસે અમે સિંગલ રૂમ ખાલી કરી અને ડબલ રૂમ લઇ લીધી,અને જો તેરા હૈ વો મેરા હૈ.. બાત ખતમ..હાથમાં હાથ નાખીને જાણે સદીઓથી એકબીજાને ઓળખાતા હોઈએ એમ નવ નવ રાત અને દિવસ શાંઘાઈ આખું ભટક્યા..
બધા કાકાઓ અમને હસબંડ વાઈફ તરીકે જ ઓળખતા થઇ ગયા..
એને ટાઈ બાંધતા ના આવડે, અને હું ઇનશર્ટ પ્રોપરના કરું..હું નોનવેજ નાં ખાઉં એટલે જ્યાં વેજ મળે ત્યાંથી શોધી શોધીને એ મારા માટે લેતો આવે..હું રાત પડ્યે એની ચોઈસના ડ્રીન્કસ બાર ટેન્ડર પાસે બનાવડાવીને લાવું અને એને પીવડાવું..રિષભ મારા માટે જ્યુસ અને પાણી શોધે..
બે દિવસમાં તો અમને બંને ને અમારા લાઈકીંગ ડીસલાઈકીંગ અમને ખબર પડી ગઈ..
મારી દીકરીઓના ફોટા જોઈ ને એમના માટે રિષભ શોપિંગ કરતો થઇ ગયો અને હું એની ગર્લફ્રેન્ડ માટે..
શાંઘાઈથી દિલ્લીની ફ્લાઈટ રિષભ મારા ખોળામાં માથું નાખીને અડધો જાગતો ઊંઘતો પડ્યો રહ્યો..
દિલ્લી આવ્યું એને ઉતરવું નોહતું પણ..
આજે પણ આટલા વર્ષે અમે બંને કુટુંબ સાથે બહાર જઈએ ત્યારે હાથમાં હાથ નાખી અને અમે ફરીએ છીએ ત્યારે અમારી પત્નીઓ થોડી ઈર્ષ્યા કરે છે..અને મારી દીકરીઓ પૂછે છે ડેડ આ રિષભ અંકલ આટલું બધું કેમ બોલે છે અને એની પત્ની કહે છે ભૈયા પતા નહિ લેકિન યે આપકે સામને હી ઇતના બોલતા હૈ વરના મેરે સામને તો કભી ઇતના નહિ બોલા..!
બ્રોમાન્સ હતો એ..ચીનીઓ અને ચીનાઓની જોડે વાતો કરવાની, સમજવાની ઈશારાની ભાષા ,નવી નવી ટેકનોલોજી અને નવા નવા માણસો .. હુ “ભારતીય સંસ્કૃતિ” ત્યાં આંબો અને લીમડો શોધું અને એ ત્યાં યુરોપિયન બ્રાંડના કપડા..એક આખો દિવસ અમે લગભગ ભિખારી શોધ્યો.. સાલું આખા શાંઘાઈમાં ભિખારી ના મળે ..? એવું તો કેવું ? મળ્યો એક મોડી રાત્રે સબ વે માં..પછી એક દિવસ કુતરા શોધ્યા, પણ નાં જ મળ્યા..અને પછી ખબર પડી કે એ તો મારા બેટા ચીનાઓ મારીને ખાઈ ગ્યા..
એ આખો દિવસ રિષભ ને ઉબકા ચડ્યા ..અને હું હસુ લે..ખા..ઔર..ખા..નોન-વેજ..!!
અને પેલો ગાળો કાઢતો જાય ઇન ચીન્કો પે હૈ ના કભી ભરોસા નહિ કરના ચાહિયે.. સાલે પેદાઈશી હરામી હોતે હૈ.. ઓરીજીનલ દિલ્લી ની ગાળો બોલે..
મને લાગે છે કે જીંદગીમાં જેટલો રોમાંસ જરૂરી છે એટલો જ બ્રોમાન્સ જરૂરી છે..
રોમાન્સ સ્યુગર છે તો બ્રોમાન્સ ઇન્સ્યુલીન..
એકલા રોમાન્સથી તો ડાયાબિટીક થઇ જવાય..
બેલેન્સ ..બેલેન્સ ..
બ્રો અને બેબી વચ્ચે..ફ્રાઈડે નાઈટ ..
ટ્રમ્પકાકા મલાનીયાભાભીની નજર સામે જો ઈમાન્યુલ મેક્રોન જોડે બ્રોમાન્સ કરતા હોય તો આપણે કેમ નહિ હેં બકા ?
જી`ગો છે ને તમારે બકા”લાલા” ?
કે પછી ભાભીએ એમના “આંખના કણા” નું કાસળ…
આપનો દિવસ શુભ રહે
શૈશવ વોરા